Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંસ્કૃત શ્લોકોને વૈશ્વિક મંચ સુધી પ્રસારવાનો પ્રયોગ કર્યો, આ 4 બહેનોએ

સંસ્કૃત શ્લોકોને વૈશ્વિક મંચ સુધી પ્રસારવાનો પ્રયોગ કર્યો, આ 4 બહેનોએ

28 January, 2021 03:04 PM IST | Mumbai
Varsha Chitalia

સંસ્કૃત શ્લોકોને વૈશ્વિક મંચ સુધી પ્રસારવાનો પ્રયોગ કર્યો, આ 4 બહેનોએ

સંસ્કૃત શ્લોકોને વૈશ્વિક મંચ સુધી પ્રસારવાનો પ્રયોગ કર્યો, આ 4 બહેનોએ

સંસ્કૃત શ્લોકોને વૈશ્વિક મંચ સુધી પ્રસારવાનો પ્રયોગ કર્યો, આ 4 બહેનોએ


વર્તમાન પેઢી અને ઊગતી પેઢી ભગવદ્ગીતાના શ્લોક સાચા ઉચ્ચારણ સાથે બોલી શકે અને તેમના આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય એવા હેતુથી મુંબઈની કેટલીક બહેનોએ અઠવાડિયામાં ત્રણ દિવસ ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ફ્રીમાં શ્લોક આનંદ, સંસ્કૃત આનંદ અને બાલગીતા આનંદના વર્ગ શરૂ કર્યા અને મુંબઈથી શરૂ થયેલી જ્ઞાનની અવિરત ધારા જોતજોતામાં વૈશ્વિક મંચ સુધી પહોંચી ગઈ છે

‘અથ પંચદશોડ્ધયાય:’ શ્રીભગવાનુવાચ
ઊર્ધ્વમૂલમધ: શાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્
છંદાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્...’
હિન્દુ ધર્મના પ્રાચીન અને પવિત્ર ગ્રંથ ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયના આ શ્લોકથી આપણે સૌ પરિચિત છીએ, પંરતુ મોટા ભાગના લોકો સંસ્કૃતમાં લખેલા શ્લોકોનો સાચો ઉચ્ચાર કરી શકતા નથી. ગીતાજીના કુલ અઢાર અધ્યાયમાં આવા ૭૦૦ શ્લોક છે. શ્લોકની ભાષાને સમજવાની અને ઉચ્ચારણ કરવાની જિજ્ઞાસા હોય એવા લોકો માટે મુંબઈની ચાર બહેનો પથદર્શક બની છે. ખાસ કરીને ઊગતી પેઢી ભગવદ્ગીતાના શ્લોકોનું પઠન કરતાં શીખે તેમ જ ઋષિમુનિઓ અને દેવલોકની ભાષા સંસ્કૃતથી પરિચિત થાય એવા હેતુથી રગના મહેતા અને તેમની ટીમે લૉકડાઉન દરમ્યાન શરૂ કરેલા ઑનલાઇન વર્ગમાં આજે ૬૦૦થી વધુ લોકો સંસ્કૃતનું જ્ઞાન લઈ રહ્યા છે. મુંબઈથી શરૂ થયેલી જ્ઞાનની આ અવિરતધારા વૈશ્વિક મંચ સુધી કઈ રીતે પહોંચી અને વર્ગની પ્રવૃત્તિ વિશે તેમની સાથે વાત કરીએ...
આમ શરૂઆત થઈ
સંસ્કૃત ભાષા, ઉપનિષદો અને ભગવદ્ગીતાનો ઊંડાણપૂવર્ક અભ્યાસ કરતાં જોગેશ્વરીનાં સિનિયર સિટિઝન રગના મહેતાને એપ્રિલ મહિનામાં પ્રથમ લૉકડાઉન દરમ્યાન વિચાર આવ્યો કે હાલમાં બાળકો ઘરની અંદર કેદ થઈ ગયાં છે અને કોઈ પ્રવૃત્તિ નથી તો તેમને સંસ્કૃતનું જ્ઞાન પીરસવું જોઈએ. નવી પેઢી ભગવદ્ગીતાના શ્લોક બોલતાં શીખે એવા હેતુસર ઑનલાઇન વર્ગ શરૂ કરવા કેટલીક બહેનો સાથે વાત કરી. વધુ માહિતી આપતાં રગનાબહેન કહે છે, ‘પહેલાં તો મને હતું કે મમ્મીઓને વાત કરી છે તો પાંચ-સાત બાળકો જોડાશે, પણ ૩૫ બાળકો જોડાઈ ગયાં. કલ્પના નહોતી કરી એટલી સંખ્યા જોતાં સંસ્કૃત ભાષાનું જ્ઞાન ધરાવતાં કાંદિવલીનાં નિરાલી વૈદ્ય, બોરીવલીનાં અંજલિ શ્રોફ અને જોગેશ્વરીનાં જીતા વકીલ પણ જોડાયાં. નિરાલીએ વર્ક ફ્રૉમ હોમ વચ્ચે સમય કાઢીને બાળકોને ગીતાજીના શ્લોક બોલતાં શીખવાડવાની હા પાડતાં બાલગીતા આનંદ વર્ગ સાથે સાધુ-સંતો અને ઋષિમુનિઓએ લખેલી ભાષાના જ્ઞાનનો પ્રચાર એક ડગલું આગળ વધ્યો. આ ભગીરથ કાર્યમાં હવે તો ઘણી બહેનો સેવાભાવથી જોડાઈ છે. વધુમાં વધુ લોકો સંસ્કૃત ભાષામાં સાચા ઉચ્ચારણ સાથે શ્લોક બોલતાં શીખે એ અમારું લક્ષ્ય છે.’
બાલગીતા આનંદ
બાલગીતા આનંદ વર્ગની પ્રવૃત્તિ વિશે માહિતી આપતાં નિરાલીબહેન કહે છે, ‘પ્રથમ વર્ગમાં બાળકોને સંસ્કૃતનાં ઉચ્ચારણ શીખવાડતી વખતે ખ્યાલ આવ્યો કે પહેલા ધોરણમાં અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતા બાળકની ગ્રહણ કરવાની ક્ષમતા જુદી હોવાથી વર્ગને વિભાજિત કરવો પડશે. ત્યાર બાદ ઉંમર પ્રમાણે બાળકોને સેપરેટ ક્લાસમાં જૉઇન્ટ થવાનું કહ્યું. ગીતાજીનો પંદરમો અધ્યાય જાણીતો હોવાથી એનાથી શરૂઆત કરી. એક કલાકના વર્ગમાં નાનાં બાળકોને શ્લોકની એક લાઇન બોલતાં શીખવાડવામાં આવે છે. જ્યાં સુધી તેઓ સાચો ઉચ્ચાર ન કરે ત્યાં સુધી એ જ લીટી ફરી-ફરી બોલાવીએ. પંદરમા અધ્યાયના તમામ શ્લોકના ઉચ્ચાર આવડી ગયા બાદ બારમો અધ્યાય શરૂ કર્યો જે હજી ચાલે છે. મોટાં બાળકોને કલાકના વર્ગમાં આખો શ્લોક (બે લાઇનનો) બોલવાનો હોય છે. તેઓ સાતમો, આઠમો અને નવમો અધ્યાય શીખી ગયાં છે અને દસમો ચાલે છે.’
વધુ બે શ્રેણી શરૂ કરી
સંતાનોના મોઢે ગીતાજીના શ્લોકના ઉચ્ચારો સાંભળીને મમ્મીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમણે પણ ભગવદ્ગીતાના શ્લોકો શીખવાની ઇચ્છા વ્યક્ત કરતાં પુખ્તવયના લોકો માટે શ્લોક આનંદ વર્ગના શ્રીગણેશ થયા. રગનાબહેન કહે છે, ‘અધિક મહિનો આવ્યો ત્યાં સુધીમાં બાળકો ઘણા શ્લોક બોલતાં શીખી ગયાં હતાં. આ જોઈને કેટલીક બહેનોએ વિનંતી કરી કે પુરુષોત્તમ માસ ચાલે છે તો અમને પંદરમો અધ્યાય બોલતાં શીખવાડો. ભગવદ્ગીતામાં અતિ સુંદર અધ્યાય છે, પરંતુ લોકોની સાયકોલૉજી એવી છે કે પંદરમો પહેલાં આવડવો જોઈએ. બહેનોને એટલો રસ પડ્યો કે પછી તો ‘શ્રાવણ મહિનો છે શીખવાડો’ કહીને વર્ગ ચાલુ રખાવ્યા. હવે તો બારમાથી સોળમા અધ્યાય સુધી પહોંચી ગયાં છીએ.’
બાલગીતા આનંદ અને શ્લોક આનંદ બાદ સંસ્કૃત આનંદની શ્રેણી શરૂ કરવામાં આવી. આગળ વાત કરતાં તેઓ કહે છે, ‘પહેલી બે શ્રેણીના સાધકોને શીખવાડવાની જવાબદારી બહેનોએ ઉપાડ્યા બાદ પરિવાર અને નજીકના મિત્રો જેઓ ઘણા વખતથી સંસ્કૃત ભાષાની સંધિ અને વ્યાકરણ શીખવા માગતા હતા તેમને બાકાયદા તાલીમ આપવાનું શરૂ કર્યું. ઉત્તર પ્રદેશ સરકારના સિલેબસમાં સમાવેશ કરવામાં આવેલા પ્રારંભિક રચનાનુવાદ કૌમુદી પુસ્તકમાંથી વ્યાકરણ શીખવવામાં આવે છે. આમ તો આ કોર્સ એક વર્ષનો છે પણ વસંતપંચમીથી બીજો વર્ગ શરૂ કરવાની ઇચ્છા હોવાથી અઠવાડિયામાં ત્રણ દિવસ વર્ગ લઈ અમે વહેલી તકે એને પૂરો કરી દઈશું.’
વૈશ્વિક મંચ પર પ્રવેશ
બાલગીતા આનંદ વર્ગમાં એક દિવસ નવી બાળકીને જોઈ. વર્ગ પૂરો થયા બાદ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે નિતાલી નામની આ સાધક હૈદરાબાદથી જોડાઈ છે. ઉત્સાહી સ્વરમાં નિરાલીબહેન કહે છે, ‘અમારી કોઈ સાઇટ નથી કે ઑનલાઇન ચૅનલ નથી. માત્ર વૉટ્સઍપ પર જ ઝૂમ મીટિંગની લિન્ક શૅર કરવામાં આવે છે. નિતાલી પાસે ક્યાંકથી આ લિન્ક પહોંચી હશે અને કુતૂહલવશ તે જોડાઈ. ભગવદ્ગીતામાં એટલો રસ પડ્યો કે મમ્મી અને દાદી-નાનીને વાત કરી. એ પછી તો લિન્ક ફરતી ગઈ અને લોકો જોડાતા ગયા. મુંબઈનાં બાળકોને નજરમાં રાખીને શરૂ કરેલી આ પ્રવૃત્તિ હૉન્ગકૉન્ગ, સિંગાપોર, કૅનેડા અને અમેરિકા સુધી ફરતી થઈ ગઈ. બાલગીતા આનંદ સૌથી લોકપ્રિય શ્રેણી છે. વર્ગના અંતે કૃષ્ણ અવતાર, રામાયણ અને મહાભારતનાં પૌરાણિક પાત્રો વિશે બાળસાધકો સાથે વાતો કરીએ છીએ. હાલમાં દરેક શ્રેણીના એક વર્ગમાં ૫૦ જેટલા સાધકો કાયમ જોડાય છે. માત્ર હિન્દુ જ નહીં, વિધર્મીઓ પણ ઘણા છે. ભગવદ્ગીતા એવો ગ્રંથ છે જેને જાણવામાં દરેક ધર્મના લોકો રસ ધરાવે છે. સંસ્કૃત ભાષા, પ્રાચીન ગ્રંથો અને ભારતની સંસ્કૃતિ વિશ્વભરના લોકોના હૃદયને સ્પર્શી શકે એવી સુંદર છે ત્યારે એના પ્રચારમાં સૌએ પોતાની ક્ષમતા અનુસાર પ્રયાસ કરવા જોઈએ.’



સાધકોનો અનુભવ શું કહે છે?


પૌરાણિક પાત્રોની ક્વિઝ રમવાની મજા પડે : વ્યોમા શાહ, કાંદિવલી
કાંદિવલીનાં સિનિયર સિટિઝન જયશ્રીબહેને ૭ વર્ષની પૌત્રી વ્યોમા નાનપણથી જ ભગવદ્ગીતાનું પઠન કરી શકે અને આપણા કલ્ચરથી પરિચિત થાય એવી ભાવના સાથે બાલગીતા આનંદ વર્ગની ઑનલાઇન ઍક્ટિવિટીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી. બાળસાધક વ્યોમાને એટલી મજા પડી કે તેણે એકેય વર્ગ મિસ નથી કર્યો. એટલું જ નહીં, ઝડપથી શીખી પણ ગઈ. થોડા સમય પહેલાં મધ્ય પ્રદેશમાં ભગવદ્ગીતાના શ્લોકોનું પઠન કરવાની ઑનલાઇન સ્પર્ધામાં તેને ત્રીજું ઇનામ મળ્યું એનું શ્રેય રગનાબહેનની ટીમને આપવું પડે. આ ઉંમરે સ્પષ્ટ ઉચ્ચારો સાથે વાત કરતાં વ્યોમા કહે છે, ‘અત્યાર સુધીમાં ત્રણ અધ્યાયના તમામ શ્લોક એવા મોઢે થઈ ગયા છે કે લાઇફટાઇમ યાદ રહેશે. હજી વધુ શીખવાની પ્રબળ ઇચ્છા હોવાથી નિયમિતપણે ક્લાસ અટેન્ડ કરું છું. બાલગીતા આનંદમાં ક્લાસના અંતે ટીચર્સ દ્વારા રમાડવામાં આવતી રામાયણ, કૃષ્ણા અને મહાભારતની ક્વિઝ મને આકર્ષે છે. એમાં દર અઠવાડિયે બૉય્‍ઝ અને ગર્લ્સની ટીમ વચ્ચે કૉમ્પિટિશન હોય છે. બૉય્‍ઝ રામ બોલે તો અમે બોલીએ સીતા. એ લોકો કૃષ્ણ બોલે તો અમારે
રાધા બોલવાનું. બહુ મજા પડે છે. ટીચર્સ મને ડિવાઇન ચાઇલ્ડ કહીને બોલાવે ત્યારે સૌથી વધુ આનંદ થાય.’

વિદેશમાં રહીને માટી સાથે જોડાયેલા હોવાનો આનંદ : મિતુલ પચેરિયા, હૉન્ગકૉન્ગ
છેલ્લાં ૧૪ વર્ષથી હૉન્ગકૉન્ગમાં રહેતાં મિતુલ પચેરિયાનું પિયર અને હસબન્ડનું ફૅમિલી મુંબઈમાં જ છે. વેકેશનમાં તેઓ મુંબઈ આવ્યાં હતાં એવામાં લૉકડાઉન આવી જતાં લાંબો સમય સુધી અહીં રહેવાની ફરજ પડી. સમય પસાર કરવા અને મેન્ટલી ફિટ રહેવા તેમણે ઑનલાઇન યોગ ક્લાસ જૉઇન કર્યા. એક દિવસ ગ્રુપમાં સંસ્કૃત આનંદ વર્ગની લિન્ક જોઈને કુતૂહલવશ જોડાયાં. મિતુલ કહે છે, ‘ગાયત્રી મંત્ર અને અન્ય કેટલાક શ્લોક બોલતાં પહેલેથી આવડતા હતા. સંસ્કૃતમાં એ રીતે થોડો ઘણો રસ હતો. જોકે ઘણાં વર્ષોથી ગુજરાતી ભાષાનાં પુસ્તકો પણ સરખી રીતે નહોતાં વાંચ્યાં એવામાં સંસ્કૃત શીખવાની તક મળી એને મારું અહોભાગ્ય માનું છું. એ દિવસથી જીવનમાં આનંદ છવાઈ ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં પાછા હૉન્ગકૉન્ગ આવી ગયાં છીએ, પણ ક્લાસ ચાલુ રાખ્યા છે. સંસ્કૃતનો અભ્યાસ કરતી વખતે આખા શરીરમાં વાઇબ્રેશન થતું હોય અને અદૃશ્ય શક્તિનો સાથ હોય એવી અનુભૂતિ થાય છે. ભગવદ્ગીતાના શ્લોકોનું પઠન મેડિટેશનનું કામ કરે છે. અહીં મારા મિત્રોને વાત કરતાં તેમને પણ સંસ્કૃત શીખવામાં રસ પડ્યો છે. નવા બૅચમાં ઘણા લોકો જોડાવાના છે. મારો અનુભવ કહે છે કે વિદેશમાં રહીને દેશની માટી અને સંસ્કૃતિ સાથે જોડાવા તેમ જ આપણાં બાળકોનાં મૂળિયાં મજબૂત બને એ માટે સંસ્કૃતનું જ્ઞાન હોવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2021 03:04 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK