મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનો મોટો હાથ છે એ આમચી મુંબઈનો પ્રાંતવાદીય નારો લગાડનારા ન ભૂલે

Published: Nov 22, 2014, 07:07 IST

ભારતમાં દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ ચાહે ત્યાં નિવાસ કરી શકે એવો સંવિધાનિક અધિકાર છે.(સ્પેશ્યલ કમેન્ટ- રાજીવ મહેતા ટીવી અને થિયેટર-ઍક્ટર)

એમ છતાં પ્રાંતવાદીય રાજકારણના ભાગરૂપે એક રાજ્યમાં રહેતા બીજા રાજ્યના લોકોને હંમેશાં કોસવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પણ અવારનવાર કેટલાક રાજકીય નેતાઓ ગુજરાતીઓને ટાર્ગેટ કરીને મનફાવે એવાં નિવેદનો કરતા હોય છે જે બિલકુલ અયોગ્ય છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ભેગાં જ હતાં એટલે દાયકાઓથી મુંબઈ જેટલું મરાઠીઓ માટે પોતીકું હતું એટલું જ ગુજરાતીઓ માટે પણ હતું. હું તો મુંબઈમાં જન્મ્યો છું અને મુંબઈમાં જ ઊછયોર્ છું. મારી માતૃભૂમિ અને કર્મભૂમિ બન્ને મુંબઈ રહ્યું છે. મને મુંબઈ માટે ક્યારેય પારકાપણાનો ભાવ નથી થયો. જેટલા ગર્વથી અને વટથી મરાઠીઓ મુંબઈને આમચી મુંબઈ કહી શકે છે એટલા જ પ્રેમ અને પ્રાઉડથી હું પણ મુંબઈને મારું કહી શકું છું; કારણ કે ભૌગોલિક દૃષ્ટિએ મુંબઈ કોઈ એક પ્રાંતનો હિસ્સો હોઈ શકે છે, પરંતુ આત્મીયતાની દૃષ્ટિએ મુંબઈએ અનેક લોકોને ઘણું આપ્યું છે અને અનેક લોકોએ મુંબઈને પણ ઘણું આપ્યું છે. એટલે મુંબઈ એમાં રહેનારા દરેક મુંબઈકરનું છે; પછી તે ગુજરાતી હોય, મારવાડી હોય કે બંગાળી હોય. થોડી પ્રૅક્ટિકલ વાત કરવી હોય તો મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનો અનન્ય ફાળો છે. મુંબઈના ચમકાર અને ધબકારમાં ગુજરાતીઓએ બહુ મોટો રોલ અદા કયોર્ છે. કોઈ ગુજરાતીએ એવું નથી વિચાર્યું કે હું મૂળ ગુજરાતનો છું તો હૉસ્પિટલ ગુજરાતમાં જઈને બનાવું, કૉલેજો ગુજરાતમાં નિર્માણ કરું. જેમ ગુજરાતીઓ મુંબઈમાં આવીને સમૃદ્ધ થયા છે એમ પોતાની સમૃદ્ધિને ન્યોછાવર પણ મુંબઈમાં જ કરી છે.

બીજી એક મહત્વની વાત પર પણ ખાસ ધ્યાન દોરીશ કે જે રાજકારણીઓ અત્યારે ગુજરાતીઓને વખોડી રહ્યા છે તેઓ ખરેખર ગુજરાતીઓની સક્ષમતાથી જલન અનુભવી રહ્યા છે. તેમના વિરોધ પાછળ મુંબઈ પ્રત્યેના અધિકારભાવ કરતાં ગુજરાતીઓ પ્રત્યેનો ઈર્ષાભાવ વધારે છે. ગુજરાતીઓ પાછળના વૈમનસ્યનું કારણ એ છે કે તેઓ વધુ આગળ પડતા છે. ગુજરાતીઓના સંસ્કાર, સંસ્કૃતિ અને સ્વભાવની લાક્ષણિકતા સામેવાળાને અભિભૂત કરી નાખનારાં છે. ખરેખર તો એ લોકોએ ગુજરાતીઓને વખોડવાને કે તેમની તરફ લાલ આંખ કરવાને બદલે પ્રેમ અને સહકારથી રાખવા જોઈએ, કારણ કે આ પ્રજાની લાક્ષણિકતા છે કે એ દૂધમાં સાકર થઈને ભળી શકે એમ છે. પોતે વિકસે અને સાથેના તમામને પણ વિકસાવે. એટલે પ્રાંતવાદના નામે ગુજરાતીઓ માટે ખોટું વૈમનસ્ય ધરાવતા લોકોને એટલો જ સંદેશ છે કે સહકાર આપીને ભાઈચારો બાંધો. આવકાર અને આદર આપવા એ આ પ્રજાની ગળથૂથીમાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK