Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભૂલ તો થાય હોં!

ભૂલ તો થાય હોં!

16 December, 2020 04:31 PM IST | Mumbai
Sejal Ponda

ભૂલ તો થાય હોં!

ભૂલ તો થાય હોં!


ગણિતના ટીચર ક્લાસમાં આવ્યા અને એમણે બોર્ડ પર નવનો ઘડિયો લખવાનું શરૂ કર્યું.

૯X૧ = ૭



૯X૨ = ૧૮


૯X૩ = ૨૭

૯X૪ = ૩૬


૯X૫ = ૪૫

૯X૬ = ૫૪

૯X૭ = ૬૩

૯X૮ = ૭૨

૯X૯ = ૮૧

૯X૧૦ = ૯૦

ઘડિયો લખાઈ ગયો અને ટીચરે વિદ્યાર્થીઓ સામે જોયું તો ક્લાસરૂમમાં અંદરોઅંદર ગણગણાટ અને હસાહસ શરૂ થઈ ગઈ હતી. ટીચરે બધા વિદ્યાર્થીઓને મન ભરીને હસવા દીધા. મશ્કરી કરવા દીધા. અને પછી કહ્યું મેં ૯ ના ઘડિયામાં શરૂઆતમાં ભૂલ કરી છે એની મને ખબર છે. નવ એકા નવ થાય, સાત નહીં. પણ મેં આ ભૂલ જાણી જોઈને કરી છે. આ સાંભળીને વિદ્યાર્થીઓ એકબીજાની સામે જોવા લાગ્યા. કોઈને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે ટીચર કહેવા શું માગે છે.

ટીચરે બધા વિદ્યાર્થીઓ તરફ સ્મિત કરતાં કહ્યું કે મારે તમને બધાને એ સમજાવવું છે કે જ્યારે તમે ભૂલ કરો છો ત્યારે આ દુનિયા કઈ રીતે તમારી સાથે વર્તન કરે છે. મેં નવના ઘડિયામાં માત્ર એક જ ભૂલ કરી છે. નવના ઘડિયામાં નવ વાર મેં જવાબ સાચો લખ્યો છે, પણ એ છતાં તમે બધા મારા પર હસવા લાગ્યા. બસ, દુનિયા આવી જ છે. દુનિયામાં અમુક લોકો આવા જ છે. એ લોકો તમારી એક ભૂલ છતાં તમારી સાથે આવું વર્તન કરી શકે છે. એ લોકો તમારી એક ભૂલને સતત ક્રિટિસાઇઝ કરતા રહેશે અને તમે કરેલાં અગણિત સારાં કામને ભૂલતા જશે. કમનસીબે જીવનનું આ જ સત્ય છે.

ગણિત ભણાવતાં-ભણાવતાં જીવનનું ગણિત સમજાવી દીધું શિક્ષકે. ભૂલ કરનાર સાથે લોકો ક્યારેક અપરાધી જેવું વર્તન કરે છે. ભૂલ કોનાથી ન થાય? દરેકથી થાય. રસોઈ કરીએ તો ક્યારેક દઝાય એના જેવી વાત છે કે જીવન જીવતા હોઈએ તો ભૂલો પણ થાય. ભૂલ કરનાર સાથે આપણે કેવું વર્તન કરીએ છીએ?

શરૂઆત ઘરથી કરીએ. ઘરના કોઈ સદસ્યથી દૂધ ઊભરાઈ ગયું હોય, પાણીનો કે છાસનો ગ્લાસ ઢોળાઈ ગયો હોય, રસોઈમાં વધુ મીઠું પડી ગયું હોય ત્યારે બીજા સદસ્ય તેની ભૂલને એન્લાર્જ કરી મોટો ઇશ્યુ બનાવે છે, સંભળાવે છે, હડધૂત કરે છે કે પછી પ્રેમથી એમ કહે છે - કંઈ નહીં આવું તો થયા કરે. ઘણાને નાની ભૂલને મોટી બનાવવાની ટેવ હોય છે. આમ તો એ કુટેવ જ કહેવાય. ઘરમાં કોઈનાથી કાચનો ગ્લાસ કે કપ ફૂટે તો એ ભૂલને એટલી મોટી કરવાની જરૂર નથી. ઇટ્સ ઓકે. આવું થાય. તકેદારી રાખવાની સલાહ આપી શકાય, પણ સેટનો કપ તૂટી ગયો. ધ્યાન ક્યાં હોય છે? સાવ બેદરકાર છે? કંઈ જવાબદારી જેવું નથી. આવી વાતો સંભળાવવાથી તૂટેલો કપ જૉઇન્ટ થવાનો નથી. એના કરતાં જેનાથી ભૂલ થઈ છે તેને

પ્રેમથી સમજાવીએ તો એ વ્યક્તિના મનમાં આપણા માટે કાયમ આદરભાવ રહેશે.

જો તમે કોઈ ઑફિસના બૉસ છો તો તમારું કામ તમારા એમ્પ્લૉઈને દબાવવાનું નથી. શોષણ કરવાનું નથી. તમારું કામ બધાને સાથે લઈ ચાલવાનું છે. ભૂલ થાય તો તેને સમજાવવાની એક રીત હોય. કોઈનું અપમાન કરી ભૂલ બતાડવાથી તમે તમારા જ હોદ્દાનું અપમાન કરી રહ્યા છો. ભૂલ બતાડવા બીજાનું અપમાન કરવાની જરૂર નથી. અપમાન કરવાથી ભૂલ કરનાર વ્યક્તિના મનમાં તમારા માટે અણગમો પેદા થશે અને આદર ઓછો થતો જશે. તમને કદાચ એમ લાગશે કે તમે તમારા હોદ્દાનો ઉપયોગ કર્યો, પણ એવું નથી હોતું. ભૂલ તમારાથી પણ થશે જ.

દસમાંથી એક વાર ભૂલ કરનાર વ્યક્તિ તરફ અમુક લોકો અપરાધી તરીકે જુએ છે. તમે કોઈ સેલિબ્રિટી હો અને તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો મીડિયા તમારા પર તૂટી પડે છે. કેમ સેલિબ્રિટી માણસ નથી? તેનાથી ભૂલ કેમ ન થાય? ઉચ્ચ પદે પહોંચેલી વ્યક્તિ ભૂલ ન કરી શકે એવી વિચારધારા ધરાવતો સમાજ પાંગળો છે. હું અહીં ડ્રગ્સ, મર્ડર કે પછી હિટ ઍન્ડ રન કેસ જેવા ગુનાઓની વાત નથી કરી રહી. ગુના અને ભૂલ સાવ ભિન્ન વાત છે. ભૂલ રોજબરોજની જિંદગીમાં થાય છે. ગુનાઓ પ્લાન્ડ હોય છે એટલે ગુનાની સજા જરૂરી છે. ભૂલ ક્યારેય પ્લાન કરીને નથી થતી. ભૂલ આકસ્મિક થઈ જતી હોય છે.

તમારી એક ભૂલ પર મજાક કરનારા, તૂટી પડનારા લોકો તમને જીવન દરમ્યાન મળ્યા જ કરશે. ઘણા વળી પાણીમાંથી પોરા કાઢે. ભૂલ ન હોય તોય વીણી-વીણીને ભૂલ બતાડે એવા સંકુચિત હોય છે. બીજાને નીચા પાડવા માટે તેની ભૂલ શોધવી એ વ્યક્તિના સ્વભાવની નબળાઈ દર્શાવે છે.

આપણે કરેલા પર્ફેક્ટ કામને નજરઅંદાજ કરનારા લોકો ભૂલ ન હોય તોય ભૂલ શોધવામાં માહેર હોય છે. એમાં તેમને વિકૃત આનંદ આવતો હોય છે. જોકે શેર ને માથે સવાશેર ચોક્કસ મળે છે. સો દાડા સાસુના તો એક દી’ વહુનો એના જેવી વાત છે. તમે વગર કારણે કોઈની ભૂલ શોધતા હો તો ક્યારેક તમારો વારો પણ આવી શકે છે.

આજથી એક નિર્ણય લઈએ. વગર કારણે કોઈની ભૂલ શોધવામાં આપણી શક્તિ બરબાદ ન કરીએ અને એ શક્તિ કોઈ રચનાત્મક કાર્ય માટે વાપરીએ. આપણાથી ભૂલ થઈ હોય તો નમ્ર બની માફી માગી લઈએ અને બીજી વાર ભૂલ ન થાય એવી બાંયધરી આપીએ. આપણી સાથે જીવતી વ્યક્તિની ભૂલ થઈ હોય તો તેને પ્રેમથી સમજાવીએ. તેને હડધૂત ન કરીએ. તેના પર વિશ્વાસ મૂકીએ. ભૂલ કરનાર વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો ખૂબ અગત્યનો છે.

શાક બળી જવું, વૉશિંગ મશીનમાં કપડાં નાખવાનું ભૂલી જવું, હિસાબમાં ભૂલ કરવી, બરણી તૂટી જવી આ કોઈ એવા ગુના નથી કે જેનાથી કરોડોનું નુકસાન થઈ જવાનું છે. આ બધી રોજબરોજની સામાન્ય ભૂલો જ છે. ભૂલ કરનાર વ્યક્તિ પોતાની ભૂલ સુધારી લેશે, પણ એ પહેલાં આપણે આપણું ગેરવર્તન સુધારવું પડશે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2020 04:31 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK