હરિયાણામાં ખેડૂતોના આંદોલને ઉગ્ર સ્વરૂપ લીધુ

Published: 26th November, 2020 17:09 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પંજાબના પ્રદર્શનકારીઓએ હરિયાણા બોર્ડર પર બેરિકેડ્સ નદીમાં ફેંકી દીધા અને પથ્થરમારો કર્યો.

તસવીર સૌજન્યઃ એએનઆઈ
તસવીર સૌજન્યઃ એએનઆઈ

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આજે દિલ્હી ચલો આંદોલનની શરૂઆત કરી છે. પંજાબની પાસે આવેલી હરિયાણા બોર્ડર પર ગુરુવારે હિંસક દેખાવ થયા હતા.

પંજાબના પ્રદર્શનકારીઓએ હરિયાણા બોર્ડર પર બેરિકેડ્સ નદીમાં ફેંકી દીધા અને પથ્થરમારો કર્યો. ત્યારપછી પોલીસે દેખાવકારીઓને કંટ્રોલ કરવા માટે પાણીથી અટેક અને ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. નવા કૃષિ બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા બે મહિનાથી રસ્તા પર છે.

અંબાલા પાસે શંભૂ બોર્ડર પર દેખાવકારી ખેડૂતોને અટકાવવા માટે પોલીસે વોટર કેનન ચલાવ્યું, પછી ટીઅર ગેસના સેલ છોડ્યા હતા.

દેશની રાજધાની દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે, કેન્દ્ર સરકારના ત્રણ ખેતી બિલ ખેડૂતો વિરોધી છે. આ બિલા પાછું લેવાની જગ્યાએ ખેડૂતોને શાંતિપૂર્ણ દેખાવ કરવાથી અટકાવવામાં આવી રહ્યાં છે, તેમની પર વોટર કેનન ચલાવવામાં આવી રહી છે. ખેડૂતો પર આ અપરાધ એકદમ ખોટો છે. શાંતિપૂર્વ દેખાવ તેમનો બંધારણીય અધિકાર છે.

પ્રિયંકા ગાંધીએ પણ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું.

કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, નવો કૃષિ કાયદો સમયની માગને હિસાબે લાવવામાં આયો છે. આગામી સમયમાં આ ક્રાંતિકારી ફેરફાર લાવશે. અમે પંજાબમાં સચિવ સ્તરે ખેડૂત ભાઈઓના ડાઉટ ક્લિયર કરવા માટે વાતચીત 3 ડિસેમ્બરે કરવાના છીએ.

આંદોલનકારોએ પંજાબ-હરિયાણાની બોર્ડર ઉપર ધમાલ કરી હતી.

દિલ્હી-હરિયાણા સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી-ફરિદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત CRPFની 3 બટાલિયન તહેનાત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આવતા-જતા દરેક વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. હોમગાર્ડના જવાનો પણ તહેનાત છે. સીનિયર ઓફિસર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. 

હરિયાણા સરકારે એક મોટો નિર્ણય લેતા કહ્યું કે, ખેડૂત આંદોલન ચાલુ રહેશે તો રાજ્યની રોડવેઝની કોઈ બસ પંજાબ નહીં જાય. તે ઉપરાંત દરેક ડેપોને 5-5 વધારાની બસો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અંબાલાના મોહડામાં ભાકિયૂના પ્રદેશ અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢૂનીના નેતૃત્વમાં રાજ્યમાં ઘણાં જિલ્લાના ખેડૂતો ભેગા થયા છે. તેમણે આગળ વધવાનો પ્રયત્ન કરતાં પોલીસે તેમને રોક્યા હતા.

આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ખેડૂતોએ બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ત્યારે હરિયાણા પોલીસે ખેડૂતોને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. જ્યારે બીજી બાજુ દિલ્હી પોલીસ કહી ચૂકી છે કે, જો કોરોના દરમિયાન ખેડૂતો દિલ્હી આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તે વિશે ખેડૂતોએ કહ્યું છે કે, તેમને રોકવામાં આવશે તો તેઓ દિલ્હી જતો રસ્તો રોકી લેશે.

સપ્ટેમ્બરમાં સરકારે કૃષિ સુધારા માટે 3 કાયદા ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ; ધ ફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન)એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસેસ એક્ટ અને ધ એસેન્શિયલ કમોડિટીઝ(અમેન્ડમેન્ટ)કાયદો બનાવ્યો હતો. જેના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂત છેલ્લા બે મહિનામાં રસ્તા પર છે.ખેડૂતોને લાગે છે કે સરકાર ટેકાના ભાવને નાબૂદ કરવાની છે, જ્યારે વડાપ્રધાન પોતે આ વાતને નકારી ચુક્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK