આના કરતાં તો વર્કિંગ ડે સારા

Published: Jul 11, 2019, 10:32 IST | અપરા મહેતા - ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ | મુંબઈ ડેસ્ક

રજાની ખૂબ રાહ જોતી હોઉં, રજામાં પૂરાં કરવાનાં કામની યાદી પણ બનાવી લઉં, એ પછી પણ એ કામ પૂરાં ન થાય ત્યારે ખરેખર આ એક જ વિચાર આવે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

હમણાં મને ચાર-પાંચ દિવસની રજા અનાયાસ જ મળી ગઈ. સામાન્ય રીતે હું આવી રજાઓ મળે એની રાહ જોતી હોઉં છું. કામના દિવસોમાં મેં ઘરથી માંડીને બહારનાં પણ પર્સનલ કહેવાય એવાં કામનું લિસ્ટ બનાવી જ લીધું હોય અને એ લિસ્ટ પણ ધીમે-ધીમે એવું લાંબું થઈ ગયું હોય કે આપણે એની લંબાઈની કલ્પના પણ ન કરી હોય. એ લિસ્ટ જોતી વખતે મને એવો પણ વિચાર આવે કે એમાંથી અમુક કામ તો હું વર્કિંગ ડે દરમ્યાન પણ કરી જ શકતી હતી, પણ ઠીક છે, એવો અફસોસ થતો રહે એનું નામ જ જિંદગી એટલે આપણે અત્યારે એ અફસોસની વાત નથી કરવી. મારે વાત કરવી છે બીજા પ્રકારના અફસોસની અને એ અફસોસ પાછળ રહેલા ગ્રહોની.

મેં જ્યારે પણ નક્કી કર્યું હોય કે મારે આ દિવસે અગાઉથી નક્કી કરેલાં આ બધાં કામ કરવાં છે ત્યારે કોઈ ને કોઈ અણધાર્યું કામ એવું આવે જે મને કોઈ હિસાબે નક્કી કરેલાં કામો કરવા ન દે. આને તમારે જે ગણવું હોય એ ગણજો. નિયતિ ગણો તો પણ વાંધો નહીં અને મારા ગ્રહોની દશા સમજો તો પણ વાંધો નહીં, પણ આવું બને જ બને. કામ જ નહીં, મેં કોઈ પણ પ્રોગ્રામ બનાવ્યો હોય તો એ પણ છેલ્લી ઘડીએ ચોપટ થઈ જાય અને કાં તો સાવ અવળો પ્રોગ્રામ બની જાય. ફિલ્મ જોવા જવાનું કે નાટક જોવા જવાનું નક્કી કર્યું હોય ત્યારે બધું સવારથી સરખું ચાલે, પણ છેલ્લી ઘડીએ એવી અવસ્થા આવી જાય કે મારું બધું એક બાજુએ રહી જાય અને સાવ નવાં અને અણધાર્યાં કામ વચ્ચે આવવા માંડે અને જવાબદારી એવી છે કે ક્યારેક જાતને એન્ટરટેઇન કરવાનું પણ ભારે પડી જાય.

હવે વાત પર આવીએ મારી રજાઓની. મારો પહેલો દિવસ તો સાવ મારા જ કામમાં પસાર થયો. આપણે ત્યાં દરેક ચૅનલ અને પ્રોડક્શન-હાઉસના ઇન્વૉઇસની પ્રોસેસ જુદી-જુદી હોય છે એટલે એ લોકોને પોતપોતાની રીતે એ બધું જોઈતું હોય છે. પહેલો દિવસ ચૅનલ સાથે અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે ફોન પર બધું કો-ઑર્ડિનેટ કરવામાં જ ગયો. આ બધું પતાવતા સુધીમાં તો એવી થાકી ગઈ, કંટાળી ગઈ કે આ પહેલા દિવસે જે કોઈ કામ કરવાનું નક્કી કર્યું હતું એ બધાં કામ સાઇડ પર જ મુકાઈ ગયાં અને બધું મેં પણ પડતું મૂકી દીધું. જે વિચાર્યું હતું, જે મનમાં ભાવના હતી એ બધી નવેસરથી જાગે એ પહેલાં તો અમારા બીજા ફ્લૅટની સોસાયટીના સેક્રેટરીનો ફોન આવ્યો કે તમારા ફ્લૅટની બાલ્કનીની ગ્રિલ પરનું છાપરું લૂઝ થઈ ગયું છે અને સતત હલે છે. જો વધારે પવન આવશે તો પડશે, જલદી કરાવો, નહીં તો માણસને લાગશે અને વાત વધી જશે. બધું મૂક પડતું અને તરત જ ગ્રિલ વેલ્ડિંગ કરવાવાળાને બોલાવવો પડ્યો, પણ વરસાદ શરૂ થઈ ગયો એટલે વેલ્ડિંગનું કામ થયું નહીં. પરિણામ, એ જ ઠેરના ઠેર. કોઈ વાર એસીનું રિમોટ ખરાબ થઈ જાય તો કોઈ વાર પેસ્ટ કન્ટ્રોલ કરવાનું હોય, કોઈ વાર અચાનક કોઈ બીમાર પડી જાય અને કાં તો કોઈ વાર અણધાર્યા મહેમાન આવી જાય.

મને ખાતરી છે કે આવું બધાને થતું હશે અને ક્યારેક ચાલતા સંસાર પર લાઇફના પ્રશ્નો લાઇફ પર હાવી થઈ ગયા હોય એવું લાગે. મને એ પણ ખાતરી છે કે ઘણા લોકો મારી જેમ ક્યારેક આ બધામાં અચાનક જ એકલા પણ થઈ જતા હશે, કારણ કે આ દુનિયાનો નિયમ છે. જે જવાબદારી લે તેના પર જ બધું આવે અને જેને જવાબદારી લેવી નથી તેની સાથે દુનિયાને કોઈ નિસબત નથી હોતી, પણ એ પણ એટલું જ સાચું છે કે જીવનમાં જવાબદારી લેવામાં જે મજા છે એ ખંખેરીને આગળ નીકળી જવામાં જરા પણ નથી. જો તમે એવું ઇચ્છતા હો કે તમારું પરિવારમાં મૂલ્ય અકબંધ રહે તો તમારે જવાબદારી સ્વીકારવી પડે. જશ મળે કે નહીં, સારી વાતો થાય કે નહીં, દરેક સ્ત્રીની આ જવાબદારી છે. જો ફૅમિલીને આપણું માનતા હો તો તમારે કોઈ જાતના ખચકાટ વિના આ બધું કરતા રહેવાનું અને કરીને ખુશ થવાનું. આપણી ભારતીય સ્ત્રીની આ જ પરંપરા રહી છે અને આ પરંપરા પેપ્સિકોનાં ઇન્દિરા નૂઈ પણ નિભાવતાં, મારે પણ નિભાવવાની છે અને તમારે પણ નિભાવવાની છે.

હસતા મોઢે. કોઈ જાતની ફરિયાદ વિના અને કોઈ જાતની કચકચ વિના. જે છે એ તમારા છે અને તમે તમારા લોકો માટે કરો છો એવું સતત માનતા રહેવાનું અને કરતા રહેવાનું.

*****

અત્યારે વર્લ્ડ કપ ચાલે છે. આ આર્ટિકલ લખું છું ત્યારે ન્યુ ઝીલૅન્ડ અને ઇન્ડિયાની મૅચ ચાલી રહી છે. સેમી ફાઇનલ છે અને મારા ઘરે ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. સેમી ફાઇનલ સુધી આપણે પહોંચ્યા એટલે નહીં, પણ ક્રિકેટ મૅચ હોય, ઇન્ડિયા રમતું હોય એટલે મારા ઘરમાં આ જ વાતાવરણ હોય. મને, મારા ૮૭ વર્ષનાં મમ્મીને અને મારી દીકરી ખુશાલીને ક્રિકેટનો જબરો શોખ છે. મારાં મમ્મી તો એટલાં ક્રિકેટ-ક્રેઝી છે કે આપણી મૅચ શરૂ થાય એ પહેલાં તે હનુમાન ચાલીસાના પાઠ કરે. એમાં પણ જો મૅચ ઇન્ડિયા-પાકિસ્તાનની હોય તો મારાં મમ્મી મંદિરમાં અખંડ દીવો પણ કરે. તમને હસવું આવશે, પણ એ સાચું છે કે ઇન્ડિયા-પાકિસ્તાનની મૅચ હોય એ દિવસે જ્યાં સુધી મૅચ પૂરી ન થાય ત્યાં સુધી મમ્મી કંઈ ખાતાં નથી. પાકિસ્તાન સામે જીતીએ એટલે જાણે કે દુનિયા જીતી ગયા હોઈએ એવો આનંદ તેમને થાય. તમને પહેલાંની થોડી વાત કરું. સુનીલ ગાવસકરની સેન્ચુરી થાય એ માટે મારાં મમ્મીએ ઉપવાસ કર્યા છે અને એકધારો અંખડ દીવો કર્યો છે. સચિન પછી કપિલ દેવ તેમનો ફેવરિટ થયો એટલે કપિલ માટે ઉપવાસ-એક્ટાણાં કરે અને એ પછી સચિન તેમનો ભગવાન બની ગયો. તમે કલ્પના કરશો, મારી મમ્મીને આ ઉંમરે પણ સચિને કરેલા બધા રેકૉર્ડ મોઢે છે. સચિનની ૧૦૦મી સેન્ચુરીને વાર લાગી ત્યારે તો મારાં મમ્મીએ કેટલીયે માનતા રાખી હતી અને અઢળક જ્યોતિષીઓને પૂછ્યું હતું કે સચિનની ૧૦૦મી સેન્ચુરી ક્યારે થશે?

મમ્મીને લીધે જ મને અને ખુશાલીને ક્રિકેટનો પ્રેમ લાગ્યો છે. મારાં મમ્મી વિશે આવી બધી વાતો સાંભળીને ઘણાને ખૂબ નવાઈ લાગે છે, પણ હકીકત એ જ છે કે તેઓ બહુ જુદા પ્રકારનાં છે. બ્રિટિશ ઇંગ્લિશ કડકડાટ બોલે છે અને હાઇલાઇટ તો એ છે કે તેમણે ૮૦ વર્ષની ઉંમરે કમ્પ્યુટર પણ શીખી લીધું છે. અત્યારે તેઓ ફૅન્સી સ્માર્ટફોન અને ટૅબ યુઝ કરે છે અને જગતઆખાની ખબર રાખે છે. જિંદગી પર્ફેક્ટ ટાઇમ-ટેબલ મુજબ જીવે છે. સ્વભાવે ખૂબ સ્ટ્રિક્ટ છે અને હજી મને પણ ક્યારેક વઢી નાખે છે. તેમની એક વાત અદ્ભુત છે અને એ છે તેમની સેન્સ ઑફ હ્યુમર. મમ્મી હંમેશાં એવું કહે છે કે જેની વાતો સાંભળીને ચહેરા પર સ્માઇલ આવી જાય એવી વ્યક્તિને તમારી આજુબાજુમાં હંમેશાં રાખવી, કારણ કે રડાવનારાઓ અઢળક મળશે, પણ જિંદગીમાં હસાવનારાઓ ભાગ્યે જ મળે છે.

આ પણ વાંચો : સ્વજન, તમે પણ?

મમ્મીને કારણે મારું ઘર અને મારી લાઇફ એકદમ પર્ફેક્ટ છે અને મમ્મી છે એટલે જ હું ૨૪માંથી ૨૦ કલાક કામ કરી શકું છું. તમને એક ખાસ વાત કહું. એક પણ ઇલેક્શન એવું નથી કે મમ્મીએ જેમાં વોટ ન આપ્યો હોય. આજે પણ તેઓ વેટ આપવા માટે સૌથી પહેલાં રેડી હોય છે. અમારે કહેવું પડે કે આપણે કલાક પછી જઈએ, પણ તેઓ આ બાબતમાં પણ વઢી લે. કહી દે કે તમારે માટે પાંચ વર્ષ મળશે, આજે તો આ જ કામ પહેલાં કરવાનું હોય અને આ કામ જે પહેલાં કરે એ જ સાચો ભારતીય કહેવાય. મમ્મીને હમણાં મેં તેમની ઇચ્છા પૂછી ત્યારે તેમણે જે જવાબ આપ્યો એ સાંભળીને તમે પણ દંગ રહી જશો. મમ્મીએ કહ્યુઃ નજીકના ભવિષ્યની વાત કરું તો ૨૦૨૪ના લોકસભાના ઇલેક્શનમાં નરેન્દ્ર મોદીને વોટ આપવાની ઇચ્છા છે.
ધેટ્સ ધ સ્પિરિટી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK