(મંગળવારની મિજલસ - તરુ કજારિયા)
તમારી આસપાસ ક્યાંય લગ્નની વાડી કે હૉલ છે? અથવા કોઈ થ્રી, ફોર કે ફાઇવસ્ટાર હોટેલની નજીક તમે રહો છો? તો ત્રણ દિવસ પછીના ગ્રૅન્ડ ફંક્શનની જોરદાર તૈયારીઓ ચાલતી હશે. હા, હું ખાસ તારીખ ૧૧-૧૧-૧૧ની વાત કરું છું. સમાચારોમાં વાંચ્યું કે એ સ્પેશ્યલ યુનિક દિવસે લગ્નગ્રંથિથી બંધાવા માટે મૅરેજ હૉલ્સ અને પાર્ટી હૉલ્સની માગ નીકળી પડી છે. ડેકોરેટર્સ અને ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીઓને આ યુનિક તારીખે એકદમ હટકે ડેકોર અને ઇવેન્ટ ડિઝાઇન કરવાની વરદી મળી રહી છે. લગ્નોત્સુક કપલ્સ અને તેમનાં સગાં-સ્વજનો માની રહ્યાં છે કે આ બધા જ એકડા ભેગા થયા છે એવા મંગળ દિવસે લગ્ન કરનાર દંપતી બહુ જ સુખી અને સફળ લગ્નજીવન પામશે. નૅચરલી સોનેરી સપનાં સેવતા યંગસ્ટર્સનો પોતાના લગ્નજીવન માટેનો આવો ઉત્સાહ જોઈને આનંદ જ થાય.
બીજા એક સમાચાર પણ આવ્યા છે કે આજકાલ યંગ કપલ્સ બાળક પ્લાન કરતાં પહેલાં બન્ને તબીબી દૃષ્ટિએ તંદુરસ્ત બાળકને જન્મ આપવા કેટલાં સૂટેબલ છે અને તેમના ભાવિ બાળકને કોઈ વારસાગત બીમારીની શક્યતા છે કે નહીં એ જાણવા પ્રી કન્સેપ્શન ટેસ્ટ કરાવી રહ્યાં છે. લગ્નજીવન સફળ નીવડે એ માટે શુભ મુરત જોવાની ખેવના અને તંદુરસ્ત બાળક જન્મે એ માટેની કપલ્સની સમજદારી માટે આદર થાય, પરંતુ જોગાનુજોગ આ સમય દરમ્યાન જ કેટલાંક એવાં દંપતીઓને મળવાનું થયું કે મન ઉદાસ થઈ ગયું.
જે સ્થાન પર આ લોકોની મુલાકાત થઈ એ છે ફૅમિલી ર્કોટ. આ ર્કોટમાં યંગ અને ઓલ્ડ, મૉડર્ન અને દેશી, અમીર અને ગરીબ, ભણેલા અને અભણ એ તમામ પ્રકારનાં સ્ત્રી-પુરુષો આવે છે. કોઈનાં લગ્નને વીસ વર્ષ થયાં છે તો કોઈને પરણ્યે પાંચ વર્ષ થયાં છે. અરે, લગ્નને માત્ર ચાર જ મહિના થયા હોય તેવાં પતિ-પત્ન્ાી પણ અહીં આવે છે અને એ બધાનાં લગ્ન નિષ્ફળ નીવડ્યાં છે. એમાંનાં મોટા ભાગનાં લગ્ન શુભ દિવસ કે મંગળ ચોઘડિયું જોઈને થયાં હતાં, પણ એ બધાં શુભ તત્વો તેમનાં લગ્નને બટકતાં અને તૂટતાં બચાવી શક્યાં નહોતાં. બાવીસેક વર્ષની એક છોકરીને તેનો વકીલ ત્રીજી-ચોથી વાર એક જ સવાલ પૂછી રહ્યો છે : શાદી હોકે કિતના ટાઇમ સાથમેં રહા? છોકરી જવાબ આપે છે : ચાર મહિના! બીજો સવાલ પૂછે છે : ડિવૉર્સ ક્યોં લેના હૈ? જવાબ મળે છે : આદમી નશા કરકે આતા હૈ ઔર દૂસરી ઔરત કે પાસ જાતા હૈ!
એ નાજુક નમણી છોકરી હજી થોડા મહિના પહેલાં જ પોતાની સ્થિતિ અનુસાર સજીધજી હશે, તેનાં મમ્મી-પપ્પ્ાા અને કાકા-માસી કે ફોઈઓએ હોંશે- હોંશે લગ્નની તૈયારીઓ કરી હશે,
ભેટ-સોગાદો આપી હશે. અને આઠ મહિનામાં જ તેઓ ફૅમિલી ર્કોટમાં વકીલને દીકરીના રઝળી પડેલા લગ્નજીવનનો દસ્તાવેજ લખાવી રહ્યા હતા! એક સ્ત્રી પોતાની નવ મહિનાની દીકરીને લઈને આવી છે તો બીજી એક સ્ત્રી આઠ વરસ અને દસ વરસના દીકરાઓને લઈને બેઠી છે. એ બાળકોના જીવનમાં મમ્મી-પપ્પાને લઈને ભવિષ્યમાં અનેક સવાલો ઊઠશે, મૂંઝવણો ઊઠશે.
પાંત્રીસેક વરસની લાગતી અનુરાધા ખરેખર પિસ્તાલીસની છે. તેની બાજુમાં બેઠેલો વીસેક વર્ષનો યુવાન છોકરો તેનો ભાઈ હશે એમ માન્યું હતું, પરંતુ વાત કરતાં ખબર પડી કે તે તો તેનો દીકરો હતો. અનુરાધાના ડિવૉર્સ કેસનો છ મહિનામાં જ નિવેડો આવી ગયો છે એ જાણીને આશ્ચર્ય થયું. તેણે કહ્યું, ‘પણ નિષ્ફળ લગ્નનો માર તો મેં સોળ વરસ સુધી ખમ્યો છે. હા, લગ્નનાં ચાર વરસ બાદ મારા પતિએ મને મારઝૂડ કરવાની શરૂ કરી દીધી હતી. મારો દીકરો નાનો હતો એટલે હું ચૂપચાપ બધુ સહી લેતી. છેલ્લાં આઠ વરસથી જુદી રહું છું. દીકરો મારી સાથે જ રહે છે.’
અનુરાધાને આ ઉંમરે ડિવૉર્સ લેવા તેના દીકરાએ જ તૈયાર કરી કેમ કે તેણે તેના ક્વૉલિફાઇડ પ્રોફેશનલ પપ્પ્ાાને મમ્મીની સાથે મિસબિહેવ કરતા અને મમ્મીની મારઝૂડ કરતા જોયા છે અને તે નથી ઇચ્છતો કે મમ્મી એવા માણસ સાથે બંધાઈને રહે. મેં અનુરાધાએ પૂછ્યું કે તારી ઇચ્છા છે? અનુરાધાએ કહ્યું કે દીકરો ન હોત તો આવા જંગલી માણસ જોડે કન્ટિન્યુ કરત જ નહીં. લકીલી અનુરાધાના પતિએ પણ ડિવૉર્સ માટે સંમતિ આપી હતી એટલે બન્નેની સંમતિથી છૂટા પડી રહ્યા છે. એ દિવસે તેની એક ફ્રેન્ડ પણ તેની સાથે હતી. અનુરાધાએ ર્કોટમાંથી બહાર આવીને ડિવૉર્સ ઓર્ડર મળી ગયો એ સમાચાર તેની ફ્રેન્ડને આપ્યાં ત્યારે તેણે ખુશ થઈને અનુરાધાને અભિનંદન આપ્યાં. આ જોઈ બાજુમાં ઊભેલી બે સ્ત્રીઓએ કૉમેન્ટ કરી કે શું જમાનો આવ્યો છે; લગ્નમાં કૉન્ગ્રૅન્ચ્યુલેશન્સ આપે એ તો સાંભળ્યું છે, પણ છૂટાછેડામાં વળી આટલું ખુશ થવા જેવું શું છે કે અભિનંદન આપે છે? તેમની કૉમેન્ટ સાંભળી વિચાર આવ્યો કે બે વ્યક્તિઓ એકમેકના વ્યક્તિત્વને પીંખી નાખે એટલી હદે રિલેશનશિપ બગડી ગઈ હોય એમ છતાં તે બન્ને લગ્નબંધનમાં બંધાયેલી રહે એના કરતાં બન્ને એકબીજાને દુ:ખી કર્યા વગર પોતાની રીતે સુખી રહી શકે એવો માર્ગ અપનાવે તો એ સારું કે ખરાબ? એક અગ્લી રિલેશનશિપમાંથી અનુરાધાને મુક્તિ મળી હતી એનો તેની સખી હરખ કરી રહી હતી એમાં ખોટું શું હતું?
એ જોઈ થોડા સમય પહેલાં જોયેલી એક ફિલ્મ યાદ આવી ગઈ.
હીરો-હિરોઇનનું બ્રેક-અપ થાય છે ત્યારે બન્ને ઉજવણી કરીને છૂટાં પડે છે. આધુનિક જમાનાના પ્રતિનિધિ એવા એ કપલનો વિચાર કેવો સરસ હતો કે સુખી થવાનાં સપનાં સાથે ભેગાં થયાં હતાં ત્યારે ઉજવણી કરી હતી; હવે દુ:ખી ન થવાના નિર્ણય સાથે છૂટાં પડીએ છીએ, પણ આ સેલિબ્રેશનનો ઓકેઝન છે.
લગ્નજીવન એક જવાબદારી
ફૅમિલી ર્કોટમાં લગ્નજીવનની જે બદસૂરત તસવીર જોવા મળે છે એના દીદાર લગ્નોત્સુક યુવક-યુવતીએ એક વાર કરવા જેવા છે. લગ્ન એ કેટલી જવાબદારીપૂર્વક નિભાવવાની રિલેશનશિપ છે અને એ નિષ્ફળ જવાની કેટલીબધી શક્યતાઓ છે એ જાણ્યા પછી જ લગ્નમંડપમાં પગલાં માંડવાં કે રજિસ્ટ્રારના રજિસ્ટરમાં સહી કરવી એવું સૂચન અપનાવવા જેવું છે. હમણાં મૅક્સિકોમાં એક નવો કાયદો સૂચવવામાં આવ્યો છે : બે વરસ સુધી લગ્ન ટ્રાયલ રૂપે રાખવાનાં અને એ દરમ્યાન જો પતિ અને પત્ન્ાી બન્ને એકબીજાને અનુકૂળ લાગે અને આનંદથી સાથે રહી શકે તો લગ્નનું ફાઇનલ રજિસ્ટ્રેશન કરવાનું, નહીં તો બેય પડે પોતપોતાને રસ્તે.