Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયા દત્તની સામે પૂનમ મહાજન

પ્રિયા દત્તની સામે પૂનમ મહાજન

14 March, 2014 03:33 AM IST |

પ્રિયા દત્તની સામે પૂનમ મહાજન

પ્રિયા દત્તની સામે પૂનમ મહાજન





બે દાયકા બાદ મુંબઈમાંથી ફરી એક વાર BJPએ લોકસભાની ચૂંટણીમાં મહાજનપરિવારને ઉમેદવારી આપી છે. નૉર્થ-સેન્ટ્રલ મુંબઈની લોકસભાની બેઠક પર BJPએ સ્વર્ગીય નેતા પ્રમોદ મહાજનની પુત્રી પૂનમ મહાજનને હાલમાં આ બેઠકનાં કૉન્ગ્રેસનાં સંસદસભ્ય અને સ્વર્ગીય સુનીલ દત્તનાં પુત્રી પ્રિયા દત્ત સામે ઉમેદવારી આપી છે. પ્રદેશ BJPએ બુધવારે પૂનમનું નામ દિલ્હી મોકલાવ્યું હતું, પરંતુ આ મીટિંગમાં પૂનમના ફુઆ અને BJPના સિનિયર નેતા ગોપીનાથ મુંડે હાજર નહોતા. પાર્ટીનાં સૂત્રોએ કહ્યું હતું કે પાર્ટીમાં કોઈ વિરોધ વગર જ પૂનમનું નામ નક્કી થયા બાદ દિલ્હી મોકલી આપવામાં આવ્યું હતું.

પૂનમને તેની મહેનતના ફળરૂપે પાર્ટીની ઉમેદવારી મળી હોવાનો દાવો કરતાં પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂનમ સખત મહેનત કરે છે. વિધાનસભાની ચૂંટણીમાં ઘાટકોપર-વેસ્ટની બેઠક પરથી હારી જનારી પૂનમ આજે સાવ બદલાઈ ચૂકી છે. કેટલાય નેતાઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રવેશવા વર્ષોની મહેનત કરવી પડે છે, પરંતુ પૂનમે આ કામ ટૂંક સમયમાં કરી દેખાડ્યું હતું અને આજે તે પાર્ટીની સૌથી નાની વયના જનરલ સેક્રેટરીઓમાંની એક  છે.’

ગયા વખતે લોકસભાની ચૂંટણીમાં પ્રિયા દત્ત સામે હારી ગયેલા મહેશ જેઠમલાણી કરતાં પૂનમ પાર્ટીનો લોકપ્રિય ચહેરો છે, પરંતુ આ બેઠક દાયકાઓથી દત્તપરિવારનો ગઢ રહી હોવાથી પૂનમ માટે રસ્તો આસાન નથી. ગઈ ચૂંટણીમાં પ્રિયા દત્તને કુલ મતદાનના ૪૮ ટકા મત મળ્યા હતા અને તેના પ્રતિસ્પર્ધી મહેશ જેઠમલાણીને એના અડધા મતો પણ નહોતા મળ્યા. જોકે ગઈ ચૂંટણીમાં MNSના ઉમેદવારને પણ ૧૯ ટકા મત મળ્યા હતા, એથી જો આ વખતે MNSનો ઉમેદવાર આ બેઠક પર ન હોય તો પૂનમને ફાયદો મળી શકે. પૂનમ અને MNSના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે સારા સંબંધો હોવાથી આ શક્ય હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

આ ઉપરાંત ગઈ ચૂંટણીમાં પ્રિયા દત્ત સામે અન્ય કોઈ જાણીતો ચહેરો મેદાનમાં નહોતો, પરંતુ આ વખતે પૂનમ ઉપરાંત સમાજવાદી પાર્ટીના અબુ આઝમીએ પણ આ બેઠક પર નજર ઠેરવી છે અને કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આ બેઠક પર મજબૂત ઉમેદવાર મૂકે તો પ્રિયા દત્તની વોટ-બૅન્કમાં ગાબડું પડી શકે અને એનો લાભ પૂનમને મળી શકે એમ છે.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2014 03:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK