પાપા કહતે હૈં, બડા નામ કરેગા...

Published: Jun 21, 2020, 09:49 IST | Rashmin Shah | Mumbai

આવો મળીએ ટીવી અને ફિલ્મસ્ટાર ભવ્ય ગાંધી અને ભક્તિ કુબાવતના પિતાને

પપ્પા વિનોદ ગાંધી સાથે ભવ્ય, પપ્પા ડૉ. સુરેશ કુબાવત સાથે ભક્તિ
પપ્પા વિનોદ ગાંધી સાથે ભવ્ય, પપ્પા ડૉ. સુરેશ કુબાવત સાથે ભક્તિ

દરેક પિતાની ઇચ્છા હોય છે કે પોતાના સંતાનો પોતાનાથી સવાયા નીકળે. પોતાને જે તકલીફ પડી એ સંતાનોને ન પડે. પોતે જે કપરી મુશ્કેલીઓ ઝીલી એનો ઓછાયો સંતાનો પર ન પડે. બહારથી એકદમ પ્રૅક્ટિકલ અને કડક દેખાતા પિતા પણ અંદરથી સંતાનોની સુખાકારી માટે બહુ ભાવુક હોય છે. જ્યારે દીકરા કે દીકરીના નામે પિતા ઓળખાવા લાગે ત્યારે તેમની છાતી ગજગજ ફુલતી હોય છે. ચાલો એવા કેટલાક સક્સેસફુલ યંગસ્ટર્સને મળીએ જેમણે પપ્પાનું સપનું પૂરું કર્યું છે

માય ડૅડ, માય એન્જલ: ભવ્ય ગાંધી (ટીવી અને ફિલ્મસ્ટાર)

મારું બોર્ન અને બ્રૉટઅપ મુંબઈનું, પણ મારા પપ્પા વિનોદ ગાંધી અમારા મૂળ વતન બનાસકાંઠાના. વર્ષો પહેલાં તેમણે અમારું ગામ કુવાળા છોડ્યું અને મુંબઈ આવ્યા. પપ્પા આવ્યા ત્યારે લિટરલી દોરી-લોટા સાથે આવ્યા હતા, પણ એ પછી તેમણે સ્ટ્રગલ કરીને પોતાની મહેનતથી આજનો આ મુકામ હાંસલ કર્યો છે. જો કોઈને એવું લાગતું હોય કે મેં પણ સ્ટ્રગલ કરી છે તો ના, મારી સ્ટ્રગલ તો કાંઈ નથી. પપ્પાએ લિટરલી એવી સ્ટ્રગલ કરી છે અને અમારા ભાઈઓના બર્થ પછી અમને કોઈ વાતની કમી ન રહે એનું ધ્યાન રાખ્યું છે. પપ્પા બહુ વર્કોહૉલિક એટલે તેઓ સતત કામમાં ખોવાયેલા હોય. પપ્પા બીએમસીના અપ્રૂવ્ડ કૉન્ટ્રૅક્ટર છે તો સાથોસાથ તેઓ કન્સ્ટ્રક્શનમાં પણ જોડાયેલા છે. તેમને શાંતિથી બેસવું ગમે નહીં. ઘરે આવ્યા પછી પણ તેમનું પેપરવર્ક ચાલ્યા કરતું હોય. મે બી, તેમણે સંઘર્ષ કર્યો એની પાછળનું એક કારણ અમે લોકો પણ હોઈએ. અમને બધી હૅપિનેસ મળે, ફૅસિલિટી મળે એ તેઓ હંમેશા જોતા રહે. હું કહીશ કે સતત કામ કરતા રહેવાની મારી જે આદત છે એ મને પપ્પામાંથી મળી છે. 

પપ્પા ક્યારેય ફ્રન્ટમાં ન આવે અને એ વાત વર્ષો સુધી મેં પણ ઇગ્નોર કરી, અજાણતાં. જ્યાં પણ ખુશીની વાત હોય, આનંદ કરવાની વાત હોય ત્યાં પપ્પા હંમેશાં બૅકફુટ પર રહે. આ નેચર કોનો હોય છે ખબર છે તમને? એન્જલનો. હા, પપ્પા મારા એન્જલ છે. મારા જ નહીં, અમારી આખી ફૅમિલીના એન્જલ છે. જ્યારે પણ તકલીફ આવે ત્યારે પપ્પા સૌથી આગળ હોય અને જ્યારે પણ ખુશીની વાત આવે ત્યારે તેઓ સૌથી પાછળ હોય. પપ્પા બધાના ઇનડાયરેક્ટ ટીચર હોય. તેઓ હાથમાં પેન પકડાવીને જીવનના કોઈ પાઠ ભણાવતા નથી, પણ જ્યારે પણ લાઇફમાં ચૅલેન્જ આવે ત્યારે તમને પપ્પાના શબ્દોમાંથી ઍડ્વાઇઝ મળી જાય, રસ્તો મળી જાય અને તમે એ બધું પાર પાડી શકો. પપ્પા ઘણી વાર કોઈ સરસ વાત કહે કે યાદ રાખવા જેવી કોઈ ઍડ્વાઇઝ આપે ત્યારે હું મારી જાતને કહું કે આ ગોલ્ડન વર્ડ્સ છે, લાઇફમાં ગમે ત્યારે કામ લાગશે.

આજે આ ટોપિક પર વાત નીકળી છે એટલે મને યાદ આવે છે કે હું પપ્પા માટે દરેક તબક્કે હાજર હોઉં કે નહીં, પણ એ મારે માટે કાયમ હાજર હોય છે. કામને કારણે મારાથી પપ્પાનો ફોન રિસીવ ન થાય એવું અનેક વખત બને, પણ પપ્પા તો મારા કરતાં પણ બિઝી છે અને એ પછી પણ મને યાદ નથી કે પપ્પાએ મારો ફોન ક્યારેય રિસીવ ન કર્યો હોય, નેવરએવર. પપ્પાને ફોન કરો ત્યારે રિસીવ થાય જ થાય. તેઓ ચીફ મિનિસ્ટર સામે બેઠા હોય તો પણ ફોન રિસીવ થાય અને કમિશનર પાસે ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલતી હોય તો પણ ફોન રિસીવ કરે.

પપ્પાએ કહેલી એક વાત મને કાયમ યાદ રહેવાની છે કે મન હંમેશાં શાંત રાખવાનું અને જીભ પર મીઠાશ રાખવાની. આ શબ્દો તેમણે જ્યારે મને કહ્યા ત્યારે મને ખાસ સમજાયું નહોતું, મે બી, હું નાનો હોઈશ એટલે પણ તેમણે કહ્યું હતું અને મેં સાંભળી લીધું હતું, પણ એ શબ્દોની વૅલ્યુ મને ત્યારે-ત્યારે સમજાય છે જ્યારે-જ્યારે સંજોગો એવા ઊભા થયા છે. જરાકઅમસ્તો ગુસ્સો આવે અને પપ્પાના આ શબ્દો યાદ આવી જાય. કોઈને ચોપડાવી દેવાનું મન થાય અને તરત જ પપ્પાના શબ્દો યાદ આવી જાય. દસેક વર્ષ થઈ ગયાં હશે આ વાતને, પણ આ વાત મારા મનમાંથી ક્યારેય ગઈ નથી. આજે આ વાત મને દરેક જગ્યાએ ઉપયોગી થાય છે. રિલેશનશિપમાં, સેટ પર, દોસ્તો સાથે, વર્કિંગ ટર્મ્સ છે એવા મિત્રો સાથે, ફૅમિલીમાં અને અનેક વખત મને મારા ફૅન્સ સાથે પણ આ વાત રિલેટ થાય છે. આ એક જ ઍડ્વાઇઝમાં મને પપ્પાએ જાણે કે આખો વારસો આપી દીધો છે. સાચું કહું તો આ એક વાક્ય મારે માટે બ્રહ્મવાક્ય જેવું બની ગયું છે.

પપ્પા સાથે હમણાં લૉકડાઉનમાં આ વિશે વાત થઈ ત્યારે સમજાયું કે તેમને આ ઍડ્વાઇઝ તેમના પપ્પા પાસેથી મળી હતી. મુંબઈ જેવા શહેરમાં માત્ર બે હાથ અને બે પગ લઈને આવીને આજે જેકંઈ છે એ બધું ઊભું કરવામાં તેમને આ જ ઍડ્વાઇઝ કામ લાગી હતી. કોઈ જાતનો ઈગો વચ્ચે આવે જ નહીં, જો તમે મનમાં એટલું રાખો કે ગુસ્સે થવું નથી અને કડવું લાગે એવું બોલવું નથી.

પપ્પા સાથે રહેવાનું બહુ ઓછું બન્યું છે. રૂટીનમાં જોઈએ તો પણ પપ્પા સાથે સૌથી ઓછું રહેવાનું બનતું હોય. બાળકોને સવારે સ્કૂલ હોય એટલે તેઓ નીકળી જાય અને પપ્પા કામે નીકળી જાય. રાતે થોડી વાર મળી શકાય તો સદ્નસીબ, બાકી સવારે પાંચ-દસ મિનિટ સ્કૂલ જતાં પહેલાં મળવામાં આવે એટલું જ. મારા કેસમાં તો આ વાત વધારે ડિફિકલ્ટ હતી. હું નાનો હતો ત્યારથી જ સિરિયલનું શૂટ ચાલુ થઈ ગયું હતું. પપ્પા તેમના કામમાં બિઝી અને હું મારા કામમાં. શૂટ ચાલુ હોવાથી બનતું એવું કે રેર સાથે બેસી શકીએ પણ હમણાં-હમણાં બે ઘટના એવી ઘટી જેમાં મને પપ્પા સાથે રહેવા મળ્યું.

થોડા સમય પહેલાં મારા પપ્પા બીમાર પડ્યા અને તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા. એ દિવસો મારે માટે બહુ ખરાબ હતા. મને હૉસ્પિટલમાં તેમની એકેક વાત યાદ આવતી અને એ દરેક વાત મને તોડવાનું કામ કરતી. સાથે રહેવા મળ્યું હોય એવી બીજી ઘટના એટલે આ લૉકડાઉન. લૉકડાઉનની વાત કરતાં પહેલાં તમને એક વાત કહું. દરેક દીકરાઓ તેની મમ્મીના લાડકા હોય એ આ સૃષ્ટિનો વણલખ્યો નિયમ છે. મેં જ્યારથી કામ શરૂ કર્યું ત્યારથી મમ્મી સાથે ને સાથે જ હોય એટલે બને એવું કે સ્કૂલમાં કે પછી સેટ પર શું બન્યું એની વાતો મમ્મી સાથે થાય. ચર્ચા પણ મમ્મી સાથે થાય. હું નવું શું કરવા ઇચ્છું છું એની પણ મમ્મીને ખબર હોય અને એ પછી પણ હું જેકંઈ નવું કરું એ બધું જોવા માટે પપ્પા સૌથી પહેલાં ઊભા હોય. પપ્પા મારી દરેક ફિલ્મ પાંચ-સાત વખત જુએ, એટલું જ નહીં, તેઓ પોતાના ફ્રેન્ડ્સને અને ફ્રેન્ડ્સની ફૅમિલીને પણ ફિલ્મ જોવા મોકલે. શક્ય હોય તો તેઓ તેમની સાથે પણ ફિલ્મ જોવા જાય. પપ્પાને ફિલ્મોનો એવો કોઈ શોખ નથી છતાં. તમે માનશો નહીં, મારી ફિલ્મોને બાદ કરતાં પપ્પાએ પોતાની આખી લાઇફમાં માંડ ૮-૧૦ ફિલ્મો જોઈ હશે.

લૉકડાઉનમાં મેં તેમને પરાણે ફિલ્મો જોતા કર્યા. પરાણે સાથે ફિલ્મ જોવા બેસાડવાના. સાચું કહું તો આ સમયમાં મને ખબર પડી કે પપ્પાને ફિલ્મો બહુ ગમે છે, પણ તેમણે પોતાના એ શોખને પણ અમારે લીધે ડેવલપ થવા દીધો નહીં. ‘રાઝી’ જોતી વખતે બે કલાક સુધી તેઓ જે રીતે સ્ક્રીન સામે ચોંટી ગયા હતા એ જોઈને હું તેમને જોતો જ રહી ગયો હતો. ચાર-છ દિવસના આ રૂટીન પછી તો એવું બનવા માંડ્યું કે સવાર પડતાં જ પપ્પા મને કહે કે, આજે કઈ ફિલ્મ જોવાની છે? હું જવાબ આપું એ પહેલાં તો તેઓ પોતે ફિલ્મ શોધવા લાગી જાય. આ પપ્પા જ કરી શકે. શોખ મારી પણ શકે અને દીકરાને ખુશ કરવા માટે તેઓ ફરીથી શોખને જીવતો પણ કરી શકે. હા, હવે મેં નક્કી કર્યું છે કે પપ્પાનો આ શોખ હવે અકબંધ રહેશે. બધું શરૂ થઈ જશે એ પછી હું પપ્પાને લઈને થિયેટરમાં ફિલ્મ જોવા જઈશ અને તેમને અમારું રૂટીન બનાવીશ. પ્રૉમિસ પપ્પા.

મારી સ્ટોરીનું હૅપી એન્ડિંગ એટલે પપ્પા: ભક્તિ કુબાવત (ટીવી અને ફિલ્મસ્ટાર)

પપ્પા આમ શાંત, સૉફ્ટ સ્પૉકન અને એકદમ સરળ સ્વભાવના. મેડિકલ ફિલ્મ સાથે જોડાયેલા, ડૉક્ટર સુરેશ કુબાવત. જૂનાગઢમાં અમારી હૉસ્પિટલ છે અને એ સમયથી લઈને આજ સુધી હું પપ્પાને જોતી આવી છું. જૂનાગઢમાં સારામાં સારી કહેવાય એવી હૉસ્પિટલ અને એ પછી પણ સૌને પરવડે એવી ફી જ પપ્પા લે. એટલું જ નહીં, જરૂરિયાત હોય એવા લોકોના દવાના પૈસા પણ ન લે અને તેઓ જતા હોય ત્યારે તેમને આર્થિક સહાય પણ કરે. આ બધું હું નાની હતી ત્યારથી જોતી આવી છું. ઑપરેશન અનિવાર્ય હોય અને એ તેમને પરવડે એમ ન હોય તો પપ્પા પોતાના સર્જ્યન ફ્રેન્ડને ફોન કરીને પૈસા લેવાની ના પણ પાડી દે અને બિલ પોતાને મોકલવાનું કહે. પપ્પાએ લોકોનું કામ ખૂબ કર્યું છે. પ્રોફેશનલી કરીઅર ચાલુ હતી ત્યારની આ વાત છે. હવે તો પપ્પાએ પોતાની જાત જ સોસાયટીને આપી દીધી છે એવું કહું તો ખોટું નથી. અત્યારે પપ્પા વડોદરા નજીકના ગોરજ ગામના મુનિ સેવા આશ્રમમાં સેવા આપે છે. પપ્પા પ્રમુખસ્વામી મહારાજથી લઈને મોરારિબાપુ અને બીજા અનેક જૈન મુનિઓના ડૉક્ટર રહ્યા છે અને હું માનું છું કે એ સંત મહાનુભાવોને લીધે જ પપ્પા આટલા સૌમ્ય રહી શક્યા હશે. સૌમ્ય પણ જો વાત અમારી આવે તો પપ્પા ફાઇટર બની જાય એ પણ એટલું જ સાચું.

મારો જન્મ આફ્રિકામાં થયો, પણ પછી અમે ઇન્ડિયા આવી ગયાં. જૂનાગઢ નેટિવ એટલે ત્યાં જ એજ્યુકેશન શરૂ થયું, પણ હું ઇલેવન્થમાં આવી ત્યારે પપ્પાએ જ નક્કી કર્યું કે અમને એક્સપોઝર મળે અને એને કારણે તેમણે અમને ભાઈ-બહેનોને ભણવા માટે વડોદરા મોકલ્યાં. પપ્પાની ઇચ્છા કે અમને નવું કલ્ચર જોવા-જાણવા મળે, નવા લોકો અને નવી જગ્યા અમે એક્સ્પ્લોર કરીએ. મમ્મી પણ અમારી સાથે વડોદરા આવીને રહે અને એ પણ પપ્પાની જ ઇચ્છા. પોતે જૂનાગઢમાં સાવ એકલા રહ્યા, માત્ર અમારા માટે અને એ પછી પણ કોઈ દિવસ ફરિયાદ નહીં. અમે જ્યારે પણ ફોન કરીએ, પપ્પા હૉસ્પિટલમાં જ હોય. રાતે ૧૧ વાગ્યે પણ તેઓ હૉસ્પિટલમાં મળે અને સવારે સાત વાગ્યે પણ તેઓ ત્યાં જ જોવા મળે. એક બીજી વાત પણ કહું તમને, મારા મામાના બે દીકરા પણ અમારી સાથે રહે એટલે પપ્પાને ટેક્નિકલી ત્રણ નહીં, પણ પાંચ સંતાન, અને પપ્પા બધા માટે એટલા જ પ્રોટેક્ટિવ, પઝેસિવ.

પહેલાં મારે પણ ડૉક્ટર બનવું હતું અને દરેક ડૉક્ટર-પેરન્ટ્સ ઇચ્છતા પણ હોય કે તેમનાં સંતાનો ડૉક્ટર બને. મારી વાત કહું તો ટ્વેલ્થ સુધીમાં મને બિઝનેસ-મૅનેજમેન્ટ અપકમિંગ ફીલ્ડ લાગ્યું એટલે મેં બીબીએમ કરવાની વાત કરી તો પપ્પાએ વાત સ્વીકારી લીધી, એટલું જ નહીં, બૅન્ગલોરની બેસ્ટ મૅનેજમેન્ટ કૉલેજમાં તેમણે મને ભણવા માટે મોકલી. એ સમયે મારી ઇચ્છા એવી હતી કે હું કંઈક કામ કરું. ખર્ચ કાઢવાની તો નૅચરલી કોઈ વાત નહોતી, પણ એક્સ્પીરિયન્સ અને અર્નિંગ કે પછી કહો સેવિંગ્સના હેતુથી જ મને આવી ઇચ્છા થઈ હતી. મેં પપ્પાને પૂછ્યું તો એમાં પણ ના નહીં. મને ખબર હતી કે મારા બે-ચાર હજાર રૂપિયા પપ્પાની ઇન્કમ સામે કશું દેખાવાના નથી, પણ તેમણે મને પ્રોત્સાહન મળે એ માટે જ હા પાડી. આ જ પિરિયડમાં મને પહેલી ઍડની ઑફર થઈ. બન્યું એવું કે બૅન્ગલોરની કૉલેજમાં અમુક ચોક્કસ સમયાંતરે નવા ફેસની શોધ થયા કરતી હોય, જેને ઍડ-એજન્સી ચાન્સ આપે. આવું જ એક ઑડિશન અમારી કૉલેજમાં આવ્યું અને મેં એમ જ ટાઇમપાસ માટે ઑડિશન આપ્યું અને હું સિલેક્ટ થઈ ગઈ. મને ટીવી અને પ્રિન્ટ મીડિયાના કૅમ્પેન માટે પસંદ કરવામાં આવી, પણ આ કામ પપ્પાને ગમશે કે નહીં એનું મને ટેન્શન હતું. મેં હા પાડતાં પહેલાં પપ્પાને ફોન કર્યો. આખી વાત પપ્પાએ સાંભળી, એક પણ શબ્દ બોલ્યા વિના. ઘરમાં આવું તો કોઈ કલ્ચર હતું નહીં એટલે મને અંદરથી બહુ ડર હતો, પણ આખી વાત સાંભળીને એટલું જ કહ્યું, તારી ઇચ્છા છેને, કર...

આઇપીએલની એ ઍડ હતી. રૉયલ ચૅલેન્જર્સ ટીમનું એ કૅમ્પેન હતું અને મેં મારી લાઇફની પહેલી ઍડ કરી. વાત ક્રિકેટની, પણ એમાં પણ વાત તો દારૂની કંપનીની જ હતી. મારા તો મનમાં પણ આ વાત નહોતી, પરંતુ મારી એક નૉન-ગુજરાતી ફ્રેન્ડે મને આ કહ્યું એટલે મને ટેન્શન થયું. ઍડ તો શૂટ થઈ ગઈ હતી, પ્રિન્ટ ઍડ પણ તૈયાર હતી. મારી પાસે એ બધું આવ્યું એટલે મેં પહેલું કામ પપ્પાને મોકલવાનું કર્યું. મનમાં બહુ ડર હતો, પણ પપ્પા એ જોઈને ખૂબ ખુશ થયા. તેમનો હરખ સમાતો નહોતો. દુનિયામાં જ્યાં પણ તેમના ફ્રેન્ડ્સ હતા એ બધાને તેમણે એ ઍડ મોકલી આપી. એ કૅમ્પેન માટે મને પપ્પાને ડેઇલીની જે ઇન્કમ છે એના કરતાં પણ ઓછા પૈસા મળ્યા હતા, પણ મને ફોન કરીને કહે, હવે તારે તારા પૈસાની પાર્ટી આપવાની છે.

એ પછી તો મૉડલિંગ-કરીઅરને મેં આગળ વધારી અને દરેક વખતે મેં પપ્પા સાથે વાત કરી. પપ્પા ખુશીખુશી હા પાડે. ના પાડવાની કોઈ વાત જ નહીં. મમ્મી ક્યારેક ના કહેવા જાય તો પણ તેઓ તરત જ કહી દે, મારી દીકરીની મને ખબર છે. તેને જે કરવું હોય એ કરશે. હું ભણવા માટે ગુજરાતની બહાર નીકળી એ પછી પપ્પા અમુક બાબતમાં બહુ પન્ક્ચ્યુઅલ થઈ ગયા હતા. તેમણે જ મને શીખવ્યું છે કે હું જ્યારે પણ ટ્રાવેલ કરતી હોઉં ત્યારે ડ્રાઇવરનું નામ, ગાડી-નંબરથી માંડીને લોકેશન શૅર કરવાનું. ઘણી વાર તો હું અજાણી જગ્યાએ જતી હોઉં તો પપ્પા પોતાનો ફોન પણ મારી સાથે ચાલુ રાખે. વાતો કર્યા કરે. કોઈ કામની વાત ન હોય, પણ તેઓ વાતો ચાલુ જ રાખે. હું સમજી જાઉં કે તેમને અત્યારે ચિંતા થાય છે એટલે વાતો કરીને મારી સાથે રહે છે. પપ્પા કહે નહીં, પણ તેમને લાગણી બહુ. મે બી, આ બધા પપ્પાની ખાસિયત હશે. તેઓ મનમાં બહુ રાખે અને જ્યારે જરૂર પડે ત્યારે સુપરપાવર બનીને બાજુમાં ઊભા રહી જાય.

મને યાદ છે કે જ્યારે મને પહેલી ફિલ્મની ઑફર આવી ત્યારે મારી પાસે બે ઑપ્શન હતા ઃ જૉબ કે ફિલ્મ? બહુ સારી અને મોટી કંપનીમાંથી જૉબની ઑફર હતી અને સામે ફિલ્મ હતી. મને ઑફર આવી, મેં સ્ક્રિપ્ટ વાંચી, સારી હતી એટલે મેં ડાયરેક્ટરને કહ્યું કે ફિલ્મ કરવાની મારી ઇચ્છા છે પણ પપ્પા હા કહેશે તો. ડિરેક્ટર જ સામેથી મારા પપ્પાને મળ્યા, આખી સ્ક્રિપ્ટ તેમને સંભળાવી અને એ સાંભળીને પપ્પાએ મને ફિલ્મની હા પાડી. મારી ફિલ્મ હતી ‘બસ એક ચાન્સ’. પપ્પાએ મને પણ ફિલ્મો માટેનો ચાન્સ આપ્યો એવું કહું તો ચાલે. પપ્પાની એક વાત મને ક્યારેય ભુલાવાની નથી. પપ્પાએ ફિલ્મ સાઇન કરવાના દિવસે કહ્યું હતું, ભક્તિ લાઇફ એક વાર મળશે. એનો સદુપયોગ કરીશ તો એક જ લાઇફમાં ઘણીબધી લાઇફની નામના મેળવી શકીશ.

નિષ્ફળતાથી ક્યારેય ડરવું નહીં એ પણ પપ્પાએ જ શીખવ્યું છે. આજે પણ ફિલ્મની સ્ક્રિપ્ટની ચર્ચા હું પપ્પા સાથે કરું. પપ્પા ઘણી વાર કહી પણ દે કે ફિલ્મ ચાલશે કે નહીં એની ખબર નથી, પણ તને કામ કરવાની તક મળશે, આ ફિલ્મ તું કરી લે. પપ્પા અને મમ્મી. હું કહીશ કે મારી લાઇફમાં મમ્મી મારું હાર્ટ છે તો પપ્પા મારું બૅકબોન. તેઓ મને સ્ટ્રૉન્ગ ઊભા રહેતાં શીખવે છે અને તેઓ જ મને સમજાવે છે કે લાઇફને કેવી રીતે એક્સપ્લોર કરવાની છે. મમ્મીની જ્યાં પણ ના આવે ત્યાં પપ્પાની મને હા જ હોય. એનું કારણ પણ મને ખબર છે. તેઓ હંમેશાં એવું કહે કે દીકરીની ઇચ્છા છે એટલે તો એ પૂછવા આવી છે તો પછી ના પાડીને શું કામ વાતને બગાડવાની. પપ્પાની એક ફિલોસૉફી મને હંમેશાં ગમી છે. તેઓ હંમેશાં એવું કહે કે હા પાડવાથી સામેની વ્યક્તિની જવાબદારી વધતી હોય છે તો પછી ના પાડવી જ શું કામ જોઈએ.

પપ્પા મારા ટ્રુ હીરો છે, એ હીરો વિનાની મારી સ્ટોરીમાં હૅપી એન્ડિંગ શક્ય જ નથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK