Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > 1920, ઑપેરા હાઉસ અને ગૌહરઃકોઈ લૌટા દે મુઝે, બીતે હુએ દિન

1920, ઑપેરા હાઉસ અને ગૌહરઃકોઈ લૌટા દે મુઝે, બીતે હુએ દિન

19 September, 2019 03:11 PM IST |
ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ – અપરા મહેતા

1920, ઑપેરા હાઉસ અને ગૌહરઃકોઈ લૌટા દે મુઝે, બીતે હુએ દિન

‘ગૌહર’

‘ગૌહર’


મુંબઈમાં ઘણાં હેરિટેજ બિલ્ડિંગ્સ છે, જેને આજે પણ સાચવી રાખવામાં આવ્યાં છે અને એ સચવાયેલાં બિલ્ડિંગ કાયમ અકબંધ રહે એવું તમામ મુંબઈકર ઇચ્છે છે, કારણ કે નવા મુંબઈ સાથે આ હેરિટેજ બિલ્ડિંગ્સ મુંબઈની શાન વધારે છે.

મુંબઈનાં અનેક હેરિટેજ બિલ્ડિંગ મને ગમે છે. મને ગમતાં એ હેરિટેજ બિલ્ડિંગ પૈકીનું એક બિલ્ડિંગ એટલે ધી રૉયલ ઑપેરા હાઉસ. હમણાં એક સન્ડે મને નિરાંતનો મળ્યો ત્યારે હું એક સરસ બાયોગ્રાફિકલ ડ્રામા ‘ગૌહર’ જોવા ગઈ હતી. ખાસ તો મારે રિનોવેટેડ અને રીસ્ટોર થયેલું આ નવું ઑપેરા હાઉસ જોવું હતું. મારી આ જે ઇન્તજારી હતી, તાલાવેલી હતી એ સાચે જ ફળીભૂત થઈ અને હું એ જોઈને એટલીબધી ખુશ થઈ કે એને શબ્દોમાં વર્ણવવાનું કામ અઘરું થઈ જવાનું છે. ઑપેરા હાઉસ જોયા પછી હું જાણે બ્રિટિશકાળમાં પહોંચી ગઈ હોય એવો મને અનુભવ થયો હતો. ઑપેરા હાઉસ પહેલાં જ્યારે થિયેટર હતું અને એમાં ફિલ્મો દેખાડવામાં આવતી ત્યારે મેં ત્યાં ફિલ્મ જોઈ છે, પણ મૂળભૂત રીતે આ ઑડિટોરિયમ ડ્રામા ઍક્ટિવિટી અને ઑપેરા માટે જ બ્રિટિશરોએ બનાવ્યું હતું. થિયેટરમાં ઑપેરા હાઉસની હિસ્ટરી વિશે લખ્યું છે એ પણ વાંચીએ તો સમજાય કે આ થિયેટર એ માત્ર એક થિયેટર નહીં, પણ ઇતિહાસનું જીવતુંજાગતું ચૅપ્ટર છે. નાટક જોયા પછી મેં તો ખાસ સમય કાઢીને અંદર રાખવામાં આવેલી આખી હિસ્ટરી વાંચી અને એ વાંચીને હું સાચે જ ગદ્ગદ થઈ ગઈ હતી.



ધી રૉયલ ઑપેરા હાઉસ બનાવવાનું કામ ૧૯૧૦માં શરૂ થયું, જે સતત ૬ વર્ષ ચાલ્યું અને ‍૧૯‍૧૬માં તૈયાર થયું. આ ૬ વર્ષ બનતાં લાગવા પાછળનું કારણ એનું બાંધકામ હતું. ધી રૉયલ ઓપેરા હાઉસ બનાવતાં પહેલાં દુનિયાનાં અઢળક ઑડિટોરિયમનો સ્ટડી કરવામાં આવ્યો હતો. બ્રિટિશ સલ્તનતની એ ખાસિયત રહી છે કે એ કોઈ પણ કામ કરે એ અવ્વલ દરજ્જાનું જ કરે. એનાં અનેક જીવતાંજાગતાં ઉદાહરણો આજે પણ દેશમાં મોજૂદ છે. ધી રૉયલ ઑપેરા હાઉસ બન્યા પછી એનું મુહૂર્ત કરવામાં ૬ મહિના લાગ્યા હતા. એનું કારણ એ હતું કે એ ઑપેરા હાઉસમાં શોભે એવો કોઈ લાઇવ શો ત્યારે ચાલતો નહોતો અને વાઇસરૉયની ઇચ્છા નહોતી કે આ થિયેટર કોઈ ફાલતુ કાર્યક્રમ દ્વારા ખુલ્લું મૂકવામાં આવે.


મારું માનવું છે કે દરેકેદરેક મુંબઈકરે એક વખત આ રીઓપન કરવામાં આવેલું ઑપેરા હાઉસ જોવું જ જોઈએ. અત્યારે ઑપેરા હાઉસમાં મોટા ભાગે અંગ્રેજી અને હિન્દી નાટકો જ ભજવાય છે, જેનું કારણ એનું રેન્ટ છે. ભાડું બહુ વધારે હોવાથી ઑપેરા હાઉસ ગુજરાતી કે મરાઠી નાટકોને પોસાય નહીં એટલે ત્યાં આપણાં નાટકના શો થાય એની શક્યતા ઓછી છે. જોકે મેં એક વાત એ પણ નોટિસ કરી કે ‘ગૌહર’ની ટિકિટ ૨૫૦૦ રૂપિયા રાખવામાં આવી હતી અને એ ટિકિટ ખરીદનારા મોટા ભાગના બધા ગુજરાતીઓ જ હતા. ઑપેરા હાઉસમાં અગાઉ મોટિવેશનલ શો થયા છે, પણ એ શોની અને નાટકની સરખામણી ન થઈ શકે. ઑપેરા હાઉસમાં ગુજરાતીઓને જોઈને એક સેકન્ડ માટે તો થયું પણ ખરું કે લાર્જર ધેન લાઇફ કહેવાય એવું ગુજરાતી નાટક બને અને એનો જો શો ઑપેરા હાઉસમાં થાય તો એ જોવા માટે મોંઘી ટિકિટ ખરીદીને ગુજરાતીઓ આવે જ આવે.

‘ગૌહર’ વિશે પણ મને થોડી વાત કરવી છે.


સાયલન્ટ ફિલ્મો શરૂ થઈ એ પહેલાંનો એક આખો યુગ હતો અને એ યુગમાં ગૌહરનો જન્મ થયો હતો. અમેરિકન પિતાની એ દીકરી અને તેના આ ગોરા પિતાએ ગૌહરની માને છોડી દીધી એટલે માએ એક મુસ્લિમ સાથે લગ્ન કરી ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો. આ એ જમાનાની વાત છે જે સમયે નાચનારીને ત્યાં જવું, તવાયફના કોઠે જવું એ પાપ ગણાતું. એવા લોકોને સમાજ પાપી તરીકે જોતો એટલે નૅચરલી તવાયફને તો કેવી નીચી નજરે લોકો જુએ. ‘ગૌહર’ આ ગૌહરની વાત કહે છે. લગભગ આખું નાટક મોન્ટેજિસમાં બનાવવામાં આવ્યું છે. યુવાન ગૌહરનું કૅરૅક્ટર રાજેશ્રી સચદેએ કર્યું છે અને આધેડ ગૌહરનું કૅરૅક્ટર ઝીલા ખાને કર્યું છે. વાર્તા એક તવાયફની હોવાને કારણે ગીતો ખૂબ જરૂરી છે અને નાટકમાં એ છે. મ્યુઝિક-ટ્રૅક પણ યુઝ કરવામાં આવ્યા છે અને લાઇવ સિન્ગિંગ પણ છે. યંગ અને આધેડ ગૌહરના કૅરૅક્ટરને બન્ને ઍક્ટ્રેસે ખૂબ સરસ રીતે ભજવ્યાં છે અને સાથોસાથ એ પણ એટલું જ નોંધનીય છે કે બન્નેનું સિન્ગિંગ પણ ખૂબ સરસ છે. ઝીલા અને રાજશ્રી બન્ને ક્લાસિકલ વોકલ શીખેલાં છે, જેનો લાભ નાટકને ભરપૂર થયો છે. મારું માનવું છે કે બને કે કદાચ ઑડિશન સમયે આ વાતને ધ્યાનમાં રાખીને જ એ બન્ને ઍક્ટ્રેસને કાસ્ટ કરવામાં આવી હોય. ગુજરાતી થિયેટરમાં પણ એવું બનતું હોય છે. પહેલાંના સમયમાં ડાન્સિંગને લગતાં નાટકો આવતાં તો એમાં હીરો કે હિરોઇનને ડાન્સ આવડતો હોય એ જરૂરી રહેતું અને એટલે એવી જ હિરોઇન કાસ્ટ કરવામાં આવતી જેને કથ્થક કે ભરતનાટ્યમ જેવા ડાન્સ આવડતા હોય.

‘ગૌહર’ જોવાની મને જેટલી મજા આવી એટલી જ અને કદાચ એનાથી પણ વધારે મજા મને એ વાતમાં આવી કે બ્રિટિશરોના સમયમાં બનેલા ઑપેરા હાઉસમાં બેસીને મને વીસમી સદીના વિષયનું નાટક જોવા મળતું હતું. એવું લાગતું હતું જાણે હું ટાઇમ મશીનમાં બેસીને ભૂતકાળમાં આવી ગઈ છું અને નાટક પત્યા પછી બહાર નીકળીશ તો મને હમણાં ઘોડાગાડી લેવા આવશે અને જૂના જમાનામાં હતી એવી મોટરકારનો કાફલો આંખ સામે આવી જશે. સાચે જ આ મારી અનુભૂતિ હતી. નાટકની અસર ગણો તો એ અને ઑપેરા હાઉસની અસર ગણો તો એ પણ હું બિલકુલ ઇતિહાસમાં ચાલી ગઈ હતી. મારા પરની આ અસર છેક ત્યાં સુધી રહી જ્યાં સુધી હું મારા ઘરે ન પહોંચી. મને આજુબાજુમાં દેખાતી મૉડર્ન અને આપણી ફૅન્સી કાર પણ વર્તમાનમાં લાવવાનું કામ નહોતી કરી શકી.

હું તમને સૌને એક વિનંતી કરવા માગું છું કે એક વખત, માત્ર એક વખત ઑપેરા હાઉસમાં કોઈ પ્રોગ્રામ જોવા માટે ખાસ જજો. પ્રોગ્રામ નહીં ગમે તો ચાલશે, પણ ઑપેરા હાઉસ તમને ગમશે જ ગમશે, એટલે ઑપેરા હાઉસ માટે ખાસ જજો. આપણે કોઈ બ્રિટિશકાળમાં જન્મ્યા નથી અને એ પછી પણ જ્યારે આજે બ્રિટિશ આર્કિટેક્ચર જોઈએ છીએ ત્યારે એની આભા આપણા પર અસર છોડ્યા વિના જતી નથી. આ એ સલ્તનતની કમાલ છે અને આ એ સલ્તનતની આપણને સૌને ભેટ છે. હું તો તમને સૌને કહીશ કે ઑપેરા હાઉસ જવા મળે ત્યારે થોડા વહેલા જજો અને ત્યાં દર્શાવવામાં આવી છે એ આખી હિસ્ટરી વાંચજો. ખૂબબધા ફોટો પણ પાડજો અને એ બધા ફ્રેન્ડ્સને શૅર પણ કરજો.

આ પણ વાંચો: ગાળોની ભરમાર અને ડિજિટલ વર્લ્ડ : કોઈ કહેશે ખરું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ?

મેં લંડન જોયું છે એટલે હું કહી શકું કે સાઉથ મુંબઈ તો ઑલમોસ્ટ લંડન જેવું જ છે. વેધર આપણી અને લંડનની જુદી છે, પણ બાંધકામની દૃષ્ટિએ સાઉથ મુંબઈ અને લંડન ઘણું સરખું છે. ખાસ કરીને ઑપેરા હાઉસથી શરૂ થતા એરિયાથી લઈને તાજ અને ગેટવે ઑફ ઇન્ડિયા સુધીનો વિસ્તાર. આપણે આ વિસ્તારને ક્યારેય એ નજરથી જોયો નથી અને એનું કારણ પણ છે, કારણ એ જ કે આપણે માટે આ શહેર આપણું ઘર છે, આપણને બધું રોજિંદું લાગે છે, પણ જો તમે એક વખત લંડન જોઈ આવો, ત્યાં રહી આવો તો તમે પણ સ્વીકારશો કે સાઉથ મુંબઈ હજી પણ એવું જ રહ્યું છે. જો કૉર્પોરેશન અમુક પ્રકારના નિયમો આ વિસ્તારમાં વધારી દે તો ચોક્કસ સાઉથ મુંબઈની વૅલ્યુ આજે છે એના કરતાં ચારગણી વધી જાય અને પછી આ વિસ્તારને માત્ર લંડનની આબોહવા જ ઘટે.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2019 03:11 PM IST | | ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ – અપરા મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK