પરોપકારી, મોજીલા અને મૉડર્ન વિચારના પ્રવીણકાન્તભાઈના પરિવારમાં છે અનેરો સંપ

Published: Mar 11, 2020, 17:55 IST | Bhakti D Desai | Mumbai

જીવન પ્રત્યે અત્યંત સકારાત્મક અભિગમ ધરાવનાર અંધેરી લોખંડવાલાના નિવાસી ૯૧ વર્ષના પ્રવીણકાન્ત સંઘવી તેમના નાના પુત્ર રાજુ, પુત્રવધૂ રીના, પૌત્રીઓ ભવ્યા અને રિયા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.

સંઘવી પરિવાર
સંઘવી પરિવાર

જીવન પ્રત્યે અત્યંત સકારાત્મક અભિગમ ધરાવનાર અંધેરી લોખંડવાલાના નિવાસી ૯૧ વર્ષના પ્રવીણકાન્ત સંઘવી તેમના નાના પુત્ર રાજુ, પુત્રવધૂ રીના, પૌત્રીઓ ભવ્યા અને રિયા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તેમને ત્રણ દીકરા અને એક દીકરી છે. તેમનાં પત્ની ગુણવંતીબહેનનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું. પ્રવીણકાન્તભાઈના મોટા પુત્ર નીલેશ, પુત્રવધૂ ઇરવિન્દર, પૌત્રી નવ્યતા નજીકના વિસ્તારમાં જ રહે છે. બીજા પુત્ર મયૂર, પુત્રવધૂ ચિત્રાંગી, પૌત્ર કાવ્ય અને પૌત્ર નિલય દિલ્હીમાં સ્થાયી છે. તેમની દીકરી બિન્દુ દીપક શાહને શોભન અને દેબાંશી એમ બે બાળકો છે.

૯૧ વર્ષની વયે પણ પ્રવીણકાન્તભાઈને કોઈ પૂછે કે ‘કેમ છો?’ તો એકદમ ઉમળકા અને જોશભેર તેમનો જવાબ હોય, ‘એકદમ ફિટ ઍન્ડ ફાઇન’. આ જવાબ માત્ર ઔપચારિકતા નથી પણ એ તેમના વ્યક્તિત્વની લાક્ષણિકતા છે. આ ઉંમરે પણ તેઓ પોતાનાં કામ જાતે કરે છે, ખૂબ સારી યાદશક્તિ ધરાવે છે અને બહાર જતી વખતે લાકડી કે અન્યનો આશરો લેવાની વાત તો દૂર, તેઓ પોતે ગાડી ડ્રાઇવ કરીને જાય છે.

પ્રવીણકાન્તભાઈ તેમના બાળપણ વિશે કહે છે, ‘મારો જન્મ ૧૯૩૧માં એ સમયના બર્મા (હાલનું મ્યાનમાર)ના રંગૂન શહેરમાં થયો હતો. મારા પિતા શિપિંગમાં હતા તેથી અમારા પરિવારની કલકત્તા અને રંગૂન અવરજવર વધારે રહેતી. મારા પિતાનું મૂળ વતન લીંબડી, સૌરાષ્ટ્ર હતું. હું આશરે ત્રણ વર્ષની ઉંમરનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. ત્યાર બાદ અમારો પરિવાર સૌરાષ્ટ્રમાં સ્થાયી થયો. મારા બે ભાઈઓમાં હું નાનો. મારી માતા ખૂબ જ કડક અને સિદ્ધાંતવાદી હતાં.’

પોતાનાં દાદીને યાદ કરીને નીલેશભાઈ કહે છે, ‘આજે અમારો પરિવાર એકજુટ છે એમાં મારાં દાદીનું યોગદાન ખૂબ મોટું છે. મારાં દાદી પરિવારના સંપનાં ખૂબ આગ્રહી હતાં અને મારા પિતા ઘણા વ્યસ્ત રહેતા, પણ મારાં મમ્મીએ પણ દાદીના દરેક આદેશને આંખમાથા પર રાખીને સૌને સંભાળી લીધા અને અમને પણ એવા જ સંસ્કાર આપ્યા હતા.’

જવાબદારીએ મુકાવ્યું ભણતર
પ્રવીણકાન્તભાઈ અને તેમના ભાઈ પર જવાબદારીઓ ઘણી હતી. તેમના ભાઈ કમાવા માટે લીંબડીથી મુંબઈ આવ્યા હતા. એક નાની આર્ટિફિશ્યલ દાગીનાની દુકાન તેઓ ચલાવતા હતા. પ્રવીણકાન્તભાઈ ભણવામાં પહેલો નંબર લાવતા અને સૌરાષ્ટ્રમાં એ સમયે મેટ્રિક એટલે કે સાતમા ધોરણ સુધી તેઓ ભણ્યા પછી એક જવાબદાર પુત્ર તરીકે તેમણે ભણવાની ઇચ્છાને મનમાં જ દબાવીને આજીવિકા માટે મુંબઈ આવવાનો નિર્ધાર કર્યો. મુંબઈમાં આવી તેઓ તેમના ભાઈના વેપારમાં જોડાયા, પણ તેમને એમાં ખાસ રુચિ નહોતી. પછી આગળ જતાં તેમણે વિજય આર્ટ પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી લીધી અને માર્કેટિંગથી લઈ બધાં જ કામ તેઓ શીખ્યા. તેમણે નોકરી બદલી, પણ ૧૯૪૮થી ૧૯૯૧માં નિવૃત્ત થયા ત્યાં સુધી પ્રિન્ટિંગ પ્રેસના ક્ષેત્રમાં જ કામ કર્યું.

પ્રિન્ટિંગમાં પરિવર્તન
જીવનના લગભગ ચાર દાયકાથી વધુ સમય પ્રિન્ટિંગ ક્ષેત્રે કાર્યરત રહ્યા હોવાથી એ ક્ષેત્રમાં આવેલા ધરખમ પરિવર્તનના તેઓ સાક્ષી રહ્યા. પ્રિન્ટિંગના પરિવર્તન વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘લોકો પેઢીઓમાં અને જીવનશૈલીમાં જે પરિવર્તન આવે છે એની વાત કરે છે, પણ મેં પ્રિન્ટિંગ પ્રેસના પરિવર્તનને જોયું છે. ટેક્નૉલૉજીનું પરિવર્તન હું આજે પણ માણું છું. એ સમયે લેટર પ્રેસ હતું જે આજનાં બાળકોને કદી જોવા નહીં મળે. બધાં જ કામ હાથેથી થતાં. એક એક અક્ષર ગોઠવીને એના પર ઇન્ક નાખીને પેપર પસાર કરવામાં આવતું અને આમ એ છપાતું. બહુ વર્ષો પછી ઑફસેટ પ્રિન્ટિંગ આવ્યું અને હવે ડિજિટલ પ્રિન્ટિંગ જે ઓછી સંખ્યામાં પ્રિન્ટ કાઢવી હોય તો વપરાય છે. આજે ઑફ્સેટ પ્રિન્ટિંગ ચાલી રહ્યું છે.’
પિતાની આ સફરને નજરે જોનારા દીકરા રાજુભાઈ કહે છે, ‘મને બ્લૉક પ્રિન્ટિંગ પ્રેસ હજી પણ યાદ છે. મેં જોયું છે એમાં પણ બ્લૉક્સ ગોઠવીને પ્રિન્ટિંગ થતું, પણ એનો ઉપયોગ વધારે તો આર્ટ માટે થાય છે.’

સ્માર્ટ યુગના સ્માર્ટ દાદા
હવેનો જમાનો આધુનિક ટેક્નૉલૉજીનો છે અને એ હવેની પેઢીને બહુ ગમતીલો વિષય છે. ટેક્નૉલૉજીની વાત નીકળતાં પરિવારની ત્રીજી પેઢીની રિયા કહે છે, ‘અમે તો ટેક્નૉલૉજી સાથે જ ઊછર્યા છીએ, પણ મારા દાદા આજે પણ ટેક્નૉલૉજી શીખવા ખૂબ ઉત્સુક હોય છે. મોબાઇલની કોઈ પણ નવી વસ્તુને તેઓ ખૂબ જ સરળતાથી ગ્રાસ્પ કરી લે છે.’
બહેનની વાતમાં સાદ પુરાવતાં ભવ્યા પણ કહે છે, ‘એક વાર તેઓ મારી પાસે આવીને પૂછવા લાગ્યા કે તમે લોકો કાનમાં પેલું શું ભરાવો છો? મારે પણ એ જોઈએ છે. ત્યારથી આજ સુધી દાદા રાત્રે હેડફોન્સ લગાડીને ગીતો સાંભળે છે. આજના સ્માર્ટ યુગના સ્માર્ટ દાદા જો હોય તો તે મારા દાદા છે.’

દોહિત્રી દેબાંશી દાદાની ડ્રાઇવિંગ સ્કિલ્સને વખાણતાં કહે છે, ‘એક વાર હું મારી ગાડી ચલાવીને જઈ રહી હતી. એવામાં એક વળાંક પર મને કટ મારીને કોઈકે એવી રીતે ઓવરટેક કરી કે ક્ષણભર માટે મને થોડોક ગુસ્સો આવ્યો કે મને કટ મારીને આ તે કોણ આગળ નીકળી ગયું? જોયું તો મારા નાના તેમની ધુનકીમાં એક હીરોની જેમ ગાડી ચલાવી રહ્યા હતા. તેમને ગાડી ચલાવતા જોઈને મારો ગુસ્સો મારા નાના માટે ગર્વમાં પરિવર્તિત થઈ ગયો. નવા વિચારો અપનાવવા માટે બહુ ખુલ્લું મન ધરાવે છે. એટલે જ સ્તો મારાં નાનીની બૉડી તેમના મૃત્યુ પછી મેડિકલના વિદ્યાર્થીઓને ભણવા માટે ડોનેટ કરી દીધી હતી. તેમની પાસેથી મને પણ ઑર્ગન ડોનેશન વિશે જાણકારી અને જાગૃતિ મળી.’

મોજીલો સ્વભાવ
જમાના સાથે કદમથી કદમ મિલાવતા પિતા વિશે બિન્દુબહેન કહે છે, ‘તેમના વિચારો પણ એટલા આગળ પડતા રહ્યા છે કે તેમણે અમને એ સમયે ઇંગ્લિશ મીડિયમમાં ઉત્તમ શિક્ષણ આપ્યું. કોઈનો પણ જન્મદિવસ કે કોઈ પણ પાર્ટી હોય તો સૌથી પહેલાં મ્યુઝિક ઑન કરી તેઓ નાચવાની શરૂઆત કરે અને તેમનું જોઈને બાળકો પણ આ કળા શીખી ગયાં છે. તેઓ ગાયન, ડાન્સના ખૂબ શોખીન છે.’
તેમના પડછંદ અને આર્મી ઑફિસર જેવા ગંભીર દેખાવને જોઈને કોઈને ગેરસમજ ન થાય એ માટે તેમની વહુ રીના કહે છે, ‘તેઓ પહેલેથી જ ખૂબ મસ્તીવાળા સ્વભાવના છે. નાનપણમાં તેમના ગામમાં વીજળી નહોતી તેથી બે ચોટલાવાળી છોકરીઓ બહાર ભણતી અને જો ભણતાં-ભણતાં સૂઈ જાય તો તેમના બે ચોટલા થાંભલા સાથે બાંધી દે. આજે પણ હું રસોડામાં મારી થાળી મૂકીને કંઈક વસ્તુ લેવા જાઉં તો મારી થાળીમાંથી ક્યારેક દાળનો વાટકો તો ક્યારેક મીઠાઈ લઈને સંતાડી દે. હવે તો હું ક્યારેય મારી થાળી તેમની સામે મૂકીને જતી જ નથી. ઘરમાં કોઈનો પણ મોબાઇલ ન મળે તો પહેલાં પાપાજીની જ તલાશી લેવામાં આવે કે તેમણે ક્યાંક છુપાડી દીધો હશે. આમ ઉંમર ભલે સૌથી મોટી હોય, પણ તેમનો સ્વભાવ એક બાળક જેવો રમૂજી છે.’

સાદગી અને સંઘર્ષભર્યું જીવન
પ્રવીણકાન્તભાઈને જ્યારે પૂછ્યું કે આટલી લાંબી સફરમાં તેઓ પહેલાંના અને આજના જીવનમાં શું ફરક અનુભવે છે? ત્યારે તેઓ કહે છે, ‘મારાં લગ્ન વર્ષ ૧૯૪૮માં થયાં હતાં. એ સમયે હું મલાડની ચાલીમાં રહેતો અને પાર્ટિશન કરીને બીજી રૂમમાં મારો ભાઈ રહેતો. એ સમયે બાથરૂમ ઘરની બહાર રહેતું. આજનાં બાળકો કદાચ કલ્પના પણ નહીં કરી શકે. જીવનમાં કોઈ દેખાડો નહોતો અને ખૂબ સાદાઈ રહેતી. ગુણવંતીએ મારી સાથે જ કષ્ટ વેઠ્યાં પણ મને એની જાણ થવા દીધી નહોતી. જગ્યાની અછત જણાતાં અમે ખારમાં ઘર લીધું અને પછી લોખંડવાલામાં રહેવા આવ્યાં.’
એ સંઘર્ષના દિવસો યાદ કરીને દીકરા નીલેશભાઈ કહે છે, ‘ચાલીમાં રહેવાની મજા પણ અલગ હતી. જો કોઈના ઘરે ઢોકળાં બને તો બધાને નાસ્તો મળી જતો. બધાના દરવાજા ખુલ્લા રહેતા. હવે તો બાજુના ઘરમાં કોણ રહે છે એની પણ ખબર નથી હોતી. હા, આજે પણ ઘરની બહારના ટૉઇલેટની યાદો તાજી થાય તો વિચાર આવે કે કૉક્રૉચ અને ગરોળી ફરતાં હોય, ગંદી વાસ આવતી હોય અને તોયે અમે કોઈ પણ અણગમાના ભાવ વગર કેવા મજેથી જીવતા હતા!’

ગાંધીબાપુને પીરસ્યું હતું જમવાનું
પ્રવીણકાન્તભાઈ કૉન્ગ્રેસમાં સ્વયંસેવક હતા અને તેથી તેમને ગાંધીબાપુ, જવાહરલાલ નેહરુ, અબ્દુલ કલામ આઝાદ આ બધાને નજીકથી જોવાનો મોકો મળ્યો હતો અને ગાંધીજીને તો જમવાનું પીરસવાનો અવસર પણ તેમને મળ્યો હતો. આ ઘટનાઓ તાજી થતાં દોહિત્રી દેબાંશી કહે છે, ‘નાના પાસે એક નોટબુક પણ હતી જેમાં આ બધાના ઑટોગ્રાફ હતા, પણ છેલ્લા થોડા સમયથી એ મળતી નથી.’

રવિવાર સપરિવાર

પ્રવીણકાન્તભાઈના પરિવારના મુંબઈમાં રહેતા દરેક સભ્ય દર રવિવારે તેમના ઘરે ભેગા થાય છે અને તેમનાં પૌત્રી-પૌત્ર પોતાના એક મિત્ર જેવા દાદાની સાથે તેમનો રવિવાર અથવા રજાનો દિવસ મનાવે છે. આ પરિવારની ઊડીને આંખે વળગે એવી એક વિશેષતા એ હતી કે આજકાલ લોકો સાથે મળે તોય મોબાઇલને પોતાનાથી અળગો કરી શકતા નથી એવામાં તેમના ઘરની યુવા પેઢીનાં બાળકો વડીલો સાથે હળીમળીને વાતો કરી ઘરના કામમાં મદદ કરી રહ્યાં હતાં અને મોબાઇલનો ઉપયોગ તેમના આખા પરિવારમાં નહીંવત્ જોવા મળ્યો હતો.

પરોપકારમાં વ્યસ્ત

પ્રવીણકાન્તભાઈ ખૂબ જ પરોપકારી છે. બાળકોને પણ વૃદ્ધાશ્રમમાં લઈ જતા અને પોતે હાલમાં વરિષ્ઠ નાગરિકો માટે, વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે વાજબી ભાવે વિવિધ સંસ્થાઓના માધ્યમથી પિકનિક, ટૂરનું આયોજન કરે છે. વરિષ્ઠ નાગરિકો માટેની સમન્વય સંસ્થામાં તેઓ સેક્રેટરી અને વડલો સંસ્થામાં પ્રેસિડન્ટ છે. તેઓ વિવિધ હૉસ્પિટલોમાં પણ દરદીઓની મદદ અને તેમના માર્ગદર્શન માટે સંસ્થાના માધ્યમથી કાર્યક્રમો કરે છે. આર્થિક, બૌદ્ધિક, શારીરિક રીતે સમાજના શોષિત વર્ગની સેવામાં તેઓ સમર્પિત છે. પ્રવીણકાન્તભાઈના જીવનમાં લોકોની દુવાઓએ અને તેમના રમૂજી સ્વભાવે જ તેમને આટલી ઉંમરે પણ પ્રવૃત્ત અને સ્વાવલંબી રાખ્યા છે. તેઓ કહે છે, ‘હું માત્ર એટલું જ કહીશ કે દરેક વરિષ્ઠ નાગરિક સુખથી સભર જીવન જીવે. મારો તેમને એક જ સંદેશ છે કે જલસા કરો.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK