શું લાગે છે, કોણ આવશે ? ગુજરાતીઓ માને છે...

અમદાવાદ | May 22, 2019, 10:26 IST

ધારણાથી વિપરિત મોટાભાગના એક્ઝિટ પોલ એકલા ભાજપને સ્પષ્ટ બહુમતી આપી રહ્યા છે. ત્યારે હવે સામાન્ય જનતા પણ એક જ ચર્ચા કરી રહી છે કે કોણ આવશે. ?

શું લાગે છે, કોણ આવશે ? ગુજરાતીઓ માને છે...
તમારા મતે કોણ જીતશે ?

23 મે 2019નો દિવસ ભારતના ઈતિહાસમાં ઐતિહાસિક સાબિત થવાનો છે. ગુરુવારે લોકસભાની ચૂંટણીના પરિણામ આવશે આ સાથે જ આગામી 5 વર્ષ સુધી કોનું શાસન રહેશે, કોણ વડાપ્રધાન બનશે, આવી અનેક ચર્ચાઓનો અંત આવશે. છેલ્લા ચરણના મતદાન બાદ એક્ઝિટ પોલ આવી ચૂક્યા છે. અને ધારણાથી વિપરિત મોટાભાગના એક્ઝિટ પોલ એકલા ભાજપને સ્પષ્ટ બહુમતી આપી રહ્યા છે. ત્યારે હવે સામાન્ય જનતા પણ એક જ ચર્ચા કરી રહી છે કે કોણ આવશે. ?

જો તમે પાનના ગલ્લે કે મંદિરના ઓટલે ક્યાંય પણ બેસશો તો લોકો એક જ ચર્ચા કરતા જોવા મળશે કે કોણ આવશે. એક્ઝિટ પોલને સાચા માનીએ તો ભાજપ ફરી સત્તામાં આવી રહ્યું છે. ફરી એકવાર નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ત્યારે પરિણામ પહેલા gujaratimidday.comએ ગુજરાતીઓનું મન જાણવાનો પ્રયત્ન કર્યો છે. અમે સામાન્ય જનતા સાથે વાત કરી અને તેમનો મત જાણ્યો કે તેમના મતે કોણ આવશે.

gruhini

ગૃહિણીઓનું માનવું છે...

અમદાવાદના હાઉસવાઈફ અલ્પાબેન કલાલનું કહેવું છે કે,'ભાજપ જીતશે. મોદી છે એટલે અમને ચિંતા નથી. કોંગ્રેસ ના આવે એ જ સારુ છે. નોટબંધીને કારણે ભલે નુક્સાન થાય પરંતુ આપણે મેનેજ કરવાનું છે. ભાજપ આવશે તો બાળકોનું ફ્યુચર સુધરશે. એટલે થોડુંક સહન કરવું પડશે, પણ આવશે તો મોદી જ'. તો વધુ એક હાઉસવાઈફ ક્રિષ્ના જોશીનું પણ કંઈક આવું જ માનવું છે. અલ્પાબેનની વાતને ટેકો આપતા ક્રિષ્ના જોશી કહે છે કે,'મોદી સાહેબ આટલા દેશમાં ફર્યા છે, વર્લ્ડ લેવલે ભારતની ઈમેજ સુધારી છે. વિદેશી રોકાણ વધ્યું છે. મા અમૃતમ કાર્ડ જેવી યોજનાઓથી સામાન્ય લોકોને ફાયદો થયો છે. ને નોટબંધી જેવું તો દેશના વિકાસ માટે કરવું પડે. એટલે મોદી સરકાર જ બનશે ફરીવાર'

vepari

વેપારીઓ છે ભાજપના પક્ષમાં

ગુજરાતી મિડ ડે ડોટકોમે વેપારીઓ સાથે પણ વાત કરી. અમદાવાદના રાયપુર વિસ્તારમાં સિઝનલ ધંધો કરતા ચંદ્રેશ મોદી પણ કહી રહ્યા છે કે આવશે તો મોદી જ. ચંદ્રેશભાઈનું કહેવું છે કે મહાગઠબંધન હોયને તો ટાંટિયાખેંચ થાય, ભાજપના હાથમાં જ સત્તા સોપવી સારી. રાહુલ ગાંધીને ભાષણ આપતા નથી આવડતું, અત્યાર સુધી કોંગ્રેસે કશું જ કર્યું નથી. એટલે ભાજપની જ સરકાર બનશે. મોદી ચોખ્ખો માણસ છે અને કોંગ્રેસ પાસે કોઈ મજબૂત માણસ નથી. માટે ભાજપ જ જીતશે. તો અમદાવાદમાં સલૂન ધરાવતા ફાલ્ગુન પારેખ દ્રઢ પણે માને છે કે ભાજપની સરકાર જ દેશ માટે સારી છે. સરકારે વાયદા આપ્યા છે, કેટલાક પૂરા નથી થયા પણ એના માટે ટાઈમ આપવો પડે. એટલે પબ્લિક ભાજપને જ જીતાડશે.

 parag dipal

નોકરિયાત વર્ગ ઈચ્છે છે પુનરાવર્તન

નોકરિયાત વર્ગ પણ કંઈક આવું જ માની રહ્યો છે. એક ખાનગી કંપનીમાં નોકરી કરતા પરાગ પુરોહિત અને તેમના કલીગ દીપલ ભગતના મતે પણ 23મી મેના રોજ ભારતમાં ભાજપને જ બહુમતી મળી રહી છે. દીપલ ભગત માને છે કે મોદી સરકારમાં પ્રજાલક્ષી કામ થયા નથી એ વાત સાચી. પાયાની જરૂરિયાતો પણ પૂરી કરવી જોઈએ એ પણ સાચું પરંતુ રાષ્ટ્રવાદના મુદ્દે ભાજપ સફળ રહ્યું છે. સામે વિપક્ષ માત્ર મોદીને ટાર્ગેટ કરતું હતું. વિપક્ષે પોતાનું વિઝન આપ્યું જ નથી. એટલે આ બધું ભેગુ થઈને અંતે તો વાત ભાજપના પક્ષમાં જ જશે. તો પરાગ પુરોહિત થોડું જુદુ માને છે. તેમનું કહેવું છે કે રાષ્ટ્રવાદનો નિર્ણય સારો છે, પણ મોદી સરકારની લોકપ્રિયતા તેમની કામગીરીને કારણે વધી છે. એટલે જનતા એમને જ બીજી તક આપશે.

student

વિદ્યાર્થીઓમાં પણ મોદી ફીવર

હર્ષ કલાલ નામના વિદ્યાર્થીએ આ વખતની ચૂંટણીમાં પહેલીવાર મત આપ્યો છે. અને તે પણ એવું માને છે કે કોંગ્રેસ નિષ્ફળ રહી છે. મનમોહનસિંહનો યોગ્ય યુઝ કોંગ્રેસ નથી કરતી. મોદી સાહેબે ગુજરાતમાં પણ વિકાસ કર્યો હતો. એટલે ગુજરાતીઓ તેમના જપક્ષે છે. નોટબંધીનો નિર્ણય પણ સારો હતો. સામે રાહુલ ગાંધીએ કશું કર્યું નથી. કોંગ્રેસે તો કૌભાંડ જ કર્યા છે. અમે આ બધું જોઈએ છીએ. એટલે મને લાગે છે જીતશે તો ભાજપ જ. અમદાવાદની સુમન પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ હર્ષિત પટેલ પણ વિદ્યાર્થીના સૂરમાં સૂર પૂરાવે છે. જો કે તેમનો મત થોડ અલગ છે. હર્ષિત પટેલનું કહેવું છે કે પ્રજાને દેખાડો જોઈએ છે. અને મોદી સરકાર દેખાડો સારો કરે છે. એટલે મોદી ફીવર છે. માર્કેટિંગ મજબૂત છે. એટલે વિકાસના કામોને બધા મુદ્દા બાજુ પર છે. પણ મોદી સરકારને જીતવાના ચાન્સ વધારે છે.

vepari 2

મુંબઈ અને રાજકોટના વેપારીઓ પણ ભાજપની જ જીતની આગાહી કરી રહ્યા છે. રાજકોટમાં જ્વેલરીનો બિઝનેસ કરતા ભાવેશ સોની તો ભાજપને 325થી 350 સીટ આપી રહ્યા છે. તેઓ કહે છે કે રાહુલ ગાંધીની ઈમેજ સારી નથી. મહાગઠબંધન થાય એ જ ભાજપની તાકાત બતાવે છે. બાલાકોટ એરસ્ટ્રાઈક જેવા નિર્ણયો ભાજપને ફાયદો કરાવશે. જ્યારે કોંગ્રેસ હંમેશા વાતચીતની વાત કરતી હતી. પણ ભાજપે પાકિસ્તાનને જવાબ આપ્યો છે. એટલે લોક ભાજપના પક્ષે છે. મુંબઈના વેપારી જીમીત વ્યાસ પણ ભાજપની જ જીતનો દાવો કરી રહ્યા છે. તેમના મતે કોંગ્રેસ પાસે કોઈ વિઝન જ નથી. અને ભાજપ પાસે આગામી સમયનો પ્લાન છે. જીમિત વ્યાસ કહે છે,'ભાજપના રાજમાં કોઈ કૌભાંડ નથી થયા, રાફેલમાં પણ ક્લીન ચિટ મળી છે. એટલે ભાજપ જ જીતવાનું છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK