એફડીઆઇથી ખેડૂતો અને ગ્રાહકોને ફાયદો થશે : વડા પ્રધાને ખાતરી આપી

Published: 9th December, 2012 07:55 IST

આ નિર્ણયથી વચેટિયાઓનો અંત આવશે તથા એને કારણે ઉત્પાદકોને યોગ્ય કિંમત  મળશે ને આમ આદમીએ ચીજવસ્તુઓ માટે વધુ ભાવ નહીં ચૂકવવા પડે
મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇના સરકારના નિર્ણય પર સંસદની મહોર લાગ્યાના બીજા દિવસે વડા પ્રધાન મનમોહન સિંહે ખાતરી આપી હતી કે આ નિર્ણય ખેડૂતો અને ગ્રાહકોને ફાયદો પહોંચાડશે. ગઈ કાલે વડા પ્રધાને કહ્યું હતું કે ‘રીટેલમાં એફડીઆઇને મંજૂરી આપવાથી કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગમાં રોકાણ થશે તથા નવી ટેક્નૉલૉજીનું આગમન થશે. ફૂડ રીટેલ બિઝનેસમાં સક્રિય મોટી કંપનીઓના અનુભવનો ભારતને લાભ મળશે. એફડીઆઇને કારણે કૃષિક્ષેત્રમાં વચેટિયાઓની ભૂમિકાનો અંત આવશે જેનો ફાયદો ખેડૂત અને ગ્રાહક બન્નેને થશે. ’

લુધિયાણામાં પંજાબ ઍિગ્રકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતાં વડા પ્રધાને એવું પણ કહ્યું હતું કે મને ખાતરી છે કે રીટેલમાં એફડીઆઇનો દેશના ખેડૂતો અને ગ્રાહકોને ફાયદો થશે. શુક્રવારે સરકાર રાજ્યસભામાં પણ એફડીઆઇ વિરુદ્ધના પ્રસ્તાવ પરના વોટિંગમાં જીતી હતી. આ પહેલાં લોકસભાએ પણ એફડીઆઇને મંજૂરી આપી હતી.

મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇને મંજૂરીના નિર્ણયની વિરોધપક્ષોએ સખત ટીકા કરી હતી. કેટલાક નેતાઓએ તો સરકારે બહુરાષ્ટ્રીય કંપનીઓના દબાણ હેઠળ આવીને આ નિર્ણય લીધો હોવાનો આક્ષેપ પણ કયોર્ હતો. જોકે ગઈ કાલે સરકારના આ નિર્ણયને યોગ્ય ઠેરવતાં મનમોહન સિંહે કહ્યું હતું કે ‘અત્યારે મોટા પ્રમાણમાં કૃષિ ઉત્પાદનોનો બગડી જવાથી નાશ કરવો પડે છે. માર્કેટિંગની સમસ્યાને કારણે ખેડૂતોને તેમની ઊપજની યોગ્ય કિંમત નથી મળતી. રીટેલમાં એફડીઆઇથી આ સ્થિતિમાં અનેકગણો સુધારો આવશે. ગ્રાહકો કૃષિ ઉત્પાદનોની ઊંચી કિંમત ચૂકવે છે પણ એનો લાભ ખેડૂતોને નથી મળતો. કૃષિ ક્ષેત્રમાં અસરકારક સપ્લાય ચેઇન ઊભી થતાં આ સમસ્યા હળવી બનશે.’

વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે ‘ખેડૂતો અને વપરાશકારો વચ્ચે એક લાંબી ચેઇન છે જેને કારણે બન્નેને નુકસાન પહોંચે છે. એફડીઆઇને કારણે વચેટિયાઓની ભૂમિકાનો અંત આવશે અને એથી માત્ર ખેડૂતને જ ફાયદો નહીં પહોંચે પણ ગ્રાહકોને પણ યોગ્ય કિંમતે ચીજ-વસ્તુઓ મળી રહેશે.’

એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK