આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની જિંદગી સાવ સસ્તી પણ છે અને સ્ત્રીને ઘેટાં-બકરાંની જેમ પકડી શકાય છે

Published: Nov 15, 2014, 06:08 IST

બદઇરાદા વિના બિલાસપુરમાં સામૂહિક હત્યા કરનારા ડૉક્ટરસાહેબને આ વર્ષે ૨૬ જાન્યુઆરીએ મુખ્ય પ્રધાન રમણ સિંહે વસ્તીનિયંત્રણ માટે અદ્ભુત કામ કરવા માટે નવાજ્યા હતા. ૫૦ હજાર નસબંધીનાં ઑપરેશન કરવા માટે તેમને રાજ્ય સરકારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ૫૦ હજાર ઑપરેશનો કરવાનો વિક્રમ કરનારા ડૉક્ટરે ૧૫ મિનિટમાં ૧૩ સ્ત્રીઓને મારી નાખવાનો પણ વિક્રમ કર્યો છે


કારણ-તારણ- રમેશ ઓઝા

અમૂલ્ય જીવન કારણ વિના હોમાઈ જાય એ જોઈને વેદના થાય છે, પણ આપણા શાસકો માટે જીવનની કોઈ કિંમત નથી અને ગરીબ માણસના જીવનની તો કોડીની પણ કિંમત નથી. દર વર્ષે સો-બસો માણસો દેશમાં કોઈ ને કોઈ જગ્યાએ ભાગદોડની ઘટનામાં માર્યા જાય છે. હજારેક માણસો કુદરતી હોનારત બાબતની ચેતવણી સમયસર નહીં આપવાના કારણે અને એ પછી તરત જ રાહત નહીં પહોંચાડવાને કારણે માર્યા જાય છે. સરકારી હૉસ્પિટલોમાં ઝડપી સારવારના અભાવે હજારોની સંખ્યામાં ગરીબ દરદીઓનાં મૃત્યુ થાય છે અને ક્યારેક તો સામૂહિક મૃત્યુ થાય છે. વખતોવખત બનતી આવી ઘટનાઓ સાબિત કરે છે કે ગરીબના જીવનનું હવેના શાસકો માટે કોઈ મૂલ્ય નથી.

છત્તીસગઢના બિલાસપુર શહેરમાં જે ઘટના બની એ આવી કારણ વિના ગરીબ માણસોના પ્રાણ હરવાની ઘટના છે. અહીંની એક સરકારી હૉસ્પિટલમાં ૫૦ કરતાં વધુ સ્ત્રીઓનાં નસબંધીનાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં જેમાંથી ૧૩ સ્ત્રીઓ મૃત્યુ પામી છે અને બીજી ૨૦ જેટલી સ્ત્રીઓ મોત સામે ઝઝૂમી રહી છે. ગરીબ સ્ત્રીઓનાં સામૂહિક પ્રાણહરણ એટલાં માટે કરવામાં આવ્યાં કે છત્તીસગઢની સરકારે વસ્તી નિયંત્રણનું આંદોલન શરૂ કર્યું છે અને સરકાર બતાવી દેવા માગે છે છત્તીસગઢ દેશનું સૌથી પ્રગતિશીલ રાજ્ય છે. એકબીજા કરતાં ઉપરવટ ગણાવાની રાજ્યો વચ્ચે આજકાલ જે હોડ જામી છે એનું આ પરિણામ છે. કોઈ રાજ્ય પાછળ રહેવા માગતું નથી પછી ભલે લોકો સાથે ઘેટા-બકરાં જેવો વ્યવહાર કરવો પડે.

છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમણ સિંહે ૨૦૧૦ પછીથી વસ્તીનિયંત્રણને છત્તીસગઢના વિકાસ માટે અનિવાર્ય અને પોતાને માટે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બનાવ્યો છે. રાજ્યના આરોગ્ય ખાતાના અધિકારીઓ ટાર્ગેટ પૂરો કરવા સ્ત્રીઓને શોધતા ફરે છે અને કૅમ્પ યોજીને બબ્બે મિનિટે એક નસબંધીનું ઑપરેશન કરે છે. ૨૦૧૪-૨૦૧૫ના વર્ષમાં આરોગ્ય ખાતાને એક લાખ ૭૫ હજાર ઑપરેશનો કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને હવે જ્યારે માંડ ત્રણ મહિના બચ્યા છે ત્યારે ટાર્ગેટ પૂરો કરવાનો છે. ગયા વર્ષે એક લાખ પંચાવન હજાર ઑપરેશનનો ટાર્ગેટ હતો જે અધિકારીઓએ પૂરો કર્યો હતો એટલે આ વખતે એમાં ત્રીસ હજારનો વધારો કર્યો છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં વખત ગયો હોવાથી આરોગ્ય ખાતાના અધિકારીઓ માત્ર ૫૪,૦૦૦ ઑપરેશનો કરી શક્યા છે. માત્ર ત્રણ મહિનામાં એક લાખ વીસ હજાર ઑપરેશનો કરવાનાં છે એટલે સ્ત્રીઓને પકડી-પકડીને આરોગ્યકેન્દ્રોમાં લાવવામાં આવે છે અને દોરો કાપે એમ નસ કાપીને પાટો બાંધીને ઘરે મોકલી આપવામાં આવે છે.

બદઇરાદા વિના બિલાસપુરમાં સામૂહિક હત્યા કરનારા ડૉક્ટરસાહેબને હજી હમણાં ૨૬ જાન્યુઆરીએ મુખ્ય પ્રધાન રમણ સિંહે વસ્તીનિયંત્રણ માટે અદ્ભત કામ કરવા માટે નવાજ્યા હતા. ૫૦ હજાર નસબંધીનાં ઑપરેશન કરવા માટે તેમને રાજ્ય સરકારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ૫૦ હજાર ઑપરેશનો કરવાનો વિક્રમ કરનારા ડૉક્ટરે ૧૫ મિનિટમાં ૧૩ સ્ત્રીઓને મારી નાખવાનો પણ વિક્રમ કર્યો છે. શરમજનક વાત એ છે કે આ ઘટના બની એ પછી પણ રાજ્ય સરકારે આરોગ્ય ખાતાનો અને એ ડૉ. ગુપ્તાનો બચાવ કર્યો હતો. એમ કહેવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશયાત્રાએ જતાં પહેલાં રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે ગુનેગારોને સજા કરવામાં આવે અને એ પછી રાજ્ય સરકારે ડૉ. ગુપ્તાને બરતરફ કર્યા હતા.

વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શન મુજબ ઑપરેશન માટે જે સાધનો વાપરવામાં આવ્યાં હોય એ જ સાધનો ફરી વાર ગરમ ઊકળતા પાણીમાં ધોયા વિના બીજી વાર વાપરી ન શકાય. એ પછી પણ એનો વપરાશ દસ ઑપરેશનો કરતાં વધુ વખત ન કરવો જોઈએ. બીજું, ડૉક્ટર ગમે તેટલો આવડતવાળો હોય, એ દિવસમાં અગણિત ઑપરેશનો ન કરી શકે. નાનામાં નાની સર્જરી કરતાં પહેલાં જે વ્યક્તિ પર સર્જરી કરવાની છે તેના ડાયાબિટીઝનું પ્રમાણ, બ્લડ-પ્રેશર, હૃદયના ધબકારા વગેરેની ચોકસાઈ કરવી જોઈએ. ઑપરેશન કર્યા પછી પાંચથી ૧૫ મિનિટ અને જરૂર પડે તો વધુ સમય ઑબ્ઝર્વેશન હેઠળ રાખવા જરૂરી છે. જો કોઈ પ્રકારની ઇમર્જન્સી ડેવલપ થતી નજરે પડે તો તાત્કાલિક સારવાર માટેની સુવિધા અને દરદીને મોટી હૉસ્પિટલમાં લઈ જવા માટે ઍમ્બ્યુલન્સ હાજર હોવી જોઈએ. ઑપરેશન પ્રમાણમાં મોટું હોય તો એક દિવસ કે થોડા કલાકો માટે તે વ્યક્તિને હૉસ્પિટલમાં રાખવી જોઈએ અને જો સાવ મામૂલી હોય તો બીજા દિવસે ફૉલો-અપ માટે બોલાવવી જોઈએ. આ વિશ્વ આરોગ્ય સંસ્થાએ બતાવેલી માર્ગદર્શિકા છે જે જગતભરમાં ડૉક્ટરો અને હૉસ્પિટલોએ પાળવી જરૂરી છે. જો આ રીતે આટલી ચોકસાઈ જાળવીને માણસના જીવનની અમૂલ્ય કિંમત સમજીને કોઈ ડૉક્ટર ઑપરેશન કરતો હોય તો તે ચાર વર્ષમાં ૫૦ હજાર ઑપરેશન કરી શકે? કે પછી રાજ્ય સરકારના આ કામમાં લાગેલા કુલ ૧૨૬ ડૉક્ટરો એક વર્ષમાં પોણાંબે લાખ ઑપરેશનો કરી શકે? ત્રીજું, આટલી ચોકસાઈ વિના ખાનગી હૉસ્પિટલોમાં સાધનસંપન્ન લોકોનાં ઑપરેશનો થાય છે ખરાં? શું ગરીબ માણસના જીવનની કોઈ કિંમત નથી? છત્તીસગઢમાં એક માનસિક રીતે અસ્થિર સ્ત્રીની નસબંધી કરવાની ઘટના પણ બહાર આવી હતી. કોની સંમતિ સાથે તેનું ઑપરેશન કરવામાં આવ્યું હતું? 

પરિવાર નિયોજન એ કેળવણીનો વિષય છે. ભારતમાં વસ્તીવધારો થંભી ગયો છે તો એનું કારણ પ્રબોધન અને લોકોની સમજદારી છે. બીજું, સ્ત્રીઓની નસબંધી કરતાં પુરુષોની નસબંધી વધારે આસાન અને વધારે સલામત છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પુરુષોને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ, જે તેઓ કરતા નથી. પુરુષપ્રધાન સમાજમાં પુરુષ નસબંધીને વંધ્યત્વ તરીકે જુએ છે જે એક ગેરસમજ છે. અધિકારીઓ પુરુષોનું પ્રબોધન કરવાની જગ્યાએ, તેમની ગેરસમજ દૂર કરવાની જગ્યાએ સ્ત્રીઓને પકડીને લઈ આવે છે. સ્ત્રીની જિંદગી સસ્તી પણ છે અને સ્ત્રીને આસાનીથી બાન પકડી શકાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK