લાંબા સમયથી જેની ચર્ચા ચાલતી હતી એનો ગઈ કાલે અંત આવ્યો હતો. બીજેપીના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ પક્ષના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે બીજેપી સાથે કોઈ વાંધો નથી, પણ દેવેન્દ્ર ફડણવીસને લીધે હું પક્ષ છોડી રહ્યો છું. ખડસેના રાજીનામા બાદ થોડી જ વારમાં એનસીપીના વરિષ્ઠ નેતા જયંત પાટીલે ટ્વીટ કર્યું હતું કે એકનાથ ખડસેએ બીજેપીમાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓ ૨૩ ઑક્ટોબર એટલે કે શુક્રવારે બપોરે ૨ વાગ્યે શરદ પવારની હાજરીમાં એનસીપીમાં પક્ષ-પ્રવેશ કરશે.
બીજેપીના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ ગઈ કાલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને રાજીનામું સોંપ્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે પોતે વ્યક્તિગત કારણસર પક્ષ છોડી રહ્યા છે. જોકે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારી પક્ષ છોડવાની ઇચ્છા નહોતી પણ એક વ્યક્તિને લીધે છોડી રહ્યો છું. આ બાબતની ફરિયાદ મેં પક્ષના વરિષ્ઠ નેતાઓને કરી હતી, પરંતુ કોઈએ મારી વાત સાંભળી નહોતી. આથી મેં પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે.
શુક્રવારે એટલે કે આવતી કાલે એકનાથ ખડસે એનસીપીમાં પક્ષ-પ્રવેશ કરશે. તેમણે કહ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષથી મેં ખૂબ બદનામી સહન કરી છે. હું બીજેપીથી નારાજ નથી, પણ એક વ્યક્તિથી નારાજ છું. મારા ઉપર જે આરોપ લગાવાયા હતા એની તપાસમાં કંઈ સાબિત નથી થયું. બાકીના નેતાઓ પર પણ આરોપ લાગ્યા, એમને ક્લીન ચિટ અપાઈ હતી, મને નહીં.
એકનાથ ખડસેએ પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ૪૦ વર્ષ બીજેપી માટે કામ કર્યું. એવા સમયે કામ કર્યું હતું જ્યારે લોકો પથ્થર મારતા હતા. જોકે અમે મહેનત કરીને સરકાર બનાવી. સરકારમાં પ્રધાન બનાવાયો હતો. વિધાનસભામાં મારા પર આરોપ મુકાયા ત્યારે એનસીપી, કૉન્ગ્રેસ કે શિવસેનાએ તપાસની માગણી નહોતી કરી, કારણ કે તેઓ જાણતા હતા હું નિર્દોષ છું.
એકનાથ ખડસેના રાજીનામા બાદ મહારાષ્ટ્ર બીજેપીના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું હતું કે તેમણે પક્ષના પ્રાઇમરી સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. અમે તેમને પક્ષ છોડતા રોકવાના તમામ પ્રયાસ કર્યાં હતા, પરંતુ એ નાકામ રહ્યા હતા. જોકે રાવેર બેઠકના લોકસભાનાં સંસદસભ્ય રક્ષા ખડસે પક્ષમાં જ રહેશે. એકનાથ ખડસેનાં પુત્રી રોહિણી પણ બીજેપીનો સાથ છોડીને એનસીપીમાં જોડાવાની શક્યતા છે.
ઇડીને જ્યારે જરૂર પડશે ત્યારે હાજર રહીશ: એકનાથ ખડસે
16th January, 2021 10:40 ISTરાજ્યની વિધાન પરિષદના સભ્યો બનશે ઊર્મિલા માતોંડકર અને એકનાથ ખડસે?
7th November, 2020 13:38 ISTમારા પિતાનો બીજેપી છોડવાનો નિર્ણય આકરો છતાં અનિવાર્ય : રોહિણી ખડસે
23rd October, 2020 06:39 ISTખડસે આવતી કાલે પુત્રી સાથે એનસીપીમાં પ્રવેશ કરશે?
21st October, 2020 11:14 IST