પ્યાર કિયા તો ડરના ક્યા

Published: Dec 04, 2014, 05:31 IST

ફિલ્મ મુગલ-એ-આઝમમાં મધુબાલા પર ફિલ્માવાયેલા આ ગીતે સેંકડો પ્રેમીઓની હિંમત ભલે વધારી મૂકી, પણ વાસ્તવમાં પ્યાર થાય ત્યારે માણસ નર્ભિીક બની જાય છે એવું તાજેતરમાં સાયન્ટિસ્ટોએ શોધી કાઢ્યું છે


સ્પેશ્યલ સ્ટોરી-પલ્લવી આચાર્ય

મોઢા પરથી માખ ન ઉડાડી શકે એવા લોકો પણ પ્યારમાં પડીને અજબ હિંમત કરી શક્યા હોય એવા અનેક કિસ્સા સમાજમાં જોવા મળે છે ત્યારે સ્વાભાવિકપણે આપણને આર્ય થાય કે આ છોકરા કે આ છોકરીએ આવી હિંમત કરી! આપણા આ આર્યનો જવાબ વિજ્ઞાને શોધ્યો છે. બોન હૉસ્પિટલ યુનિવર્સિટીના રિસર્ચરોએ શોધી કાઢ્યું છે કે માણસને પ્યાર થાય ત્યારે ઓક્સિટોસિન નામનો જે હૉર્મોન પેદા થાય છે એ ડર, ભય કે ભીતિ જેને કહેવાય છે એ ફીલિંગ્સને અટકાવે છે એટલું જ નહીં, બ્રેઇનના ફિયર સેન્ટરનો પ્રભાવ બિલકુલ ઓછો કરી દે છે. આ કારણસર જ પ્રેમીઓની હિંમત બહુ વધી જતી જોવા મળે છે. સાયન્ટિસ્ટની ટીમે જુદી-જુદી ટેસ્ટથી આ તારણ મેળવ્યું છે ત્યારે આ લવસ્ટોરીમાં  આ કપલ્સે કેવી હિંમત બતાવી છે એ જોઈએ.

લોહીથી લખ્યું, ધમકીઓ મળી વગેરે

મુલુંડ (વેસ્ટ)માં રહેતા બિઝનેસમૅન મનોજ શેઠ અને તેમની વાઇફ કોસ્મેટોલૉજિસ્ટ ભાવના શેઠની લવસ્ટોરી જબરદસ્ત ડેરિંગબાજ છે. મુલુંડમાં પોતાના એરિયામાં રહેતી  ભાવનાને પહેલી વાર જોતાં જ ૨૦ વર્ષના મનોજને ગમી ગઈ. ભાવના ત્યારે ૧૭ વર્ષની હતી અને ટેન્થમાં ભણતી હતી. ભાવનાની છાપ થોડી ખડૂસની હોવાથી મનોજના મિત્રોએ તેને સ્પષ્ટ કહ્યું હતું કે લાફો ખાવાની તૈયારી હોય તો જ તેની સાથે વાત કરજે. મનોજે પ્રયત્નો ચાલુ રાખ્યા. એક સાંજે અંધારી ગલીમાં તેણે ભાવનાને એક કાર્ડ પકડાવ્યું એવી રિક્વેસ્ટ સાથે કે એક વાર વાંચજે. પછી ન ગમે તો ફાડીને ફેંકી દેજે. આ કાર્ડ આજે પણ ભાવના પાસે છે. તે પછી શરૂ થઈ મનોજની ફીલ્ડિંગ. ભાવનાના ઘરની સામે રોજ તે એક કલાક ઊભો રહેતો અને જેની પણ સાઇકલ હાથમાં આવે એની ઘંટડી વગાડતો એ વાત કરતાં કન્ઝ્યુમર આઇટમ્સની એજન્સી ધરાવતા મનોજ શેઠ કહે છે, ‘એટલી જોર-જોરથી સાઇકલની ઘંટડી વગાડતો હતો કે કેટલાય લોકોની સાઇકલની ઘંટડીઓ તૂટી ગઈ હતી. ભાવના બાલ્કનીમાં ન આવે ત્યાં સુધી એ ઘંટડી વગાડતો રહેતો.’ આ સુહાની સફરમાં જોડાતાં ભાવના કહે છે, ‘કલાકોના કલાકો તે મારા ઘર સામે ઊભો રહેતો એટલું જ નહીં, એક વાર મને ઘરમાંથી જલદી આવવા ન મળ્યું તો તે ચાર કલાક સુધી સ્ટેશન પર રાહ જોતો રહ્યો હતો.’


હનુમાનજીએ રામ ભગવાનના પ્યારને બતાવવા પોતાની છાતી ચીરી નાખી હતી એમ મનોજે ભાવનાને પોતાનો પ્યાર બતાવવા હથેળી ચીરીને આખું ફુલસ્કેપ પેપર ભરીને લોહીથી આઇ લવ યુ લખીને આપ્યું હતું. ભાવનાએ કન્ફર્મ કરવા આ વિશે તેના ફ્રેન્ડ્સને પૂછયું તો ખબર પડી કે હથેળી પર બ્લેડ મારી તેણે લોહીની ધારા વહેવડાવી હતી. મનોજભાઈ કહે છે, ‘પ્રેમ માટે હું કંઈ પણ કરી શકું છું. ૨૦ વર્ષ પછી હમણાં પણ થોડી રકઝક થઈ હતી તો મેં હથેળી ચીરીને ફરી તેને આઇ લવ યુ લખ્યું!’ શરૂઆતના સમયમાં ભાવનાની ફીલિંગ્સ જાણવા માટે ભાવના જે ટેલરને ત્યાં કપડાં સીવડાવતી હતી એના ચેન્જિંગ રૂમની દીવાલો પર મનોજે ચારે બાજુ ચિઠ્ઠીઓ લખીને ચીપકાવી કે તારી શું મરજી છે, તારો શું જવાબ છે? તારી શું ઇચ્છા છે? તું મને ચાહે છે?

પછી ચાલુ થઈ ખોટું બોલીને, ક્લાસ બન્ક કરીને ફરવાની દાસ્તાન. પણ આ બહુ લાંબું ન ટક્યું. હોટેલમાં બેઠેલાં તેમને ભાવનાના સગા જોઈ ગયા ને વાત મમ્મી પાસે પહોંચી ગઈ. એથી રિસ્ટ્રિક્શન વધી ગયાં. એના થોડા દિવસ પછી બાબુલનાથ મંદિરમાં સાથે દર્શન કરતાં તેમને ભાવનાની કઝિન જોઈ ગઈ એટલું જ નહીં, તેણે તો ભાવનાને લાફો ઝીંકીને આ છોકરાને ભૂલી જવા કહ્યું. આ બધું સાંભળી ભાવનાનાં  મમ્મી ડિપ્રેશનમાં આવી ગયાં. આ વસ્તુ અટકાવવાના સિલસિલામાં જ ભાવનાને તેના પેરન્ટે ટ્વેલ્થની એક્ઝામ હોવા છતાં ન આપવા દીધી ને તેને બૅન્ગલોર રહેતાં ફોઈને ત્યાં મોકલાવી દીધી. આ માટેનો આશય એ હતો કે ત્યાં કોઈ સારો છોકરો શોધીને પરણાવી દેવી. બીજી  બાજુ મનોજને ભાવનાના પરિવારે બોલાવીને ધમકી આપી કે અમારા રોડ પર પણ દેખાતો નહીં. લોહાણા છીએ, હાલત ખરાબ થઈ જશે. આ સમયે સામે પોલીસ એક છોકરાને આવા કારણસર મારીને ખોખરો કરી રહી હતી. મનોજ કહે છે, ‘આ લોકોએ ધમકી આપી એ વખતે પોલીસો પેલાને જે મારતા હતા એ જોઈ હું થોડો ડરી ગયો હતો. મારી પાસે તેના ફોટો વગેરે કંઈ હોય તો ભાવનાના પરિવારને પાછા લેવા હતા. ભાવનાને બૅન્ગલોર મોકલી પછી તે ક્યારે પાછી આવશે એની ખબર નહોતી તેથી હું રુઇયા કૉલેજથી મારું BSCનું ભણવાનું છોડી બૅન્ગલોર જવા તૈયાર થઈ ગયો હતો. જોકે તે આવી ગઈ. મને આશા હતી કે તે આવશે, પણ મનમાં એવી બીક હતી કે તેને આ લોકો બીજે પરણાવી દેશે.’ ભાવના બૅન્ગલોર હતી એ બધા દિવસ મનોજે એક જ શર્ટ પહેરી રાખ્યું, કારણકે આ શર્ટ પર તેણે B M અક્ષરો લખી એમ્બ્રોઇડરી  કરાવી હતી.

ભાવનાએ ધીમે-ધીમે તેની મમ્મીને કન્વિન્સ કરવા માંડી. પ્રેમીઓ ટસનાં મસ ન થયાં એટલે સમય જતાં પેરન્ટે ઝૂકવું પડ્યું. લોહાણા ભાવનાએ જૈન મનોજને પરણીને કાંદા- લસણ ખાવાનું છોડી દીધું. આજે નમ્રમુનિ મહારાજસાહેબની પાઠશાળામાં ભણાવે છે અને જૈન ગ્રુપનાં હેડ છે. મુલુંડમાં તેનું સ્કિન ક્લિનિક છે. તેમને ૨૧ વર્ષનો દીકરો વિવેક છે. ભાવના મનોજ શેઠ ભારપૂર્વક માને છે કે તેનાં સાસુ-સસરાના સર્પોટથી જ તે આ મુકામ સુધી પહોંચી શક્યાં છીએ.

રાત્રે ૧૨ વાગ્યા પછી GFને મળવા ચડ્યો બાલ્કનીમાં

નાટકો અને ટીવીસિરિયલોના ઍકટર બકુલ ઠક્કરે તેની એક સમયની ગર્લફ્રેન્ડ જે હાલ તેની વાઇફ છે તેને મળવા જબરી હિંમત કરી હતી. અનલ દેસાઈ અને બકુલ કૉલેજમાં મળ્યાં હતાં અને એકબીજાના પ્રેમમાં પડ્યાં. બકુલ એ સમયે ગુજરાતી થિયેટર કરતો હતો તેથી અનલને લેટ નાઇટ જ મળી શકતો હતો. અનલના ફાધર ભગીરથ દેસાઈ ફ્ત્બ્-નૅશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ઓશનોગ્રાફીના ચીફ ડિરેકટર હતા. તેમનું પોસ્ટિંગ ગોવામાં હોવાથી તેઓ ગોવા રહેતા હતા. અનલ મુંબઈના ઘરે રહેતી હતી. સાંતાક્રુઝમાં તેમનું ઓલ્ડ વિન્ટેજ ટાઇપ ઘર હતું. સામાન્ય રીતે એવું થતું કે બકુલનું રિહર્સલ પૂરું થાય પછી તેઓ મળતાં હતાં. એક વાર એવું બન્યું કે અનલના ફાધર મુંબઈમાં હતા. અનલે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ઘરે આવી જવું એ ટાઇપના તે થોડા સ્ટ્રિકટ તેથી સ્વાભાવિક છે કે રોજની જેમ અનલ બકુલને મળવા ન આવી શકે. અનલ ન આવી શકી તો તેને મળવા જવાનું બકુલે નક્કી કર્યુ. ફસ્ર્ટ ફ્લોર પર અનલનું ઘર હતું અને તેનો બેડરૂમ બાલ્કનીવાળો હતો.

રાત્રે ૧૨ વાગ્યા પછી થિયેટર પતાવી બકુલ અનલના ઘર આગળ આવ્યો. તેના ફાધર ઘરમાં હતા તેથી દરવાજેથી તો આવી ન શકાય. બેલ મારી ન શકાય. એથી તેણે કઠેડા પરથી પહેલા માળની બાલ્કનીમાં કૂદકો માર્યો. અનલને મળ્યો. થોડી વારમાં અનલના ફાધરે ઉધરસ ખાધી એટલું જ નહીં, ગણગણાટની આશંકા જતાં પૂછયું, કોણ છે? અનલના ફાધરનો અવાજ સાંભળી બકુલે બાલ્કનીની રેલિંગ પકડીને નીચે ઠેકડો માર્યો અને જતો રહ્યો. એક વાર તેઓ રાત્રે ફરતાં હતાં ને પોલીસે પકડ્યાં. પૂછયું કે કોણ છે? ત્યારે તો બકુલે હિંમતથી કહી દીધું, મારી ફિયાન્સે છે. તો પોલીસ કહે, ચાલો ઘરે. મનમાં તો બકુલ બહુ ડરી ગયો કે ઘરે લઈ જશે તો શું થશે? કારણ કે ઘરે તો કોઈને કહ્યું નથી. છતાંય હિંમત બતાવી પોલીસને કહે હા, ચાલો... તેની આ હિંમત જોઈને જ પોલીસ અડધેથી પાછો ફર્યો.

કૉલેજમાં પોતાની GF સામે કોઈ જુએ તો પણ બકુલ ગુંડાગર્દી પર ઊતરી આવતો હતો એની વાત કરતાં બકુલ કહે છે, ‘સાચે જ, ત્યારે મારામાં જે હિંમત આવી જતી હતી એ નૅચરલ હતી. એ વિશે અત્યારે વિચારું છું તો એમ થાય છે કે હું બાંયો ચડાવતો હતો પણ ચાર જણે સાથે મળી કોઈ વાર મને ઢીબેડી નાખ્યો હોત તો હું શું કરી શકવાનો હતો? બકુલ ઠક્કર અત્યારે પૃથ્વી થિયેટરમાં ગુલઝારનું હિન્દી પ્લે ‘પાસા’, બીજું એક પ્લે ‘તાજમહલ કા ઉદ્ઘાટન’ તથા ટીવીસિરિયલ ‘મહારાણા પ્રતાપ’માં રાવ મામારકનો રોલ કરી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK