યે જીના ભી કોઈ જીના હૈ લલ્લુ!

સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ | Apr 08, 2019, 10:35 IST

વરસોથી કહેવાતું રહ્યું છે કે માણસ કેટલું જીવે છે એના કરતાં કેવું જીવે છે એ ખરું મહત્વનું ગણાય, તેમ છતાં માણસ તો આ સત્યને ભૂલીને જીવ્યા જ કરે છે અને પછી ચોક્કસ ઉંમરે પહોંચ્યા બાદ જાતજાતની ફરિયાદ કર્યા કરી પોતાને અને દુનિયાને કોસ્યા કરે છે.

યે જીના ભી કોઈ જીના હૈ લલ્લુ!

આ ટેક્નૉલૉજીના યુગમાં માણસે પોતે ટેક્નૉલૉજીને અને ટેક્નૉલૉજી સાથે સતત પોતાને અપડેટ અને અપગ્રેડ કરતાં રહેવું પડે છે, અન્યથા માણસ પોતે જ આઉટડેટેડ થવા લાગે છે અને પોતાની જાતથી કંટાળવા માંડે છે. એટલું જ નહીં, પોતાનું જીવન પણ તેને વ્યર્થ અને ભારરૂપ લાગવા માંડે છે. આ હકીકતને સમજવા ચાલો એક કાલ્પનિક કથાને યાદ કરીને સમજીએ...

સદીઓ પહેલાંની આ વાત છે. પૃથ્વીનું સર્જન થયું ત્યારની. ઈશ્વરે મનુષ્ય, પ્રાણી, જીવજંતુ, વૃક્ષો વગેરેના એકેક નમૂના તૈયાર કર્યા અને બધાને સરખે ભાગે ૪૦ વર્ષનું આયુષ્ય આપ્યું, પરંતુ મનુષ્ય જેનું નામ, એ પહેલેથી જ ઈષ્ર્યાળુ અને લાલચુ. તેથી એ ઈશ્વર પાસે ફરિયાદ લઈને ગયો. તેણે કહ્યું, તમે અમને બધાં પ્રાણીઓમાં સૌથી વધુ બુદ્ધિશાળી અને ચતુર બનાવ્યા, પરંતુ આયુષ્ય તો બધા જેટલું જ આપ્યું. તો બીજા બધામાં અને અમારામાં ફરક શું રહ્યો? મનુષ્યની આ ફરિયાદ સાંભળી ભગવાને કહ્યું, તું જ બધાં પ્રાણીઓને જઈને પૂછ. તેઓ તને પોતાના ભાગનું આયુષ્ય આપવા તૈયાર હોય તો મને કશો વાંધો નથી. મનુષ્યે પ્રાણીઓને પૂછ્યું તો ગધેડો, કૂતરો અને ઉલ્લુ તેની વહારે આવ્યા. તેમણે પોતાના ભાગનું અડધું આયુષ્ય મનુષ્યને આપી દીધું.

જીવનની દરેક બાબતોની જેમ આ વાર્તાને પણ બે રીતે જોઈ શકાય છે. એક દ્રષ્ટિકોણ અનુસાર જીવનનાં પહેલાં ૪૦ વર્ષ મનુષ્ય પોતાનું આયુષ્ય જીવે છે, જેમાં પહેલાં ૨૦ વર્ષ તો લગભગ અભ્યાસમાં નીકળી જાય છે, પરંતુ ત્યાર બાદનાં યુવાનીનાં ૨૦ વર્ષ તે ખરાં અર્થમાં પોતાનું જીવન જીવે છે અને માણે છે. એ પછીના ૪૦થી ૬૦ વચ્ચેનાં વર્ષો મનુષ્ય ગધેડાનું આયુષ્ય ભોગવે છે. આ સમય દરમ્યાન બાળકો મોટાં થઈ જાય છે, તેથી તેમને જીવનમાં ઠરીઠામ કરવાનો બોજો તેના માથે હોય છે. માતાપિતા હયાત હોય તો તેઓ પણ પોતાની વૃદ્ધાવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચી ગયાં હોવાથી તેમની પણ જવાબદારી તેણે સંભાળવાની હોય છે. આમ ૪૦થી ૬૦ વર્ષની વચ્ચે મનુષ્યે ગધેડાની જેમ માત્ર મજૂરી જ કરવાની હોય છે. ત્યાર બાદના ૬૦થી ૮૦ વર્ષ વચ્ચેનું આયુષ્ય મનુષ્ય કૂતરાના ભાગનું આયુષ્ય ભોગવે છે. જેમ કૂતરો જ્યાં જાય ત્યાં હડતૂત થયા કરે છે એવી જ રીતે મનુષ્ય પણ પોતાના જ ઘરમાં હડતૂત થયા કરે છે. સંતાનો તેનું સાંભળવાનું બંધ કરી દે છે. ઘરના અન્ય સભ્યોને મન પણ એ બોજ બની જતો હોવાથી બધા તેને ધૂત્કાર્યા કરે છે. એટલું જ નહીં, ત્યાર બાદ પણ ઈfવર કૃપા રહી તો ૮૦થી ૧૦૦ વર્ષ વચ્ચે મનુષ્ય ઉલ્લુના ભાગનું આયુષ્ય ભોગવે છે. ઉલ્લુની જેમ રાત રાતભર જાગતો પડ્યો રહે છે, પોતાનું કોઈ કામે જાતે કરી શકતો નથી અને પોતાનો એક પગ કબરમાં લટકાવી જીવનનો અંત આવવાની રાહ જોયા કરે છે.

હવે આ જ વાર્તાનો બીજો અર્થ કરવો હોય તો એમ કરી શકાય કે ઈશ્વરે તો મનુષ્યને માત્ર ૪૦ વર્ષનું જ આયુષ્ય આપ્યું હતું. એ તો કુદરતના અન્ય જીવોએ મહેરબાની કરી પોતાના હિસ્સાનું અડધું આયુષ્ય પણ તેને ભોગવવા આપી દીધું. હવે એ મનુષ્યની જવાબદારી છે કે તે પોતાને મળેલું આ ૪૦ વર્ષ બાદનું જીવન કેટલું સુંદર રીતે જીવી દેખાડે છે અને કેવી રીતે પોતે ગધેડા, કૂતરા કે ઉલ્લુનું નહીં, પરંતુ માણસનું જીવન જીવ્યો હોવાનું પુરવાર કરી દેખાડે છે!

આ પણ વાંચોઃ કૉલમ : યાદ રાખજો, ઉપરવાળો કૃપાળુ છે જ નહીં

આપણી આસપાસ નજર કરીશું તો જેમની ગણના ઉંમરલાયકમાં કરી શકાય તેવા લોકોમાં બે પ્રકાર જોવા મળે છે. એક, જેઓ આ વાર્તાની જેમ પોતાને મળેલી આ બોનસ જિંદગીને ભારરૂપ ગણી વૈંતરું કર્યા કરે છે અને બીજાં જેઓ વર્ષે એક વાર પગારની સાથે મળતા બોનસની જેમ એને સાચવી સાચવીને એન્જૉય કરવાનો પ્રયત્ન કરે છે. આ બન્નેમાં પહેલા પ્રકારના લોકોની સંખ્યા હંમેશાંથી બીજા પ્રકારના લોકો કરતાં વધુ રહી છે. તેઓ પોતે તો નકારાત્મક હોય જ છે, પરંતુ પોતાની આસપાસ પણ એવી જ નેગેટિવ એનર્જી‍ ફેલાવતા રહે છે, પરંતુ એ તો આપણા પર છે કે આપણે પોતાની ગણના આ બેમાંથી કેવા પ્રકારના લોકોમાં કરવી છે.

ખરેખર તો જીવન એ બીજું કશું જ નહીં, પરંતુ ક્ષણે ક્ષણે પોતાની જાતને નવેસરથી શોધવા અને પામવાની પ્રક્રિયા માત્ર છે. જેમ એક બાળક મોટું થતું જાય તેમ તેમ પોતાને મળતી નવી ક્ષમતાઓનો ઉપયોગ કરી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે પોતાની જાતને વિસ્તારતું જાય છે તેમ આપણે પણ મોજૂદા જિંદગીની વાસ્તવિકતાઓનો સ્વીકાર કરી નવું નવું શીખવા અને માણવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિતનવી ટેક્નૉલૉજીથી તથા રોજબરોજના સમાચારોથી પોતાની જાતને અપડેટ રાખવી જોઈએ તો સાથે જ પોતાની જાત પાસે તથા અન્યો પાસે રાખવામાં આવતી આપણી અપેક્ષાઓમાં પણ ફ્લેક્સિબલ રહેવાનું શીખવું જોઈએ. જ્યાં સતત કંઈક નવું શીખીને આપણે જીવનમાં સ્વસ્થ એક્સાઇટમેન્ટ જાળવી શકીએ છીએ ત્યાં જ પોતાના વ્યવહારમાં ફ્લેક્સિબલ રહીને આપણે અન્યોની સાથે પોતાની જાતની પણ વધુ નજીક રહી શકીએ છીએ. દુનિયામાં ક્યાંય પણ નજર કરો, સૌથી વધુ સફળ લોકો એ જ છે જેમણે સમય અનુસાર પોતાની જાતમાં આવા ફેરફાર કર્યા છે. બાકી બધા આઉટડેટેડ બની જાય છે.


અંગ્રેજીમાં પોતાની જાતને નવેસરથી શોધવા અને પામવાની પ્રક્રિયા માટે રિઇન્વેન્ટ જેવો સુંદર શબ્દ વપરાય છે. અલબત્ત રિઇન્વેન્ટનો અર્થ માત્ર નવી ટેક્નૉલૉજી કે પ્રક્રિયાઓ શીખવી જ થતો નથી, બલકે જીવન પ્રત્યેનો આપણો અભિગમ બદલવો, નવા શોખ તથા રસના વિષયો કેળવવા તથા નવા સંબંધો બાંધવા પણ થાય છે. કોણે કહ્યું કે મોટી ઉંમરે વ્યક્તિએ માત્ર વાંચવા અને ધર્મ પર જ ધ્યાન આપવું જોઈએ? તમને મન થાય તો તમે સ્વિમિંગ શીખવા જઈ શકો છો, કુકિંગ ક્લાસિસમાં જોડાઈ શકો છો, સંગીત શીખી શકો છો, પોતાના પૌત્રની બર્થડે પાર્ટીમાં માથે ટોપી પહેરી મ્યુઝિકલ ચેર રમી શકો છો કે પછી તમારા પુત્રની પાર્ટીમાં તેના મિત્રો સાથે ડાન્સ પણ કરી શકો છો...

આ પણ વાંચોઃ કૉલમ : બોલે તો હસને કા

દરેક વખતે વસ્તુઓ હંમેશાંથી જેમ થતી આવી છે તેમ જ કરવી જરૂરી નથી. તેવી જ રીતે જીવન પણ હંમેશાંથી જેમ જિવાતું આવ્યું છે તેમ જ જીવવું જરૂરી નથી. જસ્ટ થિન્ક આઉટ ઑફ ધ બોક્સ. હવેના સમયમાં વિકલ્પોની કોઈ અછત નથી. તમને જે કરવું છે એ કરો. તમને હંમેશાંથી જે કરવાની ઇચ્છા હતી એ કરો. જીવનમાં જે બાકી રહી ગયું છે, જે કંઈ અધૂરું રહી ગયું છે તે હવે પૂરું કરો. આ જ તો સમય છે નવરાશનો, હળવાશનો. તેને નિસાસામાં શું કામ વ્યતીત કરો છો? પોતાના જીવનની લગામ પોતાના હાથમાં લો, પોતાની જાતને જ નવેસરથી શોધી નવેસરથી પામો. રિઇન્વેન્ટ યૉરસેલ્ફ. પછી જુઓ, આ જ જીવન ફરી એક વાર જીવવા જેવું લાગે છે કે નહીં? કુછ નયા હો જાયે કે કુછ મીઠા હો જાયે એ વાતને જીવનના આ તબક્કામાં પણ લાગુ કરવી જોઈએ. આ માટે આ ગીતને પણ યાદ કરી શકાય...

હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી,
છાંવ હૈ કહીં, કહીં હૈ ધૂપ જિંન્દગી,
હર પલ યહાં, જી ભર જીઓ,
જો હૈ સમા, કલ હો ન હો...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK