ગુજરાતની આઠ વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ

Published: 4th November, 2020 13:00 IST | Agency | Gandhinagar

સૌથી ઓછું ધારીમાં ૪૨.૧૮ ટકા મતદાન

વોટિંગ
વોટિંગ

કોરોના મહામારીના સંકટ વચ્ચે ગુજરાતની વિધાનસભાની ૮ બેઠકમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા તથા કરજણ બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આઠ બેઠકનું કુલ મતદાન ૫૭.૯૮ ટકા થયું છે. આ પેટાચૂંટણીમાં કુલ ૮૧ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થઈ ગયું છે. કૉન્ગ્રેસના ધારાસભ્યોએ આપેલાં રાજીનામાં બાદ ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠકને લઈને આ પેટાચૂંટણી યોજા, હતી. ૧૦ નવેમ્બરે આઠ બેઠકનાં ચૂંટણીનાં પરિણામ જાહેર કરવામાં આવશે.

ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની વિધાનસભાની પેટાચૂંટણીમાં સૌથી વધુ ડાંગમાં અને સોથી ઓછું ધારીમાં મતદાન નોંધાયું છે. ડાંગમાં ૭૪.૭૧, કપરાડામાં ૬૪.૩૪, કરજણમાં ૬૫.૯૪, અબડાસામાં ૫૭.૭૮, લીંબડીમાં ૫૬.૦૪, મોરબીમાં ૫૧.૮૮, ગઢડામાં ૪૭.૮૬ અને ધારીમાં ૪૨.૧૮ ટકા મતદાન નોંધાયું છે. આ સાથે સૌથી ઓછું ધારીમાં ૪૨.૧૮ ટકા મતદાન નોંધાયું છે.

આ પેટાચૂંટણીમાં બીજેપી-કૉન્ગ્રેસના મુખ્ય રાજકીય પક્ષોના હરીફ ઉમેદવારોની સાથોસાથ કુલ ૮૧ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. રાજ્યસભાની ચૂંટણી તથા ત્યાર બાદ કૉન્ગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાંના કારણે આ બેઠકો ખાલી પડી હતી. આ વખતની પેટાચૂંટણીમાં મોટા ભાગે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં જોડાયેલા સભ્યો ઉમેદવાર હોવાથી સતત રાજકીય સ્થિરતા, વિકાસ, પક્ષપલટુ, વિશ્વાસઘાત જેવા આક્રમક મુદ્દા ચર્ચામાં રહ્યા હતા.

બિહારમાં બીજા તબક્કામાં ૫૩.૫૧ ટકા મતદાન

બિહારમાં ગઈ કાલે બીજા તબક્કાના મતદાનમાં રેકૉર્ડ ૫૩.૫૧ ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યના ૧૭ જિલ્લાઓની ૯૪ બેઠકો માટે આ મતદાન થયું હતું. ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ૭ નવેમ્બરે થશે. ગઈ કાલે દેશનાં દશ રાજ્યોમાં પેટાચૂંટણીઓ માટે પણ મતદાન થયું હતું. નાગાલૅન્ડમાં સૌથી વધુ ૮૩.૬૯ ટકા મતદાન થયું હતું તો મધય પ્રદેશની ૨૮ સિટી માટે કુલ ૬૬.૩૭ ટકા મતદાન નોંધાયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK