Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પરિવાર, કરીઅર અને ફ્રેન્ડ્સઃ ફ્રેન્ડ્સનું પણ લાઇફમાં મહત્ત્વ છે

પરિવાર, કરીઅર અને ફ્રેન્ડ્સઃ ફ્રેન્ડ્સનું પણ લાઇફમાં મહત્ત્વ છે

12 September, 2019 10:30 AM IST |
ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મહેતા

પરિવાર, કરીઅર અને ફ્રેન્ડ્સઃ ફ્રેન્ડ્સનું પણ લાઇફમાં મહત્ત્વ છે

પરિવાર, કરીઅર અને ફ્રેન્ડ્સઃ ફ્રેન્ડ્સનું પણ લાઇફમાં મહત્ત્વ છે


લાઇફમાં બે જ રિલેશન એવાં છે જેમાં કોઈ કન્ડિશન કામ નથી કરતી. આ બે રિલેશનમાંથી એક રિલેશન માતા-પિતાનું અને એક રિલેશન ફ્રેન્ડશિપનું.

આ બન્ને સંબંધોમાં કોઈ શરત નહીં, કોઈ સ્વાર્થ નહીં અને કોઈ લાભની વાત પણ નહીં. માબાપ જે રીતે તમે જેવા હો એવા સ્વીકારે એવી જ રીતે તમારા ફ્રેન્ડ્સ પણ એ જ કરે. તમે જેવા હો, તમારા વીક પૉઇન્ટ, તમારા નેગેટિવ પૉઇન્ટ સાથે જ તમને સ્વીકારી લે અને એ પણ કોઈ પણ પ્રકારના એક્સપેક્ટેશન વગર જ. આ ખૂબ જ અઘરું છે. આજે રિલેશનશિપમાં હસબન્ડ વાઇફને અને વાઇફ હસબન્ડને પોતાની અનુકૂળતા મુજબ ચેન્જ કરવાની ટ્રાય કરે જ છે ત્યારે કેવી રીતે બીજા આ કામ ન કરે, પણ જે રિયલમાં ફ્રેન્ડ છે એ ક્યારેય આ કામ નથી કરતા. મને ઘણા કહે છે કે ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ, એમાં કોઈ કૅટેગરી નથી હોતી, પણ હું એવું નથી માનતી. ફ્રેન્ડ્સમાં કૅટેગરી હોય છે અને એ ત્રણ પ્રકારના હોય છે. 



એક તો સ્કૂલ સમયના ફ્રેન્ડ, જે વર્ષો સુધી સાથે રહેતા હોય છે. સ્કૂલના કે પછી સોસાયટીના આ ફ્રેન્ડ્સ તમને નાનપણથી ઓળખતા હોય છે એટલે તેને તમારી એવી વાતો ખબર હોય છે જે તમે પણ નથી જાણતા અને કાં તો તમે ભૂલી ગયા હો છો. તેની વાતો સાંભળો ત્યારે તમને પોતાને પણ ઘણી વાર અચરજ થાય કે અચ્છા, આવું હતું; પણ એ ફ્રેન્ડ્સને મળવાની અને તેની પાસેથી એ જૂની વાતો સાંભળવાની મજા જુદી હોય છે. તમે નાના હતા ત્યારે કેવા તોફાની હતા એ વાત તમને યાદ પણ ન હોય, તમે કોઈની બારીનો કાચ ફોડ્યો હોય એ પણ તેને યાદ હોય અને તમે ક્યારે તેની પાસે રડ્યા હતા એ પણ તેને યાદ હોય. મારી લાઇફમાં આવા ફ્રેન્ડ્સ નથી. સોસાયટીમાં રમવા જવું એ મારો શોખ નહોતો અને સ્કૂલમાં હું ભણેશરી એટલે એ રીતે બહુ રમવા કે રખડવા જવું નહીં, જેને લીધે સરખા શોખ ધરાવતા કે પછી સરખી મજા લઈ શકાય એવા મિત્રો એ સમયે મળ્યા જ નહીં.


બીજા નંબરે આવે છે કૉલેજ-ફ્રેન્ડ્સ. આ ફ્રેન્ડ્સ તમારાં ઘણાં સસ્પેન્સ જાણતાં હોય છે. કેટલીક વખત તો એવું પણ બને કે આવા ફ્રેન્ડ્સ વર્ષો પછી મળે ત્યારે મનમાં આછોસરખો ડર રહે કે ક્યાંક તે અચાનક પેલા ભૂતકાળનો બફાટ ન કરી બેસે. એવું બનતું નથી એટલે એ રીતે પ્રશ્ન નથી ઊભો થતો, પણ જ્યાં સુધી તમે તેની પાસે ઊભા હો ત્યાં સુધી તમને ઉચાટ રહ્યા કરે એવું બની શકે ખરું. મારી લાઇફમાં તો આવા ફ્રેન્ડ્સ પણ ઓછા આવ્યા છે, કારણ કે કૉલેજના સમયમાં જ મૅરેજ કરી લીધાં અને સાસરે ગઈ એટલે એ રીતે બહુ ફ્રેન્ડ્સ બન્યા નહીં. તમને નવાઈ લાગશે, પણ વહેલાં મૅરેજ કરી લીધાં એટલે મારા હસબન્ડ દર્શન જરીવાલાના મોટા ભાગના ફ્રેન્ડ્સને હું મારા ફ્રેન્ડ માનવા લાગી અને તેઓ હતા પણ એવા જ કે મને મારા પોતાના ફ્રેન્ડ્સ જ લાગે. તેઓ બની પણ ગયા મારા ફ્રેન્ડ્સ, પણ મૂળ તો દર્શનના ફ્રેન્ડ એટલે એ રીતે મોટા ભાગના મેલ-ફ્રેન્ડ્સ જ બન્યા. મને પાક્કું યાદ છે કે મારી લાઇફમાં મારી ફ્રેન્ડ કહેવાય, મારી કમાયેલી ફ્રેન્ડશિપ જો કોઈ હોય તો એ છેક ૧૯૯૭માં મને મળી.


આ ફ્રેન્ડશિપની ત્રીજી કૅટેગરી છે. પ્રોફેશનલ ફ્રેન્ડશિપ, જેમાં પ્રોફેશનલિઝમ જેવું કંઈ હોતું જ નથી, પણ એ તમને તમારી ઑફિસ કે કામની જગ્યાએ તમારા કૉન્ટૅક્ટમાં આવ્યા છે એટલે આવી દોસ્તી. આ દોસ્તીમાં ઉંમર પણ એટલું જ મહત્ત્વનું કામ કરે છે. પ્રોફેશનની જગ્યાએ મળનારાઓ પરણ્યા હોય એવું પણ ઘણી વાર બનતું જોયું છે તો ખૂબ જ સારી અને હેલ્ધી રિલેશન સાથે આખી લાઇફ ફ્રેન્ડશિપ અકબંધ રહી હોય એવું પણ ઘણી વાર જોવા મળે છે. મારી દૃષ્ટિએ ઑફિસ કે પછી વર્કિંગ પ્લેસ પર થયેલી દોસ્તી જેમ જૂની થાય એમ એનો નશો આવવાનું શરૂ થાય. મારી કમાયેલી પહેલી દોસ્તી એ હકીકતમાં તો મને એક સિરિયલના સેટ પર થઈ હતી.

‘સપનાનાં વાવેતર’ નામની એક સિરિયલ. ખૂબ જ હિટ થયા પછી તો આ જ સિરિયલ સોની ટીવી પર ‘એક મહેલ હો સપનોં કા’ના નામે હિન્દીમાં પણ આવી. આ સિરિયલના સેટ પર મારી પહેલી ફ્રેન્ડ થઈ વંદના પાઠક. વંદનાને હું પ્રેમથી વંદન કહું છું. અત્યંત ડાહી, સરળ અને નિખાલસ સ્વભાવ. કો-ઇન્સિડન્ટ એવો કે અમારાં બન્નેનાં કૅરૅક્ટર પણ એવાં કે સિરિયલમાં અમારે બન્નેએ એકમેક સાથે સીન કરવાના પણ વધુ આવે, જેને લીધે અમારું બૉન્ડિંગ પણ વધ્યું અને બૉન્ડિંગ વધ્યું એટલે અમારી નિકટતા પણ વધી. આ સિરિયલ પૂરી થયાને ઓછામાં ઓછાં ૨૦ વર્ષ થઈ ગયાં પણ એમ છતાં અમારા બન્નેની દોસ્તી આજે પણ એટલી જ અકબંધ છે. અરે, તમે માનશો નહીં, પણ અમને બન્નેને જો એકબીજાની ગેરહાજરીમાં એકબીજાનાં નામ યાદ આવે તો પણ તરત જ અમારા ચહેરા પર સ્માઇલ આવી જાય. હું તો હકથી અને વટથી બધા વચ્ચે કહેતી ફરતી હોઉં છું કે વંદન મારી પહેલી જાતમહેનતે કમાયેલી ફ્રેન્ડ છે.
મિત્રો હોવા જોઈએ. જો એ હોય તો જ તમારો વૈચારિક ગ્રોથ થાય છે એવું મને લાગ્યું છે. તમારો સ્વભાવ સરખો ન હોય અને તમે બન્ને એકબીજાથી ભિન્ન વિચારધારા ધરાવતા હો તો પણ તમે ખૂબ જ સારા મિત્ર હોઈ શકો છો અને એવું બનતું જ હોય છે. વંદના સિવાય મને ફ્રેન્ડ્સનો એક મોટો ફાલ જો ક્યાંકથી મળ્યો હોય તો એ છે સ્ટાર પ્લસની લૅન્ડમાર્ક સિરિયલ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’ના સેટ પર.

સાચા સમયે સાચી વ્યક્તિ તમને સાચી જગ્યાએથી મળતી જ હોય છે. આ વાતમાં હું દૃઢતાપૂર્વક માનું છું અને એની પાછળનું કારણ આ સિરિયલ અને એના સેટ પર મળેલા સંબંધો પણ છે જ. આ સિરિયલની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ કે લગભગ તમામ આર્ટિસ્ટ આ સિરિયલમાં એકબીજાને પહેલી વાર મળતા હતા. હું સ્ટેજ કરતી એટલે રાઇટરોને ઓળખતી, પણ એની સાથે તો અમારે કામ કરવાનું ન હોય અને બાકીના ૯૯ ટકા આર્ટિસ્ટ તો નૉન-ગુજરાતી એટલે એ તો તેમને પણ ન ઓળખે. હવે સિરિયલો લાંબી થઈ ગઈ છે પણ એ સમયે સિરિયલનું આયુષ્ય ક્યારેય કોઈ વિચારી નહોતું શકતું. સિરિયલ આવે, થોડા મહિના ચાલે અને પછી એને બંધ કરી દેવામાં આવે, પણ આ સિરિયલ એકધારી ૭ વર્ષ ચાલી અને અમારા સંબંધો પણ ૭ વર્ષ સુધી એકધારા રહ્યા. બધાનાં બૅકગ્રાઉન્ડ જુદાં-જુદાં. હું ગુજરાતી થિયેટરમાંથી તો કોમાલિકા મૉડલ હતી. સ્મૃતિ ત્યારે મિસ ઇન્ડિયા સુધી પહોંચી હતી તો પ્રાચી કથ્થકમાં વિશારદ કરીને સ્ટેજ પર્ફોર્મન્સ આપતી હતી.

આ પણ વાંચો: તમે કઈ વાતનો રીવેન્જ બાળકો સામે લો છો?

દેશના ખૂણેખૂણેથી અમે બધા એકતા કપૂરના સેટ પર ભેગા થતા હતા. આમ પણ એવું કહેવાય છે કે ચાર ચોટલા એક ઓટલા પર ભેગા થાય તો દલીલ-અપીલ થયા વિના રહે નહીં. જરા વિચારો કે અહીં તો ૪૦ ચોટલા ભેગા થયા હતા અને એ પણ બધા એકબીજાથી ચડિયાતા એજ્યુકેશન સાથેના અને એ પછી પણ અમારા સંબંધો જોતાં કોઈ કહી શકે નહીં કે અમે અગાઉ એકબીજાને ઓળખતા નહોતા. એકતા હંમેશાં કહેતી કે તમારી વચ્ચે ફાટફૂટ પાડવાનું કામ અશક્ય છે અને એ સાચું જ હતું. બધા એકબીજાનું સાચવે અને બધા એકબીજાની અગવડને પહેલાં દૂર કરવાની કોશિશ કરે. શરૂઆતમાં અમને બધાને એવું લાગતું કે અમે બધા મૅરેજ ફંક્શનમાં મળ્યા છીએ, પણ પછી એવું લાગવા માંડ્યું કે ના, આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. ફ્રેન્ડશિપ તમને ફૅમિલીની કમી પણ ન અનુભવવા દે. આ વાતનો અનુભવ અમે સૌ ત્યારે કરતા અને એ ફ્રેન્ડશિપને અમે આજે પણ મિસ કરીએ છીએ.

હું તમામેતમામ મહિલાઓને કહેવા માગું છું કે બાળકો, હસબન્ડ અને ફૅમિલી વચ્ચે બિઝી રહેવામાંથી થોડો સમય કાઢીને પણ તમે તમારી ફ્રેન્ડશિપને સમય આપો. એ ખૂબ જ જરૂરી છે. એ ફ્રેન્ડશિપ તમને થાક નહીં લાગવા દે, એ તમને ફસ્ટ્રેટ નહીં થવા દે. એ ફ્રેન્ડશિપ તમને તાજગી આપશે અને એ ફ્રેન્ડશિપ તમારા મનમાં ભરાઈ રહેલા ખટરાગને કાઢવાનું કામ કરશે. પ્લીઝ, કરો. તમારું ગ્રુપ બનાવો, સોશ્યલ ગ્રુપ કે કિટી પાર્ટીની હું વાત નથી કરતી. હું પ્યૉર દોસ્તી અને રિલેશનની વાત કરું છું. ફ્રેન્ડ હોવા જોઈએ. લોકો ફ્રેન્ડને અનેક જાતની ઉપમા આપે છે, પણ હું કહીશ કે ફ્રેન્ડ એ કરોડરજ્જુનું કામ કરે છે. તે તમને તૂટતાં અટકાવે છે, રોકે છે.

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 10:30 AM IST | | ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK