Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આપણા બાપદાદા ખાતાં એ ખાશો તો સુખી રહેશો

આપણા બાપદાદા ખાતાં એ ખાશો તો સુખી રહેશો

28 March, 2019 08:58 AM IST |
અપરા મહેતા

આપણા બાપદાદા ખાતાં એ ખાશો તો સુખી રહેશો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

વેઇટલૉસ એક એવો પ્રૉબ્લેમ છે જે અમુક ઉંમર પછી બધાને સતાવે છે, પણ એક વાત સમજી લેવી જોઈએ કે વેઇટ પુટ ઑન થવાનું એક નહીં, અનેક કારણો છે. એઇજ એનું કામ કરી શકે, હૉર્મોનલ ઇનબૅલૅન્સ પણ અસર કરે, લાઇફસ્ટાઇલ પણ અસર કરે તો સાથોસાથ ફૂડ પૅટર્ન પણ અસર કરી શકે અને વારસાગત પણ આ તકલીફ હોઈ શકે, પણ અત્યારે મારે વાત પહેલાં તો એ કરવી છે કે વજનનો એક મોટો પ્રૉબ્લેમ એ છે કે લોકો તરત જ આપણને ટોકી દેતા હોય છે કે બહુ જાડા થઈ ગયા કે પછી એવું કહી દે, બહુ વજન ઉતાર્યુ છે તમે તો.



એક ઍક્ટ્રેસ તરીકે હું તો આવી બધી કમેન્ટ્સમાંથી ખૂબ જ પસાર થતી હોઉં છું. લોકોની આ કમેન્ટ અને મારા અનુભવ પરથી મને બે વાતનો ખ્યાલ આવ્યો છે. એક કે, તમે ક્યારેય બીજા લોકોને પરફેક્ટ સાઇઝના લાગી જ નથી શકવાના અને બીજી વાત, જે લોકો તમારા વેઇટ પર આવી કમેન્ટ્સ કરે છે એ ક્યારેય પોતાની જાતને ૩૬૦ ડિગ્રીએ જોઈ નથી શકતા. મારી વાત કરું તો હું તો રોજ કૅમેરા સામે જાઉં છું.


મજાની વાત કહું તમને, હું યંગ હતી ત્યારે માંડ પચાસ કિલો મારું વેઇટ હતું અને એ સમયે પણ લોકો મારા વેઇટની બાબતમાં કમેન્ટ કરતા અને આજે પણ મારા વેઇટ માટે મને કહે છે, પણ સૌથી મોટી વાત અને સૌથી અઘરી વાત એ કે મેં આ કમેન્ટ્સને સિરિયસલી લેવાનું બિલકુલ બંધ કરી દીધું છે. ટીવી અને થિયેટરની મારી કરીઅરમાં જો મેં યંગ દીકરી, એ પછી વહુ, તેના પછી મા પછી સાસુ અને પછી જો નાની કે દાદી સુધીના રોલ નિભાવ્યા હોય તો એ દેખાડે છે કે હું ઉંમરમાં મોટી થઈ જ છું, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે મારી સાથે મારું ઑડિયન્સ પણ ઉંમરમાં મોટું થાય છે અને એટલે એ એણે એવી અપેક્ષા પણ ન રાખવી જોઈએ કે હું કાયમ એવી જ રહું, જે છબી તેમના મનમાં ચીતરાઈ ગઈ છે.

આજના આ આર્ટિકલ પર આવતાં પહેલાં મારે કહેવું છે કે હું અત્યારે વેઇટલૉસ વિશે વાત નથી કરવાની, પણ વેઇટ ગેઇન વિશે લખવા અને લોકોને એ તરફ ધ્યાન આપીને દૃઢ પગલાં લેવા વિશે કહેવાની છું.


ઘણી જાતના ડાયટ વિશ જાણ્યું અને ઘણા ડાયટ પ્લાન કરી જોયા પછી મને વિચાર આવ્યો કે વેઇટ ઓછું કેમ કરવું એના વિશે વધારે વિચારવાને બદલે આપણે વેઇટ કેમ વધે છે એના ઉપર જ વિચાર કરીએ. સૌથી પહેલાં તો આપણી લાઇફસ્ટાઇલ ખૂબ જ બદલાઈ ગઈ છે. કોઈ પણ મુંબઈગરાનો દિવસ ૧૬ કલાક બહાર રહેવાનો થઈ ગયો છે, જેને લીધે ખાવાપીવાના સમયમાં ફેરફાર નિયમિત થઈ ગયો છે. બીજો પ્રૉબ્લેમ એ છે કે આપણે જેટલો ખોરાક ઘરનો કે ઘરમાં ખાતાં હોઈએ છીએ એટલો જ અને અમુક વખત તો એનાથી પણ વધારે ખોરાક આપણે બહારનો ખાતાં થઈ ગયા છીએ. પાર્ટી કે તહેવાર હોય તો ઉજવણી આપણે બહાર જમીને કરીએ છીએ. સૌથી પહેલાં તો કોઈ પણ પ્રકારનું ડાયટ ફૉલો કરવું હોય તો બહારનું ખાવાનું એકદમ બંધ કરી દેવું બહુ જરૂરી છે. હું પોતે ઘણાં વર્ષોથી બહાર નથી ખાતી. હવે તો એવી પરિસ્થિતિ છે કે કઈ હોટેલ નવી થઈ એનો પણ મને ખ્યાલ નથી હોતો. ઘણા કુકિંગ શોમાં પણ બહાર જેવી વાનગીઓ બનાવતાં શીખવે છે. દાખલા તરીકે, ધાબે જૈસી પાલક પનીર કે પછી હલવાઈ જૈસી ઇમરતી. આવું હું સાંભળું કે વાંચું ત્યારે મને પહેલો પ્રશ્ન એ થાય કે બહાર જેવું શું કામ ખાવું છે. ઘર જેવું શું કામ નથી ખાવું ભાઈ તમને.

મેં ઘણાં બાળકો પાસે સાંભળ્યું છે કે આપણે ત્યાં નાસ્તામાં પૌંઆ કે ઉપમા જ હોય છે, પણ તેમને સમજાવો કે એમાં ખોટું કંઈ નથી. યુગોથી આપણું ખાણું આ જ રહ્યું છે અને આપણે આ જ ખાતાં આવ્યા છીએ. બેઝિકલી ગુજરાતી એટલે વેજિટેરિયન અને વેજિટેરિયન એટલે ઉડિપીમાં જવું, ઈડલી-ઢોસા ખાવા, પણ હવે તો નિર્દોષ ઢોસાને પણ સેઝવાન કે પીત્ઝા ઢોસા બનાવી દેવામાં આવ્યા છે. યાદ કરો એ સિમ્પલ સાદા ઢોસા, કોપરાની ચટણી અને સંભારનો સ્વાદ.

આપણી ખાવાની રીતો ત્યારથી વધારે બગડી જ્યારથી અમેરિકન ફાસ્ટફૂડ ભારતમાં આવી ગયું. બર્ગર, પીત્ઝા, પાસ્તા, સ્પેગેટી, નૂડલ્સે આપણી ઘોર ખોદી નાખી એવું કહું તો પણ ચાલે. મારી જનરેશનના સૌ કોઈને આ બધું કદાચ ઓછું ભાવતું હશે, પણ આપણા પછીની જનરેશન તો આની ઉપર જ જીવે છે એવું લાગે છે. આ બધા પ્રોસેસ્ડ ફૂડ છે, પ્રિઝર્વેટિવ છે એમાં. જાતજાતનાં કેમિકલ નાખ્યાં હોય છે એમાં, પણ એ કોઈ નથી સમજતું. હું તો કહીશ કે બર્ગર ખાવા કરતાં વડાપાઉં ખાઈ લેવા સારા. આપણી આંખ સામે તો બને છે એ. ઘરના નાસ્તા ખાતા નથી અને બહારના પીત્ઝા-પાસ્તા હોંશે-હોંશે ખાઈ લઈએ છીએ. હું કહીશ કે એ ખાવા કરતાં ઘરની મસાલાપૂરી કે મમરાનો ચેવડો કે પછી સક્કરપારા ઓછા હાનિકારક છે અને સૌથી સારી વાત એ છે કે એ ઘરે બન્યા હોય છે.

આજે આખું અમેરિકા અને યુકે ઑબેસિટીથી પરેશાન છે, કારણ કે એ લોકો માત્ર ને માત્ર ફાસ્ટફૂડ પર જ જીવતા થઈ ગયા છે. આ દેશોમાં કુકિંગ બહુ ઓછાને આવડે છે અને જો આવડતું હોય તો કોઈને એ કરવું નથી. બીજી વાત કે ત્યાં ફાસ્ટફૂડ સસ્તું અને ફ્રેશ ફૂડ મોંઘું છે. આપણે ત્યાં સાવ ઊલટું છે. હું તો દૃઢપણે માનું છું કે ટાકોઝ ખાવા કરતાં ખાખરો ખાવો સારો.

આ આર્ટિકલ લખતાં પહેલાં મેં ફાસ્ટફૂડ અને ઑબેસિટી વિશે વિડિયો જોયા અને એ પછી હું આયુર્વેદ વિશે વાંચવા અને જોવા લાગી ત્યારે મારી આ માન્યતા વધુ દૃઢ થઈ કે આપણું ફૂડ જ સારું છે અને ઘરે બનાવેલું ભારતીય ખાણું જ શ્રેષ્ઠ છે. આપણે ત્યાં રોજ ફ્રેશ રસોઈ થાય છે. પોતે ના બનાવી શકીએ તો સારામાં સારા કુક રાખી શકીએ એવી આપણે ત્યાં વ્યવસ્થા હોય તો પછી શું કામ ફાસ્ટફૂડ ખાવું જોઈએ. આયુર્વેદ કહે છે કે આપણું ખાણું સૌથી વધારે સાયન્ટિફિક છે. આપણે સીઝનલ ફ્રૂટ અને શાકભાજી ખાતાં હોઈએ છીએ. દરેક ફૂડનાં આપણાં કૉમ્બિનેશન સાયન્ટિફિક છે તો આપણે બીજાને અનુસરવાની શું જરૂર છે. આજે વેસ્ટર્ન કન્ટ્રી કહેતા થયા છે કે વીકમાં મિનિમમ ત્રણ વખત ઇન્ડિયન ફૂડ ખાવું જોઈએ, એનું કારણ પણ છે. આપણા ફૂડમાં જે મસાલા પડે છે એ હ્યુમન બૉડી માટે ખૂબ જરૂરી છે અને અફસોસની વાત એ છે કે આપણે તો આ બધું ગળથૂથીમાં ખાતાં શીખ્યા છીએ, પણ આજે આપણે આપણાં બાળકોને ફાસ્ટફૂડ ખાવાની આદત પાડીએ છીએ. બાળક ચૂપચાપ ખાઈ લે એવા હેતુથી તેને ભાવતું ખવડાવી દેવાનો કોઈ અર્થ નથી, જરૂરી એ છે કે તે સાચું ખાય.

આ પણ વાંચો : ફિલ્મોનું ગ્રામર અને બદલાતા ગ્રામરની ફિલ્મો

ક્યારેક ખાઈએ એ આખી અલગ વાત છે, પણ આપણા ખોરાકને મૂકીને જો આ જ ખાઈશું તો ઑબેસિટી એટલે વધારે વેઇટના જવાબદાર આપણે પોતે હોઈશું. હવે આપણી લાઇફ બેઠાડુ થઈ ગઈ છે. સ્ત્રીઓને હવે પહેલાં જેટલું ઘરકામ કરવાનું નથી હોતું અને પુરુષો પણ કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસીને કામ કર્યા કરે છે એટલે જે નૅચરલ એક્સરસાઇઝ થતી એ પણ બંધ થઈ ગઈ છે. આખો દિવસ એસીમાં રહેવાથી આપણે ત્યાં પણ વિટામિન ડી-૩ની ઊણપ વધારે દેખાવા લાગી છે. જો આખી વાત બે જ લાઇનમાં કહેવાની હોય તો હું કહીશ કે જે આપણા બાપદાદા અને વડવાઓ ખાતા એ ખાવાની આદત રાખશો તો જિંદગીભર સુખી રહેશો અને કોઈ જાતની બીમારી ભોગવવાનો વારો નહીં આવે.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2019 08:58 AM IST | | અપરા મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK