ફેસબુક કે વૉટ્સઍપવાળો લવ સેફ ન પણ હોય

Published: 30th December, 2014 05:29 IST

છેલ્લા થોડાક અરસામાં ઑનલાઇન ડેટિંગ અને વચુર્અલ રિલેશનશિપનો ક્રેઝ વધતો ચાલ્યો છે ત્યારે એ જાણવું જરૂરી છે કે તમે કોઈના પર મૂકેલો આંધળો વિશ્વાસ તમને ઇમોશનલી, સોશ્યલી અને કેટલાક કિસ્સાઓમાં ફાઇનૅન્શિયલી ખતમ કરી શકે છે. સ્ત્રીઓ આનો સૌથી વધુ ભોગ બની રહી છે

સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ


બહુ પહેલાં એક વિડિયો જોવામાં આવ્યો હતો. ફેસબુક પર બે જણ લાંબા સમયથી વાત કરી રહ્યા હતા. ધીમે-ધીમે ફેસબુકના ચૅટિંગ પછી પહેલી વાર બન્ને જણે સ્કાઇપ પર વિડિયા-કૉલિંગ પર વાત કરવાનું નક્કી કર્યું. બે વર્ષની ચૅટિંગ રિલેશનશિપ પછી પહેલી વાર એકબીજાને વિડિયો-કૉલિંગથી જોવાની ઘડી આવી ત્યારે બન્નેને જોરદાર આંચકો લાગ્યો. કારણ શું હતું ખબર છે? એક જ ઘરના અને અલગ-અલગ રૂમમાંથી આઇ લવ યુથી લઈને દરેક પ્રકારની રોમૅન્ટિક વાતો કરનારા આ બે જણ વચ્ચે બાપ-દીકરીનો સંબંધ હતો. પરંતુ એકબીજાને અત્યાર સુધી જોયાં ન હોવાને કારણે તેમને આ વાતની ખબર નહોતી. વેબ કૅમેરા પરથી એ લોકો એકબીજાની સામે આવ્યાં ત્યારે ખબર પડી કે પોતે જેની સાથે ઘ્ ગ્રેડની ભાષામાં ફ્લર્ટ કરી રહ્યા હતા એ તેની દીકરી હતી અને દીકરીને ખબર પડી કે પોતે જેને બહુ જ છૂટછાટ આપી રહી હતી એ તેનો જ બાપ હતો.

યસ, અચંબામાં મુકાવાની જરાય જરૂર નથી. ખૂબ સામાન્ય બની રહેલો અત્યારનો આ સિનારિયો એક શર્મનાક હકીકત છે. સંબંધોની કોઈ પણ જાતની મર્યાદાઓનો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર છેદ ઊડી રહ્યો છે. ઑનલાઇન વાતો કરતાં-કરતાં એકબીજા માટે પ્રેમ થઈ જાય, સાથે જીવવા-મરવાના કોલ પણ દેવાઈ જાય. વર્ષો સુધી એકબીજાને જોયા વિના સંબંધો ઊંડા ને ઊંડા વધતા જાય. માત્ર ફોટો પરથી એ વ્યક્તિ વિશેની બધી જ જાણકારી પોતાને છે એવો આંતરિક ભ્રમ પણ પેદા થાય અને જ્યારે હકીકતમાં એકબીજાને મળવાનો અવસર આવે ત્યારે પોતે જોયેલાં રોઝી સપનાંઓ પર પહેલો ફટકો લાગે. પોતે જોયેલું પાત્ર અપ ટુ ધ માર્ક નથી એની રૂબરૂ જોયા પછી ખબર પડે એટલે આઘાત લાગે. એ પછી જેમ-જેમ તેની સાથે રહેવાનું થાય એમ-એમ તેના સ્વભાવની પણ કેટલીક મૂળભૂત બાબતો પર ધ્યાન આવતું જાય અને ધીમે-ધીમે પત્તાનો મહેલ વિખેરાય એમ બધું જ કડડડભૂસ થતું જાય. શું કામ ઑનલાઇન ડેટિંગનો વ્યાપ વધી રહ્યો છે? ઑનલાઇન ડેટિંગમાં મળતી નિષ્ફળતાઓ કેવા-કેવા ટ્રોમા ઊભા કરે છે? ઑનલાઇન ડેટિંગમાં કેવી ટાઇપના લોકો વધુ ઇન્વૉલ્વ થાય છે? એવાં કયાં પરિબળો છે જે આ દિશામાં આગળ વધવા માટે તેમને વધુ ઉકસાવે છે? જેવા અનેક પ્રfનોના જવાબ મેળવવાના પ્રયત્ન કરીએ.

પ્રમાણ વધ્યું શા માટે?

ઑનલાઇન ડેટિંગનું પ્રમાણ વધ્યું એ પાછળનાં ઘણાં કારણો છે, જેમાંનું મુખ્ય કારણ છે અવેલેબિલિટી. અત્યારે ફેસબુક, ટ્વિટર, વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ, લાઇન, હાઇક, વી ચૅટ જેવી સેંકડો ચૅટિંગ ઍપ્લિકેશન્સના ઑપ્શન્સ છે જે અત્યાર જેટલા હાથવગા ક્યારેય નહોતા. એક નાનકડા ફોનમાં આ બધું જ સમાવી શકાય છે, જેને કારણે ઑનલાઇન લોકોને મળવા માટેનો પહેલો અવકાશ ઊભો થયો. બીજી વાત, ફોનના માધ્યમે વિકસતા આ સંબંધોને પ્રાઇવસી પણ ભરપૂર મળે છે. રાતે મોડે સુધી વાત કરી શકાય. અવેલેબિલિટી પછી એની કન્વીનિયન્સી પણ વધી. ચૅટિંગ દ્વારા એકબીજાને ભરપૂર જાણી તો શકાય જ છે સાથે સતત એકબીજાની હાજરીનો અહેસાસ થાય છે. એટલે માત્ર હાય-હેલોથી શરૂ થયેલો સંબંધ આગળ જતાં એકબીજાની જરૂરિયાત બની જાય. પાણી પણ એકબીજાને પૂછીને પીવાય. શૉપિંગ કરવા માટે જાય ત્યારે ફોટો શૅર કરીને પસંદગી થાય. રોજ ફોટોગ્રાફની આપ-લે થાય. વિડિયો-કૉલિંગના માધ્યમે વાતચીતો થાય. એટલે બે દેશ વચ્ચેના ડિસ્ટન્સનો પણ અહીં છેદ ઊડી જાય છે. એને કારણે પણ આ પ્રકારના સંબંધો વધુ સારી રીતે વિકસે છે. બીજી એક મહત્વની વાત એ પણ છે કે આવા સંબંધો ફૅન્ટસીમાં વધુ હોય છે. પોતાની રિયલ જાત, પોતાનો રિયલ સ્વભાવ, પોતાનાં લિમિટેશન્સને આસાનીથી છુપાવી શકાય છે. ડિસ્ટન્સ અને ગેરહાજરીને કારણે એકબીજા માટેની ઉત્કટતા વધુ તીવ્ર હોય છે. રિલેશનશિપ એક્સપટોર્નું માનવું છે કે અમુક સંબંધોમાં એકબીજા વચ્ચેનું ડિસ્ટન્સ મિસિંગ ફીલને તીવ્ર બનાવે છે, જે રિલેશનશિપને હેલ્ધી બનાવે છે. પરંતુ હાલત ખરાબ ત્યાં થાય છે જ્યારે સંબંધોની ફરતે રહેલી ફૅન્ટસી હટે છે અને વાસ્તવિકતા સામે આવે છે.

કેવા લોકો વધુ શિકાર બને?

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ તમારા બિઝનેસનો પ્રચાર અને પ્રસાર કરવા કરો તો એ તમારા માટે આર્શીવાદ સમાન છે. કેટલાક અંશે જૂના અને છૂટા પડી ગયેલા ફ્રેન્ડ્સ સાથે કૉન્ટૅક્ટમાં રહેવા માટે પણ આ એક સારું માધ્યમ છે. પરંતુ લૉન્ગ ટર્મ રિલેશનશિપનો પાયો સોશ્યલ મીડિયાને બનાવો તો ત્યાં જોખમ છે. વાતનો ફોડ પાડતાં અંધેરીમાં આઠ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં રિલેશનશિપ કાઉન્સેલર ડૉ. ગીતાંજલિ સક્સેના કહે છે, ‘મોટે ભાગે એકલતા અનુભવતા, પ્રેમનો અભાવ અનુભવતા લોકો બહુ ઝડપથી સોશ્યલ મીડિયામાં પોતાનો સહારો શોધવામાં આગળ વધી જતા હોય છે. લોકો પાસેથી થોડી એવી હમદર્દી મળે તો પણ તેઓ તરત જ તેમનામાં પોતાનો આશરો જોવાનો શરૂ કરી દે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં સામેવાળું માત્ર ટાઇમપાસ કરવા માટે અને ફ્લર્ટના મકસદથી જ વાતો કરતું હોય છે. ડિસ્ટન્સ અને વચ્યુર્અલ રિલેશનશિપમાં એ કળી શકાતું નથી. એ પછી જ્યારે એકબીજાની સામે આવવાનું બને છે અને ચૅટિંગમાં બહુ મીઠી-મીઠી વાતો કરતી વ્યક્તિનો વાસ્તવિક પરિચય થાય છે ત્યારે સામા પાત્ર સાથે ઇમોશનલી જોડાયેલી વ્યક્તિ ખૂબ ડિસ્ટર્બ થઈ જાય છે.’

ડૉ. ગીતાંજલિ પાસે આવા ઘણા કેસ-સ્ટડીઝ આવ્યા છે. એક કેસ-સ્ટડીની ચર્ચા કાઢીને તેઓ કહે છે, ‘એક મૅરિડ લેડી ફેસબુક પર એક છોકરાના પરિચયમાં આવી. તેની નાની-નાની કૅર, દરેક વાતમાં તેનો પ્રેમભર્યો વ્યવહાર તેને એટલો પ્રભાવિત કરી ગયો કે તે ધીમે-ધીમે દરેક બાબતમાં ઇલ્યુઝનમાં તેની સાથે જીવવા લાગી. કિચનમાં કામ કરતી હોય ત્યારે પણ તેને એમ જ લાગે કે પેલો તેને જોઈ રહ્યો છે. તેના પતિની બાજુમાં બેસીને તે પેલા છોકરા સાથે ચૅટ કરતી. તેમની મૅરિડ લાઇફ ડિસ્ટબ્ર્ડ હતી, જેને કારણે પતિએ શરૂઆતમાં ધ્યાન ન આપ્યું. પરંતુ ધીમે-ધીમે પેલા માણસે એ લેડી સાથેના વ્યવહારો ઓછા કરવાનું શરૂ કર્યું. તેની લાઇફમાં બીજું પણ કોઈ આવી ગયું હતું, જેને કારણે આ લેડીની હાલત બગડવા માંડી. તે ડિપ્રેશનમાં સરવા માંડી. તેના પતિને તેણે આખી હકીકત કહી દીધી. પતિને લગ્ન જોઈતાં હતાં એટલે તેણે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વિના પત્નીના ડિપ્રેશનનો ઇલાજ કરવાનું શરૂ કર્યું. આવી જ એક છોકરીએ શ્લ્માં એક છોકરા સાથે સંબંધ બાંધ્યો છે. ત્રણ વર્ષથી તેમની વચ્ચે રિલેશન છે. પેલો છોકરો તેને મળવાના બે વર્ષથી વાયદા આપે છે, પણ મળતો નથી. તેની સાથે લગ્ન કરવાનાં ખ્વાબ જોઈને બેસેલી છોકરી હવે ઇમોશનલી એટલી ડિસ્ટર્બ છે કે તેણે પોતાની જૉબથી હાથ ધોવા પડ્યા છે. આવા તો ઘણા કિસ્સાઓ છે.’

દૂર રહેવામાં સાર

ડૉ. ગીતાંજલિ કહે છે કે ‘મોટે ભાગે સ્ત્રીઓ આમાં વધુ ફસાતી હોય છે. સામેવાળો માત્ર ફ્લટિંર્ગ અને ટાઇમપાસ કરવાના હેતુથી સ્ત્રી સાથે ઇમોશનલી જોડાવાનું નાટક કરે છે જેમાં આવતા સેટબૅકને તેઓ પાછળથી હૅન્ડલ કરી શકતી નથી. કેટલીક સ્ત્રીઓ પણ ફેસબુક પર ખોટી માહિતી મૂકીને લોકો સાથે ફ્રૉડ કરતી હોય એવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પુરુષો મોટે ભાગે હોમોસેક્સ્યુઅલિટીની અર્જ પૂરી કરવા માટે ફેસબુક જેવી સોશ્યલ સાઇટ્સનો ઉપયોગ કરે છે. જોકે એકંદરે માત્ર ચૅટિંગ પર ઊભા થતા સંબંધના મહેલના પાયા નબળા હોવાની શક્યતા ૯૦ ટકા હોય છે. અમુક સમય પૂરતી પોતાની જાતને મૅનિપ્યુલેટ કરીને ખોટી રીતે દર્શાવવી દરેક માટે સહેલી વાત છે. એટલે જ વચ્યુર્અલ રિલેશનશિપના ચક્કરમાં પડવામાં જરાય માલ નથી. તમને ફેસબુક પર વાત કરીને કોઈ વ્યક્તિ ગમી હોય તો સિરિયસ થતાં પહેલાં તેને રૂબરૂ મળવાનો આગ્રહ રાખો. તેની વાસ્તવિક સ્થિતિ પ્રત્યે સભાનતા કેળવીને પછી જ આગળની દિશા પકડવી જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK