બાપ્પા આજે જવાના ત્યારે વિસર્જનની પ્રક્રિયામાંથી તમે શું શીખવાના?

Published: Sep 12, 2019, 08:28 IST | ફૅમિલી રૂમ- રુચિતા શાહ

દર વર્ષે ગણેશજીની સ્થાપના થાય અને દસ દિવસની પૂજા-અર્ચના પછી પ્રેમપૂર્વક ઉત્સાહ સાથે તેમને પાણીમાં વિસર્જિત કરી દેવામાં આવે. ‘પુઢચ્યા વર્ષી લવકર યા’ની માગણી કરવા કરતાં આ વર્ષે જ તેમને જવા ન દઈએ તો ન ચાલે? વિસર્જનની જરૂર શું છે?

સ્વતંત્રતાસેનાની લોકમાન્ય ટિળકે સાર્વજનિક ગણેશોત્સવ શરૂ કર્યો ત્યારે તેમનો આશય હતો ધર્મના બહાને લોકો ભેગા થાય અને સ્વતંત્રતાની ચળવળને વેગ આપી શકાય. એ સમય એવો હતો જ્યારે બ્રિટિશ સરકાર કોઈને ટોળે વળવા દેતી નહોતી. ધર્મના નામે દેશને પ્રાધાન્ય આપવાની મકસદ આજના ગણેશોત્સવના મૂળમાં હતી અને એટલે જ ગલી-ગલીએ બાપ્પાની પધરામણી થવી શરૂ થઈ. એ પહેલાં આ રીતે આજની જેમ સાર્વજનિક ગણેશ મંડળોનો મેળો નહોતો અને છતાં ભક્તિમાં કોઈ કમી નહોતી. આ પહેલાં ગણેશ-વિસર્જનના નામે આજની જેમ પર્યાવરણની ધજ્જિયા નહોતી ઊડતી અને છતાં શ્રદ્ધા અને ભક્તિની ધારા વધુ નિર્મળ હતી. આજે ભલે પરંપરાઓમાં કેટલોક ફેર પડ્યો છે, પરંતુ એ પછીયે બાપ્પાનું આગમન અને તેમની વિદાય સાથે સંકળાયેલો ગૂઢાર્થ અકબંધ છે. પોતાના ભક્તોને આવતા વર્ષે ફરી આવવાનું વચન આપીને આજે તો ગણપતિ બાપ્પા જઈ રહ્યા છે ત્યારે ગણેશ-વિસર્જન પાછળના હાર્દને સમજવાના પ્રયત્નો કરીએ.

જ્ઞાનસ્વરૂપ ગણપતિ

હિન્દુ પરંપરાના એક પણ વિધિવિધાન અમસ્તાં જસ્ટ એમ જ, મજા માટે શરૂ થયાં નથી. દરેક પાછળ કંઈક ને કંઈક લૉજિક કામ કરે છે. એ લૉજિક પણ ગૂઢાર્થ સાથેનું હોય છે અને ક્ષણે-ક્ષણે અંતિમ ગોલની દિશામાં લઈ જનારું હોય છે. ભાદરવા સુદ ચોથના દિવસે બાપ્પાની વિશેષ આરાધના કરવાનું માહાત્મ્ય છે. આજના જમાનામાં ગણપતિબાપ્પાનું મહત્ત્વ કેટલું અદકેરું છે એ વિશે જાણીતા કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ‘મિડ-ડે’ને કહે છે, ‘જે પ્રકારે સૂર્ય ઉદય થાય અને અંધકારનો નાશ થાય છે એ રીતે ગણેશજીનું સ્મરણ માત્ર કરવાથી વિઘ્નરૂપ અંધકાર સમાપ્ત થઈ જાય છે. ગણેશ જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનનો સૂર્ય પ્રગટ થાય અને જેમ અંધકાર સમાપ્ત થાય એમ ગણેશજીથી તમામ પ્રકારના અંધકાર સમાપ્ત થાય છે. કોઈ પણ કાર્યની શરૂઆત પહેલાં ગણેશની પૂજા થાય છે એની પાછળનું કારણ પણ આ જ છે કે ગણેશ જ્ઞાનસ્વરૂપ છે. જે પણ કાર્ય સંપાદિત કરવાનું છે એનું જ્ઞાન આપણને હોય એ પહેલી શરત છે અને એ જ્ઞાનની પૂજા પહેલાં થવી જોઈએ. ધર્મશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે આ કળિયુગમાં ચંડી અને વિનાયકની આરાધના સૌથી વધુ ફળદાયી છે.’

કારણ શું?

ગણેશ-વિસર્જન પાછળનો મહિમા શું છે એના માટે પણ ઘણા તર્ક અને આધારો છે. માત્ર ગણેશજીનું જ નહીં પણ શ્રાવણમાં માટીમાંથી બનાવાયેલા શિવલિંગનું પણ વિસર્જન થાય છે એમ જણાવીને ભાઈશ્રી કહે છે, ‘વિસર્જન આપણી પરંપરાનો બહુ મહત્ત્વનો ભાગ છે. જેનું સર્જન છે એનું વિસર્જન છે. જેનો જન્મ છે એનો નાશ છે. આ એક અતિમહત્ત્વની બાબતને આપણે સ્વીકારી શકીએ, એ સ્વીકાર માટેની સ્પોર્ટ્‌સમૅન સ્પિરિટ આપણામાં ડેવલપ થાય એ પણ આ પરંપરામાંથી શીખવા જેવું છે. માટીથી બનેલા ગણેશજી આવે, દસ દિવસ ભક્તિભાવ સાથે તેની સાથે તાદાત્મ્ય જોડાય અને એ પછી તમે તમારા હાથે એ બાપ્પાને પાણીમાં વિસર્જિત કરી દો એ ઘટના સામાન્ય નથી. આ માત્ર મૂર્તિનું વિસર્જન નથી, પરંતુ તમારામાં જન્મતા રાગદ્વેષનું વિસર્જન પણ બની જાય છે. આ માત્ર મૂર્તિનું વિસર્જન નથી, પણ આ તમામ આરાધના કરતાં ક્યાંક પણ તમારામાં અવતરેલા અહંકારનું પણ વિસર્જન છે. આ વિસર્જનમાં આ દુનિયા ટેમ્પરરી છે એ ભાવનું સર્જન તમારા હૃદયમાં થાય છે. જે મૂર્ત સ્વરૂપે આવ્યું એ તમામ વિસર્જિત થઈ જશે, પરંતુ એ વચ્ચે પણ જે અમૂર્ત છે એ અકબંધ રહે છે. તમે મૂર્તિનું વિસર્જન કરતી વખતે એ તો જાણો જ છો કે આ મૂર્તિમાં આપણે સ્થાપિત કરેલો દેવ તો નિત્ય છે. તેનું ક્યારેય કોઈ દહાડો વિસર્જન થવાનું નથી. નિત્ય અને અનિત્યની પરખ આ વિસર્જનની સિમ્બૅલિક પ્રક્રિયા આપણને કરાવી આપે છે. હકીકતમાં આ વિસર્જન એક ખૂબ મોટી ઘટના છે આપણા આંતરમનને ઢંઢોળવાની.’

આધ્યાત્મિક દર્શન

આપણાં ધર્મશાસ્ત્રોએ માત્ર રિદ્ધિ-સિદ્ધિ માટે કે ક્ષણિક સુખ માટે જ ઈશ્વરની આરાધના કરવાની વાત નથી કરી. આધ્યાત્મિક ઉન્નતિ આપણી તમામ સાધનાનું મુખ્ય સોપાન છે. ગણપતિજીની આરાધના અને વિસર્જન પાછળ પણ એ એક મહત્ત્વનો એન્ગલ છે એમ જણાવીને તત્ત્વજ્ઞાનનાં પ્રોફેસર ડૉ. રક્ષા વાઢૈયા કહે છે, ‘ગણપતિ વિસર્જનનો ખરો અર્થ તો છે સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર તરફની યાત્રા. સાદી ભાષામાં કહીએ તો તમે અત્યાર સુધી મૂર્તિના માધ્યમથી એની અંદર રહેલા દેવની પૂજા કરી. અત્યાર સુધી તમે તમારા આધ્યાત્મિક વિકાસના પ્રારંભિક તબક્કામાં મૂર્તિનું અવલંબન લીધું ઈશ્વર તત્ત્વને નિહાળવા માટે, પણ જેમ-જેમ તમે સાધનામાં આગળ વધતાં જાઓ એમ તમને સમજાતું જાય કે ઈશ્વર મૂર્તિથી પણ પર છે. તેનો કોઈ આકાર નથી. નિર્ગુણ નિરાકાર. દસ દિવસની સાધનામાં એવું અપેક્ષિત હોય કે અગિયારમા દિવસે આપણે એ સ્ટેજ પર પહોંચી જઈશું જ્યાં આત્માનું સાચું જ્ઞાન આપણને ઉપલબ્ધ થયું હોય. ધારો કે અગિયારમા દિવસે એ ન થયું હોય તો ફરી બીજા વર્ષે ગણપતિબાપ્પાની પધરામણી કરીને ફરીથી પ્રયત્નો કરે. દરેક જણ એક જ ઝડપે સગુણમાંથી નિર્ગુણ નિરાકાર ઈશ્વરના અસ્તિત્વને ન પણ પામી શકે. એટલે જ કોઈ ત્રણ વર્ષ, કોઈ પાંચ વર્ષ એમ ગણપતિને લાવે.’

ઉદાહરણથી સમજો

વિસર્જન એટલે પંચમહાભૂતમાંથી બનેલી મૂર્તિ પંચમહાભૂતમાં મળી ગઈ અને છતાં કંઈક અકબંધ રહ્યું. એ જે અકબંધ રહ્યું એની સમજ કેળવવાની દિશામાં ગતિ એટલે વિસર્જન. ડૉ. રક્ષા કહે છે, ‘આપણે ભગવાનના મંદિરમાં જે સીડી પરથી જઈએ એ સીડીને પણ પગે લાગીએ. અફકોર્સ, એ સીડી મહત્ત્વની છે. એ તમને મંદિરમાં ઈશ્વર સુધી લઈ જાય છે. એ પવિત્ર છે, પરંતુ શું તમે એ સીડીને જ પકડીને બેસી જાઓ અને એની જ પૂજા કરતા રહો તો ભગવાન મળે? તમને હાયર કૉન્શિયસનેસ મળે? તમને મોક્ષ મળે? કારણ કે એ સીડી છે, તમારે એ સીડીની પાર જવું પડશે જો ઈશ્વર જોઈતા હોય. આપણે મટીરિયલની પેલે પાર જવું પડશે. મૂર્તિમાં ઈશ્વરરૂપ જોઈએ એ ખોટું નથી. ફોકસ કરવા માટે કૉન્સન્ટ્રેશન માટે મૂર્તિ જરૂરી છે, પરંતુ જ્યારે ઈશ્વરનું સાચું સ્વરૂપ સમજાય ત્યારે સહજ રીતે આપણે એ મૂર્તિને વિસર્જિત કરી દઈને પંચમહાભૂતમાં વિલીન કરી દઈએ છીએ. વિસર્જનનું આ જ ખરું હાર્દ છે. બીજો એક દાખલો આપું, તમે કે.જી.માં ભણતા હતા ત્યારે સ્ટૅન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન વગેરે કરતા હતા. એ પછી તમે આલ્ફાબેટ્સ શીખ્યા ત્યારે પણ ક્યાં સ્ટૅન્ડિંગ લાઇન કરવાની અને ક્યાં સ્લીપિંગ લાઇન કરવાની એ યાદ રાખતા, પરંતુ હવે તમે કંઈ પણ લખતી વખતે એ સ્ટૅન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન મગજમાં લાવો છો? સીધેસીધું લખી લો છોને? મૂર્તિની ઉપાસના એ આપણું કે.જી.નું સ્ટેજ છે. એનું વિસર્જન એ હાયર સ્ટેજ છે.’

આ પણ વાંચો: તો તમે સાક્ષર છો એમ?

કરવાનું આટલું જ છે

આ બ્રહ્માંડથી લઈને એમાં સમાયેલી તમામ વસ્તુઓનું સર્જન અને વિસર્જન એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એ સાઇકલ સમજવાની કોશિશ એટલે પણ વિસર્જન. ભાઈશ્રી કહે છે, ‘શરીર પણ માટીનું બનેલું છે. શરીર પિંડનું પણ વિસર્જન થાય છે, પણ રહેનારો આત્મા ચૈતન્ય નિત્ય છે. ઈશ્વર તત્ત્વ નિત્ય છે. આ આખી પ્રોસેસ શું કાયમી છે અને શું ક્ષણિક એ દિશામાં તમારા મનને તૈયાર કરવાનું કામ કરે છે. જે છે જ નહીં એમાં આપણી આસક્તિએ દુઃખ ઊભું કર્યું છે. ગણેશ-વિસર્જન અનિત્યની ઓળખનું પર્વ છે. જે નથી એને સ્વીકારવાનું પર્વ છે. જે નથી એને છોડવાનું પર્વ છે. એનું મહત્ત્વ સમજીને જીવનમાં ઉતારાય તો આ જીવન પરિવર્તનનું પર્વ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK