Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફેક ન્યુઝનું વાઇરલ થવું કોરોનાના વાઇરસ કરતાં પણ વધુ ખતરનાક!

ફેક ન્યુઝનું વાઇરલ થવું કોરોનાના વાઇરસ કરતાં પણ વધુ ખતરનાક!

20 August, 2020 03:22 PM IST | Mumbai
Jayesh Chitalia

ફેક ન્યુઝનું વાઇરલ થવું કોરોનાના વાઇરસ કરતાં પણ વધુ ખતરનાક!

સત્યમ શરણમ ગચ્છામિ રહીએ એમાં જ જીવનની સાર્થકતા છે.

સત્યમ શરણમ ગચ્છામિ રહીએ એમાં જ જીવનની સાર્થકતા છે.


છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયાના જગતમાં બ્રેકિંગ ન્યુઝની સાથે-સાથે ફેક ન્યુઝની બોલબાલા વધતી જાય છે. જાણતા કે અજાણતા કરોડો લોકો તેમાં તણાતા જાય છે. આ બાબત એટલું તો સાબિત કરે છે કે આપણને સત્ય કરતાં વધુ રસ સમાચાર (પછી ભલે તે સાવ જુઠાણા હોય)માં પડે છે. ખરેખર તો એક સાચા નાગરિક તરીકે આપણે આની સામે સજાગ-જાગ્રત નહીં બનીએ તો આપણે પણ તેના ભાગીદાર બનીને સમાજને અને રાષ્ટ્રનું અહિત કરતાં રહીશું.
ગયા સપ્તાહમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના મૃત્યુ વિશે ખોટા સમાચાર ફેલાયા અને મુખરજી સાહેબની દીકરી તેના વિશે સ્પષ્ટતા કરે એ પહેલાં તો તે વાયુવેગે દેશભરમાં પ્રસરી ગયા. આ સમાચાર વહેતા કરવામાં એક બહુ (કૂ) પ્રસિદ્ધ અંગ્રેજી પત્રકારનો હાથ હતો, માની લઈએ કે તેમણે આમ જાણી જોઈને નહીં કર્યું હોય, પરંતુ જો આવા જાણીતા સિનિયર પત્રકારના હાથે પણ આમ અસત્ય ફેલાય (જાણતા કે અજાણતા) તો બીજા સામાન્ય માણસોનું તો શું કહેવું. સોશ્યલ મીડિયાની ભાષામાં આને ફેક ન્યુઝ કહે છે.
ફેક અને ફૉર્વર્ડની બોલબાલા
આ જ સમયગાળામાં તા. ૩૦ સપ્ટેમ્બર સુધી રેલવે બંધ રહેવાના સમાચાર વૉટસઅૅપ પર તેના સર્ક્યુલર સાથે ફરતા થયા, સર્ક્યુલર જોઈને બધાએ તેને તરત સત્ય માની લીધું. એ પછી રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી કે આ સમાચાર સત્તાવાર નથી. રાજકારણ, સૅલિબ્રિટીઝ, વિવાદાસ્પદ વ્યક્તિ કે બાબત વિશે વૉટસઅૅપના માધ્યમથી સાચા-ખોટા અહેવાલ ફૉર્વર્ડ કરવા એ હવે એક બાળક જેવું કામ થઈ ગયું છે. ન્યુઝ, વિડિયો, ઑડિયો વાઇરલ થઈ ગયા જેવા શબ્દો હવે ખતરનાક બનતા જઈ રહ્યા છે. કરોડો લોકોને એકસાથે ગેરમાર્ગે દોરવાનું આ સાધન સતત જોખમી બનતું જાય છે. સોશ્યલ મીડિયાના જગતમાં વાઇરલ શબ્દ કોરોનાથી પણ વધુ ખતરનાક બનતો જાય છે. સુશાંત સિંહ રાજપૂત પ્રકરણથી લઈ કોમી રમખાણ, રાજકારણથી લઈ ધર્મકારણ, સમાજવ્યવસ્થાથી લઈ અર્થવ્યવસ્થા, નાનકડા ગામથી લઈ ગ્લોબલ સ્તર સુધી ફેક ન્યુઝ અથવા કહો કે અસત્ય અત્ર-તત્ર-સર્વત્ર છવાઈ રહ્યા છે. આ માધ્યમનો સદુપયોગ પણ થાય છે અને તેનાથી અનેકગણો દુરુપયોગ પણ. ખાસ કરીને વિવિધ ક્ષેત્રનાં સ્થાપિત હિતો માટે આ જાદુઈ રમકડું બની ગયું છે. તાજેતરમાં એક રિલીઝ થનારી ફિલ્મ વિશે પણ અસંખ્ય ફેક ડિસલાઈક (ખોટા અણગમા) ફેલાઈ ગયા, જે જાહેર છે. આ જ રીતે અમુક લોકો પોતાની ઇમેજ, બ્રૅન્ડ, માર્કેટિંગ માટે પણ વિવિધ માધ્યમ મારફત ફેક લાઇકસ અને કમેન્ટ કરાવતા રહે છે. અત્યાર સુધી જે મોટે ભાગે અખબારો કે ટીવીના માધ્યમથી બનતું હતું તે હવે સોશ્યલ મીડિયાના માધ્યમથી સસ્તું, સરળ અને વધુ વ્યાપક-અસરકારક બની રહ્યું છે. અખબાર અને ટીવીની તો ક્યાંક મર્યાદા પણ હતી, જ્યારે સોશ્યલ મીડિયાની તો કોઈ હદ જ નથી. આવા તો અનેક દાખલા આપણે સતત જોઈ રહ્યા છીએ. ઘણીવાર સરકારે ચોક્કસ સંજોગોમાં અને ચોક્કસ વિસ્તારો-શહેરોમાં ઇન્ટરનેટ પર બંધી મૂકવી પડતી હોય છે, જેથી અફવા કે કૂપ્રચારને અટકાવી શકાય.
સત્ય અને અસત્યનાં લક્ષણો
આ ફેક (અસત્યનું) કાર્ય સરળતાથી કઈ રીતે થઈ જાય છે? જેનો સીધો ને સટ જવાબ છે, સત્ય એક હોય છે અને અસત્ય અસંખ્ય અને વિવિધ માર્ગે આવે છે. સત્યનો માર્ગ એકલો-અટુલો, જ્યારે અસત્યના અનેક સ્થાપિત હિત હોવાથી માર્ગ પણ ઘણા હોય છે. અસત્ય જોરપૂર્વક શોર મચાવે છે અને સત્ય ચૂપચાપ પ્રગટે છે. અસત્ય ઉતાવળું હોય છે, જેથી ઝડપથી પોતાનું કામ કરવા લાગે છે, પરંતુ સત્ય ધીરજવાન હોવાથી તે શાંતિ અને સંયમ સાથે આગળ વધે છે. અસત્ય ડરપોક હોય છે, કેમ કે તેને ખબર હોય છે કે તે અપરાધ કરી રહ્યું છે અને જુઠ્ઠું છે, જ્યારે સત્ય નિર્ભય હોય છે, કારણ કે તેની શક્તિ જ સત્યનો પાયો હોય છે - સત્યમેવ જયતે અમસ્તુ બન્યું નથી.
સત્યની હાલત કોરોનાના દરદી જેવી
રાજનીતિ, ધર્મ અને જાતિના નામે પરસ્પર લડાવવા માટે, કૂપ્રચાર અને માર્કેટિંગ માટે આજે સૌથી મોટા મંચ તરીકે સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમ સક્રિય બની ગયાં છે. સામાન્ય નાગરિક પણ તેનો ઉપયોગ કરે છે, જેથી શિકાર બનતા વાર લાગતી નથી. એક માણસને સમજાવવું કઠિન હોય છે, પરંતુ ટોળાને સમજાવવાની જરૂર પડતી નથી, કારણ કે ટોળું દિમાગ ધરાવતું હોતું નથી, તે માત્ર દોરવાઈ જવા માટે હોય છે. સત્યની હાલત કોરોનાના દરદી જેવી હોય છે. એકવાર અસત્ય પ્રસરી જાય પછી લોકો સત્યને આઇસોલેશનમાં મૂકી દે છે. સત્ય ક્વૉરન્ટીનમાંથી બહાર આવે ત્યાં સુધીમાં અસત્ય ઘણું ડેમેજ કરી ચૂકયું હોય છે. સરકારી તંત્રો આના ઉપાય માટે અનેકવિધ કદમ ભરી રહ્યા છે, કિંતુ અસત્યનો પ્રવાહ - વેગ પ્રચંડ હોવાથી સરકારી તંત્રને સફળતા મર્યાદિત મળે છે. સરકારી તંત્રએ અસત્યને સાબિત કરવા તેમ જ સત્યને સામે મૂકવા માટે સંઘર્ષ કરવો પડે છે. અલબત્ત, કાયદાના માર્ગે સરકારી તંત્ર એક યા બીજા પ્રયાસ ચાલુ રાખે છે.
ઉપાય એક જ છે
અસત્યના અનેક પુરાવા આપી દેવાશે, માનસિકતા ઊભી કરાશે, સત્ય પુરાવાની જરૂર નહીં હોવાથી કંઈ નહીં બોલે, પણ અંતિમ સાબિતી સત્ય જ રહેશે, જે ઘણીવાર વર્ષો અને સદીઓ પણ લે છે, તેથી જ આપણે વારંવાર રામાયણ, મહાભારત, ભગવત ગીતાથી લઈ ગાંધી જયંતી સહિત કેટલાંય ઉત્સવો ઊજવીને યા તેની કથાઓ કરીને વારંવાર યાદ કરવા અને કરાવવા પડે છે. તેમ છતાં હકીકતમાં આનો નકકર ઉપાય યા ઇલાજ એક જ છે - તે છે પ્રજાની જાગ્રતિ, સજાગતા, સાવચેતી.
સત્યના ટેકામાં અડીખમ બનીએ
સમય સાથે સત્યને પણ પોતાના સ્વરૂપ, હાજરી, ઝડપ બદલવાં જોઈશે. પોતાના અવાજને વધુ બુલંદ બનાવવો પડશે. આક્રોશ વધારવો જોઈશે. આ માટે સાચા નાગરિક તરીકે આપણે જ સક્રિય બનવું જોઈશે. સજ્જનો ચૂપ રહ્યા કરશે તો જ દુર્જનો પોતાના કામ સફળતાપૂર્વક પાર પાડતા જશે. અધર્મ સામે ધર્મનું યુદ્ધ કરવું પડે છે તેમ અસત્ય સામે સત્યનું યુદ્ધ પણ લડવું પડે. ઘણાને હજી પણ અયોધ્યાના રામમંદિરમાં રાજકારણ લાગે છે, જ્યારે કે વાસ્તવિકતા એ છે કે આટલાં વર્ષ ચાલેલી આ લડાઈ માત્ર મંદિર માટેની જ નહોતી, બલકે ધર્મ અને સત્ય માટેની હતી. તેથી જ અંતે આ સત્યનો વર્ષો પછી પણ વિજય થયો. યાદ રહે, હજી પણ ફેક (અસત્ય) ન્યુઝની બજાર મોટી રહેશે, ચાલુ પણ રહેશે. આપણે પ્રજા તરીકે ફેક ન્યુઝ (અસત્ય) અને કરેકટ ન્યુઝ (સત્ય) ને સમજવાની દૃષ્ટિ અને અભિગમ વિકસાવવા પડશે, એટલું જ નહીં, અસત્યના સખત વિરોધમાં તેમ જ સત્યના અડીખમ ટેકામાં ઊભા રહેવું જોઈશે. સત્યને સાથ નહીં આપવામાં આપણી વર્તમાન પેઢી જ નહીં, પરંતુ આગામી પેઢીએ પણ ભરપૂર સહન કરવાનું આવી શકે છે. સત્ય જ ઈશ્વર છે અને ઈશ્વર જ સત્ય છે. તેથી આપણે સત્યમ શરણમ ગચ્છામિ રહીએ એમાં જ જીવનની સાર્થકતા છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2020 03:22 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK