Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મિડલ ક્લાસ કમાઉ દીકરાની ફૅમિલીએ પણ મિડલ ક્લાસ બનીને જ રહેવું પડે છે

મિડલ ક્લાસ કમાઉ દીકરાની ફૅમિલીએ પણ મિડલ ક્લાસ બનીને જ રહેવું પડે છે

05 February, 2021 10:47 AM IST | Mumbai
Jamnadas Majethia

મિડલ ક્લાસ કમાઉ દીકરાની ફૅમિલીએ પણ મિડલ ક્લાસ બનીને જ રહેવું પડે છે

નયી દુનિયા : આર. કે. લક્ષ્મણે સર્જેલી ‘વાગ્લે કી દુનિયા’ મારી, તમારી, આપણી દુનિયા છે.

નયી દુનિયા : આર. કે. લક્ષ્મણે સર્જેલી ‘વાગ્લે કી દુનિયા’ મારી, તમારી, આપણી દુનિયા છે.


આપણે વાત કરતા હતા અમારા નવા શો ‘વાગ્લે કી દુનિયા’ની. છે શું આ ‘વાગ્લે કી દુનિયા?’
આપણે જૂની ‘વાગ્લે કી દુનિયા’થી થોડા પરિચિત છીએ, પણ જેઓ પરિચિત નથી એ લોકોને કહી દઉં કે વાગ્લે એક એવો મિડલ ક્લાસ કૉમનમૅન છે જેને કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણે ક્રીએટ કર્યો હતો. ‘વાગ્લે કી દુનિયા’ વાગ્લેની લાઇફમાં રોજબરોજ ઘટતી નાની-ઝીણી-મોટી ઘટનાઓથી શું થાય છે એના વિશેની વાતો કરતો શો હતો. એક મિડલ ક્લાસની આસપાસ કેવી દુનિયા હોય, એણે બ્રાઇબ આપવાનો વારો આવે કે પછી ‍ઍક્સિડન્ટ થાય અને તેણે પોલીસ પાસે જવાનું આવે કે પોતાની ગામની જમીન સંભાળવા કોઈને આપી હોય એમાં કેવી ચોરી થાય કે પછી આપણી રોજબરોજની જિંદગીમાં થતું હોય એવું. જેમ કે ટેલિવિઝન જોવા બધા ઘરમાં આવી જાય અને તમારે જે જોવું હોય એ જોવા જ ન મળે. આવી તો ઘણી બધી વાતો એમાં હતી, પણ અત્યારનો મિડલ ક્લાસ થોડો બદલાયો છે. અત્યારે તમારી પાસે નાનકડી ગાડી હોય, તમે ટાવરમાં રહેતા હો અને પૈસાવાળા થઈ ગયા હો, પણ એ પછી પણ આપણે મેન્ટલી મિડલ ક્લાસ જ છીએ. મારી પાસે ગમે એટલો પૈસો આવી જાય તો હું મેન્ટલી મિડલ ક્લાસ જ છું, મારી ચૅલેન્જિસ મિડલ ક્લાસવાળી જ રહેવાની છે. હું કહીશ કે આ જે શો છે એ ફક્ત પેલા કૉમનમૅનનો જ નથી જેને તમે આર. કે. લક્ષ્મણના કાર્ટૂનમાં જોયો હતો. ટ્રાફિક જૅમના ઇશ્યુ, મોંઘવારી, પેટ્રોલનો ભાવવધારો અને એવી બધી વાતોના પ્રૉબ્લેમને લઈને જેને ઇશ્યુ થતા હતા. ના, એ તો નથી જ નથી. અત્યારના મિડલ ક્લાસની ઘણી બધી ચૅલેન્જિસ છે. આ આજના ટાઇમના એવા મિડલ ક્લાસની વાત છે જે એવા પડાવ પર છે જ્યાંથી પછી હાયર મિડલ ક્લાસ શરૂ થવામાં છે, પણ એમ છતાં છે મિડલ ક્લાસ.
મિડલ ક્લાસવાળી આ વાત પાછી-પાછી એક જ વ્યક્તિ સુધી સીમિત નથી રહેતી. મિડલ ક્લાસ એટલે જેના ઘરનો કર્તાધર્તા કમાઉ માણસ મિડલ ક્લાસ એટલે તેના ઘરના બધાએ મિડલ ક્લાસ તરીકે જ જીવવું પડે. અહીં ત્રણ જનરેશનની વાત છે.
મિડલ ક્લાસના કમાઉ દીકરાનાં માબાપ થોડું હાથ ખેંચીને જ જીવતાં હોય. તેમની મેન્ટાલિટી જ એવી થઈ ગઈ હોય. આ બાબતમાં તો વાગ્લે સુપર્બ કપલ હતું જ. અંજન શ્રીવાસ્તવ અને ભારતી આચરેકર, જે રાધિકા અને શ્રીનિવાસનો રોલ પ્લે કરતાં હતાં એ તો સુપર્બ હતાં એટલે એ એઝ ઇટ ઈઝી એના કૅરૅક્ટરમાં છે, પણ સાથે સૌથી મહત્ત્વનું એ કે આજની પેઢીનો મિડલ ક્લાસનો રિપ્રેઝન્ટેટિવ બન્યો છે સુમમીત રાઘવન. તમે સુમીતને ઓળખો છો અને અમે ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ અને ‘બડી દૂર સે આયે હૈં’ અને એવાં બીજાં ઘણાં કામ સાથે કર્યાં છે તો આમ પણ ઇન્ડસ્ટ્રીમાં પણ તેણે બીજું ઘણું કામ કર્યું છે. બહુ મોટા ગજાનો કલાકાર એવો સુમીત રાજેશ વાગ્લે છે, રાજેશ આપણા બધાનો રિપ્રેઝન્ટેટિવ છે. આપણે સોસાયટીને એના નજરિયાથી જોવાના છીએ. કહ્યું એમ, ઘરનો કમાઉ વ્યક્તિ જો મિડલ ક્લાસ હોય તોતેની વાઇફે પણ મિડલ ક્લાસની જ લાઇફ જીવવી પડે. તે પોતાની ફ્રેન્ડ્સ સાથે હાઇફાઇ રેસ્ટોરાંમાં જવાનું કેવી રીતે ટાળે છે અને બીજી શું-શું ચૅલેન્જિસ આવે એ જોવા મળશે, તો સાથે મોટી અને મોંઘી રેસ્ટોરાંમાં જવાનો ક્યારેક મોકો મળે તો જાણે કોઈનાં લગ્નમાં જતા હોય એવા તૈયાર થઈને જવાનું અને એવડો મોટો પ્રસંગ હોય એ પ્રકારે એ સમયને માણવાનું એ પણ જોવા મળશે. છોકરાઓને સ્કૂલમાં કે કૉલેજમાં કે પછી ૧૮ વર્ષની દીકરી હોય તેને કેવી ચૅલેન્જિસ આવતી હોય એનાથી લઈને ભણવાથી માંડીને તેની સાથેના કોઈ ફ્રેન્ડ હોય જે બહુ પૈસાવાળાના સંતાન હોય તો એ કેવી લાઇફસ્ટાઇલ જીવતાં હોય અને તેણે કઈ ચૅલેન્જિસમાંથી જવું પડે એ પણ જોવા મળશે.
બધા સમજી લે, પણ નાનું બાળક હોય તે જલદીથી ન સમજે. તે તો એમ જ સમજે પપ્પા કંજૂસ છે, બધાના પપ્પા તો આમ કરવા દે છે, પણ મને મારા પપ્પા ના પાડે છે. આવા પ્રકારની ચૅલેન્જિસમાં જીવતો માણસ અને તેના પૉઇન્ટ ઑફ વ્યુથી આ આખો શો છે. આ બહુ સિરિયસ પ્રકારનો શો નથી પાછો. પરિવારને ભેગો રાખીને એ ચૅલેન્જિસમાંથી પસાર થવાનું કામ લગભગ આપણે બધા કરીએ છીએ અને એવો જ આ મસ્ત પારિવારિક શો છે.
સુમીત રાઘવન સાથે અંજન શ્રીવાસ્તવ અને ભારતી આચરેકર પછી અમને જોઈતી હતી વર્સેટાઇલ ઍક્ટ્રેસ જે ગૃહિણી તરીકે એકદમ પર્ફેક્ટ બેસી જાય અને સાથે થોડી મૉડર્ન પણ લાગે અને રૂપાળી પણ હોય તો સર્વગુણ સંપન્ન પણ લાગતી હોય. સાથોસાથ એવી ટીવી-શૉપની વહુ જેવી બહૂ જ સારી, મીઠી પણ ન હોવી જોઈએ. જરૂર પડે ત્યારે વરનો કાન પણ પકડે, વર સાથે દલીલ પણ થાય અને ઝઘડા પણ થાય અને છોકરા પર બૂમો પાડતી મા પણ બને અને પોતાની ૧૮ વર્ષની દીકરીની ફ્રેન્ડ પણ બની શકે. એવામાં પરીવા પ્રણતી અમને મળી. પરીવાને તમે જોશો એટલે સમજી જશો કે તેણે શું અદ્ભુત કામ કર્યું છે. પરીવા અને સુમીતની ૧૮ વર્ષની દીકરીમાં મરાઠી સ્ટેજની આર્ટિસ્ટ ચિન્મય સાળવી આવી. વાગ્લે મરાઠી પરિવાર છે એટલે અમને મરાઠી ઍક્ટ્રેસ જોઈતી હતી, ચિન્મય બહુ સુંદર કલાકાર છે અને ઘરના સૌથી નાના છોકરાના પાત્રમાં અમને અધર્વ નામનો જમ્મુનો છોકરો મળ્યો. અધર્વ સુંદર અને જેટલો તોફાની એટલો જ સરસ કલાકાર. તમે તેના પ્રેમમાં પડી જશો.
કોઈને પણ માટે પહેલાં પરિવાર હોય અને એ પછી તેની લાઇફમાં આવે સોસાયટી. સોસાયટીમાં પણ સુંદર પાત્રો છે. દરેક સોસાયટીમાં એક સેક્રેટરી હોય જે બહુ જ નિઃસ્વાર્થ ભાવે સોસાયટીનું કામ કરતો હોય, પણ સાથેસાથે સોસાયટીની પોતાની માલિકી સમજતો હોય. અહીં પણ થોડો મજા કરાવે એવો સક્રેટરી છે, દીપક પરીખ. બહુ જ સારો કલાકાર, ઘણું કામ કર્યું છે અમે પહેલાં. પાડોશીના પાત્રમાં અમિત સોની છે, આપણે રિલેટ કરી શકીએ એવો શૅરબ્રોકર પણ ગુજરાતી નહીં. શૅરબ્રોકર હોય એટલે તેને ગુજરાતી બનાવી દેવાનો એવો શિરસ્તો છે, પણ અહીં એવું નથી. શૅરબ્રોકરની વાઇફના રોલમાં ભક્તિ રાઠોડ છે, એટલી જ સુંદર કલાકાર. પરિવાર અને સોસાયટીથી આગળ જઈએ તો માણસ જ્યાં ઑફિસમાં કામ કરતો હોય એ જગ્યા આવે.
સુમીત એટલે કે રાજેશ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરે છે. ટ્રાન્સપોર્ટ કંપની આજે બહુ ચૅલેન્જમાંથી પસાર થાય છે તો અહીં પણ એવું જ છે. કદાચ આ કંપની બંધ પણ થઈ જાય તો પોતાની આ ચૅલેન્જિસમાં જીવતો વાગ્લે, તેની કંપનીમાં પણ અદ્ભુત પાત્રો છે જે વાગ્લેના મિત્રો છે. એ બધા આપણે રિલેટ કરી શકીએ એવા લોકો છે. એમાં પણ બહુ સુંદર કલાકારો ભેગા થયા છે. તમને જોવાની બહુ મજા પડશે.
આ વાગ્લે આપણી જેમ જ પ્રોગ્રેસિવ થિન્કિંગવાળો માણસ છે. અમે ટિપિકલ મરાઠી માણૂસ દેખાડ્યો નથી જે મરાઠી છોકરીને પરણ્યો હોય. ના, પટનાની સુંદર છોકરી સાથે તેણે ઇન્ટરકાસ્ટ મૅરેજ કર્યાં છે. આપણે આજની તારીખમાં તેને રિલેટ કરી શકીએ છીએ અને એ હકીકત પણ છે. આપણે ગમે એટલા પૈસાવાળા થઈ જઈએ તો પણ આપણી મેન્ટલી તો મિડલ ક્લાસ જ રહે છે. કંઈક લેવાનું આવે ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થાય. બધા પરિવારના લોકો સાથે મળીને કેવી રીતે નક્કી કરતા હોય અને સાથોસાથ આપણે જે કોવિડકાળ જોયો એમાં આપણે એકબીજા કેવી રીતે પરિવારની બાજુમાં આવ્યા એ બધું આમાં છે. કોવિડકાળમાં આપણને એક વાત રિયલાઇઝ થઈ કે મિત્રો તેમની જગ્યાએ, સગાંસંબંધીઓતેમની જગ્યાએ પણ પરિવાર એટલે પરિવાર. આ જ વાતની બહુ સુંદર મોમેન્ટ્સ તમને જોવા મળશે. આ જોતાં-જોતાં તમને અને તમારા પરિવારને નજીક લાવશે. હું દાવા સાથે કહું છું કે અમુક એવી ચીજો જોવા મળશે, એવા ઇમોશન્સ જોવા મળશે જે તમારી અંદર છે, પણ તમે કદાચ એને એક્સપ્રેસ નથી કરતા. આ એક સાચા અર્થમાં મનોરંજક પારિવારિક શો છે અને એવી નૉવેલ્ટી છે વાર્તા કહેવાની કે તમે જેની કલ્પના પણ નહીં કરી હોય. હવે અહીં હું તમને બહુ નથી કહેતો. જોકે એ પછી મેં ઘણું કહી દીધું છે એ જ દાવે કહું છું કે મારો વિશ્વાસ રાખીને ૮ ફેબ્રુઆરીએ સોમવારે આ શો જોવા આવજો અને આ જ વાતનું પ્રૉમિસ મને તમારી પાસે જોઈએ છે, આજના મારા જન્મદિવસે. હા, આજે મારો જન્મદિવસ છે અને મારા જન્મદિવસે તમે આ આર્ટિકલ વાંચી રહ્યા છો. બાળપણથી આજ સુધી મેં મારા જન્મદિવસે એક સારું કામ કરવાનો નિયમ પાળ્યો છે, આજે પણ એ જ પાળી રહ્યો છું. મને તમારી શુભેચ્છા સાથે ગિફ્ટ જોઈએ છે. પહેલી વાર તમારી પાસે સામેથી માગું છું, ‘વાગ્લે કી દુનિયા’ જોવા આવશો એ પ્રૉમિસ ગિફ્ટ આપો અને તમારી આસપાસના બધાને કહો કે સોમવારથી રાતે ૯ વાગ્યે બધા સોની સબ પર એ જોવા આવે. હું આ પ્રૉમિસ મારા સ્વાર્થ માટે નથી માગતો. હું હંમેશાં કહેતો રહ્યો છું કે ઈશ્વરે ધરતી પર મને થોડી ખુશીઓ વહેંચવા મોકલ્યો છે. હું તમને ડબલ ખુશી આપવા માટે જ આજે આ પ્રૉમિસ માગું છું, આવજો, શો જોવા, વચન આપું છું કે તમને ડબલ ખુશી આપીશ.
જેન્ટલમૅન વર્ડ્સ.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2021 10:47 AM IST | Mumbai | Jamnadas Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK