દેશભરમાં કોઈ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ રીતે ખેડૂતોનો ચક્કાજામ સંપન્ન

Published: 7th February, 2021 13:12 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

સરકારે સાવચેતીરૂપે દિલ્હી બૉર્ડર પર ૫૦,૦૦૦ જવાન તહેનાત કર્યા હતાઃ યુપી અને ઉત્તરાખંડમાં તોફાનો થવાની આશંકાએ ચક્કાજામ ન થયો – ટિકૈત

દેશભરમાં ગઈ કાલે કોઈ અનિચ્છનીય ઘટના વિના ખેડૂતોનું ચક્કાજામ સંપન્ન થઈ ગયું. ખેડૂતોએ દિલ્હી-એનસીઆર, યુપી અને ઉત્તરાખંડ સિવાય કૃષિ કાયદાના વિરોધમાં ગઈ કાલે બપોરે ૧૨થી ૩ વાગ્યા દરમ્યાન દેશવ્યાપી ચક્કાજામ કર્યું હતું.

ચક્કાજામમાં ખેડૂતોએ ઘણી જગ્યાએ માર્ગો પર ટ્રાફિક જૅમ કર્યો હતો. ખાસ વાત એ હતી કે જાહેરાત મુજબ કોઈ ખેડૂત દિલ્હી તરફ ન આવ્યા. જ્યારે સરકાર અને પોલીસે સાવચેતી તરીકે દિલ્હી- ગાઝીપુર બોર્ડરે ૫૦,૦૦૦ જવાનોને તહેનાત કરી દીધા હતા.

સરકારે ૨૬ જાન્યુઆરીની ઘટનાનું પુનરાવર્તન રોકવા બોર્ડરો પર ડબલ બેરકેડિંગ કર્યું હતું તો આંદોલનની ત્રણ મુખ્ય સાઇટ પર ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી.

ખેડૂતોએ દિલ્હી-અમૃતસર નૅશનલ હાઇવે પર જોરદાર ચક્કાજામ કર્યો હતો તે ગોલ્ડન ગેટ પરથી જોઈ શકાતું હતું. જ્યારે દિલ્હીમાં શહીદી પાર્કમાં પોલીસે કેટલાક દેખાવકારોની અટકાયત કરી હતી. તેઓ ચક્કાજામના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

કૃષિ કાયદાનો વિરોધ કરતાં ૪૦ ખેડૂત સંગઠનો દ્વારા ગઈ કાલે સમગ્ર દેશમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન અને હરિયાણા વચ્ચે શાહજહાંપુર સરહદ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. પંજાબના અમૃતસર અને મોહાલીમાં ખેડૂતો વાહનોને રોકવા માટે રસ્તાઓ પર ઊતરી આવ્યા છે. બીજી બાજુ જમ્મુ-પઠાણકોટ હાઇવે પર પણ ખેડૂતોએ વાહનોની અવરજવર બંધ કરી દીધી છે.

ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યાથી શરૂ થયેલો ચક્કાજામ ૩ વાગ્યા સુધી ચાલ્યો હતો. આ પહેલાં જ દિલ્હીમાં અસર થઈ શકે એવાં ૧૦ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યાં હતા. એમાં મંડી હાઉસ, આઇટીઓ, દિલ્હી ગેટ, વિશ્વવિદ્યાલય, ખાન માર્કેટ, નેહરુ પ્લેસ, લાલ કિલ્લા, જામા મસ્જિદ, જનપથ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન બંધ છે. અહીં કુલ ૨૮૫ મેટ્રો સ્ટેશન છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK