Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પોષક તત્ત્વોની ઊણપ ન સર્જાય એ માટે શું કરવું?

પોષક તત્ત્વોની ઊણપ ન સર્જાય એ માટે શું કરવું?

06 September, 2019 03:34 PM IST |
ફૅંમિલી રૂમ - સેજલ પટેલ

પોષક તત્ત્વોની ઊણપ ન સર્જાય એ માટે શું કરવું?

પોષક તત્ત્વોની ઊણપ ન સર્જાય એ માટે શું કરવું?


ભારત સરકાર દ્વારા ૧થી ૭ સપ્ટેમ્બર દરમ્યાન નૅશનલ ન્યુટ્રિશન વીકની ઉજવણી થાય છે. સંતુલિત પોષણના અભાવે ભારતીયો અનેક ક્રૉનિક રોગનો ભોગ બની રહ્યા છે. શહેરી વિસ્તારોમાં ન્યુટ્રિશન ડેફિશ્યન્સીનાં કારણ જીવનશૈલી સાથે સંકળાયેલાં હોવાથી રોજિંદા જીવનમાં શું કરવું અને શું નહીં એ નિષ્ણાત પાસેથી જાણીએ...

સપ્ટેમ્બર મહિનામાં ૧થી ૭ તારીખ દરમ્યાન ભારત સરકાર દ્વારા નૅશનલ ન્યુટ્રિશન વીકની ઉજવણી થાય છે. છેક ૧૯૮૨થી ભારત સરકાર પોષણની સમસ્યા સામે જાગૃ‌તિ લાવવા માટે આ ઉજવણી કરે છે. આવી ઉજવણી પાછળનો મુખ્ય હેતુ હતો સગર્ભા મહિલા અને બાળકોમાં કુપોષણને કારણે સ્વાસ્થ્ય કમજોર ન રહે અને અકાળે મૃત્યુઆંક ઘટે. હજીયે ગામડાંઓમાં મહિલાઓ અને નવજાત શિશુના કુપોષણની સમસ્યા સુધારવા માટે ઘણું કરવું પડે એમ છે અને એ માટે ગ્રામીણ આરોગ્ય કેન્દ્રોમાં સઘન જાગૃતિ કાર્યક્રમો અને પોષણ માટે જરૂરી આર્થિક સહાયની સ્કીમ્સ પણ ચાલે છે. અલબત્ત, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ બાબતે શહેરી વિસ્તારોમાં ઘણી અવેરનેસ આવી છે. શહેરી સમસ્યાઓ જરા જુદી છે. અહીં ખોરાકના અભાવે કુપોષણ નથી, પરંતુ ખોરાકની પસંદગીની સમજણના અભાવે કુપોષણ વધી રહ્યું છે. હજી ગયા અઠવાડિયે જ બ્રિટનના એક મેડિકલ જર્નલમાં નોંધાયેલો કેસ આપણી આંખો ખોલી નાખે એવો છે. બ્રિટનના ૧૭ વર્ષના એક ટીનેજરે છેલ્લાં ૧૦ વર્ષથી માત્ર જન્ક-ફૂડ, ફ્રાઇસ, ચિપ્સ અને પ્રોસેસ્ડ ફૂડ ખાધું હોવાને કારણે અત્યારે તેની આંખોની દૃષ્ટિ ચાલી ગઈ છે. તેની શ્રવણશક્તિ પણ ખૂબ ઘટી ગઈ છે. જે ઉંમરે શરીર-મગજની ક્ષમતાઓ એની ચરમસીમા પર ખીલતી હોય એ ઉંમરે તેની મુખ્ય ઇન્દ્રિયો કમજોર પડી રહી છે. આવા કિસ્સા હવે છાશવારે સાંભળવા મળે તો નવાઈ નહીં.



પોષક તત્ત્વોની ઊણપ


શહેરી વિસ્તારોમાં એક તરફ મેદસ્વિતાની સમસ્યા જોર પકડી રહી છે ત્યારે બીજી તરફ શરીર સંતુલિત પોષણના અભાવે ક્રૉનિક રોગનો ભોગ બને છે. અમેરિકા-બેઝ્ડ અબોટ ન્યુટ્રિશન સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ૭૦થી ૯૦ ટકા ભારતીયોમાં વિટામિન-ડીની ઊણપ છે. ૮૪ ટકા પ્રેગ્નન્ટ મહિલાઓ પણ એમાં સામેલ છે. મુંબઈગરાઓની વાત કરીએ તો ૮૮ ટકા લોકો આ વિટામિનની ઊણપ ધરાવે છે. આ તો થઈ એક વિટામિનની વાત, પણ અન્ય પોષક તત્ત્વોની ઊણપની તપાસ કરવામાં આવે તો એમાંય આપણા આંકડા કંઈ આશાસ્પદ તો નહીં જ હોય. પોષક તત્ત્વોની કમીને કારણે ટાઇપ-ટૂ ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, લિવર ડિસીઝ, મસ્ક્યુલર ડિજનરેશન, મેટાબૉલિક સિન્ડ્રૉમ, કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ, હૉર્મોનલ અસંતુલનને લગતા રોગો અને કૅન્સર સુધ્ધાં થઈ શકે છે. મોટા ભાગે લાઇફ-સ્ટાઇલ રિલેટેડ ડિસીઝની યાદીમાં આવી સમસ્યાને આવરી લેવાય છે. અમેરિકાના ધ ફૂડ ઍન્ડ ન્યુટ્રિશન બોર્ડે ક્રૉનિક ડિસીઝનું જોખમ ઘટાડવા માટે ‘ઇટ ફૉર લાઇફ’ નામની ગાઇડલાઇન બહાર પાડી છે. એમાં સ્વસ્થ જીવન માટે કેવું અને કેટલું ખાવું જોઈએ એની માર્ગદર્શિકા છે.

જીવનશૈલીમાં બદલાવ એક સમય હતો જ્યારે ખાદ્ય ચીજોના અભાવને કારણે પોષણની કમી રહેતી હતી. એ પછીના સમયમાં થોડી જાગૃતિ આવી અને કઈ ચીજોથી કેવાં પોષક તત્ત્વો મળશે એની સભાનતા આવી. જોકે હવે સમસ્યા જીવનશૈલીની છે. ખોરાકમાંથી પૂરતું પોષણ શરીરને મળે એ માટે જીવનશૈલીમાં જ બદલાવ લાવવા બહુ જરૂરી છે. કઈ ચીજોમાંથી કયાં પોષક તત્ત્વો મળે છે એ ગણી-ગણીને ખાવાથી ઊણપ પૂરી થઈ જશે એવું માનવું પ્રૅક્ટિકલ નથી. શહેરી વિસ્તારોમાં હવે પોષક તત્ત્વોની કમી ઊભી થવાનાં કારણ જુદાં છે.


શું કરવું?

તમે જે ખાઓ છો એમાંથી મૅક્સિમમ પોષણ શરીરને મળે એનું ધ્યાન રાખવા માટે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એ વિશે ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી જાણીએ.

૧. બ્રેકફાસ્ટ સ્કિપ ન કરવો : દિવસની શરૂઆતનું આ સૌથી મહત્ત્વનું અને સૌથી વધુ પોષણ પૂરું પાડતું આ મીલ છે. બૉડીની મેટાબોલિઝમને જાળવી રાખવા માટે પણ બ્રેકફાસ્ટ લેવો મસ્ટ છે. આ મીલમાં તમે ચવાણાં, ગાંઠિયા કે પૂરી જેવાં ફરસાણ કે પ્રોસેસ્ડ સિરિયલ્સ જેવાં ‘હેલ્ધી’ કહેવાતાં જન્ક-ફૂડથી પેટ ન ભરો. સવારનો નાસ્તો ગરમ હોવો જોઈએ અને સાથે એમાં એકાદ ફળ, પ્રોટીન અને હોલગ્રેઇન્સનો સમાવેશ હોય એનું ધ્યાન રાખવું.

૨. ક્વૉન્ટિટી નહીં, ક્વૉલિટીને ધ્યાનમાં રાખો : વધુ ખાવાથી પોષણ મળશે એવું નથી, પરંતુ પોષણયુક્ત ચીજો ખાવાથી પોષણ મળે છે. પોષણ મેળવવાના ચક્કરમાં અલગ-અલગ પાંચ-સાત ચીજો ભેગી કરીને ખાવાની જરૂર નથી. જે ખાઓ એનો પોર્શન-કન્ટ્રોલ મસ્ટ છે. એટલે જ પેટ ભરાય એવી પરંતુ પોષક તત્ત્વોથી ભરપૂર હોય એવી ચીજોનો તમારા ડાયટમાં સમાવેશ કરો.

૩. ઘર કા ખાના : ખોરાકમાંના ઘટકો તમારા શરીરમાં ઊતરે અને પોષણ આપે એવું ઇચ્છતા હો તો ઘરનું બનાવેલું ખાવા પર ભાર મૂકો. વીકમાં એક કે બે વાર ‌જ બહારનું ખાવાની છૂટ રાખો. ઘરનું ખાવાનું પણ બને ત્યાં સુધી તાજું ખાઓ. સવારે બનાવેલું ટિફિન રાતે જમવું ઠીક નથી. એય પાછું ફૂડ માઇક્રોવેવમાં ગરમ કરીને ખાવાથી એમાંનાં પોષક તત્ત્વો ઘટી જાય છે.

૪. કમ્પ્લીટ લંચ અને વરાઇટી : લંચમાં દાળ, ભાત, શાક, રોટલી, કચુંબર એમ બધું જ લેવાનો આગ્રહ રાખો. અમુક જ શાક ખાવાનાં કે અમુક જ વેજિટેબલ્સ સૅલડમાં લેવાનાં એવું કરવાને બદલે એમાં પણ વરાઇટી રાખો.

આ પણ વાંચો: જાણો છો, આયુર્વેદિક દવામાંથી થયો છે લાડુનો આવિષ્કાર

૫. દેશી ચીજોનો ઉપયોગ વધુ : કિવી અને ડ્રેગન ફ્રૂટ હેલ્ધી ગણાતાં હોવાથી તમે એ ખાતા હો તો સારું જ છે, પરંતુ સાથે દેશી ચીજોનો પણ સમાવેશ કરો. દેશી સફરજન, પેરુ અને સીઝનલ ફળ ભરપૂર ખાઓ. શાકભાજીમાં પણ બ્રોકલી, કેલ, પર્પલ કૅબેજ ખાવાથી જ પોષણ મળશે એવું નથી. દેશી કારેલાં, પરવળ, કંટોલાં, તાંદળજો જેવાં શાકભાજી પણ ખાઓ.

૬. તાજાં અને રંગબેરંગી : બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ત્રણેયમાં શાકભાજીનો સમાવેશ થવો મસ્ટ છે. એ પણ ફ્રેશ અને રંગબેરંગી વરાઇટી હોય એ જરૂરી છે. રંગો માત્ર આંખને જ આકર્ષશે એવું નથી, એને રંગ બક્ષતાં ખાસ કેમિકલ્સ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને ફ્લેવનૉઇડ્સથી ભરપૂર હોય છે.

૭. ત્રણેય મીલમાં પ્રોટીન : શાકાહારી ભારતીયોના ખોરાકમાં મોટા ભાગે પ્રોટીનની ઊણપ રહી જતી હોય છે એટલે ત્રણેય ભોજનમાં દાળ, કઠોળ, દૂધ કે દૂધમાંથી બનેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જરૂરી છે. બાળકોના ગ્રોથમાં પ્રોટીન આવશ્યક છે. યંગ અને મિડલ-એજમાં મસ્ક્યુલર સ્ટ્રેન્ગ્થ જળવાય એ માટે પ્રોટીન જરૂરી છે. પાછલી વયે મસલ્સની જાળવણી માટે પણ એની જરૂરિયાત વધુ હોય છે.

૮. ટૂ-મિનિટ્સ ફૂડથી દૂર : ગમેએટલી ભૂખ લાગી હોય, બે મિનિટમાં ઝટપટ બની જાય એવાં ઇન્સ્ટન્ટ કે ફાસ્ટ-ફૂડથી દૂર રહેવું જરૂરી છે. બે મિનિટમાં બની જતી ઇન્સ્ટન્ટ નૂડલ્સ હોય કે ઓટ્સ, એને ઝડપથી પકવવા માટે તેમ જ પ્રિઝર્વ કરવા માટે જે ઘટક ઉમેરવામાં આવે છે એ પોષણ આપતા તો નથી જ, પણ પોષક તત્ત્વોના શોષણમાં અવરોધ પેદા કરે છે.

૯. પ્રોસેસ્ડ-પૅકેજ્ડ ફૂડ અને શુગરવાળાં ડ્રિન્ક્સ : પોષણ મળે એ માટે શું ખાવું-પીવું એ ધ્યાનમાં રાખવું જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વનું છે શું ન ખાવું. શુગરવાળાં એનર્જી કે કાર્બોનેટેડ ડ્રિન્ક્સ મેટાબોલિઝમને ખોરવી નાખે છે. ચાઇનીઝ સૉસ, બજારમાં મળતાં સ્પ્રેડ, કૅચપ, કોલ્ડ-ડ્રિન્ક્સ, બેકરી પ્રોડક્ટ્સમાં વપરાયેલાં કેમિકલ્સ મેટાબોલિઝમને બગાડે છે અને એને કારણે કુપોષણની સંભાવના રહે છે.

૧૦. સનલાઇટ અને એક્સરસાઇઝ : ખાવા અને ન ખાવાની યાદીની સાથે તમે જે ખાધું એ યોગ્ય રીતે પચે અને મેટાબોલાઇઝ થઈને શરીરને એનર્જી આપે એ માટે કસરત એ બહુ જ વાઇટલ રોલ ભજવે છે. યસ, તમે હેલ્ધી ખાઓ એ તો જ હજમ થાય જો એ બરાબર પચે અને એમાંનાં પોષક તત્ત્વોનું વિઘટન થઈને લોહીમાં ભળે. આ માટે તમારી બૉડી-ટાઇપ અને કાર્યશૈલીને અનુરૂપ આવે એવી નિયમિત એક્સરસાઇઝ કરવી જરૂરી છે.

 

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 03:34 PM IST | | ફૅંમિલી રૂમ - સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK