કૉલમ :બનો પુરુષ જેવા, પણ સ્ત્રીત્વ છોડીને શું કામ બનવું છે પુરુષ જેવા?

Updated: Jun 20, 2019, 13:11 IST | ઈમોશન્સનું ઈકૉનૉમિકસ - અપરા મહેતા

આજના મોટા ભાગના ડિવૉર્સમાં કારણો એવાં જાણવા મળે કે તમને પોતાને અંદરથી ધ્રાસકો પડે કે આપણે કઈ દિશામાં આગળ જઈ રહ્યા છીએ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઈમોશન્સનું ઈકૉનૉમિકસ

હમણાં અમારી ટીવી-ઇન્ડસ્ટ્રીના એક યંગ કપલના ડિવૉર્સ થયા. બન્ને જણ આ ડિવૉર્સની પ્રોસેસ દરમ્યાન ખૂબ ગ્રેસફુલ રહ્યાં અને સંબંધોની માનમર્યાદા બન્નેએ ખૂબ સારી રીતે જાળવી, પણ આજકાલ સોશ્યલ મીડિયા એટલું જબરદસ્ત છે કે અમુક વાતો અને પર્સનલ વિચારો બહાર આવ્યા વગર રહેતા નથી. જે સંબંધ ગ્રેસફુલી પૂરા થયા હોય એના પર પણ જાતજાતની ચર્ચા અને વિચારણાઓ દુનિયા શરૂ કરી દે છે. એ ચર્ચાને લીધે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે સારી રીતે છૂટા પડેલા લોકોમાં નવેસરથી વાદવિવાદ શરૂ થાય અને બન્ને એકબીજા સામે કીચડ ફેંકવા પર આવી જાય. છૂટાં પડતી વખતે જે સંબંધોમાં કોઈ કડવાશ નહોતી એ કડવાશ હવે, છૂટાં પડ્યા પછી આવી જાય છે.

તમે બધાએ છૂટાછેડાના કે ખૂબ જ ઓછા સમયમાં છૂટાં પડતા કપલના કિસ્સા જોયા અને સાંભળ્યા હશે. કોઈ પણ સબંધ તૂટે ત્યારે બધાને પીડા અને દુઃખ થાય, પણ જો આવું થતું અટકાવવું હોય તો શું કરવું એનો વિચાર કોઈ કરતું નથી. હવેના સમયમાં તો આ વિચાર કોઈ એકલદોકલે નહીં પણ આખા સમાજે કરવો પડે એવી પરિસ્થિતિ છે. મારી દૃષ્ટિએ આ આપણી ભારતીય સંસ્કૃતિ બહારની પ્રક્રિયા છે. જીવનનાં અમુક વર્ષો બાલ્યાવસ્થાનાં, એ પછી કુમારવસ્થા, એના પછી ગૃહસ્થાશ્રમ અને એ પછી અંતિમ તબક્કામાં વાનપ્રસ્થાશ્રમ. આ વ્યવસ્થા યુગો પહેલાં લખાઈ છે અને યુગોથી આપણે આને ફૉલો કરતા આવ્યા છીએ અને એ સરસ રીતે ચાલે પણ છે, પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં દુનિયા ખૂબ બદલાઈ ગઈ છે.

સાચું કહું તો ટેક્નૉલૉજીને કારણે દુનિયા ખૂબ નાની થઈ ગઈ છે. ખોબામાં ભરાઈ જાય એટલી નાની અને અમેરિકા જાણે પાડોશમાં હોય એટલી નજીક. આ મોટો પ્રોગ્રેસ થયો છે એમ કહીએ તો ખોટું નથી. આપણી ભારતીય પ્રણાલીએ આ પ્રોગ્રેસને ટક્કર આપવાની છે. આપણી પ્રણાલી પથ્થર પર લખાયેલી ભલે હોય પણ યાદ રાખજો, સમય જતાં એ પથ્થર પર અંકાયેલી લકીર પણ આછી થાય છે ખરી. હવે સમય આવી ગયો છે કે આપણે યુગો પહેલાં લખાયેલી એ પ્રણાલીને ફરી એક વાર તપાસીએ. જેમ દેશ આઝાદ થયો અને આપણું સંવિધાન ૧૯૫૦માં લખાયું, પણ વર્ષો વીતતાં અને સામાજિક વિકાસ થતાં એમાં પણ આપણે સુધારા લાવવા પડ્યા એવી જ રીતે. યાદ રાખજો, મકાનનો પાયો ભલે ગમે તેટલો મજબૂત હોય, પણ સમય જતાં એ પાયાને પણ તપાસવો પડે છે.ડિટ્ટો એવું જ બન્યું છે. સમય આવતાં આપણે મૅરેજ ઇન્સ્ટિટ્યુટશનને ફરીથી તપાસી લેવાની જરૂર પડી છે અને એવું કરવામાં કશું ખોટું કે ખરાબ પણ નથી. ઍટ લીસ્ટ આપણા જેવા ભણેલાગણેલા લોકોએ આ કરવું જ જોઈએ.

સમાજ ઘડાતો ગયો અને સ્ત્રીઓને શિક્ષણ આપતો ગયો અને હવે તો લગભગ બધાએ જ માનવું પડે એમ છે કે આજે સ્ત્રીઓ ખૂબ આગળ વધી ગઈ છે અને આ કારણે લગ્નની પ્રથામાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે. પહેલાં પતિ પરમેશ્વર એવું શીખવવામાં આવતું અને હવે મૅરેજની જવાબદારી ઇક્વલ એટલે પચાસ-પચાસ ટકાની થઈ ગઈ છે. પહેલાં એવું હતું કે લગ્ન એટલે કાયમ માટેનું બંધન, પણ હવેના લોકો એવું માનતા નથી. બે મહિના, બે વર્ષ કે પછી બાવીસ વર્ષે પણ ડિવૉર્સ લે છે. પહેલાં એવું હતું કે લગ્ન એટલે બે લોકોનું નહીં પણ બે પરિવારનું એક થવું. પણ હવે તો એવું રહ્યું જ નથી. ન્યુલી મૅરિડ કપલને જૉઇન્ટ ફૅમિલી જોઈતું જ નથી. સ્વતંત્ર રહેવું છે. આના તો અનેક દાખલા છે અને આ દાખલાઓ જ છૂટા પડતા દામ્પત્યજીવનને ઉજાગર કરવા માટે આપણને જાગૃત કરવાનું કામ કરે છે. જે સ્તર પર ડિવૉર્સ થાય છે એ જોઈને જ અરેરાટી થવા માંડે છે. કાયદાની દૃષ્ટિએ પણ હવે ડિવૉર્સ સહેલાઈથી મળી જાય છે એટલે હું તો કહીશ કે આ રીતે કાયદાએ પણ આ સમયને અને આ માનસિકતાને સ્વીકારવાની શરૂ કરી દીધી છે.છૂટા પડવાનાં જે કારણો મને પર્સનલી લાગે છે એ મારે તમને કહેવાં છે.

આજની સ્ત્રી ખૂબ ભણી, કામ કરી પુરુષ સમોવડી થઈ ગઈ અને તેની વિચારધારા બદલાઈ છે. ક્યાંક તે પણ પુરુષની જેમ વિચારતી થઈ છે. પોતાના પ્રોફેશનલ કામમાં કઈ રીતે આગળ વધવું, કેવી રીતે પૈસા વધારે કમાવા, પૈસા કેવી રીતે ઇન્વેસ્ટ કરવા જેવી બાબતોમાં તે સમાનાર્થે ભાગ લે છે અને એવું પણ ઘણી વાર બને છે કે પુરુષ કરતાં તેને આ બાબતમાં વધારે સભાનતા હોય છે. પણ પહેલાંનું વાતાવરણ જુદું હતું. આ અને આ પ્રકારના નિણર્યો પહેલાં માત્ર પુરુષો લેતા, પણ હવે સ્ત્રી પણ એ લેતી થઈ છે. એમાં કંઈ ખોટું નથી અને નથી જ. હું તમને મારો જ દાખલો આપું તો હું પોતે એક હાઈલી પેઇંગ પ્રોફેશનમાં છું અને મારી વિચારધારા પણ એવી જ છે કે જેમાં હું એક પુરુષની જેમ જ વિચારું છું. ફરક માત્ર એટલો છે કે મારા ઘરમાં કઈ-કઈ સામગ્રીની જરૂર છે, ફ્રિજમાં કયાં-કયાં શાક પડ્યાં છે, ફૅમિલી મેમ્બર્સને જોઈતી અને તેમને જરૂરી એવી વસ્તુઓ ઘરમાં છે કે નહીં એની પણ મને પૂરી જાણકારી હોય છે.

જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે રૂઢિઓ અને રીતિરિવાજો પણ બદલાવાં જોઈએ. સૌથી મોટો પ્રૉબ્લેમ એક્સ્પેક્ટેશનનો એટલે કે અપેક્ષાનો હોય છે. આ પ્રૉબ્લેમ એક પક્ષે નથી, બન્ને પક્ષે છે અને સમાન સ્તર પર છે. જો કોઈ છોકરી એમ વિચારે કે તેનો જીવનસાથી તેને તેના પ્રોફેશનમાં મદદ કરે તો પછી એવું ન અેક્સ્પેક્ટ કરવું જોઈએ કે ઘર ચાલવવાની જવાબદારી પુરુષોની પણ સમાન છે. જો કોઈ છોકરો હાઈલી એજયુકેટેડ કે વિચક્ષણ છોકરી સાથે મૅરેજ કરે તો તેણે એવું ન ધારી બેસવું જોઈએ કે તે માત્ર તેનું ઘર જ સંભાળે. મારે અહીં એક વાત કહેવી છે કે કોઈ ભૂલથી પણ એવું ન ધારે કે મુંબઈ જેવા મેટ્રોમાં જ આ પ્રૉબ્લેમ છે. હું એવા અસંખ્ય લોકોને જાણું છુ કે જે નાના સિટીમાંથી મુંબઈ આવ્યા હોય છે અને એ પછી પણ તે લિવ-ઇનમાં રહે છે. તેમની ફૅમિલીને ખબર પણ નથી હોતી. પણ બને છે એવું કે બે-ચાર વર્ષ લિવ-ઇનમાં રહ્યા પછી એ જ કપલ મૅરેજ કરે અને એમાં પણ થોડા મહિના કે એકાદ-બે વર્ષમાં ડિવૉર્સ પણ લઈ લે, કારણ કે લિવ-ઇન અને લગ્નમાં અપેક્ષાનાં ધારાધોરણ બદલાઈ જાય છે અને આ જ કારણ છે કે મોટા ભાગના લિવ-ઇન મૅરેજ સુધી પહોંચતા જ નથી.

આ પણ વાંચો: કૉલમ: કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા

આવા સમયે જો સમાજમાં કોઈ ફર્ક નહીં લાવીએ, વિચારોની ઢબ નહીં બદલીએ તો સમાજનું આખું ટેક્સચર બદલાઈ જશે. લિવ-ઇન કપલ્સ વધતાં જશે અને મૅરેજ ઓછાં થતાં જશે અને એમાં પણ જે થશે એમાં ડિવૉર્સ વધુ થશે અને દિવસે-દિવસે એ આંકડો વધતો જ રહેશે. જો આજે પણ કોઈ એમ માનતું હોય કે બે પરિવાર સામસામે બેસીને કોઈ મૅરિડ કપલના ડિફરન્સિસ દૂર કરી શકે તો એ ભૂલભરેલી માન્યતા છે. કારણ એક જ છે કે બન્ને એ નક્કી કરી લીધું છે. હવે તેમને સોસાયટીની બીક નથી, સોસાયટીની શરમ નથી અને આ બીક કે શરમ જે હોવી જોઈએ એનો લોપ થઈ ગયો છે. મારે કહેવું છે કે પહેલાંના સમયમાં ડર હતો કે દુનિયા શું કહેશે. એવું માનતા કે દુનિયા હસશે. આવી માનસિકતાને આજે ઉતારી પાડવામાં આવે છે, પણ વૅલિડ કારણ વિના જ્યાં પણ ડિવૉર્સ થાય છે ત્યારે મને આ ડર યાદ આવે છે. થાય છે કે આ ડર હજી પણ કાયમ રહે તો સારું છે. ડિવૉર્સ ખરાબ છે એવું કહેવાનો મારો કોઈ હેતુ નથી, પણ ડિવૉર્સ સારા નથી એ તો હું કહીશ જ અને એ પણ કહીશ કે ખાસ કરીને આ ભૂલ છોકરીઓનાં માબાપે ન થવા દેવી જોઈએ. જો દીકરી સારું કમાતી હોય તો એવી દીકરી આર્થિક રીતે ભારરૂપ નહીં બને, પણ સમય જતાં એ દીકરીને એકલું જીવવાનું આવશે ત્યારે તે ક્યાંક ને ક્યાંક તો દુઃખી થવાની જ છે એ પણ ભૂલવું ન જોઈએ. મોટા ભાગના કિસ્સામાં હું એ જોઉં છું કે વિચારભેદ વચ્ચે વ્યક્તિઓ છૂટી પડી જાય છે, પણ જરા વિચાર તો કરો કે બસમાં કે ટ્રેનમાં જતી વખતે પણ આપણે બાજુના પૅસેન્જરને અનુકૂળ થવું પડે છે તો આ તો જિંદગી છે, આમાં પણ એકબીજાને અનુકૂળ નહીં થવાનું, આમાં પણ એકબીજાને પ્રાધાન્ય નહીં આપવાનું? ખોટી વાત છે. આપવું જ પડે અને કરવું જ રહ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK