Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સુસાઇડ કરી રહી છે યુપીએ સરકાર

સુસાઇડ કરી રહી છે યુપીએ સરકાર

16 September, 2012 08:53 AM IST |

સુસાઇડ કરી રહી છે યુપીએ સરકાર

સુસાઇડ કરી રહી છે યુપીએ સરકાર







મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇની મંજૂરીના સરકારના નિર્ણયથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. એફડીઆઇ તથા ડીઝલના ભાવવધારાના નિર્ણયના વિરોધમાં એનડીએ દ્વારા ૨૦ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટી તથા ડાબેરી પક્ષો પણ આ દિવસે દેશભરમાં આંદોલન કરશે. યુપીએના સાથીપક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસે આ નિર્ણય પાછો ખેંચી લેવા ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે. ગઈ કાલે મમતા બૅનરજીએ કહ્યું હતું કે જો નિર્ણય પાછો ખેંચી લેવામાં નહીં આવે તો સરકારે પરિણામનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. બીજેપી સહિત એનડીએ, ડાબેરી પક્ષો, સમાજવાદી પાર્ટી તથા અન્ય ટોચના રાજકીય પક્ષોએ આ એફડીઆઇના વિરોધમાં દેશવ્યાપી આંદોલનનું એલાન કરી દીધું છે. ડીઝલના ભાવવધારા બાદ આ નિર્ણયે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

મમતાએ યાદ કરાવી લક્ષ્મણરેખા

તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો મમતા બૅનરજીએ ગઈ કાલે કૉન્ગ્રેસને લક્ષ્મણરેખા નહીં ભૂલવાની ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘લોકવિરોધી કોઈ પણ નિર્ણયને અમે મંજૂરી આપીશું નહીં. અમે ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો એ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવશે તો સારી વાત છે અને જો નહીં લેવાય તો પછી પરિણામનો સામનો કરવા તૈયાર રહેજો.’

સરકારની હારાકીરી : અડવાણી

બીજેપીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગઈ કાલે રીટેલમાં એફડીઆઇના નિર્ણયને સરકારની હારાકીરી (આત્મહત્યા કરવાની જપાની પદ્ધતિ) સમાન ગણાવ્યો હતો. ગઈ કાલે તેમણે કહ્યું હતું કે બીજેપીશાસિત તમામ રાજ્યો આ નિર્ણયનો વિરોધ કરશે. બીજેપીએ આ મુદ્દે દેશવ્યાપી આંદોલન કરવાની ચેતવણી પણ આપી હતી. એનડીએના તમામ પક્ષોએ એફડીઆઇનો વિરોધ કર્યો છે. રાજકીય પંડિતોના મતે બીજેપીની વોટબૅન્કમાં નાના વેપારીઓની સંખ્યા સૌથી વધારે છે અને એથી જ અગાઉ રીટેલમાં એફડીઆઇની તરફેણ કરતી બીજેપી હવે સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી રહી છે. બીજેપીના પ્રવક્તા જગત પ્રકાશે કહ્યું હતું કે દેશવ્યાપી આંદોલનની યોજના ટૂંક સમયમાં ઘડી કાઢવામાં આવશે.

અમેરિકામાં મનમોહનની પ્રશંસા

મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇના વડા પ્રધાન મનમોહન સિંહના નિર્ણયની અમેરિકાનાં ટોચનાં અખબારોએ ભરપૂર પ્રશંસા કરી હતી. અમેરિકી અખબારોએ વડા પ્રધાનના નિર્ણયને આર્થિક સુધાર માટેનો છેલ્લા બે દાયકાનો સૌથી મોટો નિર્ણય ગણાવ્યો હતો. ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’ અખબારે  રીટેલ, બ્રૉડકાસ્ટિંગ તથા એવિયેશન સેક્ટરમાં વિદેશી રોકાણને અપાયેલી મંજૂરીને આવકારી હતી. જોકે અખબારે જણાવ્યું હતું કે આ નિર્ણય બાદ સરકાર ટકી શકશે કે નહીં એની સામે સવાલ છે. અગાઉ મનમોહન સિંહને ‘સાઇલન્ટ’ વડા પ્રધાન ગણાવીને તેમની ટીકા કરનાર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ દૈનિકે મનમોહન સિંહના આ નિર્ણયને ૨૦૦૪ પછી આર્થિક સુધાર માટે લેવામાં આવેલો સૌથી મહત્વનો નિર્ણય ગણાવ્યો હતો. ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ અખબારે પણ આ નિર્ણયને નાટકીય ગણાવીને એને ભારતીય અર્થતંત્ર માટે હકારાત્મક ગણાવ્યો હતો.

ઊંચા વિકાસદર માટે જોખમ લેવું જરૂરી : મનમોહન સિંહ

રીટેલમાં એફડીઆઇનો નિર્ણય ભારે પ્રેશર છતાં પાછો નહીં ખેંચવા સરકાર મક્કમ છે. ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહે આ નિર્ણયને સાચી દિશામાં લેવાયેલું યોગ્ય પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઊંચા વિકાસદર માટે જોખમ લેવું જરૂરી હતું. આગલા દિવસે વડા પ્રધાને રાષ્ટ્રહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. આર્થિક સુધાર માટેના મહત્વના નિર્ણયો લેતાં સરકારે સૌથી પહેલાં ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કર્યો હતો અને એ પછી બીજા દિવસે સરકારે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી હતી.

એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ, એનડીએ =  નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ, બીજેપી = ભારતીય જનતા પાર્ટી


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2012 08:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK