વરિષ્ઠ અભિનેત્રી તરલા મહેતાનું નિધન

Published: Dec 14, 2011, 09:27 IST

ગુજરાતી નાટકો તથા હિન્દી અને ગુજરાતી ફિલ્મોનાં એક સમયનાં અભિનેત્રી તરલા મહેતાનું તાજેતરમાં હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. તેઓ ૮૨ વર્ષનાં હતાં અને માટુંગામાં તેમના પતિ હરીશ મહેતા સાથે રહેતાં હતાં.૧૯૫૭માં રેડિયો-નાટકોમાં કામ શરૂ કરનારાં તરલાબહેને ૧૯૫૮માં રંગભૂમિ પર પ્રવેશ કર્યો હતો. ૧૯૭૨થી દૂરદર્શન પર પણ તેમણે કામ કર્યું. તેમનાં વિખ્યાત નાટકોમાં ‘મોગરાના સાપ’, ‘મંજુ મંજુ’, ‘મીનપિયાસી’, ‘સગપણનાં ફૂલ’ (બધાં પ્રવીણ જોશી સાથે), ‘એકલો જાને રે’ (કાન્તિ મડિયા), ‘સપનાનાં સાથી’ (જયંતી પટેલ), ‘બાંધવ માડી જાયા’ (ઉપેન્દ્ર ત્રિવેદી), ‘ગીધડાં’ (અરવિંદ જોશી), ‘સખારામ બાઇન્ડર’ (ગિરેશ દેસાઈ) વગેરેનો સમાવેશ છે. તેમણે હિન્દી નાટકોમાં પણ કામ કર્યું હતું.

તરલાબહેને ‘રાણકદેવી’, ‘ઘરદીવડી’, ‘હસ્તમેળાપ’, ‘વીર એભલવાળો’ સહિત કેટલીક ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય સ્ત્રીપાત્રો ભજવ્યાં હતાં. તેમની હિન્દી ફિલ્મોમાં ‘શોલા ઔર શબનમ’ (ધર્મેન્દ્ર સામે), ‘સારા આકાશ’, ઍટનબરોની ‘ગાંધી’ (સરોજિની નાયડુ તરીકે) વગેરે મુખ્ય છે. તેમણે સંસ્કૃત નાટ્યસાહિત્યમાં સંશોધન કરીને ડૉક્ટરેટ મેળવી હતી. બાળનાટકક્ષેત્રે પણ તેઓ પ્રવૃત્ત હતાં. અભિનય માટેનાં અનેક પારિતોષિકો તેમને મળ્યાં હતાં. તેમનાં મોટાં બહેન શાંતા ગાંધી આજીવન દિલ્હીના નાટ્યક્ષેત્રે પ્રવૃત્ત હતાં, જ્યારે બીજાં બહેન દીના પાઠક મોટા ગજાનાં અભિનેત્રી તરીકે જાણીતાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK