Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રિય પપ્પા - ગુણવંત શાહ

પ્રિય પપ્પા - ગુણવંત શાહ

16 June, 2019 01:26 PM IST |

પ્રિય પપ્પા - ગુણવંત શાહ

ગુણવંત શાહ અને તેમના પપ્પા ભૂષણલાલભાઈ.

ગુણવંત શાહ અને તેમના પપ્પા ભૂષણલાલભાઈ.


અત્યારે આ પત્રની શરૂઆત કરી રહ્યો છું ત્યારે એ દિવસ યાદ આવે છે જ્યારે તમને અંતિમ વખત મળવાની તક પણ હું ગુમાવી ચૂક્યો હતો.

સાવ અનાયાસે.



તમને ખબર છે એ સમયે હું વિનોબા ભાવેએ શરૂ કરેલી ભૂદાનની પદયાત્રામાં જોડાયો હતો અને મારી ગેરહાજરીમાં તમારું અવસાન થયું. અંતિમ એવી એ ક્ષણોમાં મારે તમારી પાસે રહેવાનું હોય એને બદલે હું સમાજની અને રાષ્ટ્રની સેવામાં રસ્તા પર હતો. અંતિમ ક્ષણોમાં હાજર ન રહી શકાયું એ વાતનું જેટલું દુ:ખ છે એટલું જ દુ:ખ એ વાતનું પણ છે કે તમારા અંતિમ સંસ્કાર સમયે પણ હું પહોંચી ન શક્યો અને મારી ગેરહાજરીમાં એ વિધિઓ પૂરી કરવામાં આવી. બાપુજી, એ સમયની વાત આજે તમને કહેવી છે. સ્વાભાવિક રીતે થોડી તો તમને ખબર પણ છે, પણ એમ છતાં આજે એ વાત તમને અંકોડા જોડીને પૂરી કરવાની છે.


ગામડામાં ફરવાનું અને ભૂદાનની માગ સાથે આગળ વધતાં જવાનું. ૧૯૫૭ના એ વર્ષને વિનોબા ભાવેએ ‘સત આવન’ વર્ષ જાહેર કર્યું અને હું તેમના કામમાં હોંશેહોંશે જોડાયો. પદયાત્રાએ જતાં પહેલાં હું તમારા આશીર્વાદ લેવા માટે, તમને પગે લાગવા માટે આવ્યો અને તમે તમારો અણગમો પડખું ફેરવીને વ્યક્ત કર્યો. તમે પડખું ફેરવી લીધું અને હું તમારા આશીર્વાદ લીધા વિના રવાના થઈ ગયો. એક માઇનોર હાર્ટઅટૅક તમે ભોગવી ચૂક્યા હતા અને તમારી સહેજ પણ ઇચ્છા નહોતી કે હું જાઉં, પણ મારે જવું હતું એ પણ એટલું જ નક્કી હતું. હું નીકળી ગયો. તમારા આશીર્વાદ વિના. મનમાં હતું કે વડીલ માથા પર હાથ મૂકે તો આશીર્વાદ આપ્યાની ચેષ્ટા પુરી કરી કહેવાય, બાકી તેમના આશીર્વાદ તો સદાય સાથે જ હોય.

નીકળીને કામ પણ શરૂ કરી દીધું, પણ મન એમ છતાં પણ ભારે હતું અને એ ભારે મન સાથે શરૂ કરવામાં આવેલા કામમાં તબિયતે દગો દીધો અને ભરૂચ પહોંચતાં સુધીમાં શરીરમાં તાવ ભરાઈ ગયો અને મારે નાછૂટકે આરામ કરવા માટે સેવાશ્રમમાં રોકાઈ જવું પડ્યું. રાંદેરથી રવાના થયેલી એ પદયાત્રાનો મૂળ માર્ગ જુદો હતો, જેમાં મારે આ વિશ્રામ લેવો પડે એવી પરિસ્થિતિ હતી. રાંદેરથી ભરૂચ અને ભરૂચમાં વિશ્રામના આ સમયગાળા દરમ્યાન આપનું નિધન થયું અને સૌએ મારી શોધખોળ આદરી, પણ ક્યાંય મારો પત્તો લાગ્યો નહીં. સોળ કલાક, સોળ કલાક સુધી મારી રાહ જોવામાં આવી અને છેલ્લે નાછૂટકે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેના વિશે મને ઘરે પરત આવ્યા પછી ખબર પડી. બાપુજી, જીવનભર આ રંજ સહન કરતો રહ્યો છું અને એ રંજ આમ જ અકબંધ પણ રહેવાનો છે. બધું તમે શીખવ્યું, બધું તમારી પાસેથી સમજાયું. ઉપનિષદથી માંડીને મહાભારત અને રામાયણથી લઈને કૃષ્ણજીવન પર જે કંઈ લખાયું એ બધું તમારા કારણે જ તો શક્ય બન્યું. વાંચનની તમારી આદત અને વાંચ્યા પછી એના પર વિચારો કરવાની તમારી ખાસિયતનો જે વારસો મારામાં આવ્યો એ વારસાનું પરિણામ એટલે આજની મારી લેખન અને વિચારક તરીકેની કારકિર્દી.


એ રંજ યાદ આવે છે ત્યારે ત્યારે બીજી એક ઘટનાની માફી માગવાનું પણ મન થઈ આવે છે. આમ તો એ દિવસે તમારી માફી માગી લીધી હતી અને તમે પણ મને હસતા મોઢે માફ કરી દીધો હતો, પણ એમ છતાં પણ, એ ઘટના જ્યારે પણ યાદ આવે ત્યારે માફી માગવાનું મન થઈ આવતું હોય છે.

આ એ દિવસનો વાત છે જે દિવસોમાં તમને ભગંદર થયું હતું. ભગંદરની બીમારીમાં ઘણું બધું ખાવાની મનાઈ કરી દેવામાં આવતી હોય છે, તમને પણ ખાવાની ના પાડવામાં આવી હતી અને તમારાથી એક દિવસ પાપડ ખવાઈ ગયો અને મેં તમને ઉશ્કેરાટ અને ગુસ્સા સાથે આવી ભૂલ કરવાની ના પાડી. તમને ખોટું લાગી ગયું. મેં જે કંઈ કહ્યું હતું એ કહેવાનો ભાવાર્થ ખરાબ નહોતો, તમારી તબિયત સાથે જોડાયેલી વાત હતી એટલે, પણ મારી કહેવાની રીત ચોક્કસ ખરાબ હશે અને એટલે જ તમને માઠું લાગ્યું હશે. તમારા ચહેરા પરથી જ ખબર પડી ગઈ હતી અને સાંજે મેં તમને પગે લાગીને માફી પણ માગી લીધી. હું પગે લાગ્યો, પણ તમારી આંખમાં આંસુ આવી ગયાં હતાં. તમે ગળે વળગાડીને વાત જતી પણ કરી દીધી, પણ તમારા મનમાં તો એ વાત અકબંધ જ રહી ગઈ હતી, જેની મને બીજા દિવસે તમારા ડૉક્ટર પઠાણસાહેબને મળ્યો ત્યારે ખબર પડી. ડૉ. પઠાણે મને જ નહીં, ઘરમાં બધાને કડક અવાજે કહી દીધું હતું: ‘ખાવાપીવાની બાબતમાં આમને કોઈએ રોકટોક કરવાની નથી, એમને બધું ખાવાની છૂટ છે... અને બધું ખાવા પણ દેવાનું છે.’

બાપુજી, એ દિવસે ડૉ. પઠાણે તમારી સામે આંખ મારી એ પણ મેં જોઈ હતી, પણ એ તમને મેં ક્યારેય કહ્યું નહીં. આજે આ પત્રમાં પહેલી વખત એ વાતનો ખુલાસો કરું છું. એવો જ ખુલાસો બીજો પણ તમને કરવાનો છે, જે છે તમને પ્રેમ કરવાની બાબતનો. તમને પ્રેમ જિંદગીભર કરતો રહ્યો અને એ ક્યારેય પ્રગટ ન કરી શક્યો. એવું જ તમારા માટે પણ હું કહી શકું. તમે પણ ક્યારેય પ્રગટ પ્રેમ કર્યો નહીં, જેનો મને થોડો અફસોસ છે, પણ હા, એ અફસોસ વચ્ચે એ પણ ખબર છે કે જો આજે તમે હયાત હોત તો તમે મારા પ્રત્યેનો એ અપ્રગટ પ્રેમ દર્શાવ્યા વિનાના રહ્યા ન હોત. મારું સાહિત્ય, મારું લેખન અને મારા વિચારોનાં વક્તવ્યો સાંભળીને તમને મારા પર ગર્વ થયો હોત અને એ ગર્વ તમે છુપાવ્યો પણ ન હોત. એ જ રીતે જે રીતે મેં બી.એસસી. પાસ કર્યું અને રિઝલ્ટ લઈને ઘરે આવ્યો ત્યારે મને પ્રેમથી ગળે વળગાડ્યો હતો.

તમે હંમેશાં વાંચન અને અભ્યાસને મહત્વ આપ્યું છે, જેને આજે મેં પણ આપણી આગામી પેઢીમાં જાળવવાની કોશિશ કરી છે. મને યાદ છે કે આપણા રાંદેરના ઘરમાં એક જૂનો કબાટ હતો અને એ કબાટમાં પુસ્તકો રાખવામાં આવતાં. એ બધાં પુસ્તકો તમે વાંચ્યાં અને વાંચી લીધા પછી મને એ પુસ્તકોની વાતો કરી. એ વાતો સમજવાની ક્ષમતા આવી એટલે મેં એ પુસ્તકો વાંચ્યાં અને જ્ઞાનની દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું. આપણે ત્યાં એ જૂનો કબાટ અને એ કબાટમાં રહેતાં પુસ્તકો આજે પણ સચવાયેલાં છે. એ પુસ્તકોને તમારા હાથનો સ્પર્શ કરવાનું નસીબ થયું છે એટલે એને સાચવીને રાખ્યા છે. એ પુસ્તકો અને એ કબાટ તમે મને વારસામાં આપ્યો અને એ જ વારસો હવે વિવેક, મારા દીકરા પાસે તેના મુંબઈના ઘરે છે. મને હજુ પણ યાદ છે કે એ પુસ્તકોની વચ્ચે તમે રૂપિયાની નોટો સાચવી રાખતાં. કડક રહે અને એ બહાને સચવાઈ પણ રહે એવા હેતુથી. તમારાં એ કેટલાંક પુસ્તકોમાંથી તમે સાચવેલી રૂપિયાની નોટો પણ મળી હતી, જે આજ સુધી મેં સાચવી રાખી છે. એ નોટોને જ્યારે પણ હાથમાં લઉં ત્યારે પેલી રેંટિયાવાળી રાત મને યાદ આવે અને એ રાત યાદ આવે એટલે ચહેરા પર વાસ્તવિકતાનું ભાન કરાવ્યાનું સ્મિત પણ આવી જાય.

એ રાતે હું રેંટિયો કાંતતો હતો. નવ વાગ્યે આવીને તમે મને સૂઈ જવાનું કહ્યું. હું મારું કામ કરતો રહ્યો. થોડી વાર પછી તમે આવીને ફરીથી મને સૂવા માટે કહી ગયા. મેં એ શબ્દો પર ધ્યાન નહોતું આપ્યું અને રેંટિયો કાંતવાનું ચાલુ રાખ્યું. દસ વાગ્યે તમે ફરીથી ઓરડામાંથી બહાર આવ્યા અને મને સૂવાનું કહ્યું. મેં આનાકાની કરવાની કોશિશ કરી ત્યારે તમે મને કહ્યું હતું: ‘તારા માથે જે પંદરનો બલ્બ બળે છે એ બલ્બનું બિલ ભરી શકાય એટલુંય તું કમાતો નથી...’

આ પણ વાંચો : પ્રિય પપ્પા - મનોજ જોષી

વાસ્તવિકતા હતી એ, જે સમય આવ્યે સમજાવી પણ જરૂરી હતી. આ કામ પણ તમે કર્યું, જે આજે જ્યારે મને કરવાનું આવે છે ત્યારે સમજાય છે કે એ કામ કરવું કેટલું વિકટ હોય છે. એટલે જ કબૂલ કરું છું કે લાડ લડાવવાં બહુ સહેલાં હોય છે, પણ પ્રેમ અને મમતા દર્શાવ્યા પછી દુનિયાદારી સાથે આગળ વધવાનું શરૂ કરવાનું આવે ત્યારે કઠોર બનીને જે સમજણ આપવી પડતી હોય છે એ અઘરી હોય છે.

તમે એ કામ પણ કર્યું અને એ પણ કુનેહપૂર્વક કર્યું. આજે કબૂલું છું કે હું એટલો સક્ષમ નથી.

બસ, એ જ આપનો

ગુણવંત.

પપ્પા વિશે થોડું

જાણીતા તત્વચિંતક અને સાહિત્યકાર ગુણવંત શાહના બાપુજી ભૂષણલાલ શાહ સુરત પાસે આવેલા રાંદેર ગામના વતની હતા. ગુણવંત શાહનો જન્મ પણ રાંદેરમાં જ થયો હતો. ભૂષણલાલભાઈને ખેતી-વાડી હતી અને તે ખેતી સાથે સંકળાયેલા હતા, જોકે તેમણે એ સમયે પણ મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. ગુણવંત શાહ ૨૧ વર્ષેની ઉંમરે પહોંચ્યા ત્યારે એટલે કે આજથી ૫૮ વર્ષ પહેલાં તેમના બાપુજીનું અવસાન થયું.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2019 01:26 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK