Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આઇ લવ યુ*

આઇ લવ યુ*

02 October, 2020 08:48 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

આઇ લવ યુ*

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો તું તારું બધું ભૂલી જવાની હોય, તારી આઝાદી, તારી સ્વતંત્રતા, તારી ખુશી અને તારી આદત પણ, તારો સ્વભાવ અને તારી તમામ મહેચ્છા તો ખરેખર આઇ લવ યુ. નહીં જીવી શકું હું તારા વિના, બહુ અઘરું બની જશે આ જીવન જો તારી ગેરહાજરી હશે તો. નહીં સાંખી શકું તારી ગેરહાજરી. આઇ લવ યુ. રિયલી આઇ લવ યુ, પણ જો તું તારું બધું ભૂલી જવાની હો તો. તારી આઝાદી, તારી સ્વતંત્રતા, તારી ખુશી અને તારી આદત પણ, તારો સ્વભાવ અને તારી તમામ પ્રકારની મહેચ્છા પણ.

જો તું તારી સવાર મારા નામથી શરૂ કરવાની હોય તો અને જો તારી રાતનો અંતિમ પહોર પણ મારા નામ સાથે પૂરો થવાનો હોય તો આઇ લવ યુ. સવારે જાગ્યા પછીનો તારો પહેલો ધર્મ મારાં માબાપ રહેશે. તારી ઇચ્છા હોય તો પણ, તારી અનિચ્છાએ પણ. ન ગમતી વાત કરી દેવામાં આવે, ન ગમતું ભસી દેવામાં આવે અને ન ગમતું વર્તન પણ કરી લેવામાં આવે તો પણ તારા ચહેરા પર કોઈ જાતનો અણગમો ન હોય અને તારા જે સ્મિત પર અડધી જિંદગી કુરબાન કરી એ સ્મિતની તાજગી ક્લોઝઅપની પેલી રૂપકડી મૉડલના સ્માઇલ જેવું અને જેટલું જ અકબંધ રહેવાનું હોય તો આઇ લવ યુ. તારા સિવાય બીજા કોઈની કલ્પના પણ મેં ક્યારેય નથી કરી. બને કે સમય આપણને જુદાં કરી દે પણ ધાર કે એવું બને તો એકલા રહેવાનું પસંદ કરીશ આખી જિંદગી, પણ આ હાથ અને આ સાથ મને તારો જ જોઈએ છે. આઇ લવ યુ, ફ્રૉમ બૉટમ ઑફ માય હાર્ટ પણ જો, જો તું તારી સવાર મારા નામથી શરૂ કરવાની હોય તો અને રાતનો અંતિમ પહોર પણ મારા નામ સાથે પૂરો થવાનો હોય તો.



જો તું તારી ખુશીને વીસરી જવાની હો, જો તું તારા સંબંધોને, તારી આત્મીયતાને મારા સુધી કેન્દ્રિત કરી દેવાની હો, જો તારી ચાહતને મારા સેવિંગ અકાઉન્ટમાં શિફ્ટ કરી દેવાની હો અને તારું આખું અકાઉન્ટ મારા માટે તળિયાઝાટક કરી શકવાની હોય તો આઇ લવ યુ. કેન્દ્રમાં હું હોઉં અને પરિઘ બનીને તું આખો દિવસ મારી ફરતે પ્રદક્ષિણા કરવાની લાયકાત ધરાવતી હો તો આઇ લવ યુ. નાના હતા ત્યારે પેલી સ્ટૅચ્યુની ગેમ રમતા. જો તને સ્ટૅચ્યુની ગેમ રમતાં આવડતું હોય અને એમાં સ્ટૅચ્યુ કહેવાની પરવાનગી માત્ર મારા એકની હોય તો આઇ લવ યુ ટૂ મચ. મારા ફેવરિટ વડાપાંઉથી પણ વધારે અને મારી ફેવરિટ આલિયા ભટ્ટથી પણ ડબલ આઇ લવ યુ તને. આઇ લવ યુ એટલું જ જેટલું માછલી પાણીને પ્રેમ કરે અને કાચબો લીલોતરી માટે ઝંખે, પણ જો કેન્દ્રમાં હું હોઉં અને પરિઘ બનીને તું આખો દિવસ મારી ફરતે પ્રદક્ષિણા કરવા તૈયાર હો તો.


જો તું કરીઅર ભૂલી શકવાની હો તો. ખબર છે મને કે તું મારા કરતાં પણ વધારે ભણી છે. ઑલમોસ્ટ ડબલ, પણ એ પછી પણ તને ખબર છે કે આપણે સામાજિક જીવનધોરણને અપનાવીને જીવવાનું છે. ઘરની જવાબદારી, સમાજની દુનિયાદારી, રોજબરોજની કારોબારી, ભવિષ્યમાં આવનારાં બાળકોને લઈ આવવાની પરવાનગી અને એ પરવાનગી પછી બાળકોને મોટાં કરવાની સંયમગીરી. આ બધા માટે તારી જૉબને તારે ક્યાંય વચ્ચે આવવા નથી દેવાની, મોટા થવાની લાલસા સંબંધોને કોતરી ખાતી હોય છે અને કોતરી ખાતી આ લાલસા પ્રેમને ભસ્મીભૂત કરી નાખે છે. જો તું આ સ્વીકારી શકતી હો, જો તું એ હસતા મોઢે છોડી શકતી હો તો આઇ લવ યુ. અઢળક, અનહદ અને મબલક. સામાજિક મોરચો તું સંભાળી લે તો હું બાકીના તમામ ફ્રન્ટ પર લડી લઈશ, કોઈ જાતના ખચકાટ વિના. ડાઇપર બદલાવવાની જવાબદારી તારી અને ડાઇપર લાવવાની જવાબદારી મારી. કોઈ જાતની પરવા કરવાની નહીં, ઓછું મળશે એ ચાલશે, જરૂરિયાતો ઘટાડીશું પણ જવાબદારી અપનાવવી પડશે અને તારામાં એ ક્ષમતા પણ છે જ. ભૂલવાની, બધું છોડવાની અને સદંતર ત્યજવાની ક્ષમતા. એ ક્ષમતા જોઈને જ તો કહું છું, આઇ લવ યુ.

ખબર છે મને તારું અસ્તિત્વ નિરાળું, નોખું અને અનોખું છે. ભલે તું પાંખ બનીને ઊગી, ભલે તું સંધ્યા સાથે વહેતી, નાની વાતોમાં મસમોટા ઉત્સવનો આનંદ ભલે તું લેતી અને ભલે તું મેઘધનુષના રંગે રંગાયેલી હોય. પ્રેમમાં પડવા પૂરતું આ કાફી હતું. હવે એ પાંખો કપાવી જોઈએ અને મેઘધનુષનો કોઈ આશરો લેવાનો નથી. નાની વાતો તો શું, સંસાર માંડ્યા પછી મોટા ઉત્સવમાં પણ સંયમશીલતા દર્શાવાની છે અને એમાં ખોટું પણ શું છે? મમ્મીએ પણ આ જ કર્યું છે અને તારી મમ્મી પણ યુ સી, એ જ કરી ચૂકી હશે. બધે એવું જ હોય અને આપણે પણ એ જ કરવાનું છે. વાતને સ્વીકારવાની અને વાતની સમજવાનો હુન્નર કેળવવો પડશે. એ હુન્નર તારામાં છે અને એટલે જ તો આપણા આ લાગણીના સંબંધોને એક નામ મળ્યું છે પ્રેમ અને મળેલા આ નામને લીધે જ તો હું આજે તને કહું છું આઇ લવ યુ. ત્રણ શબ્દોના આ વાક્યમાં મારી આખી જિંદગી સમાયેલી છે અને સમાયેલી આ જિંદગી તારા હાથમાં છે, પણ-પણ જો તું એ બધું કરી શકે જે મારી મમ્મીએ કર્યું. વ્યવહારમાં સૌથી આગળ ઊભા રહેવું પડશે અને મનની વિશાળતા એટલી જ રાખવી પડશે કે કોઈ પણ જાતનો દુર્વ્યવહાર થાય, અનાયાસે કે પછી અજાણતાં કે પછી ઇરાદાપૂર્વક, સૌકોઈ તારા છે એ વાતને બધા ભૂલી જાય તો પણ તારે આ વાતને તામ્રપત્ર પર કોતરી રાખવાની છે અને જો એ કોતરી રાખીશ તો આઇ લવ યુ રિયલી.


ચાલ.

તું આવી જા મારી સાથ, જઈએ દૂર લઈ હાથમાં હાથ...

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2020 08:48 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK