આજે સાઠ વર્ષે પણ અમારી દોસ્તી એમની એમ જ છે

Published: 24th September, 2020 16:27 IST | Latesh Shah | Mumbai

આજે ફરીથી મારા કૉલેજકાળમાં પ્રવેશ લઈએ. ૧૯૭૨-’૭૩ માં એચ. આર. કૉલેજના પ્રિન્સિપાલ અડવાણીના કોમળ પગ પર, કે. સી. કૉલેજના ઑડિટોરિયમના બૅક-સ્ટેજમાં, મારો ભારેખમ પગ પડ્યો.

સાઠ વર્ષથી દોસ્તો: કાન્તિલાલ મારુ, નવીન છેડા અને હું.
સાઠ વર્ષથી દોસ્તો: કાન્તિલાલ મારુ, નવીન છેડા અને હું.

ગયા ગુરુવારે આપણે પરેશ રાવલ અને મહેન્દ્ર જોષીની વાતો આલેખી. આજે ફરીથી મારા કૉલેજકાળમાં પ્રવેશ લઈએ. ૧૯૭૨-’૭૩ માં એચ. આર. કૉલેજના પ્રિન્સિપાલ અડવાણીના કોમળ પગ પર, કે. સી. કૉલેજના ઑડિટોરિયમના બૅક-સ્ટેજમાં, મારો ભારેખમ પગ પડ્યો. સુંવાળા અડવાણીએ પગ અડવાની સાથે જ ચીસ પાડી અને એ ચિત્કાર આખા હૉલમાં ગુંજી ઊઠ્યો. મિમિક્રી કરતાં-કરતાં અમિતાભ બચ્ચન સ્ટૅચ્યુ થઈ ગયા અને શત્રુઘ્ન સિંહા ઑન-સ્ટેજથી ઑફ-સ્ટેજ પર દોડતા આવ્યા. પ્યુન લલ્લને લાઇટ ઑન કરી અને અડવાણીસર મારા પર ફુલ-ઑન તૂટી પડ્યા. મારી પાસે મોઢું છુપાવવા માટે રૂમાલ પણ નહોતો. મને લાગ્યું કે સર મને સ્ટેજ પર લઈ જઈને ઍડિયન્સની સામે મારો ઊધડો લઈ નાખશે. મુછ વગરનો અમિતાભ મારા પર મુછમાં હસશે એવું વિચારી-વિચારીને હાલ મારા બેહાલ થઈ ગયા હતા. 
પરશુરામના ૯૯મા અવતાર સમા અડવાણીસર ગુસ્સામાં ધુંઆપુંઆં થતા હતા. તેમણે મને બાવડેથી ઝાલ્યો અને મને લઈ ગયા થિયેટરની બહાર, ઉપર સીધા પ્રિન્સિપાલ કુન્દનાનીની ઑફિસમાં. હું ‘ઓમ નમઃ શિવાય’ના જાપ કરવા લાગ્યો. પ્રિન્સિપાલ કુન્દનાનીનો સ્વભાવ બધા જાણતા હતા. ૧૨ કૉલેજના ફાઉન્ડર સેક્રેટરી મળતાં વિદ્યાર્થીઓ શું ટીચર્સ, પ્રોફેસર્સ, ઍડ્મિન  સ્ટાફ ધ્રૂજતો હતો. કુન્દનાની સર પોતે બૉક્સિંગ-ચૅમ્પિયન હતા. નીડર અને કંજૂસ લાગતા સરે આટલાં વર્ષોમાં ક્યારેય નાટક-સ્પર્ધા ભજવવા માટે એક નવા પૈસાનું બજેટ ફાળવ્યું નહોતું. જેણે  પણ નાટક કરવું હોય તે પોતે ગાંઠનાં ગોપીચંદન કરે. બાકીની કૉલેજો નાટક માટે પૂરતું બજેટ આપતી. એન. એમ. કૉલેજ પેટ ભરીને બજેટ આપતી. મીઠીબાઈ અને જયહિન્દ કૉલેજ તથા પોદ્દાર કૉલેજ નાટકો પાછળ પેટ ભરીને ખર્ચ કરતી. કે. સી. કૉલેજ નાટકના નામે એક પૈસો ન આપે. અરે નાટક માટે ખર્ચ કરતાં અડધા પૈસા માગવા જઈએ તોયે એ સિંધી પ્રિન્સિપાલ ધક્કા મારીને ઑફિસમાંથી કાઢી મૂકે. આજે અક્કડ અડવાણી સર એ જ ખડૂસ અને કડક કુન્દનાની સર પાસે મને લઈ આવ્યા. મારશે કે ઉપાડીને કૉલેજની બહાર ફેંકી દેશે એ જ સમજાતું નહોતું. મારા સારા નસીબે કુન્દનાની સર બિઝી હતા. અંદર ટ્રસ્ટીઓની ગરમાગરમ મીટિંગ ચાલતી હતી.  એટલે છેવટે નાછૂટકે અડવાની સરે મને સૂકી ધમકી આપીને ફરી પાછા કૉલેજના પ્રોગ્રામના સમાપન માટે જતા રહ્યા. હું બાલ બાલ બચી ગયો. મેં એ જ ઘડીએ નક્કી કરી નાખ્યું કે આવતા વર્ષે હું જનરલ સેક્રેટરી ઑફ કૉલેજનું ઇલેક્શન લડીશ અને જીતીશ. અડવાની સરને બોલાવીશ મારા સન્માન-સમારંભમાં અને તેમના હાથથી જ હાર પહેરીશ અને તેઓ સ્ટેજ પરથી મારાં વખાણ કરતાં કહેશે, ‘વન ઑફ ધ મોસ્ટ ટૅલન્ટેડ લીડર, નૉટ ઓન્લી ઑફ કૉલેજ બટ ધ હોલ યુનિવર્સિટી. આઇ ઍમ પ્રાઉડ ઑફ હિમ. આમ માઇક પરથી બોલ્યા પછી મને નતમસ્તકે હાર પહેરાવશે. આવા વિચારમાત્રથી ઉત્તેજનામાં મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. 
બીજા દિવસે આ વાત એચ. આર. કૉલેજમાં અભ્યાસ કરતા મારા ખાસ મિત્રને કરી. તે હસી-હસીને બેવડ વળી ગયો. તેનું નામ નવીન છેડા, મારો બાળપણનો લંગોટિયો યાર. પહેલા ધોરણથી અગિયારમા ધોરણ સુધી સાથે ને સાથે રહ્યા. કેવો વિરોધાભાસ! તે ભણવામાં તેજસ્વી અને હોશિયાર અને હું સપના જોવામાં પાવરધો, પણ ભણવામાં ‘ઢ.’ તે શાંત અને હું તોફાની બારકસ. તે પહેલી બેન્ચ પર બેસે અને હું છેલ્લી બેન્ચ પર બેસું. તે હમેશાં અવ્વલ નંબરે પાસ થાય અને હું છેલ્લા નંબરે, પણ પાસ થઈ જાઉં. તેને કવિતા લખવાનો, મને નાટક લખવાનો શોખ. નાટકમાં અભિનય કરવાનો અભરખો બન્નેનો સરખો. 
મેં આઠમા ધોરણમાં એક નાટક લખ્યું. નાટકનું નામ હતું, ‘ગોટાળામાં ગોટાળો અને એની અંદર ઞોટાળો.’ 
એ નાટકમાં મુખ્ય પાત્ર ભજવવા માટે અમારી વચ્ચે જબરી મારામારી થયેલી. અમારા બન્નેના કિટ્ટાબુચ્ચા સ્કૂલમાં ફેમસ હતા. બીજા ગોઠિયાઓ ગિજુ, સુભાષ અને વિજય અમારી મજાક ઉડાડતા. નવીન જ મારો પરમ મિત્ર બન્યો. બાળપણના તેની સાથેના ઝઘડા, મારામારી અને બોલાચાલીને લીધે બન્ને દિલ ખોલીને ઝઘડો કરતા અને હસતા-રડતા ભેગા થઈ જતા. ગિરગામ સાર્વજનિક સ્કૂલમાં નાટકો સાથે કરતા. મારા નાટ્યકાર તરીકેની કારકિર્દીમાં નવીનનો સિંહફાળો છે. અમે સ્કૂલમાં નાટકો કર્યાં, પણ સ્કૂલમાં એક પણ લેક્ચર બન્ક નહોતું કર્યું એટલી મજા આવતી. પ્યૉર અને પ્લૅટોનિક આનંદ. ધોસ વર ધ ડેઝ. 
અમે કૉલેજ પણ પાસપાસમાં પાસ કરી. હું કે. સી. કૉલેજમાં, તે એચ. આર. કૉલેજમાં. ચાન્સ મળે ત્યારે નાટકો સાથે કરવાનો મોકો શોધી કાઢીએ. 
બન્નેએ આઇ.એન.ટી. વર્કશૉપ સાથે કરી. આઇ.એન.ટી.નું પ્રવીણ જોષી દિગ્દર્શિત નાટક ‘શરત’માં સાથે કામ કર્યું. 
દિનકર જાની લિખિત અને શફી ઈનામદાર દિગ્દર્શિત ‘હું વલ્લભ નથી’ મેં, નવીન અને તીરથ  વિદ્યાર્થીએ કે. સી. લૉ કૉલેજમાંથી ભજવ્યું અને આ એકાંકી દરેક નાટ્ય-સ્પર્ધામાં પ્રથમ આવ્યું. ફિલ્મના શ્રેષ્ઠ કલાકાર સંજીવકુમારે જ્યારે નાશિકમાં આ નાટક જોયું ત્યારે તેમણે અમારા ત્રણેયના અભિન‍યનાં ભારોભાર વખાણ કર્યાં હતાં. એ અમારા જીવનનો સુવર્ણ દિન હતો. 
આજે સાઠ વર્ષે પણ અમારી દોસ્તી એમની એમ, હેમખેમ છે. 
અમે બન્ને સિગારેટ અને ડ્રિન્ક લેવાનું સાથે શીખ્યા. અમે નક્કી કર્યું કે બેમાંથી એક નાટકમાં જશે અને બીજો બિઝનેસમાં જશે. એ તો ભણેશરી હતો એટલે સીએ થયો. હું આર્ટ્સમાં હતો એટલે આર્ટિસ્ટ થયો. નવીન સીએમાંથી બિઝનેસમૅન બન્યો.
મને કૃષ્ણભાવે સપોર્ટ કરતો રહ્યો. મારા ખરાબ સમયમાં પડખે અપેક્ષા વગર ઊભો રહ્યો. અમે બન્ને એકમેક માટે ગ્રાન્ટેડ ફ્રેન્ડ્સ ઞણાતા હતા. બન્નેને સ્કૂલની મારામારી બાદ મનદુ:ખ ક્યારેય  થયું નથી. સમયે એકબીજાને જણાવ્યા વગર એકબીજાની સાથે ઊભા રહ્યા છીએ. આમ તો અમે ત્રણ મિત્રો; નવીન છેડા, કાન્તિલાલ મારુ (ગિજુ) અને હું, સાઠ વર્ષથી મિત્રો છીએ. મેં એક નાટકનું નિર્માણ કર્યું, જેમાં ફાઇનૅન્સ નવીને કર્યું અને એક વાત વટકી અને વાત વિવાદે ચડી, થયું કે સાઠ વર્ષની દોસ્તી, એક દિવસમાં પૂરી થઈ જશે. 
વિવાદની વાતમાં પૈસો વચ્ચે નહોતો, પણ કંઈક હતું. શું હતું? 
આવતા ગુરુવારે વાત કરીએ... 

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
વરસે એ વરસાદ, વરદાન, વહાલ. જો પ્રમાણમાં વરસે તો સુખ, શાંતિ, સમૃદ્ધિથી છલોછલ ભરી દે; પણ જો પ્રમાણ ચૂકી જાય તો... તમે જાણો છો કે શું થાય? મારે તમને કહેવાની જરૂર નથી. છલોછલ અને છકેલો માણસ છેવટે અહંકારના દરિયામાં ડૂબી જાય. એના કરતાં પ્રમાણ સાચવો જેથી સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, આનંદ, ખુશી, પ્રસન્નતામાં  પ્રેમથી તરો અને જલસા કરો.

 shahlatesh@wh-dc.com

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK