પિતાની મિલકતમાંથી હક માગતી દીકરીને બાપનું કરજ ચૂકવવામાં હક માગવાનું શું કામ નથી સૂઝતું?

Published: 6th August, 2012 06:19 IST

સામાજિક પરંપરા અલગ છે અને કાનૂની વ્યવસ્થા જુદી છે. પોતાના સ્વાર્થ માટે બન્નેનો લાભ લેવાની લાલચ રાખવી એ તો લુચ્ચાઈ છે

amrut-manthanમન્ડે-મંથન - રોહિત શાહ

બાપની મિલકતમાંથી પોતાનો કાયદેસર હિસ્સો માગતી દીકરીના અનેક કિસ્સા તમે વાંચ્યા-સાંભળ્યાં હશે, પરંતુ બાપ દેવું (કરજ) મૂકીને ગયો હોય અને દીકરાઓ એના હપ્તા ચૂકવતા હોય ત્યાં કોઈ દીકરીએ પોતાના હિસ્સામાં આવતું દેવું ચૂકવવાની તૈયારી બતાવી હોય એવો એક પણ કિસ્સો કદી ક્યાંય વાંચ્યો-સાંભળ્યો છે ખરો?

શું કાયદો એકતરફી જ છે? જે દીકરીને બાપની મિલકતમાં દીકરા જેટલો જ હક હોય, તે દીકરીનો બાપનું કરજ ચૂકવવામાં કશો હિસ્સો નથી હોતો? કોઈ દીકરીએ આજસુધીમાં કેમ એવો હિસ્સો માગ્યો જ નથી?

કેમ જરૂર નથી?

એક તરફ કાનૂન હોય છે તો બીજી તરફ સામાજિક પરંપરા હોય છે. આપણે ત્યાં સામાજિક પરંપરા એવી છે કે દીકરીને સાસરે વળાવ્યા પછી તેનો બાપની મિલકત પર કશો હક હોતો નથી. દીકરીને પારકી થાપણ કહેવામાં આવી છે. આપણી સામાજિક પરંપરા તો એટલી હદ સુધીની છે કે દીકરીના ઘરનું પાણીયે બાપ ન પીએ. પોતાના કારણે દીકરીના ઘેર જરાય આર્થિક ઘસારો ન પડવો જોઈએ એવું દરેક બાપ, સામાજિક પરંપરાથી સમજતો હોય છે. કદાચ કોઈ કારણસર દીકરીને જરાય ઘસારો આપ્યો હોય તો બાપ દીકરીના હાથમાં થોડીક રકમ મૂકીને વિદાય લેતો હોય છે. દર વર્ષે દીકરીને સાસરવાસરૂપે કંઈક રકમ આપવાની, દીકરીનું સંતાન પરણે ત્યારે મોસાળું કરવાનું, સાસરેથી દીકરી અવનારનવાર પેરન્ટ્સને મળવા પિયર આવે ત્યારે તેને જવા-આવવાનું ભાડું આપવાનું, હોળી-દિવાળી જેવા તહેવારોમાં દીકરીને ઘેર મીઠાઈ મોકલવાની, વેકેશનમાં દીકરી પોતાનાં સંતાનો સાથે પિયરમાં થોડા દિવસ રહેવા આવે ત્યારે તેને ખુશ રાખવાની, ભાઈનાં લગ્ન હોય ત્યારે દીકરી-જમાઈને ખાસ વ્યવહારો ચૂકવવાના, આ ઉપરાંત અનેક સામાજિક પરંપરાઓમાં દીકરીને છૂટક-છૂટક લાભ આપવાનાં નિમિત્તો ગોઠવેલાં છે. એનું કારણ એટલું જ છે કે એ સિવાય દીકરીને બાપની મિલકતમાંથી કશો હિસ્સો આપવાનો હોતો નથી.

સ્વાર્થનાં સમીકરણો

હવે જો કોઈ દીકરી સામાજિક પરંપરા પ્રમાણે પોતાના તમામ હકો લઈને બેઠેલી હોય છતાં પછીથી બાપની મિલકતમાંથી કાનૂની હક માગવા આવે ત્યારે તે કેવી ભૂંડી, સ્વાર્થી અને કપટી લાગે? કેટલાક કિસ્સામાં દીકરીની એવી દાનત નથી હોતી, પણ જમાઈરાજા તેને એમ કરવા દબાણ કરતા હોય છે. જે હોય એ, પણ દીકરીએ કાં તો સંપૂર્ણપણે કાયદા મુજબના હકો મેળવવા જોઈએ કાં તો પછી સામાજિક પરંપરા મુજબના લાભ લેવાના હોય. બન્ને લાભ લેવાની લુચ્ચાઈ તેણે ન બતાવવાની હોય. જ્યાં આવાં સ્વાર્થનાં સમીકરણો ગોઠવાય ત્યાં સંબંધોની સુવાસ અને ઉષ્મા શી રીતે ટકી શકે?

દીકરો શા માટે?

આપણી સામાજિક પરંપરા અનુસાર બાપની મિલકતના વારસદાર તરીકે માત્ર દીકરાઓને જ માન્ય કરેલા છે. એની સામે દીકરાઓને માથે કેટલીક વધારાની જવાબદારીઓ પણ મૂકવામાં આવી છે, જેમ કે મા-બાપ વહેલાં મૃત્યુ પામે ત્યારે નાનાં ભાઈ-બહેનોની સંપૂર્ણ જવાબદારી મોટો ભાઈ ઉઠાવે છે. ઘરડાં મા-બાપને દીકરાઓ જ રાખે છે અને તેમની સારસંભાળ, દવા-દારૂનો સમગ્ર ખર્ચ પોતે જ ઉઠાવે છે. એટલું જ નહીં, પરણેલી બહેન-દીકરીઓને ત્યાં સઘળા વ્યવહારો પણ ભાઈએ જ કરવાના હોય છે. મા-બાપ છેલ્લે જો કરજ મૂકીને ગયાં હોય તો દીકરાઓએ જ એ ચૂકવવાનું હોય છે. એટલું જ નહીં, મા-બાપના અવસાન પછી તેમના કારજ (મરણોત્તર વ્યવહારો) પણ દીકરાઓએ જ પાર પાડવાના હોય છે. આજ સુધી મેં એક પણ કિસ્સો એવો નથી સાંભળ્યો કે જેમાં ભાઈઓએ પોતાના બાપનું દેવું ચૂકવવામાં બહેન પાસેથી કશી અપેક્ષાય રાખી હોય.

સંકટ સમયે

એક બીજી વાત તરફ પણ ધ્યાન આપવું જોઈએ. સપોઝ એક બાપને બે-ત્રણ દીકરા છે. પહેલા દીકરાનાં લગ્ન વખતે ફૅમિલીની આર્થિક સ્થિતિ સમૃદ્ધ હોવાથી તેનાં લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા હોય. મોટી વહુને લગ્ન વખતે વીસ-ત્રીસ તોલા સોનાના દાગીના આપેલા હોય. ત્યાર પછી બીજા-ત્રીજા દીકરાનાં લગ્ન વખતે જો ફૅમિલીની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હોય તો મોટી વહુને આપેલા દાગીનામાંથી થોડાક પાછા લઈને બીજી વહુને આપી શકાતા, પરંતુ દીકરીને તો જે કંઈ આપ્યું એ સાસરે લઈને જાય છે. પછી તેની પાસેથી કશુંય પાછું લેવાનું-મેળવવાનું રહેતું નથી.

માત્ર હક મેળવવા માટે કાયદાનું શસ્ત્ર લઈને ફરનારી બહેનો-દીકરીઓ જ્યારે ફરજ નિભાવવાની હોય ત્યારે કેમ ભૂગર્ભમાં સંતાઈ જતી હોય છે? ઘરડાં મા-બાપના ઝાડો-પેશાબ સાફ કરવા કેમ કોઈ નણંદ ભાભીની પડખે ઊભી રહેતી નથી?

આદર્શ દીકરીઓ પણ છે

વચ્ચે એક સ્પષ્ટતા કરી લઉં કે કેટલીક બહેન-દીકરીઓ એવી ખાનદાન અને સંસ્કારી હોય છે કે મા-બાપની સંભાળ રૂડી રીતે લેતી હોય છે. તેનાં સાસરિયાં અને જમાઈ એવાં પ્રેમાળ હોય છે કે તેનાં મા-બાપને પોતાને ત્યાં જ લાવીને રાખે છે. એવી બહેન-દીકરીઓ પણ સંસારમાં છે કે જે ભાઈની આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે તેની પાસેથી કશી અપેક્ષા નથી રાખતી. ઊલટાની ખાનગીમાં તેને હેલ્પ કરતી હોય છે. પોતાના ભાઈનું સમાજમાં જરાય ખરાબ ન દેખાય એ માટે બહેન તેનું વારંવાર ઉપરાણું લેતી રહે છે. પોતે તકલીફ વેઠીનેય, મહેણાં-ટોણાં સહન કરીનેય ભાઈનું સુખ ઝંખતી બહેન-દીકરીઓ પણ આ સંસારમાં ઓછી નથી, પરંતુ અહીં માત્ર એવી બહેન-દીકરીઓની વાત કરવી છે, જેઓ સામાજિક અને કાનૂની બન્ને તરફના લાભ લેવાની લાલચુ અને લુચ્ચી છે.

ખોટી ચડામણી

ક્યારેક સાસરેથી બે-ચાર દિવસ માટે પેરન્ટ્સને મળવા પિયર આવેલી બહેન-દીકરીઓ જતાં-જતાં એવી દીવાસળી ચાંપતી જાય છે કે ઘરમાં ભડકા ઊઠે. ભાભી તારા માટે આટલુંય નથી કરતી? ભાભી ઘરમાં કેવી અવ્યવસ્થા રાખે છે? ભાભીની રસોઈ તો મોઢામાંય ન જાય એવી છે, તમે કઈ રીતે ખાવ છો? ભાભી નોકરી કરે છે એમાં આટલો રોફ શેનો મારે છે? ભાભી તો મારા ભાઈનુંય કંઈ સાંભળતી નથી. આવા તો કેટલાય પલીતા ચાંપીને બહેન-દીકરીઓ જતી હોય છે. એમાં કેટલીક બહેન-દીકરીઓ તો એટલી નફ્ફટ હોય છે કે પોતાના સાસરામાં પોતે પોતાનાં સાસુ-સસરાને સાથે રાખતી જ ન હોય. રાખે તો ઠેબે ચઢાવતી હોય. સાસુ-સસરાની સેવા કરવાને બદલે તેમની પાસે વેઠ કરાવતી હોય! એવાં બહેનબા પિયર આવીને ભાભીની વિરુદ્ધમાં કાનભંભેરણી કરવામાં શૂરાતન ધરાવતાં હોય. મહિને એકાદ વખત પિયર જઈને પેરન્ટ્સને ભાવતી વાનગી આપી આવે અને વહાલાં થઈ આવે. પેરન્ટ્સને દીકરીની લાગણી દેખાય, તેની રાજરમત ન દેખાય. આવી સ્થિતિમાં પેરન્ટ્સે જ પોતાની દીકરીને કહી દેવું જોઈએ કે બેટા, તારે અમારા ઘરની કોઈ વાતમાં ટાંગ અડાડવાની જરૂર નથી. મારી પુત્રવધૂ અમને સારી રીતે સાચવે છે. અમને તેની સામે કોઈ શિકાયત નથી તો તું શા માટે ડહાપણ કરે છે. તું તારાં સાસુ-સસરાને સારી રીતે રાખે એટલું ઇનફ છે, બેટા!

આટલી ખાનદાની બતાવજો!

બહેન-દીકરીની વાત આવે છે એટલે મોટા ભાગના પેરન્ટ્સ ગળગળા અને લાગણીશીલ થઈ ઊઠે છે. ભાઈ પણ સમાજમાં આબરૂ સાચવવા માટે મૂંગા મોઢે બહેનના જુલમ વેઠી લે છે. ક્યારેક ભાભી કંટાળીને આકરાં વેણ કહે તો તે કડવી લાગે છે. તેને પારકી જણી કહીને અલગ પાડવામાં આવે છે, પરંતુ જેને દાઝતું હોય તે ક્યાં સુધી ચૂપ રહે? ક્યારેક તો તે પોતાની જીભ ખુલ્લી મૂકેને! બહેન-દીકરીઓને એક જ વાત કહેવી છે કે પિયર જાઓ ત્યારે બિનજરૂરી પલીતા ન ચાંપશો. ખોટા પ્રશ્નો ઊભા કરીને પિયરિયાંને દુ:ખી ન કરશો. તમારે જો બાપની મિલકતમાંથી કાનૂની હક મેળવવો હોય તો તમે સામાજિક પરંપરા અનુસાર જે લાભો મેળવી લીધા છે એ પરત કરવાની ખાનદાની બતાવજો! બેસવા માટેની એક ડાળને સલામત રાખજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK