સ્વજન, તમે પણ?

Published: Jul 04, 2019, 10:24 IST | અપરા મહેતા - ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ | મુંબઈ ડેસ્ક

પેશન્ટને કંઈ થાય એટલે ડૉક્ટરોનો વાંક કાઢીને તેની સાથે ખરાબ વર્તન કરવાની વધતીજતી ઘટના સામે હવે સ્વસ્થ માનસિકતાવાળાઓએ એક થવાની જરૂર છે. ડૉક્ટર તારણહાર છે,

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

હું નાની હતી ત્યારે એવું માનતી કે ડૉક્ટર એટલે ભગવાન. સાવ ભગવાન નહીં તો પણ ભગવાનની સમકક્ષ તો ખરા જ. મારું આવું માનવાનું એક ચોક્કસ કારણ પણ હતું. આપણે માંદા પડીએ ત્યારે તે આપણને દવા, ઇન્જેક્શન આપીને આપણને સાજા કરે અને પછી ફરી પાછા આપણે દોડતા થઈ જઈએ. જો હેલ્થની કોઈ મોટી તકલીફ આવી જાય તો ડૉક્ટર આપણને એમાંથી ઉગારી પણ લે. મારી એ નાનપણની માન્યતા સાથે હું આજે પણ અમુક અંશે સહમત છું અને આજે પણ હું ડૉક્ટરોને ભગવાનની સમકક્ષ ગણું છું. નાનપણની વાત કરું તો હું સાવ નાની હતી ત્યારે તો મારા મનમાં એવી પણ માન્યતા હતી કે જે ડૉક્ટર હોય તે ક્યારેય માંદા નથી પડતા. તેમણે ક્યારેય દવા નથી લેવી પડતી. મારી આ માન્યતા મોટી થતાં નીકળી ગઈ અને મને સહજ રીતે સમજાયું કે ડૉક્ટર પણ આપણી જેમ સામાન્ય માણસ જ છે, તેને પણ એવી જ તકલીફ પડે જેટલી આપણને પડે અને તેમને પણ એવું જ દુઃખ થાય જેટલું દુઃખ આપણને થાય. સામાન્ય રીતે આપણે જેવા છીએ એવા સામાન્ય માણસો જ છીએ. જોકે આ વાત સમજાઈ એની સાથોસાથ એ પણ સમજાયું કે તેઓ માણસ ખરા પણ આપણે છીએ એના કરતાં મુઠ્ઠીઊંચેરા.

ડૉક્ટર બનવા માટે કેટલું ભણવાનું, કેવું દિલ લગાડીને શીખવાનું અને એ પછી શપથ લેવાના કે જેકંઈ ભણ્યા છીએ, શીખ્યા છીએ એ બધાનો ઉપયોગ આજીવન માનવજાતની સારવાર માટે કરશે અને એ પણ તન-મન અને ધનથી, પોતાની પૂરી ક્ષમતા સાથે. બારમા ધોરણમાં ખૂબ સારા માર્ક્સ લાવીને બીજાં પાંચ-સાત વર્ષની ખૂબબધી મહેનત કરીને ડૉક્ટર બને અને પછી કોઈ ગામડામાં કે પછી ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરે અને પછી પોતાની પ્રૅક્ટિસ કરવા માટે કાબેલ બને. મારી આ વાત વાંચતી વખતે જો તમારા મનમાં એ સવાલ જન્મે કે મેડિકલમાં એ ઍડ્મિાશન લેવા માટે કેટલી ઍડ્મિલશન-ફી ભરવી પડે છે કે પછી મેડિકલના ઍડ્મિ શન માટે થતા કરપ્શનને લીધે દેશની શું હાલત થાય છે તો એ વિચારોને આપણે અત્યારે બાજુએ મૂકીએ, કારણ કે દરેક વખતે પ્રોફેશન અને વ્યક્તિને નકારાત્મક રીતે જોવાને બદલે કોઈ વખત તેના એ કામમાંથી સકારાત્મકતા પણ બહાર લાવવી જોઈએ. જરા વિચાર તો કરો કે એ ઍડ્મિોશન માટે ડોનેશન આપવાનું કામ થાય છે, પણ એને માટે પણ તમારે ટ્વેલ્થમાં ખૂબ મહેનત અને અથાક પરિશ્રમ તો કરવો જ પડે છે. એ પછી તમને પર્સન્ટેજ પણ ખૂબ સારા આવવા જોઈએ અને એ પછી પણ જો બે-ચાર કે છ માર્કનું અંતર રહે તો તમારે મોટી રકમનું ડોનેશન ચૂકવીને ઍડ્મિ શન લેવું પડે. કહેવાનો ભાવાર્થ એ કે આપણે આ બધી બાબતો પર અત્યારે ખોટું દિમાગ નથી લગાડવું અને સારી વાતો કરવી છે.

આપણે ક્યારેક ને ક્યારેક હૉસ્પિટલ ગયા જ હોઈએ. એવા સમયે ડૉક્ટર આવીને આપણને સારા સમાચાર આપે તો આપણે રાજી-રાજી થઈ જઈએ. એવું પણ બને કે સ્વજનનું ઑપરેશન હોય એવા સમયે હૉસ્પિટલમાં ડૉક્ટર ઑપરેશન-થિયેટરમાંથી બહાર આવીને જલદી આપણને સારા સમાચાર આપે એની તાલાવેલી હોય છે. આવા સમયે ડૉક્ટર આપણને ખરેખર તારણહાર જ લાગતા હોય છેને? જેને તમે તારણહાર માનતા હો, જેને તમે ભગવાનના સ્તરનો દરજ્જો આપતા હો એ જ ડૉક્ટર જ્યારે પોતાની માગણીના નામે હડતાઊ પર ઊતરે ત્યારે કેવી હાલત થાય જરા વિચારો જોઈએ. હમણાં જ બંગાળમાં આ થયું અને એ પણ કેવા કારણસર? આપણને ખરેખર શરમ આવે કે આવી હરકત પેશન્ટનાં સગાવહાલાંલાઓથી કેવી રીતે થઈ શકે? હકીકત એ જ છે કે ડૉક્ટર કોઈ પણ પેશન્ટને બચાવવાની ૧૦૦ ટકા મહેનત કરે છે, પણ ક્યારેક કોઈ પેશન્ટને એ સાચે જ ન બચાવી શકે તો શું એ ડૉક્ટરને માર મારવો વાજબી છે? એ મોત માટે દોષનો ટોપલો ડૉક્ટર પર ઢોળવો વાજબી છે ખરું? ઘણી વાર ડૉક્ટરને પણ આપણે એવું બોલતા સાંભળીએ છીએ કે ભગવાનને પ્રાર્થના કરો, કોઈ ચમત્કાર થાય અને પેશન્ટ બચી જાય? પેશન્ટ ગુજરી જાય ત્યારે ડૉક્ટર સાથે ખરાબ વર્તન કરવું એ કઈ જાતની માનસિકતા? શું તમારા સ્વજનને ડૉક્ટર ન બચાવી શકે તો ડૉક્ટરને જવાબદાર સમજીને, હોય નહીં તો પણ તેની બેદરકારી ગણીને તેની સાથે હિંસા પર ઊતરી આવો, તેની સાથે મારામારી કરવા માંડો?

બંગાળના ઇશ્યુ પછી મેં જેટલા પણ ન્યુઝ જોયા, ડિબેટ જોઈ એ બધામાં એવી જ વાત થાય છે કે પેશન્ટ્સને કેટલી તકલીફ પડે છે અને પેશન્ટની જિંદગીનો સવાલ છે. ના નહીં, પણ મારા એક પ્રશ્નનો જવાબ આપો કે શું ડૉક્ટર માણસ નથી? એ લોકોના જીવનનો સવાલ નથી? બીજી ખાસ વાત પણ સમજવા જેવી છે કે લૉ અને ઑર્ડરનું પણ અસ્તિત્વ છે. તમને ડૉક્ટર સામે વાંધો હોય, ફરિયાદ હોય તો તમે એ રસ્તો વાપરો, પણ આ રીતે મારામારી પર ઊતરી આવવાનો કોઈ અર્થ નથી સરતો. બંગાળ એક પૉઇન્ટ માત્ર છે, ડૉક્ટરો સાથે ખરાબ વર્તન કરવાના કિસ્સા તો દેશભરમાં બને છે. થોડા સમય પહેલાં આવી જ ઘટના અમદાવાદમાં બની હતી, પણ ડૉક્ટરો હડતાળ પર નહોતા ગયા એટલે કોઈનું ધ્યાન એ ઘટના પર ખાસ ગયું નહીં. એ પહેલાં રાજકોટમાં પણ આવું જ બન્યું હતું અને પેશન્ટનાં સગાંઓએ ડૉક્ટરોને ઢોરમાર માર્યો હતો. બંગાળની વાત પર પાછા આવીએ તો ડૉક્ટરોની માગણી એટલીઅમસ્તી જ હતી કે તેમને પ્રોટેક્શન મળવું જોઈએ. પ્રોટેક્શનની વાત આવી ક્યાંથી, વારંવાર હાથ ઊપડવાની ઘટના ઘટવા માંડી એટલે. જો તમને પ્રોટેક્શન નથી આપવું તો વાંધો નહીં, આ રીતે કોઈ આવીને ખરાબ વર્તન કરી જાય એ બંધ થાય એવાં સ્ટેપ લો. તમે એવું પણ કરવા તૈયાર નથી તો આ તો બેમોઢાળી વાત થઈ. સાહેબ, અમેરિકા, કૅનેડા, બ્રિટન અને યુરોપના બીજા દેશોમાં જુઓ તો ખ્યાલ આવે કે કાયદા કેટલા સ્ટ્રિક્ટ છે અને એને કેવી રીતે પાળવામાં આવે છે. જો તમારી પાસે ઇન્શ્યૉરન્સ ન હોય તો પેશન્ટની હાલત ભલે ગમે એવી ગંભીર હોય, પણ કોઈ પણ ડૉક્ટર હાથ લગાડવા રાજી નથી. આપણા ડૉક્ટરો એવું કરતા નથી એ તેમની ભલમનસાઈ છે.

અત્યારે આપણે એવી હાલત પર આવી ગયા છીએ કે જો એ સમસ્યાનો અંત નહીં આવે તો હાલત વધારે કફોડી બની જશે. વિચાર કરો કે આવતી કાલથી તમને કોઈ ડૉક્ટર મળવાનો જ નથી, કોઈ ક્લિનિક કે હૉસ્પિટલ જશે જ નહીં તો શું થશે? ડૉક્ટર આજે સહેલાઈથી મળે છે એટલે તેમની કિંમત નથી, એટલે ન ગમતી ઘટના માટે બધો વાંક ડૉક્ટર પર આવી જાય છે. ડૉક્ટર તમારી કે તમારા સ્વજનની સારવાર જ નહીં કરે તો તમે શું કરશો? તમે તમારા સ્વજનને તમારી આંખ સામે મરતા જોઈ શકશો, એ સહન કરી શકશો ખરા? ખરેખર આપણી પ્રજાને આ બાબતનું એજ્યુકેશન ખૂબ જરૂરી છે. સમજાવવાની જરૂર છે કે બીમારીમાં જે તમારો તારણહાર છે તેને તમે ગુનેગાર માનશો તો એ તારણહાર ક્યારેય તમારી સામે રહેમદિલે નહીં જુએ.

આ પણ વાંચો : નાટકની સર્જનગાથાઃ પ્રસવની પીડાનો અનુભવ

આ રીતે ડૉક્ટર પર હાથ ઉપાડનારાઓને હું માનસિક બીમાર ગણું છું. આવું કરનારાઓને પણ સમજાવવાની જરૂર છે અને જો તે ન સમજે તો તેમની સામે કાયદાકીય પગલાં લેવાની જરૂર છે. એક વખત પગલાં લેવાશે, એક વખત સજા થશે ત્યારે આપોઆપ બહુબધા લોકો સામે એનો સંદેશો પહોંચશે અને બધા સમજાવટ અને સમજદારી સાથે કામ લેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK