નવી મુંબઈમાં સામાના ઘણાખરા વેપારીઓ પર એફડીએના છાપા

Published: 1st October, 2011 21:03 IST

રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ફૂડ-પૉઇઝનિંગના સેંકડો કેસ નોંધાયા બાદ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશને (એફડીએ) નવી મુંબઈની એપીએમસી માર્કે‍ટમાં સામાના વેપારીઓ પર છાપા માર્યા હતા અને નવી મુંબઈની મૂડીબજારમાં સામાનું વેચાણ કરતા ૧૫માંથી નવ વેપારીઓને સામાનું વેચાણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

૧૫માંથી ૯ જગ્યાએ સૅમ્પલ લઈને માલ સીલ કરી દેવાયો : રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફૂડ-પૉઇઝનિંગના કેસ નોંધાતાં તહેવારોમાં જ લેવાયેલા આ પગલાથી માર્કેટમાં નારાજગી

બૉમ્બે મૂડીબજાર અસોસિએશનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અંબરીષ બારોટે કહ્યું હતું કે ‘આખા વર્ષમાં નવરાત્રિના નવ દિવસ દરમ્યાન સામાનું સૌથી વધુ વેચાણ થતું હોવાને કારણે બરાબર નવરાત્રિમાં એફડીએએ મારેલા છાપાને કારણે નવી મુંબઈના સામાના વેપારીઓની હાલત કફોડી થઈ છે, કેમ કે એફડીએના અધિકારીઓએ સૅમ્પલ લઈને માલ સીલ કરી
નાખ્યો છે. જ્યાં સુધી સૅમ્પલનો ટેસ્ટિંગ-રર્પિોટ ન આવે ત્યાં સુધી એટલે કે મહિનાઓ સુધી આ માલ પડ્યો રહેશે.’
એફડીએના અસિસ્ટન્ટ કમિશનર સુરેશ દેશમુખે કહ્યું હતું કે ‘સોલાપુર, પુણે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં સામો ખાઈને સેંકડો લોકોને ફૂડ-પૉઇઝનિંગ થયું હોવાથી સાવચેતીનાં પગલાંરૂપે સામાના બધા જ પુરવઠાની ચકાસણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચકાસણી બાદ કઈ કંપનીનો માલ હલકી ગુણવત્તાનો છે એની જાણ થશે.’
છેલ્લા બે દિવસમાં સમગ્ર રાજ્યમાં અંદાજે ૭૬,૯૮,૩૭૯ રૂપિયાની કિંમતનો ૨,૩૧,૩૦૭ કિલો સામો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સામાનું ઉત્પાદન કરતા પાંચ એકમને બંધ કરી દેવામાં આવ્યા છે. નાશિકના ત્રણ અને મુંબઈ નજીકના શાહપુરમાં આવેલા બે એકમને સીલ કરવામાં આવ્યા છે. નવરાત્રિ દરમ્યાન સામાનો બહોળો ઉપયોગ થતો હોવાથી આ પગલાં લેવામાં આવ્યાં છે. અત્યાર સુધી નાશિકના એક એકમમાંથી સપ્લાય કરવામાં આવેલા સામાનો ઉપયોગ કરનારા સૌથી વધુ લોકોને ફૂડ-પૉઇઝનિંગ થયું હોવાનું બહાર આવ્યું છે. જોકે બધાં સૅમ્પલની ચકાસણી બાદ જ ખરો દોષી બહાર આવશે.
સામો ખાધા બાદ ફૂડ-પૉઇઝનિંગ થવાનાં બે કારણ હોય છે : સામામાં ભેળસેળ કરવામાં આવી હોય અથવા એને યોગ્ય રીતે રાખવામાં ન આવ્યો હોય અને બગડી ગયો હોય. સામાન્ય રીતે સામો ચાર વર્ષ સુધી બગડતો નથી. એને ભેજ લાગે તો એમાં બગાડો થઈ શકે છે.

સામામાં ભેળસેળનું કારણ

નવરાત્રિ દરમ્યાન સામાની વધેલી ડિમાન્ડને કારણે અત્યારે સામાના ભાવ છૂટક બજારમાં વધીને ૬૦થી ૭૦ રૂપિયા જેટલા થઈ ગયા હોવાથી એમાં ભેળસેળ કરવાનું ચાલુ થયું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK