Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લતાજીના અવાજમાં રહેલા દૈવી તત્ત્વને સૌએ સ્વીકારવું જ રહ્યું : ખય્યામ

લતાજીના અવાજમાં રહેલા દૈવી તત્ત્વને સૌએ સ્વીકારવું જ રહ્યું : ખય્યામ

12 January, 2020 05:27 PM IST | Mumbai Desk
rajani mehta | rajnimehta45@gmail.com

લતાજીના અવાજમાં રહેલા દૈવી તત્ત્વને સૌએ સ્વીકારવું જ રહ્યું : ખય્યામ

લતા મંગેશકરના હસ્તે દીનાનાથ મંગેશકર અવૉર્ડ સ્વીકારતા ખય્યામ.

લતા મંગેશકરના હસ્તે દીનાનાથ મંગેશકર અવૉર્ડ સ્વીકારતા ખય્યામ.


A farewell to Arms, For whom the Bell tolls, અને The old Man and the Sea જેવી અનેક વિખ્યાત નવલકથા લખનાર અને સાહિત્ય માટેના નોબલ પ્રાઇઝ વિનર અર્નેસ્ટ હેમિંગ્વે (૧૮૯૯-૧૯૬૧)નું નામ વિશ્વ સાહિત્યમાં ખૂબ આદરથી લેવાય છે. તેમના સમયમાં એમ કહેવાતું કે ત્યારના સમકાલીન લેખકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. એક સભાનપણે તેમના જેવું લખવાનો પ્રયત્ન કરતા અને બીજા સતત એ કોશિશમાં રહેતા કે કંઈક અલગ લખીએ. આ વાત એટલા માટે યાદ આવી, કારણ કે સંગીતની બાબતમાં ખય્યામે કદી કોઈના જેવું કે કોઈથી અલગ સંગીત આપવાનો પ્રયત્ન નહોતો કર્યો. તેમના હાથે જેકોઈ સર્જન થયું એ ‘ખય્યામ શૈલી’નું સર્જન થયું. એ સંગીત હમેશાં લોકપ્રિય ન થયું હોય એ હકીકત છે, પરંતુ એની ગુણવત્તા માટે તમે કદી સવાલ ન કરી શકો. આમ પણ લોકપ્રિયતા અને ગુણવત્તાને એક ત્રાજવે તોળવામાં ભલભલા થાપ ખાઈ ગયા છે. 

‘ઉમરાવ જાન’ (૧૯૮૧) બાદ ખય્યામની જે ફિલ્મો આવી એ હતી જી. ગોપાલક્રિષ્નન - એ. સી. ત્રિલોકચંદ્રનની ‘બાવરી’ (૧૯૮૨–રાકેશ રોશન–જયા પ્રદા), વિજય તલવાર-સાગર સરહદીની ‘બાઝાર’ (૧૯૮૨–ફારુક શેખ–સ્મિતા પાટીલ), એમ. એસ. ગુલાટી–ઇસ્માઈલ શ્રોફની ‘દિલ આખિર દિલ હૈ’ (૧૯૮૨-રાખી-પરવીન બાબી–નસીરુદ્દીન શાહ), યશ ચોપડા–રમેશ તલવારની ‘સવાલ’ (૧૯૮૨–વહીદા રહેમાન–શશી કપૂર), દિનેશકુમાર–આસિત સેનની ‘મહેંદી’ (૧૯૮૩–વિનોદ મહેરા–રંજિતા). બન્યું એવું કે એક ‘બાઝાર’ને બાદ કરતાં બાકીની ફિલ્મો જાણીતી સ્ટારકાસ્ટ હોવા છતાં કમર્શિયલી હિટ ન ગઈ. આને કારણે ખય્યામનું સંગીત લોકો સુધી ન પહોંચ્યું.
‘બાઝાર’ એક લો બજેટ ફિલ્મ હોવા છતાં ગીતોને કારણે લોકોને ગમી હતી. ‘દિખાઈ દિયે યું કિ બેખુદ કિયા, હમેં આપસે જુદા કર ચલે’ (લતા મંગેશકર–મીર તકી મીર), દેખ લો આજ હમકો જી ભર કે’ (જગજિત કૌર–મિર્ઝા શૌક), ‘કરોગે યાદ તો હર બાત યાદ આયેગી’ (ભૂપિન્દર સિંઘ-બશર નવાઝ), ‘ફિર છિડી રાત બાત ફૂલોં કી’ (લતા મંગેશકર, તલત અઝીઝ, મખદુમ મોઇનુદ્દીન). આવાં ગીતોની તાજગી અને લોકપ્રિયતા આજ સુધી બરકરાર છે.
‘બાઝાર’ને યાદ કરતાં ખય્યામ કહે છે, ‘સાગર સરહદી જે સમયે આ ફિલ્મની વાત લઈને મારી પાસે આવ્યા ત્યારે હિન્દી ફિલ્મ-સંગીતનો એકદમ નિરાશાજનક દોર ચાલતો હતો. ગીતોમાં કવિતાને બદલે જોડકણાં વિશેષ લખાતાં હતાં. સાચા સંગીતપ્રેમીઓ ફરિયાદ કરતા હતા કે આનાથી વધુ નિમ્ન કક્ષા બીજી કઈ હોઈ શકે? સાગર સરહદી અને મારું માનવું હતું કે ઑડિયન્સના ટેસ્ટને બદલવાની જવાબદારી ફિલ્મના સર્જકો પર છે. એ સમયે અમે નક્કી કર્યું કે દુનિયાને એ દેખાડવાનો સમય આવી ચૂક્યો છે કે ભારતીય ગીત-સંગીતમાં કેટલી તાકાત છે.’
‘બાઝાર’ એક ઇન્ટરેસ્ટિંગ સોશ્યલ સબ્જેક્ટ પર આધારિત ફિલ્મ હતી. મને લાગ્યું કે આ ફિલ્મમાં ક્લાસિક ઉર્દૂ શાયરી માટે સારો સ્કોપ છે. એ માટે જૂના અને જાણીતા શાયર મખદુમ મોઇનુદ્દીન, મીર તકી મીર અને મિર્ઝા શૌક સાથે બશર નવાઝ જેવા નવા શાયરની રચનાઓ અમે પસંદ કરી. મારું એક જ ધ્યેય હતું કે હું એવી ધૂન બનાવું જે સામાન્ય શ્રોતાના હૃદયને સ્પર્શ કરે. ઉર્દૂના મહાન શાયર મીર તકી મીરે લગભગ ૧૦૦ વર્ષ પહેલાં લખેલી રચના ‘દિખાઈ દિયે યું કે બેખુદ કિયા, હમેં આપ સે ભી જુદા કર ચલે’ જ્યારે મારા હાથમાં આવી ત્યારે હું એકદમ રોમાંચિત થઈ ગયો હતો.
જે ક્ષણથી તારા દીદાર થયા ત્યારથી તારા વિચારોમાં હું એવો ખોવાઈ ગયો છું કે મારી જાતથી પણ હું અલગ થઈ ગયો છું. આટલી નાજુક અભિવ્યક્તિને સંગીતબદ્ધ કરવાનું મને સૌભાગ્ય મળ્યું એનો મને આનંદ છે. ‘જુદા’ શબ્દ સાથે લેવાતી મુરકી આ ગીતની હાઇલાઇટ છે. હું લાહોર ગયો હતો ત્યારે એક પાર્ટીમાં નૂરજહાં કહે, ‘ખય્યામસા’બ, કિતના ખૂબસૂરત ગાના બનાયા હૈ આપને. લતાને ભી બહુત અચ્છા ગાયા હૈ. લેકિન એક બાત બતાઈયે, વો સૂર કહાં સે લગાયા આપને?’
૧૯૭૪માં શરૂ થયેલી ‘રઝિયા સુલતાન’ આર્થિક કારણસર અટકી ગઈ હતી એ થોડાં વર્ષો બાદ ફરી શરૂ થઈ અને ‘ઉમરાવ જાન’ની રિલીઝ બાદ ૧૯૮૩માં આ ફિલ્મ રૂપેરી પડદા પર આવી. આ ફિલ્મની વાર્તા ૭૫૦ વર્ષ પહેલાંની હતી એટલે હૂબહૂ એ સમયના વાતાવરણને ફિલ્મના પડદા પર રજૂ કરવું ઘણું મુશ્કેલ કામ હતું. કમાલ અમરોહી અને તેમની ટીમે આ વિષયની પૂરતી માહિતી મેળવીને ફિલ્મને શક્ય હોય ત્યાં સુધી ઑથેન્ટિક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. રઝિયા સુલતાનના પિતા સુલતાન અલ્તમાશ ટર્કીના હતા અને ઇરાક, ઈરાન તથા અફઘાનિસ્તાન માર્ગે તેમણે ભારતમાં પ્રવેશ કર્યો હતો. એ પછી પંજાબ માર્ગે તેઓ દિલ્હી પહોંચ્યા. આ મુસાફરી દરમ્યાન તેમણે આ દરેક પ્રદેશનાં રીતિરિવાજ અને સંસ્કૃતિ અપનાવ્યાં. આને કારણે સંગીતમાં મેં એ સમયના અને પ્રદેશનાં વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કર્યો. લગભગ દરેક ગીતો માટે ૫૦થી વધુ અંતરા લખાતા હતા; એમાંથી ચાર ઉત્તમ અંતરાની પસંદગી થતી અને ફાઇનલ રેકૉર્ડિંગ કરવામાં આવતું.
રઝિયા સુલતાનનો પ્રેમી યાકુત આફ્રિકન વંશનો હતો. સામાન્ય રીતે આફ્રિકનોનો અવાજ ભારે અને જાડો હોય છે. કમાલ અમરોહીએ મને કહ્યું હતું કે યાકુત કોઈ ગાયક નહોતો. તે એક યોદ્ધો હતો. ખુશીના મોકા પર તે કોઈક વાજિંત્ર હાથમાં લઈને ગીત ગાતો. તેમણે મને સલાહ આપી કે મારે યાકુતના પાત્ર માટે કોઈ જાણીતા સિંગરનું પ્લેબૅક ન લેવું એટલે સમજીવિચારીને મેં કબ્બન મિર્ઝા નામના સિંગરને પસંદ કર્યો.
રઝિયા સુલતાનના પાત્રને હેમા માલિનીએ અદ્ભુત ગ્રેસ અને રૉયલ ફીલિંગથી ભજવ્યું છે. એક ઐતિહાસિક રાણીના પાત્રને પોતાના જીવંત અભિનયથી સાકાર ‍કરવા તેમણે ઘણી મહેનત કરી. અફસોસ કે આ ફિલ્મ કમર્શિયલી ખાસ સફળ ન થઈ. મને લાગે છે કે એ માટે ફિલ્મના સંવાદ મોટા ભાગે જવાબદાર હતા. એ વાતનો સ્વીકાર કરવો રહ્યો કે આ એક પિરિયડ ફિલ્મ હતી એટલે સુલતાન યુગના સમયમાં જે ભાષા બોલાતી હતી એ હિસાબે સંવાદ બોલાવા જોઈએ. શરૂઆતમાં જ અમે કમાલસાહેબને કહ્યું હતું કે ઑડિયન્સને આ ભાષા થોડી ભારે લાગશે. કમાલસાહેબે પણ શક્ય હોય ત્યાં સુધી એમાં થોડા સુધારા-વધારા કર્યા અને ભાષા થોડી હળવી કરી. જોકે એનાથી કોઈને સંતોષ ન થયો એટલે નક્કી થયું કે પહેલાં જે ડાયલૉગ્સ લખાયા છે એ જ રાખવા જોઈએ, નહીંતર એ સમયનું વાતાવરણ ઊભું નહીં થાય. અફસોસ કે ‘રઝિયા સુલતાન’ને બૉક્સ-ઑફિસ પર ઝાઝી સફળતા ન મળી, પરંતુ અમને સંતોષ હતો કે હિસ્ટોરિકલ સબ્જેક્ટ સાથે વફાદાર રહીને કોઈ પણ જાતની બાંધછોડ કર્યા વિના અમે ફિલ્મ બનાવી.
રઝિયા સુલતાનમાં યાકુત અને રઝિયા વચે ટિપિકલ અર્થમાં ફિલ્મોમાં જે પ્રેમસંબંધ હોય છે એવું નહોતું‍. બન્ને વચ્ચે લાગણીનો એક અન્ડર કરન્ટ વહેતો હતો. એક સ્ત્રી દિલોજાનથી પોતાના આફ્રિકન ગુલામના પ્રેમમાં હોય છે, પરંતુ તે એક રાજકુમારી હોવાને કારણે જાહેરમાં એકરાર નથી કરી શકતી. એક ગીત એવું હતું જેમાં બન્ને એક શાંત રાતે એકમેક પ્રત્યેની સંવેદનાનો એકરાર કરતાં હોય છે. મેં ૧૦૦ મ્યુઝિશ્યન સાથે લાઉડ વૉલ્યુમમાં આ ગીત રેકૉર્ડ કર્યું હતું. કમાલસાહેબે મને એ રેકૉર્ડ કરવા દીધું, પરંતુ સાથે એક બીજી સૉફ્ટ ધૂનમાં આ જ ગીત બનાવવાનું કહ્યું. આ બન્ને ગીતોની સરખામણી કરતાં મને પોતાને પણ લાગ્યું કે તેમની વાત સાચી હતી. ફિલ્મની જરૂરિયાત પ્રમાણે સૉફ્ટ વર્ઝન વધારે યોગ્ય હતું.
‘રઝિયા સુલતાન’ હજી રિલીઝ નહોતી થઈ ત્યારનો એક કિસ્સો યાદ આવે છે. એ દિવસોમાં ગીત રેકૉર્ડ થયા બાદ અમે પૂરતી સાવધાની રાખતા કે રેકૉર્ડ અને કૅસેટ ઑફિશ્યલી બહાર પડે એ પહેલાં એનું સંગીત લોકો સુધી પહોંચી ન જાય. જોકે એમ છતાં ત્રણ ગીતો પાઇરેટેડ મ્યુઝિક માર્કેટમાં પહોંચી ગયાં અને એણે ખૂબ બિઝનેસ કર્યો. એક દિવસ લતા મંગેશકર મુંબઈના એક મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખરીદી માટે ગયાં. ત્યાં તેમની હાજરીની જાણ થતાં ‘રઝિયા સુલતાન’નાં ગીતો વાગવા લાગ્યાં. એ સમયે હજી કૅસેટ રિલીઝ નહોતી થઈ. એ દિવસે તેમણે મને ફોન કર્યો. આટલા ગુસ્સામાં મેં તેમને આજ સુધી જોયાં નહોતાં. આ ઘટનાથી તેઓ એકદમ ડિસ્ટર્બ થઈ ગયાં હતાં.
સંગીતકાર ખય્યામની ફિલ્મોગ્રાફી દરમ્યાન આપણે જોયું કે મંગેશકરબહેનોની પસંદગીમાં તેમનો ઝુકાવ આશા ભોસલે તરફ વધુ રહ્યો છે છતાં લતા મંગેશકરના સ્વરમાં અનેક યાદગાર ગીતો તેમણે રેકૉર્ડ કર્યાં છે. શરૂઆતના દિવસોમાં એકમેકથી થોડા ખેંચાયેલા રહેનાર આ બન્ને કલાકારો સમય જતાં એકમેક પ્રત્યે આદરભાવ ધરાવતાં થયાં એ જ બતાવે છે કે તેઓ એકમેકની પ્રતિભાને માન આપતાં હતાં. લતા મંગેશકરને યાદ કરતાં ખય્યામ કહે છે, ‘તેમના અવાજમાં રહેલા દૈવી તત્ત્વને સૌએ સ્વીકારવું જ રહ્યું. તેમના અવાજ જેવી સાદગી અને પ્યૉરિટી બીજે ક્યાંય સાંભળવા ન મળે. બીજી એક ચીજથી હું ઇમ્પ્રેસ થયો છું એ છે પોતાના હુન્નર પ્રત્યે તેમની સિન્સિયરિટી. શબ્દોનાં ઉચ્ચારણ (ખાસ કરીને ઉર્દૂના અઘરા શબ્દો) પાછળ તેમની મહેનત જોવા જેવી છે. એક મહારાષ્ટ્રિયન પરિવારમાંથી આવવા છતાં કોઈ પણ ભાષાના સાચા ઉચ્ચારણ માટેની તેમની જે લગન છે એ કાબિલેદાદ છે. મહિનાઓ સુધી મહેનત કરીને ઉર્દૂના ઉસ્તાદો પાસેથી તેઓ ઉર્દૂ શીખ્યાં છે. (એક આડવાત - વર્ષો પહેલાં જ્યારે દિલીપકુમારે પહેલી વાર લતા મંગેશકરને સાંભળ્યાં ત્યારે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું હતું, ‘લડકી ગાના તો ઠીક ગા લેતી હૈ પર ઉસકે તલ્લફુઝ મેં (બોલને મેં) મુઝે દાલ-ભાત કી બૂ આતી હૈ.’ જોકે સમય જતાં તેઓ તેમના અવાજના કાયલ બની ગયા હતા.)
લતા મંગેશકર પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરતાં ખય્યામ આગળ કહે છે, ‘જ્યારે અમે રિહર્સલ કરીએ ત્યારે અમારા બે સિવાય બીજું કોઈ હાજર ન હોય. ગીતની ધૂન તેઓ એટલા ધ્યાનથી સાંભળે જાણે એક-એક શબ્દને ઝહનમાં ઉતારતાં ન હોય? એક-એક નોટ (સૂર)ને આત્મસાત્ કરે. સંગીતકારને શું જોઈએ છે એની તેમને તરત ખબર પડી જાય એટલે ગીતનો જે મૂડ હોય એ તેઓ બરાબર પકડીને પોતાના સ્વર દ્વારા સમગ્ર ભાવવિશ્વને સાકાર કરે. આમાં ક્યાંય કચાશ ન હોય. સંગીતકારે ધાર્યું હોય એના કરતાં વધુ પરિણામ આપે. ફિલ્મ ‘શંકર હુસેન’માં એક મુસ્લિમ યુવતી કુલ્સુમની વાત છે જે ઊંઘમાં ચાલતી હોય છે અને સપનામાં પોતાને એક હિન્દુ યુવતી કુસુમ બનતી જુએ છે. ડિરેક્ટર કમાલ અમરોહીનો આગ્રહ હતો કે એક અર્ધજાગ્રત અવસ્થામાં સપના જોતી આ યુવતીની મનોદશા મારે સંગીતમાં વ્યક્ત કરવી છે. તેમણે કહ્યું કે તમારે આને માટે એક્સ્ટ્રા સૉફ્ટ મ્યુઝિક આપવું પડશે. એ માટે મને લતા મંગેશકરના અવાજનો પૂરતો સાથ મળ્યો અને ‘આપ યું ફાસલોં સે ગુઝરતે રહે, દિલ સે કદમોં કી આવાઝ આતી રહી (શંકર હુસેન–લતા મંગેશકર-જાં નિસાર અખ્તર) જેવું અદ્ભુત ગીત બન્યું.’
આવું જ એક બીજું ગીત ‘ન જાને ક્યા હુઆ, જો તુને છુ લિયા (દર્દ–લતા મંગેશકર–નક્શ લાયલપુરી) સાંભળો તો તમને ખ્યાલ આવશે કે ‘છુ લિયા’ ગાતી વખતે તેમના જે એક્સપ્રેશન છે એ પ્રિય વ્યક્તિના પ્રથમ સ્પર્શે જે રોમાંચ થાય એની આબેહૂબ અનુભૂતિ કરાવે. કંઈક તો અનોખું છે તેમના અવાજમાં. તેમની હમેશાં કોશિશ એ જ રહે કે દરેક ગીતને પૂરતો ન્યાય આપે. સંગીતકાર નવો છે કે જૂનો, તેમને કોઈ ફરક નથી પડતો. અમારાં મોટા ભાગનાં ગીતો માટે અમે બેથી વધારે રિહર્સલ નથી કર્યાં અને એક જ ટેકમાં ગીત રેકૉર્ડ કર્યાં છે. આને કહેવાય એક ગ્રેટ સિંગર. એથી આગળ વધીને કહું તો ગ્રેટેસ્ટ સિંગર. પ્રામાણિકતાથી કહું તો આ શબ્દો પણ મને ઓછા લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2020 05:27 PM IST | Mumbai Desk | rajani mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK