Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શીખવા બધાને મળે, પણ શીખેલી વાત જીવનમાં ઇમ્પ્લીમેન્ટ થાય એ જરૂરી છે

શીખવા બધાને મળે, પણ શીખેલી વાત જીવનમાં ઇમ્પ્લીમેન્ટ થાય એ જરૂરી છે

08 November, 2020 05:23 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

શીખવા બધાને મળે, પણ શીખેલી વાત જીવનમાં ઇમ્પ્લીમેન્ટ થાય એ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઍક્ટર હોય તેનો આત્મા પેલા વણજારા જેવો હોય. વણજારાને કોઈ ઘર નથી હોતું, કોઈ એક જગ્યાએ તે રહેતો નથી. બસ આગળ ને આગળ ચાલ્યા કરે, આગળ ને આગળ વધ્યા કરે અને દરેક જગ્યાએ નવા લોકો, નવા માહોલમાંથી નવું-નવું શીખતા રહે. ઍક્ટરનું પણ આવું જ હોય છે. હું તો કહીશ કે ઍક્ટર તો પેલા વણજારા કરતાં એક સ્ટેપ વધારે આગળ હોય. એ શરીરથી તો વણજારા જેવા હોય અને આત્માથી પણ વણજારા જેવા હોય. બસ ફર્યા કરે. એક જગ્યાથી બીજી જગ્યાએ અને એક કૅરૅક્ટરમાંથી બીજા કૅરૅક્ટરમાં. મમ્મીના મોઢે મેં એક કહેવત ખૂબ સાંભળી છે, ‘ફરે તે ચરે.’

આ કહેવત ખોટી નથી. આ હકીકત છે, ફરે એ જ ચરે. બકરાને પણ લાગુ પડે અને અનુભવોની દૃષ્ટિએ માણસને પણ આ જ વાત લાગુ પડે. ફ્રેન્ડ્સ, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છોડ્યા પછીનો ટાઇમ હું જોઉં છું તો મને દેખાય છે કે હું પણ વણજારા જેવો થઈ ગયો છું. સિરિયલ છોડ્યા પછી મેં ફિલ્મો કરી અને એને માટે મારે ગુજરાતમાં લાંબો સમય રહેવાનું બન્યું. ફિલ્મના પ્રમોશન માટે પણ ગુજરાતભરમાં જવાનું થયું અને ગુજરાતનાં એવાં-એવાં શહેરો અને ગામડાંઓમાં ફર્યો જે મેં ક્યારેય જોયાં પણ નહોતાં. બે શહેર વચ્ચેના ટ્રાવેલ દરમ્યાન મેં એવાં-એવાં ગામ પણ જોયાં જેનાં નામ પણ ક્યારેય સાંભળ્યાં નહોતાં. પહેલી ફિલ્મ પછી મેં પહેલી વાર નાટક કર્યું હતું એને માટે હું અમેરિકા ગયો. એક નવું કૅરૅક્ટર અને એક



નવો પ્રવાસ.


અમેરિકામાં સવાબે મહિના રહ્યા પછી હું પાછો આવીને આફ્રિકા ગયો. ત્યાંથી પાછો આવીને સિંગાપોર, મલેશિયા ગયો. એ ટૂર પૂરી કરીને ફ્રેન્ડ્સ સાથે ગોવા ગયો. મહારાષ્ટ્રનાં જ બીજાં ત્રણેક શહેરોમાં પણ શૂટિંગ માટે ગયો. એ પછી સુરત અને પછી બૅન્ગલોર અને એ પછી ફરી ફિલ્મ માટે એક મહિનો અમદાવાદમાં. અમદાવાદથી ફિલ્મ પૂરી કરીને પાછો આવ્યો અને પછી નાની-મોટી સોશ્યલ ટૂર ચાલુ થઈ અને એ પછી હવે મુંબઈમાં મારી સિરિયલનું શૂટિંગ શરૂ થયું એટલે થોડા સમય મુંબઈમાં અને પછી ફરીથી ફિલ્મો માટે ગુજરાતની ટૂર.

ફરતા રહેવાની અને નવાં-નવાં કૅરૅક્ટર કરતા રહેવાની મજા સાવ જુદી હોય છે. આટલું ફરવાને કારણે એટલા નવા લોકો સાથે કૉન્ટૅક્ટ થયો, એટલું નવું શીખ્યો જેની કલ્પના પણ કોઈ ન કરી શકે. શીખવા માટે જરૂરી નથી કે તમારી પાસે ક્લાસરૂમ જ હોવી જોઈએ. શીખવા માટે ફરવું બહુ જરૂરી છે. મારા એક ફ્રેન્ડ બહુ સરસ વાત કહે છે. સિંહ ક્યારેય ક્લાસરૂમમાં બેસીને શિકાર કરવાનું નથી શીખતો, એ આ કામ સીધું ફીલ્ડમાં જ કરે છે અને વાત લિટરલી સાચી જ છે. આફ્રિકાનાં જંગલોમાં મેં જોયું કે સિંહણ તેના બચ્ચાને શિકાર કરતાં કેવી રીતે શીખવે છે અને બચ્ચું પણ કેવી રીતે શિકારની એ કળાને ઇમ્પ્લીમેન્ટ કરે છે. પહેલાં તો એ પણ નકલ જ કરે છે અને મોટા હાથી કે હરણની પાછળ ભાગે છે, પણ પછી એને સમજાઈ જાય છે કે આ ભાગવું વ્યર્થ છે એટલે એ ચૂપચાપ ઊભું રહી જાય છે. થોડી વાર આવું કર્યા પછી એ પોતે પોતાની સાઇઝનો શિકાર કરવા પર આવી જાય છે અને સસલાં કે હરણનાં નાનાં બચ્ચાંઓ પર તરાપ મારીને એનો શિકાર કરે છે. મેં મારી સગી આંખે જોયું છે કે પહેલો શિકાર કરીને એ કેવી રીતે પોતાનો શિકાર તાણીને એની મા પાસે લઈ આવે અને માની સામે એ કેવી રીતે ગર્વ અનુભવે છે.


હું જેટલું ક્લાસરૂમમાં શીખ્યો એના કરતાં ઘણું બધું વધારે હું મારા ફીલ્ડમાંથી શીખ્યો. મારા આ બધા અનુભવો પરથી મને એક વાત સમજાઈ છે કે જે ઍક્ટર સારો એ માણસ સારો નથી હોતો અને જે માણસ સારો હોય છે એ ઍક્ટર સારો નથી હોતો. વાતને સમજવાની કોશિશ કરજો. ઍક્ટર સારો એ માણસ સારો નહીં એવું મારો કહેવાનો ભાવાર્થ જરા જુદો છે. જે ઍક્ટર સારો હોય છે તે પોતાની ઍક્ટિંગ પર એટલો મુસ્તાક થઈને રહે છે કે તે સારો અને સાચો બની રહેવાને બદલે સતત ઍક્ટિંગ જ કર્યા કરે છે. જરૂરી નથી કે તમે એકધારો દેખાવ જ કરો અને એકધારી તમે ઍક્ટિંગ જ કર્યા કરો. જરૂરી એ છે કે તમે જેવું કૅરૅક્ટર છોડો, મેકઅપ ઉતારો કે તરત જ તમે તમારા પોતાના ઓરિજિનલ રંગ અને રૂપમાં આવી જાઓ છો. જો આવું ન કરી શકો તો તમે ખરેખર અટવાઈ જતાં હો છો. નામ નહીં આપું, પણ આ રીતે અટવાઈ જતા અનેક ઍક્ટરોને મેં જોયા છે. એ સતત ઍક્ટિંગની આભા વચ્ચે જ જીવતા હોય છે. આવું કરનારા ઍક્ટરો પાસેથી જ હું શીખ્યો છું કે લાઇફમાં ક્યારેય પ્રોફેશનને તમારા પર હાવી થવા ન દેવો. તમે જે છો એ તમારું અસ્તિત્વ ક્યારેય ભૂલવું નહીં અને એને હંમેશાં આંખ સામે રાખીને જ ચાલવું.

ઍક્ટર ધર્મેશ વ્યાસ પાસેથી મને શીખવા મળ્યું કે ક્યારે કોઈથી ડરવું નહીં, ઑન સ્ટેજ પણ નહીં અને ઑફ સ્ટેજ પણ નહીં. જો તમને કોઈ જિતાડી શકે તો એ માત્ર અને માત્ર તમારો કૉન્ફિડન્સ. ડિરેક્ટર ધર્મેશ મહેતા પાસેથી જ હું ઍક્ટિંગની એ-બી-સી-ડી શીખ્યો એવું કહું તો ચાલે. તેમની પાસેથી હું શીખ્યો કે ઍક્ટિંગ કરતી વખતે જો સામે પડેલા કૅમેરાને સિરિયસલી લઈ લેશો તો એ કૅમેરા તમારા પર હાવી થઈ જશે. કૅમેરા કે પછી સ્ટેજ પર હો ત્યારે સામે બેઠેલા ઑડિયન્સને ભૂલીને ઍક્ટિંગ કરશો તો એ સહજ લાગશે અને એમાં ક્યાંય ઍક્ટિંગ નહીં હોય. ઍક્ટિંગ માટે જ મને મનોજ જોષી પાસેથી પણ સરસ વાત શીખવા મળી. મનોજ જોષીએ મને શીખવ્યું કે તમે જ્યાં સુધી ફીલ નહીં કરો ત્યાં સુધી તમે ફીલ કરાવી નહીં શકો. જો ફીલ કર્યા વિના, સીનમાં રહેલી લાગણીનો અનુભવ કર્યા વિના ઍક્ટિંગ કરશો તો સામે બેઠેલા ઑડિયન્સને એ ઍક્ટિંગ નહીં, પણ મિમિક્રી લાગશે. જૉની લીવરે સમજાવ્યું કે બધી જ પ્રકારની ઍક્શનનું રીઍક્શન હોય જ અને એ આપવું જ જોઈએ. જો રીઍક્શન આપવામાં તમે પાછા પડશો તો ફક્ત તમારી જ નહીં, તમારા કો-ઍક્ટરની ઍક્ટિંગનાં પણ ચીથરાં ઊડી જશે.

મારી જૂની ટીમ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના દિલીપ જોષી અને અમિત ભટ્ટ પાસેથી જે શીખ્યો છું એ તો મારાથી ક્યારેય ભુલાવાનું નથી. એવું નથી કે તેમણે મને બેસાડીને શીખવ્યું હોય, પણ હું તેમને સતત ઑબ્ઝર્વ કરતો એટલે મને બહુ સરસ વાતો શીખવા મળી છે. લાઇફમાં ક્યારેય કોઈ કામને નાનું ગણવું નહીં, ક્યારેય મોડું આવવું નહીં, કોઈ દિવસ બીજા ઍક્ટરને ઉતારી પાડવા નહીં, કામ શરૂ કરતાં પહેલાં પૂજા કરવી અને આવી અનેક વાતો મને તેમની પાસેથી શીખવા મળી છે. શું કરવું છે એની ખબર હોવી જોઈએ એ પણ તેમણે જ શીખવ્યું અને શું નથી કરવું એની સભાનતા પણ હોવી જોઈએ એ પણ તેમણે જ મને શીખવ્યું.

હમણાં સિદ્ધાર્થ રાંદેરિયા સાથે રહેવાનું ખૂબ બન્યું. તમે માનશો નહીં ફ્રેન્ડ્સ પણ એ વ્યક્તિ ખરેખર અમિતાભ બચ્ચન છે, જેન્યુઇનલી. તેઓ જ્યાં પણ હોય ત્યાં તેમની આજુબાજુમાં ૫૦ જણ વીંટળાઈ જ જાય અને ફોટો પડાવવા કે પછી વાતો કરવા આવી જાય. બધા લોકો સાથે જે સાલસતા સાથે તેઓ વાત કરે એ માઇન્ડ બ્લૉઇંગ છે. સિદ્ધાર્થસર પાસેથી મને શીખવા મળ્યું કે જેટલા મોટા બનો એટલા નમ્ર બનો. સંજય ગોરડિયા પાસેથી પણ મને આ જ વાત સમજાઈ છે. તેમના જેટલા ઈઝી અવેલેબલ સ્ટાર મેં આજ સુધી જોયા નથી. એકદમ સરળ અને સામેની વ્યક્તિનો સંકોચ દૂર કરી દેવામાં માહેર.

જેને હું મારી બીજી મમ્મી માનું છું એ દિશાદીદી એટલે કે દિશા વાકાણી પાસેથી શીખ્યો છું કે કોઈ કામ અઘરું હોતું જ નથી અને કોઈ કામ પર તમારો સ્ટૅમ્પ માર્યા વિના ક્યારેય પૂરું કરવું નહીં. દરેક કામ પર તમારો સ્ટૅમ્પ દેખાવો જ જોઈએ. જૉની લીવરસરની તમને વાત કહું. જૉનીસર હંમેશાં કહે છે કે પૈસાને મસ્તક પર ચડવા નહીં દેતા. ક્યારેય નહીં. તેઓ પોતે પોતાના દાખલા આપતાં કહે પણ ખરા કે પૈસો આવ્યો ત્યારે હું ગાંડો થઈ ગયો હતો, પણ એ બધામાંથી બહાર આવ્યા પછી મને સમજાયું છે કે તમારો સ્વભાવ જ અલ્ટિમેટલી સૌકોઈને યાદ રહેતો હોય છે. જૉનીસર કહે છે, ‘મનમાં જ્યારે ઈગો જાગે ત્યારે હૉસ્પિટલ જઈને જોઈ આવવું, તમારો બધો ઈગો નીકળી જશે. તમને વાસ્તવિકતાનું ભાન થઈ જશે.’

વાત બહુ સાચી છે, પણ એ જ સાચી વાતનો સમયસર ઉપયોગ થાય એ પણ એટલું જ જરૂરી છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2020 05:23 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK