આખરે કમનસીબ કોરોના યોદ્ધાઓએ લીધો રાહતનો શ્વાસ

Published: 21st January, 2021 10:42 IST | Mumbai Correspondent | Mumbai

સૅન્ડહર્સ્ટ રોડના વાલપખાડી વિસ્તારમાં રહેતા બીએમસીના સફાઈ-કર્મચારીઓના ઘરની બહાર જમા થયેલું મળમૂત્રવાળું ગટરનું પાણી મિડ-ડેના અહેવાલને પગલે સાફ થઈ ગયું

બીએમસીના અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક સફાઈકામ કરાવ્યું હતું.
બીએમસીના અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક સફાઈકામ કરાવ્યું હતું.

કોરોના યોદ્વાઓ તરીકે ભારતના વડા પ્રધાન દ્વારા સન્માનિત કરેલા સફાઈ-કર્મચારીઓ છેલ્લા ૧૫ દિવસથી કફોડી હાલતમાં રહેવા પર મજબૂર થયા હતા. સૅન્ડહર્સ્ટ રોડ પાસે આવેલા વાલપખાડીમાં બીએમસી બિલ્ડિંગ નંબર-૩ના બીએમસી ક્વૉર્ટર્સમાં રહેતા બીએમસીના સોલિડ વેસ્ટ વિભાગમાં સફાઈનું કામ કરતા લોકોને ડ્રેનેજના મળમૂત્રના પાણી વચ્ચે રહેવા અને એમાંથી પસાર થવું પડતું હતું. જોકે અનેક વખત ફરિયાદો કરવા છતાં તેમની ફરિયાદ સામે આંખ આડા કાન કરાયા હતા, પરંતુ ‘મિડ-ડે’માં તેમની દયનીય હાલતનો રિપોર્ટ છપાયા બાદ બીએમસીના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને આખા વિસ્તારની ગંદકી દૂર કરવામાં આવતાં મુંબઈના આ ખરા કોરોના યોદ્વાઓએ રાહતનો શ્વાસ લીધો છે.
છ બિલ્ડિંગમાં ૩૫૦ સફાઈ-કર્મચારીઓ પરિવાર સહિત રહે છે. સફાઈ થતાં રાહત મળી છે, એમ કહેતાં બિલ્ડિંગ નંબર-૩ના બીએમસી સફાઈ-કર્મચારી પરેશ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા અનેક દિવસોથી અમારી એવી હાલત હતી કે એ અમે શબ્દોમાં વર્ણવી શકીએ એમ નથી. બિલ્ડિંગના એન્ટ્રેસ અને આસપાસના ભાગમાં ડ્રેનેજનું મળમૂત્રવાળું પાણી અનેક દિવસોથી જમા થયેલું હતું. અમને એમ કે એકાદ દિવસમાં દૂર થશે, પરંતુ અનેક દિવસ થવા આવ્યા છતાં સ્થિતિમાં સુધાર થયો નહીં, પરંતુ આવી હાલતમાં રહેવું અશક્ય બની ગયું હોવાથી અમે સંબંધિતોને અનેક ફરિયાદ કરી, પરંતુ કોઈના પેટનું પાણી પણ હલ્યું નહીં. એના કારણે અમને ખૂબ જ દુઃખ થયું હતું. સમસ્યા એટલી વધી ગઈ કે અંતે વડા પ્રધાનને ટ્વીટ કરીને જાણ કરી હતી. દરમિયાન ‘મિડ-ડે’ અમારી મદદે આવ્યું હોવાથી બીએમસીની ટીમ આવીને બધુ ક્લીન કરીને ગઈ છે. એથી દિવસના સમયે જમા થતું પાણી હવે થતું નથી, ફક્ત રાતના સમયે થોડું ગંદું પાણી આવે છે.’
અહીં રહેતા નિવૃત્ત સફાઈ-કર્મચારી ડાયાભાઈ સોલંકીએ કહ્યું કે ‘અંદરનું પાણી બહાર જવાનો રસ્તો બીએમસી ક્લીન કરવાની છે. હાલમાં તો અમને રાહત મળી હોવાથી અમે ભયના વાતાવરણથી થોડા રિલેક્સ થયા છીએ.’

બીએમસીનું શું કહેવું છે?

આ સંદર્ભે બીએમસીના ‘સી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર ચક્રપાણી એલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મિડ-ડે દ્વારા આ ગંભીર અવસ્થા વિશે જાણ કરાઈ હતી. આ સ્થિતિ ગંભીર હોવાથી અમે તાત્કાલિક ધોરણે અમારા અધિકારીઓની ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. અધિકારીઓ અને એન્જિનિયરની નિગરાની હેઠળ ડ્રેનેજ લાઇનના બધા જ ચેમ્બરને ખોલીને તપાસ કરાઈ હતી. અહીં સ્લૉપનો સશ્યુ છે. એથી દરેક પર્યાય વ્યવસ્થાનો ઉપયોગ કરીને આ સશ્યુને વહેલી તકે ઉકેલવામાં આવશે. હાલમાં ડ્રેનેજ લાઇનની સફાઈ કરી હોવાથી જમા થયેલું ગંદું પાણી દૂર થયું છે. ભવિષ્યમાં આ યોદ્વાઓને ફરી આવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે એ માટે એના પર બીએમસી એન્જિનિયર કામ કરી રહ્યા છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK