આ લોકોએ ટીવીને કહ્યું છે બાય બાય

Published: 22nd November, 2014 07:09 IST

બીજું કાંઈ ભલે ન હોય પણ નાના ઝૂંપડામાં ટીવી તો હોય જ. બધું ઝૂંટવાઈ જાય તો ચાલે પણ ટીવી વિના ન જ ચાલે એટલી હદે ટીવીનું વળગણ ધરાવતા આજના જમાનામાં એવા વીરલાઓને મળીએ જેઓ કદી ટીવી જોતા જ નથી


બંકિમ જોષી અને તેમનો પરિવાર.સ્પેશ્યલ સ્ટોરી- પલ્લવી આચાર્ય

ઘરે પહોંચીને તરત તમે શું કરો છો એવું આજે લોકોને પૂછીએ તો ૯૯ ટકા લોકો પાસેથી જવાબ મળશે ટીવી ઑન. એકલા રહેતા લોકો કામ પરથી ઘરે આવતાં ટીવી ઑન કરે છે તો પરિવારવાળાઓના ઘરમાં કામ પરથી લોકો આવે ત્યારે ઑલરેડી ટીવી ચાલુ જ હોય છે એથી પોતાને જોવું છે એ ચાલુ ન હોય તો એને માટેની બહેસ ચાલુ થઈ જાય. પોતાને ગમતી ચૅનલો જોવા બાબતે પરિવારના સભ્યોમાં ચડસાચડસી, જીભાજોડી અને મોટો ઝઘડો થઈ જાય એટલું જ નહીં, રિમોટ માટે પણ છુટ્ટા હાથની મારામારી થઈ જાય. આવું બધું ન થાય એટલે કેટલાક લોકો દરેક રૂમમાં ટીવી ગોઠવી દેતા હોવાથી એક જ ઘરમાં રહેતા લોકો વચ્ચે વાત પણ જવલ્લે જ થાય.

અગાઉના સમયમાં પતિ ઑફિસથી આવે એની રાહ પત્ની જોતી હતી અને હવે તો તે એકતા કપૂરની સિરિયલો જોવામાં એટલી તલ્લીન હોય છે કે પતિ આવી ગયો હોય એની જાણ પણ તેને નથી થતી. ટીવીને કારણે સમયસર રસોઈ ન બને, રસોઈમાં વેઠ ઉતારે, પરસ્પર વાતો ન થવાથી પરિવારના સભ્યો વચ્ચે અંતર વધી જાય જેવા અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. આવા આજના સમયમાં આપણે મળીએ એવા લોકોને જેમણે ટીવીને પોતાની લાઇફમાંથી કાયમ માટે તિલાંજલિ આપી દીધી છે.

ઘરે ટીવી જ નથી રાખ્યું

મુલુંડ (વેસ્ટ)માં રહેતા કચ્છી સારસ્વત બ્રાહ્મણ બંકિમ જોષી કહે છે, ‘અમે અમારું જૂનું ઘર ફર્નિચર સાથે વેચી દીધું હતું. સામે નવું ઘર લીધું હતું, પણ પઝેશન નહોતું મળ્યું એથી ભાડાના ઘરમાં શિફ્ટ થયા હતા. આ ઘરમાં અમારી પાસે ટીવી નહોતું. અહીં અમે ૧૦ મહિના રહ્યા. એ સમય દરમ્યાન અમને જીવનની એક મૂલ્યવાન વાત એ રિયલાઇઝ થઈ કે આપણે ટીવી વિના વધુ સારી રીતે જીવી શકીએ છીએ. અમે જૂનો ફ્લૅટ જેને આપ્યો હતો તેને ટીવી આપી દીધું હોવાથી અમારા ઘરે ટીવી નહોતું અને પછી તો અમને ટીવીની જરૂર જ ન પડી.’

ક્લિયરિંગ ફૉર્વર્ડિંગનો બિઝનેસ કરતા ૪૮ વર્ષના બંકિમભાઈના ઘરે આજે પણ ટીવી નથી એટલું જ નહીં, બીજાના ઘરે જઈને ટીવી જોવાની પણ તેમના ઘરમાંના કોઈને આદત નથી. છેલ્લાં ૧૧ વર્ષથી ઘરમાં ટીવી ન રાખવાના પોતાના મહત્વના નિર્ણય વિશે વાત કરતાં બંકિમભાઈ કહે છે, ‘પહેલાં અમે બે ભાઈઓ અમારા જે જૂના ઘરમાં રહેતા હતા ત્યાં ટીવી હતું, પણ ૨૦૦૩માં મેં વન-બેડરૂમના બે ફ્લૅટ લીધા હતા અને અમે ત્યાં શિફ્ટ થયા હતા. નવા ઘરમાં શિફ્ટ થતાં પહેલાં ભાડાના ઘરમાં ટીવી નહોતું. આ ૧૦ મહિનામાં મને વિચાર આવ્યો કે ટીવી નથી તો પરિવારને કેટલોબધો સમય આપી શકાય છે. વાઇફ, બાળકો અને પેરન્ટ્સ સાથે વાતો થઈ શકે છે. આમ મને ટીવી વિના વધુ સારું લાગવા માંડ્યું એટલે મેં નક્કી કર્યું કે નવા ઘરે જઈએ ત્યાં ટીવી નથી વસાવવું.’

બંકિમભાઈએ પોતાનો આ નિર્ણય વાઇફ નીતાને જણાવ્યો. નીતાબહેનને પણ એ ગમ્યો. પછી તેમણે ફાધર-મધરને એ વિશે કન્વિન્સ કર્યા તો તેમણે પણ સાથ આપ્યો. બંકિમભાઈ કહે છે, ‘મારાં ફાધર-મધરને ટાઇમપાસ કરવા માટે ટીવી જરૂરી હોય પણ તેમણે પણ સંમતિ આપી દીધી. આમ ૧૧ વર્ષથી અમારા ઘરે ટીવી નથી. જોકે અમને કદી એવું લાગ્યું જ નથી કે કાંઈક ખૂટે છે. ટીવી વિના અમારી જિંદગી ખુશહાલ અને સ્વસ્થ રહે છે.’

ટીવી ન હોવાથી શું સારું લાગે છે? એના જવાબમાં બંકિમભાઈ કહે છે, ‘અમે ઘરમાં એકબીજાને વાતો શૅર કરી શકીએ છીએ. રોજ સાંજે જમીને ઘરના બધા મેમ્બર્સ બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં જઈ વૉક કરે છે. પેરન્ટ્સ પણ રોજ સમવયસ્કો સાથે ગપ્પાં-ગોષ્ઠિ કરીને સ્ટ્રેસમુક્ત રહે છે. હું ફક્ત ઘરનાઓને જ નહીં, ફ્રેન્ડ્સને પણ ટાઇમ આપી શકું છું. ક્રિકેટનો મને શોખ છે એટલે એક વખત ફાઇનલ હતી ત્યારે બાજુવાળાના ઘરે એકાદ મૅચ જોઈ છે. બાકી અમને કોઈને ટીવી યાદ પણ નથી આવતું.’

બંકિમભાઈનાં વાઇફ નીતા હાઉસવાઉફ છે. દીકરી પ્રિયંકા નેરુળની ડી. વાય. પાટીલ કૉલેજમાં ફિઝિયોથેરપીના થર્ડ યરમાં છે. દીકરો મિહિર ટ્વેલ્થ સાયન્સમાં ભણે છે. બેય સંતાનો ભણવામાં હોશિયાર છે. ૯૦ પ્લસ પર્સન્ટેજ લાવે છે. સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સ ટીવી-શો અને સિરિયલોની વાતો કરતા હોવાથી તેમનાં બાળકો ક્યારેક ટીવી લેવાની માગણી કરે ત્યારે બંકિમભાઈ તેમને સમજાવી દે છે કે તેમની પાસે માત્ર સિરિયલની વાત જ ડિસ્કસ કરવા માટે છે, તમે તમારી પાસે જે છે એને ડિસ્કસ કરો. તેઓ માગણી કરે છે,  પણ જીદ નથી કરતાં. જોકે અત્યારે તો તેઓ ભણવામાં એટલાં બિઝી છે કે ટાઇમ જ નથી.

ટીવીનાં લેખાંજોખાં કરતા બંકિમભાઈ કહે છે, ‘આજકાલ દરેક રૂમમાં ટીવી હોય છે. ટીવી જોવા માટે ઝઘડા થાય છે. વળી સિરિયલોનો બેઝ પણ બહુ બેકાર છે. વહુ સાથે સાસુ ઝઘડે, પતિ-પત્ની અને દેરાણી-જેઠાણી ઝઘડે, એકબીજાને નીચા પાડવા માટે કાવાદાવા કરે, ધંધામાં ક્રૉસ, ઈગોની વાતો. આવું જોઈને તમે શું શીખો? ટીવી જોતા હોઈએ અને કોઈ મહેમાન આવી જાય તો મોઢું બગડી જાય કે એપિસોડ મિસ થઈ ગયો. ટીવી ન હોય તો આવું કાંઈ થાય? એમાંય અત્યારની સિરિયલોમાં તો સંબંધની ગરિમા જ નથી રહી. અગાઉ ‘બુનિયાદ’ અને ‘યે જો હૈ જિંદગી’ જેવી જે સિરિયલો હતી એ પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી હતી. હવે ફૅમિલી સાથે બેસીને જોઈ શકાય એવું કશું હોતું જ નથી એથી અમને ટીવી જોવાની ઇચ્છા જ નથી થતી.’

યુવાનીમાં જ ટીવીને તિલાંજલિ

ગોવાલિયા ટૅન્કમાં રહેતા બિઝનેસમૅન અને સમાજસેવક ૪૯ વર્ષના ગિરીશ શાહે ભરયુવાનીમાં ટીવીને તિલાંજલિ આપી દીધી હતી. બચપણમાં તેઓ કર્ણાટકના બેલગામમાં રહેતા હતા. ત્યાં તેમના ફાધરનો ગોળ અને ખાંડનો બિઝનેસ હતો. ૧૯૮૨માં અકોલા પાસે આવેલા અંતરીક્ષજી ર્તીથમાં ગુરુ ચંદ્રશેખરવિજયજી મહારાજસાહેબને મળ્યા ત્યારથી ગિરીશભાઈએ ટીવીને તિલાંજલિ આપી દીધી છે. એ વખતે સત્સંગમાં અને યુવા શિબિરોમાં યુવાનોને ટીવી-સેટથી દૂર રહેવા માટે સમજાવાતું હતું એમ જણાવતાં તેઓ કહે છે, ‘ટીવી કા સેટ બરબાદી કા ગેટ અને સિનેમા બધાં પાપોની મા જેવું કૅમ્પેન થતું હતું. ટીવીના દૂષણ સામે જાગૃતિ લાવવા ટીવીની સ્મશાનયાત્રા પણ કાઢવામાં આવી હતી. લોકોનો મોટા ભાગનો સમય ટીવી જોવામાં જ જતો હતો. ગુરુની આ પ્રવૃત્તિ સાથે ટીવી ન જોવા વિશે હું ત્યારથી જ કન્વિન્સ થયો હતો. મને કોઈએ દબાણ કરીને છોડાવ્યું નથી, મેં પોતાની મેળે જ છોડ્યું છે એથી પછીથી ટીવી જોવાની ઇચ્છા મને ક્યારેય થઈ જ નથી.’

ગિરીશ શાહ અને તેમનો પરિવાર.


ટીવી યાદ ન આવવા માટેનું એક કારણ એ પણ છે કે તેમની પાસે પ્રવૃત્તિઓનો ધોધ છે, જરાય નવરાશ નથી. નવરું મગજ શેતાનનું ઘર હોય છે. યુવાનો પાસે જો પ્રવૃત્તિઓ ભરપૂર હોય તો તેમને ટીવી કે મોબાઇલની યાદ ન આવે. તેઓ કહે છે, ‘યુવાનોનો સમય અત્યાર સુધી ટીવીએ બગાડ્યો અને હવે સોશ્યલ મીડિયા-ઇન્ટરનેટ અને મોબાઇલ બગાડી રહ્યાં છે. વૉટ્સઍપ પર જ તમે રહો તો તમારું કામ ક્યારે કરી શકો? આ બધામાં સંયમ વર્તવો જરૂરી છે.’

ટીવી ન લેવાની અને ન જોવાની બાબતે ગિરીશભાઈને તેમનાં વાઇફ કિરણે પણ સાથ આપ્યો હતો. જોકે ગિરીશભાઈએ ઘરમાં કોઈને ટીવી ન જોવા માટે પ્રેશર નથી કર્યું, પણ સંસ્કાર એવા આપ્યા છે કે ઘરના લોકોને ટીવી જોવાનું મન જ નથી થતું. ગિરીશભાઈની મોટી દીકરી ધ્વનિ પરણીને સાસરે છે અને ૧૭ વર્ષનો દીકરો તન્મય વાલકેશ્વરની ગુરુકુળમાં ભણીને હવે BMS કરી રહ્યો છે. નાનો દીકરો ૧૪ વર્ષનો ઋષભ સંસ્કૃતમાં માસ્ટર્સ કરી રહ્યો છે. સ્કૂલમાં મિત્રો તારક મહેતાની સિરિયલની બહુ વાતો કરતા હતા એથી ઋષભને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ જોવાનું બહુ મન થતું એટલે તે મિત્રોના ઘરે ટીવી જોવા જતો રહેતો. એ સિરિયલ જોવા માટે ઋષભે ઘરમાં ટીવી લાવવાની જીદ કરી એથી પોણાબે વર્ષ પહેલાં ગિરીશભાઈ ઘરમાં ટીવી તો લાવ્યા છે, પણ પોતે ક્યારેય ટીવી નથી જોતા. છોકરાઓ પણ ‘તારક મહેતા...’ જેવા ચોક્કસ શો જ જુએ છે. બાળકોના મિત્રો એ વખતે તેમની સાથે હોય છે. બીજા કોઈના ઘરે પોતાનું બાળક જાય તો ત્યાંના વાતાવરણની અસર તેના પર થાય અને એવું ન થાય એટલા માટે જ તેઓ ઘરે ટીવી લાવ્યા છે.

ગિરીશભાઈ કુદરતની નજીક અને સંસ્કૃતિ સાથે જીવવા માગે છે એથી જ તેમના ઘરમાં જમીન પર લાદી કે ટાઇલ્સને બદલે આજે પણ લીંપણ છે, ઘરના લોકો બાજઠ પર બેસીને જમે છે, ઘરમાં તાંબા-પિત્તળનાં વાસણ છે અને આખો પરિવાર દરરોજ સાંજે સાથે મળીને તાલબદ્ધ રીતે પ્રાર્થના કરે છે.

આખી કૉલોની ટીવીલેસ

જોગેશ્વરી (વેસ્ટ)માં સ્ટેશન સામે આવેલી આખી મોમિન ગુજરાત કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી (મોમિનનગર)માં કોઈના ઘરે ટીવી નથી. પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના ચીલિયા કમ્યુનિટીના લોકોની આ કૉલોનીમાં વન, ટૂ અને થ્રી બેડરૂમના મળીને ૮૫૦ ફ્લૅટ્સ છે. ચોથી પેઢી સાથે અહીં રહેતા આ કૉલોનીના સેક્રેટરી અહમદ ગુલામ રસૂલ ગાદુજી કહે છે, ‘લગભગ ૭૦૦૦ લોકોની આ સોસાયટીની વસ્તીમાં કોઈ ટીવી નથી જોતું. મારા ઘરમાં અમારી ચોથી પેઢી છે, પણ કોઈ ટીવી નથી જોતું કે કોઈએ જોવા માટે કહ્યું હોય કે જીદ કરી હોય એવું પણ નથી બન્યું. આ સોસાયટીના લોકોએ પોતાના જીવનમાંથી ટીવીને સદંતર આઉટ કરી દીધું છે.


ટીવી, સિનેમા કે સ્ત્રીનું પ્રદર્શન કરતાં પોસ્ટર્સ જોવાં એ અમારા ધર્મ વિરુદ્ધ છે અને એથી જ અમારી કૉલોનીમાં કોઈના ઘરે ટીવી નથી એવું જણાવતાં અહમદભાઈ કહે છે, ‘કારની જાહેરાત હોય એમાં સ્ત્રીને બાતાવવાની શી જરૂર? આવાં પ્રદર્શનો ખોટા વિચારો ઊભા કરે અને એને લઈને ગુના થાય છે. અમારા ધર્મમાં પરદાનું બહુ મહત્વ છે. સ્ત્રીનો પહેરવેશ એવો હોવો જોઈએ જેથી શરીરનો શેપ ન દેખાય. આ ધાર્મિક કારણસર જ અમારી કમ્યુનિટીના લોકો ટીવી અને સિનેમાથી દૂર રહે છે.’

આ વિસ્તારના નગરસેવક શિવસેનાના નેતા યાસીન ચૌધરી કહે છે, ‘આ સોસાયટીને ફૉર્મ થયે ૩૦ વર્ષ થયાં પણ અહીં હજી કોઈ ટીવી નથી લાવ્યું. અમારો ચીલિયા સમાજ ધર્મ સાથે એજ્યુકેશનને પણ વધુ મહત્વ આપી રહ્યો છે. અમારા ફાધરના સમયથી ટીવી નથી જોવાતું અને અમારાં બાળકો પણ નથી જોતાં. ધર્મ મુજબ ટીવી જોવું હરામ છે. છોકરીઓ માટે ગલ્ર્સ સ્કૂલ આ સોસાયટીના કમ્પાઉન્ડમાં જ બનાવવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK