નાટકની સર્જનગાથાઃ પ્રસવની પીડાનો અનુભવ

Published: Jun 27, 2019, 13:40 IST | ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મહેતા | મુંબઈ

સ્ટેજ પર પડદો ખૂલે અને જે નાટક ભજવાય એ નાટક ભલે બે કલાકનું હોય, પણ એની સર્જનયાત્રામાં દોઢ-બે મહિના લાગે છે. શરૂઆતમાં ચાર-પાંચ કલાક અને છેલ્લા અઠવાડિયે ઑલમોસ્ટ ૨૦ કલાકની મહેનત પછી નાટકની ફાઇનલ પ્રોડક્ટ ઑડિયન્સ સામે આવે છે

દર્શકો
દર્શકો

હમણાં દસેક દિવસ પહેલાં મારુ નવું નાટક ઓપન થયું. નાટક ઓપન થતું હોય ત્યારે કે પછી નવી ‌સિરિયલ ઑન-ઍર થતી હોય એ સમય પ્રસૂતિની પીડા જેવો હોય છે. એ સમયે એવો જ અનુભવ થાય જે અનુભવ પ્રસવ સમયે થતો હોય છે. આ વાત નૉર્મલ ઑડિયન્સ કે વ્યુઅર્સને ભાગ્યે જ સમજાતી હોય છે. એનું કારણ પણ છે. નાટક સ્ટેજ પર આવે અને પડદો ખૂલે કે પછી સિરિયલનો પહેલો એપિસોડ ટીવી પર રિલે થાય ત્યારે ઑડિયન્સ માટે તો ફાઇનલ પ્રોડક્ટ છે, પણ એ પર્ફેક્ટ બને, એમાં પ્રોફેશનની છાંટ પૂરેપૂરી હોય અને એ ૧૦૦ ટકા લોકભોગ્ય બને એ માટે બધા ખૂબ મહેનત કરતા હોય છે. એને લીધે એ જ્યારે આંખ સામે આવે ત્યારે એ સહિયારું સર્જન હોય છે. એની પાછળ ખૂબ બધી મહેનત લાગેલી હોય છે, અઢળક પરસેવો પડ્યો હોય છે. હા, સાચે જ પરસેવો પડ્યો હોય છે. તમે રિહર્સલ્સ જુઓ કે સિરિયલનું શૂટિંગ જુઓ અને રિયલમાં એ જ્યારે ભજવાતું જુઓ ત્યારે એ બન્ને વચ્ચેનો જમીન-આસમાન જેવો ફરક સ્પષ્ટ રીતે દેખાઈ આવે. લાઇટ્સની ગરમી સહન કરવાની કે પછી હૉલમાં નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હોય એ સમયે સ્ક્ર‌િપ્ટની એકેક લાઇન યાદ રાખવાની એ જરા પણ નાની વાત નથી. ‌ફિલ્મો માટે પણ આ જ કહી શકાય અને એ પછી જ્યારે ન ગમતું પરિણામ આવે ત્યારે હતાશ થઈ જવાય.

આ વાત લખવાનું કારણ એ છે કે કોઈ ફિલ્મ જોઈને, સિરિયલના બેચાર એપિસોડ્સ જોઈને કે પછી નાટકનો પહેલો શો જોઈને એને સ્વીકારી એનાં વખાણ કરવાં કે પછી એને વખોડી કાઢવાનું કામ કરવું એ જેટલું સરળ અને સહજ છે એટલું જ અઘરું એક પ્રોડક્ટ તૈયાર કરવાનું હોય છે. એક નાટક, ફિલ્મ કે સિરિયલને હિટ કે ફ્લૉપ કરવાનું કામ, એ વેદના અને એને માટેની મહેનત તો બધાની એકસરખી જ હોય છે.

પહેલાં હું તમને સિરિયલની વાત કરું તો એક સિરિયલ ટીવી પર શરૂ થાય એ પહેલાં ઓછામાં ઓછા એક વર્ષથી એની તૈયારી ચાલતી હોય છે. તમારા સબ્જેક્ટને ચૅનલ એક્સેપ્ટ કરે, રિજેક્ટ કરે. એક્સેપ્ટ કરે તો સ્ટોરીમાં હજારો અને હવે તો લાખો ચેન્જ કરાવે અને એ ચેન્જ માટે પર્ફેક્ટ રાઇટર પાસે કામ લેવામાં આવે. એ રાઇટર પોતાની જવાબદારી નિભાવતા હોય ત્યાં સુધીમાં પ્રોડક્શન-ટીમે પોતાનું કામ ચાલુ કરી દીધું હોય. સેટ ક્યાં બનાવવો એનો વિચાર કરે, સેટ રેડી મળતો હોય તો એનું રિનોવેશન શરૂ કરવામાં આવે અને જરૂર મુજબના એમાં ફેરફાર કરવામાં આવે. ત્રીજી તરફ પ્રોડક્શનની બીજી ટીમ કાસ્ટિંગ શરૂ કરે. પહેલાં મેઇન કૅરૅક્ટરને કાસ્ટ કરવામાં આવે. ઘણી વાર તો એવું બને કે મેઇન એટલે કે લીડ ઍક્ટરો નક્કી થઈ ગયા પછી બીજું બધું બાકી હોય તો બધા ઍક્ટર્સે રોકાઈ રહેવું પડે, જે ઍક્ટરને ખરેખર ભારે પડે.

શૂટિંગ શરૂ થયા પછી ચૅનલ એકેક ફ્રેમ અને સીન્સ જુએ અને જરૂર લાગે તો રીશૂટ પણ કરાવે. ક્યારેક ડાયરેક્ટર બદલવાનું કહે તો ક્યારેક રાઇટર કે પછી ડાયલૉગ-રાઇટરને ચેન્જ કરવાનું કહે. લીડ ઍક્ટરના લુક પર પણ ફરી વાર કામ થાય અને એવું બને તો બધું ચેન્જ કરવાનું આવે, આખો એપસિોડ નવેસરથી શૂટ કરવો પડે. આ આખી પ્રક્રિયામાં સિરિયલ ટીવી સુધી પહોંચે ત્યાં સુધીમાં ઓછામાં ઓછા ૧૦ મહિના નીકળી જાય. એ પહેલાં ખૂબ પ્રોમોઝ શૂટ થાય. ઍક્ટરોને બહાર મોકલીને પ્રમોશન કરવામાં આવે. મારી ટીવી ઇન્ડસ્ટ્રીની કરીઅર ઑલમોસ્ટ ૩૦ વર્ષની છે. આ ૩૦ વર્ષમાં મેં એટલાં શહેરોમાં જુદી-જુદી સિરિયલનાં પ્રમોશન કર્યાં છે કે તમે કલ્પના પણ ન કરી શકો. હિન્દી મીડિયા, ઇંગ્લિશ મીડિયા, ગુજરાતી-મરાઠી અને બીજાં અનેક લૅન્ગ્વેજનાં મીડિયા હાઉસ સાથે પ્રેસ-કૉન્ફરન્સ, ટેલિફોિન‌ક ઇન્ટરવ્યુ થાય અને એ પછી છેક ટીવી પર સિરિયલ ઑન-ઍર થાય. આ બધા વચ્ચે ડે-નાઇટ શૂટ તો ચાલુ જ હોય. ક્યાંય અડધો કલાક પણ મોડું પડવાનું નહીં. આ જ કારણે, હું આને પ્રસૂતિની પીડા કહું છું.

હવે નાટકના ગર્ભાધાનને જોઈએ. જેવું એક નાટક પૂરું થવા આવે કે તરત બીજું નાટક ઓપન કરવાનું કામ શરૂ થાય. સબ્જેક્ટ નક્કી થાય અને રાઇટર હજી તો નાટક લખતો હોય ત્યાં જ એનાં રિહર્સલ્સ શરૂ થઈ જાય. ક્યારેક એવું બને કે સીન સારો ન લખાયો હોય તો એનું રીરાઇટિંગ શરૂ કરવામાં આવે. એક મહિનામાં નાટકનાં લગભગ રોજ પાંચથી છ કલાક રિહર્સલ્સ થાય અને એ પછી ટેક્નિકલ રિહર્સલ્સ આવે જેમાં ઑડિટોરિયમના સ્ટેજ પર સેટ લગાડીને મ્યુઝિક સાથે ફરીથી રિહર્સલ્સ શરૂ થાય. આ રિહર્સલ્સને ગ્રૅન્ડ રિહર્સલ્સ કહે છે. એ આખો દિવસનાં હોય અને ગ્રૅન્ડ રિહર્સલ્સ ચારથી છ દિવસ કરવાનાં હોય. એવું જ ધારી લો કે અમારે દિવસમાં ચાર અને કોઈ-કોઈ વખત પાંચ શો કરવાના આવ્યા છે. આને નાટક ઘસ્યું કહેવાય. આ આખી પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધીમાં દોઢથી બે મહિના થઈ ગયા હોય અને એ પછી નાટક રિલીઝ થાય. આ રિહર્સલ્સને કારણે તમારા મગજ અને શરીર એમ બન્નેને બરાબર પ્રૅક્ટસિ મળી જાય અને નાટકનો શો ઓપન થાય ત્યારે અવાજ, શરીર અને મગજને બરાબર ટ્રેઇનિંગ મળી ગઈ હોય. મને એક આડવાત અત્યારે કહેવી છે.

માણસના શરીરમાં બે પ્રકારની મેમરી છે, લૉન્ગ ટર્મ અને શૉર્ટ ટર્મ. નાટકની આટલી પ્રૅક્ટસિ એટલા માટે કરવાની હોય જેથી એ લૉન્ગ ટર્મ મેમરીમાં જડબેસલાક રીતે સ્ટોર થઈ જાય. નાનપણમાં આપણે સ્કૂલમાં ઘડિયાં શીખતા હતા એ જ રીતે. આ હસિાબ સિરિયલ સાથે કામ નથી કરતો. ત્યાં તો તમારે એક સીન કરીને એ સીનને કાયમ માટે ભૂલી જવાનો છે. બીજું કે સિરિયલના શૂટમાં તમારી પાસે રીટેકનો ઑપ્શન છે, પણ નાટક પાસે રીટેક જેવું કશું હોતું નથી. પડદો ખૂલ્યો એટલે બધો ખેલ ઑડિયન્સ અને ઍક્ટરો વચ્ચેનો. જે થાય એ તમારે જ ફોડવાનું. જો ભૂલથી એકાદ લાઇન પણ ખોટી બોલાઈ ગઈ તો સાથીકલાકારોએ સાચવવાનું આવે. આટલાં વર્ષોના અનુભવોને કારણે એવી પરિસ્થ‌િત‌િ પણ ઊભી થઈ છે કે મારા ભાગે જુનિયરોને સાચવવાનું બહુ આવ્યું હોય. જોકે એ વિષય આખો જુદો છે એટલે આપણે એની ચર્ચા ભવિષ્યમાં ક્યારેક કરીશું. અત્યારે મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ કહેવાય એવી વાત કરવી છે.

ઘણી વાર મને મહિલાઓ પૂછતી હોય છે કે નાટકમાં કૉસ્ચ્યુમ આટલી ઝડપથી કેવી રીતે ચેન્જ કરી શકતાં હો છો. ગ્રૅન્ડ રિહર્સલ્સની પ્રૅક્ટસિને કારણે એવું થતું હોય છે કે થ‌િયેટરના ઍક્ટર રિયલ લાઇફમાં પણ ખૂબ ફાસ્ટ તૈયાર થઈ જતા હોય છે. નૉર્મલી એવું હોય છે કે મહિલાઓને તૈયાર થવામાં વાર લાગે, પણ ઍક્ટ્રેસને કોઈ દિવસ તૈયાર થવામાં વાર નથી લાગતી.

આ પણ વાંચો : કિસકે આંસુ ગિરે કફન પે મેરે, કૌન રોયા હૈ અજનબી કે લિએ

કોઈ ફિલ્મ જોઈને, સિરિયલના બેચાર એપિસોડ્સ જોઈને કે પછી નાટકનો પહેલો શો જોઈને એને સ્વીકારી એનાં વખાણ કરવાં કે પછી એને વખોડી કાઢવાનું કામ કરવું એ જેટલું સરળ અને સહજ છે એટલું જ અઘરું એક પ્રોડક્ટ તૈયાર કરવાનું હોય છે. એક નાટક, ફિલ્મ કે સિરિયલને હિટ કે ફ્લૉપ કરવાનું કામ, એ વેદના અને એને માટેની મહેનત તો બધાની એકસરખી જ હોય છે

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK