Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ

સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ

14 February, 2019 01:18 PM IST |
અપરા મહેતા

સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ

એકતા કપૂર

એકતા કપૂર


ઈમોશન્સનું ઈકોનોમિક્સ

જિંદગીમાં પોતાનો ચીલો ચાતરનારી વ્યક્તિ ક્યારેય સામાન્ય નથી હોતી. એ લોકો સામાન્ય લોકોથી સરળતા સાથે જુદા તરી આવે. તમારે જોવું હોય તો જુઓ, તમે એ લોકોના બાળપણની વાતો સાંભળો કે પછી એ લોકોના ટીનેજની વાતો સાંભળો, તમને ખબર પડી જાય કે બીજા સામાન્ય કે નૉર્મલ કહેવાય એવા લોકો કરતાં એ જુદા જ છે. આવા લોકોને સમાજનાં કોઈ બંધનોનો ડર નથી હોતો કે પછી મનમાં એવો સંતાપ પણ નથી હોતો કે દુનિયા શું કહેશે. મને આજની આ વાત કરતાં પહેલાં ઓશોના બહુ પૉપ્યુલર શબ્દો યાદ આવે છે. ઓશો કહેતા, ‘સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ.’



વાત સાવ સાચી છે. પોણી દુનિયા, કહોને નેવું ટકા દુનિયાને આ જ વાતની બીક હોય છે, પણ આવી બીક એ લોકોને નથી હોતી જે દુનિયાદારીના સીધાસાદા અને સરળ કહેવાય એવા બૉક્સમાં બંધબેસતાં નથી. એમાં પણ જો કોઈ સ્ત્રી આવી હોય તો તેને કોઈ બંધન જરાસરખી પણ રોકી શકે નહીં. અનેક મહિલાઓ એવી છે જે ખરેખર દુનિયાદારીના બંધબેસતા ચોકઠા વચ્ચે સમાવિષ્ટ નથી થતી. હમણાં જ ફિલ્મ આવી અને જે વિષય પરથી ટીવી-સિરિયલ પણ શરૂ થઈ એ ઝાંસીની રાણી પણ એવી હતી અને આપણા જ વડીલોની પેઢીની વાત કરીએ તો અમૃતા પ્રીતમને પણ આ વાત લાગુ પડે છે. આપણા સમયની વાત કરું તો નીના ગુપ્તાને જોઈ લો. મસાબા તેની દીકરી પણ તેના ફાધર વિશે ક્યારેય કોઈએ નીના ગુપ્તાને સવાલ કરવાની હિંમત સુધ્ધાં નથી કરી, બધાને ખબર છે કે તેના ફાધર કોણ છે એ પછી પણ. સુસ્મિતા સેન પણ આ જ ચોક્ઠાની વ્યક્તિ છે. મિસ યુનિવર્સ થયેલી સુસ્મિતા સેને બે દીકરીઓ અડૉપ્ટ કરી અને સિંગલ અનમૅરિડ મા બનીને એક નવી જ પહેલ શરૂ કરી. થોડા સમય પહેલાં મેં આપણી આ જ કૉલમમાં ટીવી-સ્ટાર સાક્ષી તનવરનું પણ કહ્યું હતું.


એક સ્ત્રી જ્યારે પોતાની પ્રોફેશનલ લાઇફમાં ખૂબબધું અચીવ કરી લે એ પછી તેની સામે સમાજનાં બંધનો તુચ્છ બની જાય છે. આ એક એવું કારણ પણ છે જેને લીધે ડિવૉર્સના કિસ્સાઓ પણ ખૂબ વધી રહ્યા છે, પણ એ એક અલગ વિષય છે એટલે આપણે એના વિશે પછી ચર્ચા કરીશું, પણ હા, આ પ્રકારના ડિવૉર્સ થાય ત્યારે કોઈ કિસ્સાની મને ખબર પડે તો હું રાજી થાઉં ખરી કે સારું થયું બન્ને છૂટ્યાં, કારણ કે એવા સમયે સ્ત્રીને બાંધી રાખવાનું કામ કરવું એ ખરેખર ખૂબ અઘરું બની જતું હોય છે, જે આગળ જતાં ખરેખર ડોમેસ્ટિક વાયલન્સ સુધી પણ પહોંચી જાય એવું બની શકે ખરું.

આપણે મૂળ વિષય પર આવીએ. શરૂઆતના તબક્કે અડૉપ્શન એક નવો ટ્રેન્ડ હતો તો એના પછીનો નવો ટ્રેન્ડ જે આવ્યો એ છે સરોગસીનો. આ ટ્રેન્ડ અત્યંત જવાબદારી સાથે આવ્યો છે. એમાં જો તમે તમારા વિચારોમાં અત્યંત


ઉતાર-ચડાવ ધરાવતાં હો તો ખરેખર બહુ મોટું ખોટું કૃત્ય કરી બેસો છો એટલે સરોગસીના સ્તર પર પહોંચ્યાં પહેલાં એના માટે મનમાં ખૂબબધું દ્વંદ્વ ચાલતું હોય છે.

લોકો આજે ફિઝિકલ પ્રૉબ્લેમ હોય ત્યારે સરોગસીથી બાળકને જન્મ આપે છે. સાયન્સ સાથે જોડાયેલાઓને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) વિશે પણ હવે ખબર જ છે. IVF હવે જરાપણ નવું નથી અને આ પ્રકારની ટ્રીટમેન્ટ હવે મોટા ભાગનાં શહેરોમાં થવા માંડી છે. IVF અને સરોગસી સાથે જોડાયેલા એક ડૉક્ટર સાથે મારી વાત થઈ ત્યારે તેમણે મને કહ્યું કે અઠ્ઠાવીસથી ત્રીસ વર્ષ સુધી જો કોઈ છોકરીનાં લગ્ન ન થયાં હોય તો એ ધારે તો પોતાના એગ્ઝ ફ્રીઝ કરાવી શકે, જેથી વધતી ઉંમર સાથે ભવિષ્યમાં કોઈ ચિંતા રહે નહીં અને ઉંમર વધે છે એવી બીકે અયોગ્ય છોકરાની સાથે મૅરેજ કરવાની હા પણ તેણે ન પાડવી પડે.

જો તમને યાદ ન હોય તો કહી દઉં કે શાહરુખ ખાનનો દીકરો અબરામ અને આમિર ખાનનો દીકરો આઝાદ એ સરોગસીથી આવેલાં સંતાનો છે. આ બન્ને મૅરિડ છે અને એમાં સરોગસી સહજ રીતે સમજી પણ શકાય, પણ તુષાર કપૂર અનમૅરિડ છે એ પછી પણ તેના ઘરે સરોગસીથી દીકરો જન્મ્યો, કરણ જોહરને ત્યાં પણ સરોગસીથી ટ્વિન્સ આવ્યા અને હમણાં થોડા દિવસ પહેલાં એકતા કપૂર પણ સરોગસીથી એક દીકરાની મા બની, બધા જાણે છે કે એકતા અનમૅરિડ છે એ પછી પણ તેણે માતૃત્વનું આ સુખ મેળવ્યું. એકતાએ જ પોતે સોશ્યલ મીડિયા પર આની ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ કરી. એકતાએ લખ્યું હતું કે જીવનમાં બધું તમારી ધારણા મુજબ નથી થતું હોતું, પણ એની સામે ભગવાને બીજું મને ઘણુંબધું આપ્યું છે એ પણ મારે યાદ રાખવું જોઈએ.

અગાઉ એક પોસ્ટમાં એકતાએ જ લખ્યું હતું કે દિવસ આખાના કામના ટેન્શન પછી તે જ્યારે ઘરે આવતી ત્યારે તુષારના દીકરા એટલે કે પોતાના ભત્રીજાને જોઈને તેના આખા દિવસનો થાકનો ભાર ઊતરી જતો. એ જ સમયથી તેના મનમાં પોતાના બાળકનો વિચાર આવવો શરૂ થઈ ગયો હતો એ પણ એકતાએ સ્વીકાર્યું છે. એકતાને હું વર્ષોથી ઓળખું છું. એમ કહું તો પણ ચાલે કે તેને ઑફિશ્યલ કાર-ડ્રાઇવિંગ લાઇસન્સ મળે એ ખુશી પણ મેં મારી આંખોથી જોઈ છે. એકતાએ ત્યાર પછી બાલાજી ટેલિફિલ્મસ નામનું જબરદસ્ત મોટું એમ્પાયર બનાવ્યું અને ખરેખર સોળ અને અઢાર કલાક કામ કર્યું. તમામ પ્રકારની ખુશી આજે તે ડિઝર્વ કરે છે.

પોતાની ખુશી માટે તમારે બીજા કોઈના સર્ટિફિકેટ પર આધારિત રહેવું પડે એ ખોટું છે. આપણો સમાજ કેવી રીતે બદલાઈ રહ્યો છે એ તમારે સમજવું પડશે અને બદલાતાં આ સમાજ સાથે તમારે પણ એ મુજબના બનવું પડશે. જૂના રીતરિવાજની વાતો કરનારાઓ બહુ ઝડપથી ફેંકાય જશે એટલું જ નહીં, એ લોકો પોતાની આજુબાજુના કોઈને પણ જીવવા નહીં દે એટલે ખૂબબધી બદદુઆઓ પણ લેશે.

હું તમને મારા જ એક સગાની દીકરીની વાત કરું. એ દીકરી પર તેના હસબન્ડની અને ફૅમિલીની ફાઇનૅન્શિયલ જવાબદારીઓ આવી ગઈ અને એટલું જ નહીં, તેના પર ઘરમાં રહેલાં ચાર પેઢીની જુદી-જુદી ઉંમરના લોકોની પણ જવાબદારી આવી ગઈ. વડસાસુ એટલે કે સાસુનાં સાસુને ઍડલ્ટ ડાયપર પહેરવાથી લઈને પોતાની દીકરીના હોમવર્કની જવાબદારી પણ તેની. હસબન્ડની હેલ્થના ઇશ્યુ પછી હસબન્ડનું પણ બધું તેને જ કરવું પડતું અને આ બધા ઉપરાંત બહારનાં કામો પણ તેણે જ કરવાં પડતાં. સંસ્કારી ફૅમિલીની હતી એટલે એ આ બધાથી દૂર પણ નહોતી ભાગી શકતી. એવું વિચારવું પણ તેના માટે પાપ હતું કે તે ડિવૉર્સ લઈ લે. એક દિવસ અમારી વચ્ચે વાતો થઈ ત્યારે મને ખરેખર તેને ડિવૉર્સ લેવાની સલાહ આપવાનું મન થયું હતું. મેં તેના હસબન્ડ સાથે વાત કરી તો ખબર પડી કે તેને બીજો કોઈ પ્રૉબ્લેમ નહોતો, પણ તેનામાં કૉન્ફિડન્સનો અભાવ હતો. મારે નાછૂટકે તેને કહેવું પડ્યું કે ‘આ છોકરી સુપરવુમન નથી કે તમે બધી જવાબદારી તેના માથે નાખીને બીમારીના નામે બેસી ગયા છો. આજે ફૅમિલીની તમામ જવાબદારીઓ તમામ લોકોની છે. બધાએ જવાબદારીઓ ઉપાડવી પડશે. જો એવું કરવામાં ફેલ જશો તો જે સિન્સિયર હશે તેના પર બધું આવી જશે.

આ પણ વાંચો : એકસરખું જીવવાનો તમને કંટાળો કેમ ન આવે?

એકતાની વાત જોઈ લો તમે. આજે તેનાં સોશ્યલ અને ઇકૉનૉમિક સ્ટેટસ જુદાં છે, પણ એમ છતાં તે બન્ને જગ્યાએ બન્ને રોલ નિભાવે છે અને બેસ્ટ રીતે નિભાવે છે. મને પર્સનલી લાગે છે કે આપણે ખરેખર ખૂબ જ સારી દિશામાં આગળ વધીએ છીએ. પહેલાં એવું હતું કે પૈસા માટે પણ પતિ પકડી રાખવામાં આવતો હતો, પણ હવે એવું નથી રહ્યું. હવે છોકરીઓ પૈસો એટલો કમાય છે અને એ કમાયા પછી લગ્ન કર્યા વિના માતૃત્વ પણ પામી રહી છે. દુનિયાને જે કહેવું હોય એ કહે, પણ હું કહીશ કે લગ્ન વગર એડૉપ્શનથી કે સરોગસીથી પોતાના બાળકને જન્મ આપવાનો અધિકાર સ્ત્રીને છે જ છે. આવું શું કામ કરવાનું એવો પ્રશ્ન પૂછવાનો હક આ જગતમાં કોઈને નથી, સિવાય કે આવનારા એ બાળકને, પણ એ બાળક પણ આવું પૂછવાનો નથી, કારણ કે આ રીતે મા બનેલી સ્ત્રીમાં એ બાળકને વિશ્વની શ્રેષ્ઠ સુવિધાઓ આપવાની ક્ષમતા છે જ અને તેણે એ પુરવાર પણ કરી દીધું છે. યાદ રાખજો, બદલાતા સમય સાથે નહીં ચાલો તો આવનારી આ પેઢી તમને ક્યાંય ફંગોળીને આગળ નીકળી જશે અને એ પછી આપણે માત્ર આ નવી પેઢીને કોસવાનું કામ જ કરી શકવાના છીએ. કોસવા કરતાં સાથે કદમ મિલાવો, જીવવાની મજા અનેરી થઈ જશે.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 01:18 PM IST | | અપરા મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK