Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંબંધો વિનાની દુનિયાનું અસ્તિત્વ શક્ય નથી

સંબંધો વિનાની દુનિયાનું અસ્તિત્વ શક્ય નથી

07 December, 2019 03:07 PM IST | Mumbai
Sanjay Raval

સંબંધો વિનાની દુનિયાનું અસ્તિત્વ શક્ય નથી

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


સંબંધનું ગણિત બહુ અટપટું છે. ક્યારેક એમાં એક અને એક બે થાય અને ક્યારેક એનો હિસાબ બદલાઈ જાય, એક અને એક અગિયાર પણ થઈ જાય. આ જે ગણિત છે એ ગણિતમાં એક અને એક બે કે પછી એક અને એક અગિયાર એ હિસાબ માટે બન્ને પક્ષે એ મુજબની તૈયારી રાખવી પડતી હોય છે. સંબંધમાં કોઈ એક ભોગ આપે એ શક્ય નથી અને જો એવું બનતું હોય તો એ સંબંધો લાંબો સમય ટકતા પણ નથી. આજે આપણે કેમ અચાનક સંબંધોની વાત પર આવી ગયા અને કેમ અચાનક જ આવી ફિલોસૉફી આવી એવો વિચાર તમને આવે તો એની સ્પષ્ટતા પહેલાં જ કરી દઉં કે આપણે જે કામ કરીએ છીએ એ બધામાં ક્યાંક ને ક્યાંક સંબંધ જોડાયેલા જ છે. વેપાર કરતા હો તો પણ એમાં સંબંધ આવે, સ્કૂલ કે કૉલેજમાં હો તો ત્યાં પણ સંબંધની વાત આવે. તમે ક્યાંય જૉબ કરતા હો તો ત્યાં પણ સંબંધો તમારી સામે આવે અને ઘરમાં હો તો સ્વાભાવિક રીતે જ સંબંધોની દુનિયા આવે. સંબંધો વગરની દુનિયાનું અસ્તિત્વ શક્ય નથી અને એટલે જ તો આજે પણ આપણે ત્યાં માબાપનું મહત્વ આ સ્તરે અકબંધ છે. એ ગમે, ન ગમે, વધારે પડતી કચકચ કરે કે પછી અયોગ્ય રીતે ટોક્યા કરે. એ બધી અવસ્થા પછી પણ આપણે ઘરની બહાર નથી નીકળતા. આમ જોઈએ તો સાદી અને સરળ ભાષામાં તો તેમણે બાયોલૉજિકલ માત્ર જન્મ જ આપ્યો છે એ પછી પણ આપણે એ સંબંધોની ગરિમાને આ સ્તર પર જાળવી રાખીએ છીએ તો એની પાછળનું કારણ પણ એ જ છે કે આપણે બધાએ સંબંધોને એ સ્તરે મહત્વ આપ્યું છે. જન્મ સાથે સંબંધોની દુનિયા શરૂ થાય છે અને પછી એ જ સંબંધો થકી આપણે દુનિયા સાથે જોડાયેલા રહીએ છીએ.

મારી એક અંગત સલાહ કે વાત યાદ રાખજો કે જેને સંબંધોનું મૂલ્ય હોય, જે સંબંધો માટે હેરાન થતું દેખાતું હોય, જે સંબંધો માટે બધું સહન કરી લેતો હોય તેની સાથે સંબંધ ક્યારેય તોડતા નહીં. વગર સર્ટિફિકેટે સ્વીકારી લેવું કે એવી વ્યક્તિ સાથે રાખેલા સંબંધોમાં દુખી થવાનું તમારા પક્ષે નહીં જ આવે. એનાથી ઊલટું, જેને સંબંધો સાથે કોઈ નિસબત નથી, જે પોતાના સ્વાર્થને નજર સમક્ષ રાખીને રહે છે અને જે સ્વાર્થ ખાતર કોઈ પણ સંબંધને ભૂલી શકે છે એવા લોકોથી અંતર રાખજો. સંબંધોનું તેને મહત્વ નથી એવું એ અનેક વખત પુરવાર કરી ચૂક્યો છે તો પછી હવે બાકી શું રહે છે તમારે માટે. ધૂળ અને ઢેફા. હું હંમેશાં કહેતો હોઉં છું કે ભગવાનથી ડરનારાને સાચવી રાખજો. આ વાતને પણ અહીં સમજી લેવાની જરૂર છે.



જેમને તમે જોયા નથી એવા ભગવાનથી જો તમને બીક લાગતી હોય તો સ્વાભાવિક રીતે જે તમારી આંખ સામે હોય, તમારી સાથે લાગણીથી જોડાયેલા હોય એવા લોકોની સાથેના સંબંધો તો કાયમ માટે અસ્તિત્વમાં રહે જ રહે. એવા લોકો સંબંધોને તોડતાં કે સંબંધોમાં ગદ્દારી કરતાં સતત ડરતા હોય છે. ડર જરૂરી છે. ખાસ કરીને સંબંધોની બાબતમાં તો ડરની આવશ્યકતા વધારે મહત્વની છે અને ડરવું એ દરેક તબક્કે ખરાબ નથી જ નથી. તમને તમારા બૉસની બીક લાગવી જોઈએ, તમને તમારાં માબાપની બીક લાગવી જોઈએ. તમને તમારી વાઇફની કે પછી તમને તમારા હસબન્ડની બીક હોવી જોઈએ. બીક તમને ખોટું કરતાં કે ગેરવાજબી પગલું ભરતાં અટકાવી દે છે. જો તમને ડર ન જ હોય, જો તમને કોઈ બીક જ ન હોય તો દરેક વખતે ‘પડશે એવા દેવાશે’ની નીતિ આવી જાય અને એવું કરનારો ક્યારેય સંબંધો પાછળ ઘસાવાનું પસંદ નથી કરતો. એવી વ્યક્તિના કેન્દ્રમાં હંમેશાં પોતે જ રહેતા હોય છે, એ રહ્યા પછી હંમેશાં પોતાનો જ હાથ ઉપર રાખે છે.


સંબંધોની બાબતમાં મને એક અગત્યની વાત પણ કરવી છે. ખોટું બોલવું. ફિલોસૉફર એવું કહે છે કે સંબંધોમાં ખોટું ન બોલાવું જોઈએ. હું કહીશ કે સંબંધોમાં જ નહીં, ક્યાંય ખોટું ન બોલાવું જોઈએ અને એમાં પણ ખાસ એક વાત ઉમેરીને કહીશ, બિનજરૂરી ખોટું તો ક્યારેય બોલવું નહીં, પણ વાત જ્યારે સંબંધોની આવે ત્યારે એમાં બોલાયેલા દરેક અસત્યનો પણ એક અર્થ હોય છે, એક ભાવ હોય છે. સંબંધોમાં બોલાયેલું કેટલું ખોટું સંબંધોને અકબંધ રાખવાની ભાવના સાથે બોલાતું હોય છે. સંબંધોમાં બોલાયેલું દરેક અસત્ય એક હિત સાથે આવ્યું હોય એવું બની શકે છે. કબૂલ કે એ પછી જ્યારે સત્ય સામે આવે છે ત્યારે એ વધારે પીડાદાયી હોય છે, પણ એમ છતાં મહત્વનું એ છે કે બોલાયેલા એ અસત્યની નીતિ ખોટી નથી હોતી. મિત્રો સાથે ગપ્પાં મારવા ઊભા રહી જવાને કારણે ઘરે મોડું પહોંચાયું હોય અને વાઇફ પાસે ઑફિસના કામનું બહાનું કાઢી લીધું હોય એમાં વાઇફની લાગણી દુભાવાની ભાવના નથી હોતી, પણ ભાવના એવી હોય છે કે મેં તારો સમય બીજે ખર્ચી નાખ્યો એ હું જાણું છું, છતાં ભૂલ થઈ એટલે મારે અસત્યનું આચરણ કરવું પડે છે.

એ સમયે એકને સાચવી લેવાની ભાવના હોય છે તો સામા પક્ષે બીજા સંબંધોને પણ હાનિ ન પહોંચે એવો ભાવ હોય છે. સંબંધોની વાત શરૂ થવાનું વધુ એક કારણ. થોડા સમયથી એવા અનેક કિસ્સા, એવા અનેક પ્રસંગ જોવા મળ્યા જેમાં વિનાસંકોચ એવું બોલી નાખવામાં આવતું હોય છે કે મને તો સંબંધમાં રસ જ નથી. બહુ ખોટી માનસિકતા છે આ, બહુ ખરાબ સ્વભાવ છે આ. સંબંધો સાચવવા પડે, સંબંધોમાં રસ લેવો પડે અને સંબંધો માટે ઘસાવું પડે. ભગવાને એટલે જ એવી કુદરતી વ્યવસ્થા કરી છે કે જન્મ લેવામાં ઓછા લોકોની આવશ્યકતા રાખી છે અને પાછા જતી વખતે અંતિમયાત્રામાં વધારે લોકોની જરૂરિયાત ઊભી કરી દીધી છે. જરા વિચારો કે એવું કેમ નહીં થતું હોય કે એક જગ્યાએથી આપણો ચહેરો જન્મ લે અને એક જગ્યાએથી આપણા હાથ અવતરે? ના, એને માટે વધારે લોકોની આવશ્યકતા નથી, પણ જ્યારે પાછા જવાનો સમય આવી જાય છે ત્યારે વધુ ને વધુ લોકોની જરૂરિયાત ઊભી થઈ જાય છે. આ ચક્રનો કહેવાનો ભાવાર્થ એ જ છે કે તમને આટલો અવસર આપ્યો, હવે એ અવસરને નોંધનીય બનાવીને જ્યાં ઘસાવાનું હોય ત્યાં ઘસાવાનું કામ કર અને જ્યાં મદદગાર બનવાનું છે ત્યાં મદદગાર બનીને સંબંધને ગાઢ બનાવી લે.


સંબંધની મહત્તા બન્ને પક્ષે સમાન હોવી જોઈએ એ વાત તમને કહી દીધી, પણ સાથોસાથ એ પણ એટલું જ જરૂરી છે કે તમે કોઈ સાથે રહેવા માગો તો એ સંબંધો સાચવવાનો પ્રયત્ન તો તમારા પક્ષેથી પણ એટલો જ થવો જોઈએ. જતું કરવાની વાત આવે ત્યારે તમે પણ એટલા જ તૈયાર હોવા જોઈએ અને જ્યારે સહન કરવાની વાત આવે ત્યારે પણ સૌથી પહેલી તૈયારી તમારી હોવી જોઈએ, કારણ કે એ સંબંધોની કિંમત તમને પણ એટલી જ અદકેરી છે. તમે એવી શરત ન રાખી શકો કે તે પહેલાં જતું કરવાની શરૂઆત કરે પછી હું એ દિશામાં આગળ વધીશ. ગણિત હોય ત્યાં વ્યવહાર હોય, સંબંધો નહીં. એક નાનકડી વાર્તા છે, જે મારે તમને કહેવી છે.

હસબન્ડ-વાઇફ વચ્ચે બહુ ઝઘડો થાય. આખી સોસાયટી એ સાંભળે. એક સમય એવો આવી ગયો કે ડાહ્યા માણસોએ વચ્ચે પડવું. બધાની મીટિંગ થઈ અને એમાં નક્કી થયું કે તમને બન્નેને જે ફરિયાદો હોય એ દરરોજ એક ડાયરીમાં લખી લેવી. એક મહિના પછી બધા સાથે બેસીશું અને તમારી ફરિયાદો સાંભળીશું, જેનું નિરાકરણ પણ એ પછી જ આવશે. બન્નેએ એ શરૂ કરી દીધું. મહિનો પૂરો થયો એટલે વાઇફે ફોન કરીને પેલા વડીલોને બોલાવી લીધા. વડીલો આવ્યા અને મીટિંગ શરૂ થઈ. મીટિંગમાં વાઇફે પેલી ડાયરી ખુલ્લી મૂકી દીધી. એક પછી એક ફરિયાદો વાંચવાની શરૂઆત થઈ. નાનામાં નાની વાતને પણ વાઇફે નોંધી હતી, જે નોંધ જોઈને વડીલોને પણ અચરજ થયું. ચોકસાઈ સાથે એ કામ તેણે કર્યું હતું. ચોકસાઈનાં વખાણ પણ થયાં. હવે આવ્યો હસબન્ડની ડાયરીનો વારો. એ ડાયરીમાં શું હતું અને એમાં કઈ-કઈ વાતની નોંધ લીધી હતી એ વાંચવા જેવું છે પણ એની ચર્ચા કરીશું આવતા શનિવારે...

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2019 03:07 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK