
મુલુંડ (ઈસ્ટ)માં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી હરિઓમનગરમાં જવા માટે મુંબઈ સુધરાઈએ એક રોડ બનાવ્યો છે જેને કારણે આ વિસ્તારના લોકોને ઘણી રાહત થઈ છે, પરંતુ આ રોડ બનાવવાની ક્રેડિટને મુદ્દે જે લોકલ રાજકીય નેતાઓએ બોર્ડ લગાવ્યાં છે એને કારણે લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. બે અઠવાડિયાં પહેલાં આ બોર્ડ લાગી ગયાં છે અને લોકોમાં આ બાબતે ચર્ચા છે છતાં આ બોર્ડ હટાવવામાં નથી આવ્યાં.
લોકલ વિધાનસભ્ય સરદાર તારા સિંહે જે બોર્ડ લગાવ્યું છે એમાં એમ લખવામાં આવ્યું છે કે ‘આ રોડ સુધરાઈએ બનાવ્યો છે અને એના પરથી જતા-આવતા લોકોનું હાર્દિક સ્વાગત છે.’ બીજી તરફ વિધાન પરિષદના કૉન્ગ્રેસી સભ્ય ચરણ સિંહ સપ્રાના બોર્ડમાં આ રોડ બનાવવા માટે સ્થાનિક લોકોએ તેમનો આભાર માન્યો છે.
આ બે બોર્ડને કારણે લોકલ લોકોમાં ચર્ચા છે. આ સંદર્ભમાં જ્યારે ચરણ સિંહ સપ્રાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રોડ બનાવવા માટે મેં દોઢ વર્ષ મહેનત કરી હતી. હરિઓમનગરના ડેવલપરે આ વિસ્તારનો વિકાસ કર્યો, પણ એમાં જવા માટેનો રોડ થાણેના કોપરી વિસ્તારમાંથી આવતો હતો એથી મેં સુધરાઈના ઉચ્ચ અધિકારીઓ સાથે બે-ત્રણ વાર બેઠકો કરી અને તેમને કહ્યું હતું કે આ વિસ્તારનું પોસ્ટલ ઍડ્રેસ મુલુંડ છે પણ એમાં આવવાનો રસ્તો થાણેથી કેવી રીતે હોય? આને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઑક્ટ્રૉય નાકાના રીમૉડલિંગના કામ વખતે હાઇવેથી અંદર જવાના રસ્તાને મંજૂરી મળી હતી અને એક ગ્રાઉન્ડ વચ્ચે આવતું હતું એનો વિવાદ પણ ઉકેલી દેવામાં આવ્યો હતો એથી આ બધી માથાકૂટને અંતે આ રોડ બનાવી શકાયો હતો. આ રોડ બનાવવાના કામમાં સ્થાનિક લોકોએ મને ઘણો સર્પોટ કર્યો હતો અને મારા પ્રયાસો થકી આ રોડ બનતાં લોકોએ જ આ બોર્ડ લગાવ્યું છે. એ બોર્ડ મેં લગાવ્યું નથી. મારી મહેનતને તેમણે બિરદાવી છે. પણ આ બોર્ડ લાગતાં સરદાર તારા સિંહે પણ એક બોર્ડ લગાવી દીધું છે. તેમને એમ હશે કે મેં મારા વિધાન પરિષદના સભ્ય તરીકેના ફન્ડમાંથી આ કાર્ય કરાવ્યું હશે એથી તેમણે બોર્ડ લગાવી દીધું છે કે આ રોડ સુધરાઈએ બનાવ્યો છે. તેમને આવાં બોર્ડ લગાવી દેવાનો શોખ હોય એમ લાગે છે.’
બીજી તરફ સરદાર તારા સિંહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈએ બનાવેલા આ રોડ પરથી આવતા-જતા લોકોનું સ્વાગત કરવામાં આવે છે એમ મારા બોર્ડમાં મેં લખ્યું છે. આ રોડ બનાવવા માટે મેં પણ પ્રયાસ કર્યો છે અને એમાં મને લોકલ લોકો અને એ સમયનાં વૉર્ડ-ઑફિસર સંગીતા હસનાળેનો પણ સાથ હતો. એક માણસના પ્રયાસથી આ રોડ બન્યો નથી. સપ્રા આ માટે ખોટી ક્રેડિટ લેવાની કોશિશ કરે છે. ’
જોકે સ્થાનિક લોકો કહે છે કે તેઓ માટે આ કંઈ નવું નથી. પદ્મજા જણેએ કહ્યું હતું કે ‘આવું અમે ઘણા વખતથી જોઈ રહ્યા છીએ. રોડ સુધરાઈએ બનાવ્યો છે. તેમણે કંઈ પણ નાનું કામ કર્યું હોય તો તેમણે આવાં બોર્ડ શા માટે મૂકવાં જોઈએ? અમે જ્યારે ઘરે પાછા આવતા હોઈએ છીએ ત્યારે અમારે તેમના ચહેરા અને તેમણે કરેલાં કાર્યોની સ્વપ્રશંસા જોવી પડે છે.’
બીજા રહેવાસી અશોક ભોઈરે કહ્યું હતું કે ‘અમારા ધારવા પ્રમાણે આ રોડ સુધરાઈના ડેવલપમેન્ટ પ્લાન મુજબ અહીં બાંધવામાં આવવાનો હતો. આમ હોવા છતાં રાજકીય નેતાઓ શા માટે ક્રેડિટ લે છે? વળી આ બન્ને બોર્ડ એકબીજાની એકદમ બાજુમાં લગાવવામાં આવ્યાં છે. એનો અર્થ એ જ છે કે તેમને પબ્લિસિટી જોઈએ છે.’