Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇમોજિસે ચહેરાનું સ્માઇલ છીનવી લીધું

ઇમોજિસે ચહેરાનું સ્માઇલ છીનવી લીધું

27 September, 2020 04:22 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

ઇમોજિસે ચહેરાનું સ્માઇલ છીનવી લીધું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે એકલા રહી શકીએ? તમે ઇચ્છતા હો, તમને બહુ મન હોય તો પણ તમે એકલા રહી શકો છો ખરા? તમે ગમે એવો પ્રયાસ કરો તો પણ બધાથી કટ-ઑફ થઈ શકો ખરા? એવું કરીને તમારે તમારી જાત સાથે રહેવું હોય તો એ શક્ય છે ખરું?

સૌથી પહેલાં તો હું એ કહી દઉં કે જબરદસ્તી કરીને આ કામ કરવાનું નથી અને એવી રીતે એકલા પડવાની વાત પણ હું નથી કરતો. હું ક્યાંય એવું નથી કહેવા માગતો કે તમે બધાથી કટ-ઑફ થઈને માત્ર તમારી જાત સાથે રહો. ના, એવું કહેવા માગતો પણ નથી અને એવું કરવાની જરૂર પણ નથી, પરંતુ તમારે માત્ર એવા ઑબ્જેક્ટ્સથી દૂર રહેવાનું છે જે તમને ડિસ્ટ્રેક્ટ કરે છે અને સતત કરતા રહે છે. દાખલા તરીકે, મોબાઇલ ફોન, આઇપૅડ કે ટીવી પણ આ બધામાં સૌથી વધારે ડિસ્ટ્રેક્ટ કરવાનું કામ જો કોઈ ગૅજેટ કરતું હોય તો એ છે કે મોબાઇલ. આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે હવે માણસ એક મિનિટ માટે પણ પોતાના ફોનથી દૂર નથી રહી શકતો. તમે જુઓ, ૨૪ કલાક મોબાઇલ જ મોબાઇલ છે. મેં જોયા છે અને તમે પણ એવા લોકોને જોયા હશે જેઓ કપડાં ન પહેરે તો ચાલે, પણ પોતાની સાથે મોબાઇલ જોઈએ જ જોઈએ. જ્યાં પણ હોય ત્યાં તેને મોબાઇલ જોઈએ જ જોઈએ. નાના હતા ત્યારે પેલી વાર્તામાં આવતુંને કે એક રાજા હતો, રાજાને રાજકુમારી હતી અને એ જ ગામમાં રાક્ષસ હતો. રાક્ષસ કોઈથી મરતો નહીં, જેનું કારણ એક યુવાનને ખબર પડી ગઈ કે એ રાક્ષસનો જીવ એક પોપટમાં હતો. મોબાઇલ આવા લોકોનો પોપટ બની ગયો છે, જેનો જીવ પોતાના મોબાઇલમાં હોય છે. મોબાઇલમાં એવું કશું નથી હોતું જેને લીધે તેણે એને પોતાના ગળામાં બાંધી રાખવો પડે, પણ એ બાંધી રાખે છે, બસ આદત પડી ગઈ છે એટલે.



મોબાઇલ સાથે ને સાથે જ હોય અને વાતો પણ ચાલુ જ હોય. એક્સરસાઇઝના નામે સાઇક્લિંગ કરતા હોય તો પણ મોબાઇલ ચાલુ હોય અને વૉક લેતા હોય ત્યારે પણ મોબાઇલ ચાલુ જ હોય. ફુટપાથ પર જતા હોય ત્યારે પણ મોબાઇલ ચાલુ અને રોડ ક્રૉસ કરતી વખતે પણ મોબાઇલ ચાલુ. ફોન ન ચાલતો હોય તો કાનમાં હેડફોન ચડાવ્યો હોય અને મ્યુઝિક ચાલુ હોય. આ રીતે મસ્તીમાં ફરવું એ આમ પણ ડેન્જરસ છે, પણ મુદ્દો અત્યારે આ આદતના જોખમનો નથી. આપણો પૉઇન્ટ એ છે કે તમે કેમ એક મિનિટ માટે પણ મોબાઇલથી દૂર નથી રહી શકતા, શું કામ અને શા માટે?


એવું નથી કે બધા યંગસ્ટર્સને કે પછી પુરુષોને જ આ આદત છે. મેં ઘણાં આન્ટી પણ જોયાં છે કે ઘરમાં રસોઈ બનાવવાનું ચાલતું હોય અને સાથે મોબાઇલ સ્ટેન્ડ પર ફોન ફિટ કરી રાખ્યો હોય અને એના પર વિડિયો ચાલતા હોય. ફોનથી ડિસકનેક્ટ થઈ ન શકવાનું કારણ શું છે? તમે જુઓ તો ખરા, આપણે એક મિનિટ પણ મોબાઇલથી દૂર નથી રહી શકતા, એક મિનિટ પણ એકલા નથી રહી શકતાં અને એ પછી પણ આપણી ફરિયાદ એ જ છે કે આપણને એકલું લાગે છે.

હકીકત એ છે કે આપણી આસપાસ આટલા બધા ઑબ્જેક્ટસ આવી ગયા છે કે એ આપણને એકલા રહેવા જ નથી દેતા, આપણી પાસે એટલા બધા સ્માઇલી (જેને મોબાઇલની લૅન્ગ્વેજમાં ઇમોજિસ કહે છે) મોકલવા માટે છે જે આજે આપણા ચહેરાને સ્માઇલ જ નથી આપતા કે આવવા દેતા. આપણો જેવો મૂડ નથી, આપણી જે એક્સપ્રેશન આપવાની ઇચ્છા નથી એ બધાં ઇમોજી આપણે મોકલી દઈએ છીએ અને સ્માઇલ તો, એ તો એકદમ સસ્તું થઈ ગયું છે. વાતે-વાતે અને દરેક પૉઇન્ટ પર આપણે સ્માઇલ મોકલતા રહીએ છીએ પણ સ્માઇલ કરતા નથી અને રિયલ સ્માઇલ કરવાનું તો લગભગ ભુલાઈ જ ગયું છે. કેમ કે આપણે હવે આર્ટિફિશ્યલ બની ગયા છીએ અને એનું કારણ પણ એ છે કે આપણે એકલા રહેતા નથી.


લાઇફમાં એકલા રહેવું જરૂરી છે, એકાંત મહત્ત્વનું છે. એકાંત દરમ્યાન જ તમને ખબર પડતી હોય છે કે તમે કઈ દિશામાં આગળ વધી રહ્યા છો અને કઈ તરફ તમારું આગળ વધવાનું ચાલુ છે. જે દિશામાં આગળ જાઓ છો એ દિશા સાચી છે કે નહીં એ પણ તમને તમારું આ એકાંત જ કહેશે. તમે ખરેખર ટ્રાય કરજો. તમારા મોબાઇલ, ટીવી કે બીજાં ગૅજેટ્સને દૂર કરીને શાંતિથી બેસજો.

એક મિનિટ, બે મિનિટ, ત્રણ મિનિટ.

ત્રીજી મિનિટે તો થશે જ કે મોબાઇલ ચેક કરી લઉં. વૉટ્સઍપ જોઈ લઉં કે પછી ફલાણાને ફોન કરવાનું રહી જાય છે તો લાવ એ કરી લઉં. આ બધું યાદ નહીં આવે તો એવું ઇમ્પોર્ટન્ટ કામ યાદ આવશે જે દિવસ દરમ્યાન એક પણ વાર યાદ નહોતું આવ્યું. એ કામ યાદ કરીને આપણે એ કરવા માટે ભાગીશું. ખરેખર આપણે એકલા નથી રહી શકતા. મને લાગે છે કે હવે આપણે આપણને જ સહન નથી કરી શકતા. આની પાછળનું કારણ પણ શોધવું જોઈએ. પૂછવું જોઈએ જાતને કે શું તમે ખરેખર એટલા બધા બોરિંગ છો કે તમારે કોઈ ને કોઈ ગૅજેટ્સથી તમને ખુશ કરવા કે તમને એન્ટરટેઇન કરવા પડે છે. જો તમે તમારી જ કંપનીમાં રહી ન શકતા હો તો પછી તમે બીજા કોઈ સાથે રહી શકવાને લાયક છો એવું પણ કઈ રીતે કહી શકાય. તમે જ જો તમારી જાતને સહન ન કરી શકતા હો તો પછી બીજા કેવી રીતે તમારી જાતને સહન કરે. જો તમે તમને જ રાજી ન કરી શકતા હો તો પછી બીજાને કેવી રીતે ખુશ કરી શકવાના?

આ સાવ સાચી હકીકત છે કે આપણે એકલા નથી રહી શકતા અને ક્યારેય એકલા રહી પણ નથી શકવાના, કારણ કે મોબાઇલે આપણને ટોળામાં રહેવાની આદત પાડી દીધી છે. લોનલીનેસ અને સૉલિટ્યુડ આ બન્ને અલગ ટર્મ છે. લોનલીનેસ એટલે એકલતા, જ્યારે તમે તરછોડાઈ ગયાની ભાવનાનો અનુભવ કરો અને તમારી સાથે કોઈ નથી એવું તમને લાગવાનું શરૂ થઈ જાય, પણ સૉલિટ્યુડ એટલે એકાંત. તમારી જાત સાથે રહીને જાતને સાચવવાનો સમય. એકલા રહો કે એકલા બેસો કે પછી પાંચ મિનિટ શાંતિથી બેસો કે તરત જ તમને એકલતા લાગવા માંડશે, ખોટા વિચારો આવવા માંડશે અને એ જ દેખાડે છે કે તમને તમારામાં રસ જ નથી. તમારે આ એકલતાને એકાંતમાં કન્વર્ટ કરવાની છે. જાતને ઓળખવાની અને જાત સાથે રહેવાની જરૂર છે. લોકો એવું કહેતા હોય છે કે કેટલા પ્રૉબ્લેમ છે અને કેટલું ટેન્શન છે, પણ એ બધા પ્રૉબ્લેમ અને ટેન્શનનું સૉલ્યુશન એ જ છે કે જાત સાથે રહેવાનું શરૂ કરો. તમને તમારી પાસેથી જ એ પ્રૉબ્લેમનો જવાબ મળશે અને તમે જ તમારું ટેન્શન પણ હળવું કરી શકશો. ગૅજેટ્સે આપણને બીજા પર આધારિત કરી દીધા છે. ગૅજેટ્સને પડતાં મૂકીને જો જાત સાથે રહેવાનું પસંદ આવવા માંડે તો તમે જાતે જ રિલૅક્સ થઈ જશો અને તમારા જેકંઈ પ્રૉબ્લેમ કે ટેન્શન હશે એના જવાબ પણ તમે જાતે જ શોધતા થઈ જશો. યાદ રાખજો કે જાત પાસેથી મળેલો જવાબ હંમેશાં સાચો જ હોવાનો, કારણ કે એ તમે ખુદ આપેલો છે, પણ એ જવાબ ત્યારે જ મળશે જ્યારે તમે જાત સાથે રહેવાનો સમય કાઢી શકશો. ૨૪ કલાક ગૅજેટ્સ સાથે રહેનારાઓને સાયકોલૉજિકલ કેવા-કેવા પ્રૉબ્લેમ આવે છે એના વિશે અનેક વખત સાઇકિયાટ્રિસ્ટે કહ્યું છે એટલે આપણે એ વાતમાં અત્યારે નથી પડવું, પણ હા, આ ગૅજેટ્સ તમને તમારી આસપાસના વાતાવરણ સાથે ભળવા નહીં દે, તમારી જાતથી તમને દૂર કરશે એ હકીકત છે અને આ હકીકતને આંખ સામે રાખીને નક્કી કરવાનું છે કે કરવું છે શું?

ગૅજેટ્સ સાથે રહીને જાતને ખોવી છે કે પછી જાત સાથે રહીને નવી ઊંચાઈઓને પામવી છે?

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2020 04:22 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK