Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : ગુરુતાગ્રંથિ + લઘુતાગ્રંથિ = ઈગો

કૉલમ : ગુરુતાગ્રંથિ + લઘુતાગ્રંથિ = ઈગો

04 April, 2019 09:49 AM IST |
અપરા મહેતા

કૉલમ : ગુરુતાગ્રંથિ + લઘુતાગ્રંથિ = ઈગો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

આપણે ત્યાં કેટલીક કહેવતો છે, જે આજે મારે તમને યાદ કરાવવી છે.



ખાલી ચણો વાગે ઘણો. અધૂરો ઘડો છલકાય ઘણો. આ કહેવતોનો ભાવાર્થ એવો કંઈક થાય કે અજ્ઞાનતા ભાર સાથે આવે અને એ ભાર જ્ઞાનીઓના મસ્તક પર પણ વજન મૂકવાનું કામ કરી જાય. બહુ લાંબા સમય સુધી હું એવું જ માનતી કે આ બધી માત્ર કહેવતો હોય છે, એના સાર પરથી સમજવાનું હોય, શીખવાનું હોય; પણ વાસ્તવિક જીવનમાં આ કહેવતોનો કોઈ અર્થ નથી. પણ છેલ્લા થોડા મહિનાઓમાં મારે એવા-એવા લોકોને મળવાનું બન્યું છે, એવા લોકો સાથે ઓળખાણ થઈ છે કે આ બધી કહેવતો મને અચાનક જ સાવ સાચી લાગવા માંડી છે. આ જગતમાં એવા માણસો પણ પડ્યા છે કે તેમને મળ્યા પછી આપણને ખરેખર સમજાય નહીં કે તેમને કઈ વાતનો અહંકાર કે ઘમંડ છે. તે પોતાની જાતને કેમ મહાન ગણે છે એ શોધવાનું કામ કરો તો તમારો જન્મારો પૂરો થઈ જાય, પણ તમને તેમની મહાનતાનું કારણ ક્યાંય જાણવા મળે નહીં. આવા લોકો જ્યારે મળે ત્યારે સ્વાભાવિક રીતે ગુસ્સો આવે. પણ એ ગુસ્સો કરવાને બદલે જાત પર ખીજ ઉતારજો, કારણ કે આ પ્રકારના લોકોને ચલાવી લેવાનું કામ તમે જ કરતા હો છો અને એટલે જ તે તમારી આજુબાજુમાં વધારે સમય રહી જાય છે. હું સ્વભાવે પૉઝિટિવ છું એટલે મેં હંમેશા એક નિયમ રાખ્યો છે કે જે કોઈ આ પ્રકારની માનસિકતા સાથેના લોકો મળે તેમની સાથે લાંબી ચર્ચા કર્યા વિના કે પછી તેમની સાથે લાંબી પળોજણમાં પડ્યા વિના સહેલાઈ સાથે અને સરળતા સાથે આગળ નીકળી જવું. એક હકીકત એ પણ છે કે આપણે આ ખાલી ચણા જેવા લોકો સામે બીજું કશું કરી પણ શકતા નથી હોતા એટલે બહેતર છે કે તેમનો હાથ છોડીને આગળ વધી જાઓ અને નવેસરથી તમારા કામમાં વ્યસ્ત થઈ જાઓ.


આ પ્રકારના લોકો તમને પણ મળતા હશે અને એના કડવા અનુભવો તમને પણ થયા હશે એટલે તમે વાતને સહેલાઈથી સમજી પણ શકતા હશો. અફસોસ તો ત્યારે થાય જ્યારે આ પ્રકારના લોકોમાં પોતાના કુટુંબ કે પછી નજીકની જ વ્યક્તિનો સમાવેશ થતો હોય અને એ આપણી નજીકના સ્વજન હોય એટલે આપણે તેમને માફ કરવા પડતા હોય છે. ઘણી વાર તો એવું સમજીને પણ આપણે જવા દેવા પડે કે હશે, તેમનો સ્વભાવ એવો થઈ ગયો છે એટલે આપણે જ સમજી જઈએ. પણ મને લાગે છે કે પરિવારની વ્યક્તિઓ પણ એક હદ સુધી સહ્ય બની જાય. ખાસ કરીને ત્યારે જ્યારે કામ પર આપણને આવી વ્યક્તિ ભટકાઈ જાય અને તેમનો ઈગો આપણે સહન કરવાનો આવે. વર્કપ્લેસ પર આવી વ્યક્તિ ભટકાય ત્યારે ખરેખર ત્રાસી જવાતું હોય છે અને અચાનક જ બધું સ્પષ્ટ થઈ જતું દેખાતું હોય છે. હું તો કહીશ કે આવી વ્યક્તિને મળ્યા પછી મને તો સાચે જ વૈરાગ્યનું મન થઈ આવે છે.

યાદ રાખજો, અહંકારી વ્યક્તિઓ ખરેખર તો આપણા ઉપર જ નભતી હોય છે, પણ આપણને એનો ખ્યાલ બહુ મોડો આવે છે. આવા લોકોનાં લક્ષણ પણ લગભગ એકસરખાં જ હોય છે. આ પ્રકારના લોકો પોતાને એકદમ પર્ફેક્ટ અને બીજા લોકોને એકદમ તુચ્છ માને છે. ‘હું બેસ્ટ’ અને ‘હું ગ્રેટ’ એવું માનીને જીવવું એ તેમનો મૂળ ધર્મ છે. અહીં સુધી મને વાંધો પણ નથી, પણ આવું માનવા અને ધારવા ઉપરાંત તે એવું પણ માને છે કે તેમના સિવાય દુનિયામાં બીજા કોઈનું મૂલ્ય પણ નથી. જીવનમાં એક વાત યાદ રાખવાની છે. આસપાસ રહેલા સામાન્ય લોકોના સપોર્ટને લીધે જ મહાન વ્યક્તિત્વ સર્વાઇવ કરે છે અને જો તેમના આ ઍટિટ્યુડને લોકો સહન કરવાનું બંધ કરી દે તો આવા લોકો સીધા આકાશમાંથી પાતાળમાં આવી જાય અને પછી તેમનું અસ્તિત્વ પણ અકબંધ ન રહે. હું તમને સૌને કહીશ કે જીવનમાં કંઈ અચીવ કર્યું હોય અને એ અચીવમેન્ટને કારણે તમને થોડો પણ અહમ્ આવે તો સમજી શકાય, પણ ખોટા લોકોનો ઍટિટ્યુડ સહન કરવાનો આવે ત્યારે જબરદસ્ત ત્રાસ છૂટતો હોય છે. મહાન ગણાતા જૂના જમાનાના એક ઍક્ટર હતા જે એટલા અહંકારી છે કે તેમની કરીઅર બહુ નાની રહી અને એમ છતાં પણ આજે તે નેવું વર્ષની ઉંમરે પણ પોતાના સમયની એટલે કે ૧૯૪૦-૫૦માં કરેલાં નાટકો અને ફિલ્મો વિશે વાતો કરતા રહે, ભૂતકાળનાં ગાણાં ગાયા કરે છે. ઉંમરના કારણે તમે તેમની બધી વાત ચલાવી લો, પણ એવું કરવામાં તકલીફ એ વાતની કે તે પોતે જાતને એવો મેસેજ આપ્યા કરે કે હું તો બહુ મહાન છું.


દરેક ફૅમિલીમાં એક વ્યક્તિ એવી હોય જેને ફૅમિલીમાં બધા માન આપતા હોય અને સન્માનનીય નજરે જ તે જોવાતી હોય. નાનપણથી આ જોવાતું હોય એટલે બધાને એવું જ લાગતું હોય કે આપણે આમને માન આપવાનું. પણ મોટા થયા પછી બને કે આપણને ખ્યાલ આવે કે જેને આખી જિંદગી માન આપતા રહ્યા એ વ્યક્તિ હકીકતમાં તો બહુ નાની, ટૂંકી અને છીછરી હતી. આવો જ અનુભવ મને હમણાં થયો.

આ પણ વાંચો : આપણા બાપદાદા ખાતાં એ ખાશો તો સુખી રહેશો

મુંબઈ દૂરદર્શન હતું એ વખતથી મારા એક ફેવરિટ મરાઠી ઍક્ટર હતા જેમને હું મનોમન મારા ગુરુ માનતી અને મનોમન હું તેમને પૂજતી. એક વખત તેમની સાથે કામ કરવાનો મોકો મળે તો હું ધન્ય થઈ જઉં એવું મને લાગ્યા કરતું હતું. બન્યું એવું કે મારી આ ઇચ્છા વર્ષો પછી કહોને, દશકાઓ પછી પૂરી થઈ અને મને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. હું તો ગદ્ગદ થઈ ગઈ. શૂટિંગ વખતે હું તેમને પહેલી વાર પર્સનલી મળી અને તેમના વર્તનને કારણે મારા મનમાં તેમની જે ઇમેજ હતી, તેમની જે પ્રતિમા હતી એ ભાંગીને ભૂકો થઈ ગઈ. બધાને એકદમ તુચ્છ સમજે અને એટલો ઈગો કે તમને એમ જ લાગે કે અમિતાભ બચ્ચન અને આમિર ખાન પણ તેમની સામે કંઈ ન કહેવાય. મોટા માણસો સાથે સારી રીતે રહેવું પડે એ તમારી લાચારી છે, તમારી માણસાઈ નહીં. પણ જો તમે નાના માણસ સાથે સારી રીતે રહો, તેને માન આપો, પ્રેમ આપો તો એ તમારી માણસાઈ અને ખાનદાની છે. તમે કશું ન હો ત્યારે જ તમારે દુનિયાને દેખાડતા રહેવું પડે કે તમે બહુ મોટા માણસ છો. સાયન્સ પણ કહે છે કે નૉન્સેન્સ કહેવાય એવો ઈગો માત્ર અને માત્ર સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સમાંથી આવે અને સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સ હંમેશાં ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સમાંથી આવે. જેને ખબર છે કે પોતાનામાં ટૅલન્ટ છે તે ક્યારેય કશું શૉ-ઓફ કરવાની કોશિશ નથી કરતા, તેણે પોતાનાં કામની વાતો કરવી નથી પડતી અને તેણે ક્યારેય પોતે શું હસ્તી છે એવું દુનિયાને કહેવા નથી જવું પડતું. અરે, દુનિયા જ્યારે એવો બકવાસ કરતી હોય ત્યારે પણ તે તો એક ખૂણામાં બેસીને પોતાનું કામ કરે અને બીજાની એવી વાતો સાંભળવા મળે તો એ વાતો સાંભળતી વખતે તે પોતે પણ તાળીઓ પાડીને વધાવે. સ્વભાવ અને સંસ્કારને સીધો સંબંધ છે. જો તમારા સંસ્કાર સારા હશે તો તમારો સ્વભાવ સારો હશે અને જો સંસ્કારમાં ક્યાંક કોઈ ખોટ રહી ગઈ હશે તો એ ખોટ તમારા સ્વભાવમાં દેખાશે. આજે મારે કહેવું છું કે ખોટી રીતે લોકોના ઈગો સહન નહીં કરતા, એવું બને ત્યારે સામેવાળાને અરીસો દેખાડી દેવો. જ્યારે તમે કોઈને અરીસો નથી દેખાડતા ત્યારે તમે આડકતરી રીતે એ ખોટા ઈગોને આગળ વધારવાનું અને સામેની વ્યક્તિને પ્રોત્સાહન આપવાનું કામ કરી બેસો છો. જો આ પાપ ન કરવું હોય તો, જો સામેની વ્યક્તિનું પણ ભલું ઇચ્છતા હો તો, આ કામ ભૂલ્યા વિના કરજો. ઍટ લીસ્ટ તેનામાં સુધારો થશે તો તે ક્યાંક ને ક્યાંક તમને પણ આશીર્વાદ આપશે.

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2019 09:49 AM IST | | અપરા મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK