અહો આશ્ચર્યમ્

Published: 21st February, 2021 09:59 IST | Bakulesh Trivedi | Mumbai

કપોળ વિદ્યાનિધિ સ્કૂલમાં ઑફલાઇન પરીક્ષા લેવાઈ રહી છે એની એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને જાણ જ નથી! તેમનું કહેવું છે કે અમને આ વિશે ફરિયાદ નથી મળી

કપોળ વિદ્યાનિધિ સ્કૂલ
કપોળ વિદ્યાનિધિ સ્કૂલ

કાંદિવલી (વેસ્ટ)માં આવેલી આઇસીએસઈ બોર્ડની કપો‍ળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં દસમા ધોરણની પ્રિલિમ એક્ઝામ અને નવમા ધોરણની ફાઇનલ એક્ઝામ ઑફલાઇન લેવાઈ રહી છે એ બાબતે એજ્યુકેશન બોર્ડના વેસ્ટ ઝોનના ઇન્સ્પેક્ટર તદ્દન અજાણ છે. રાજ્ય સરકાર દ્વારા એમએમઆર રીજનમાં સ્કૂલો અને કૉલેજો ચાલુ કરવા બાબતે હજી પરવાનગી અપાઈ નથી ત્યારે કપોળ વિદ્યાનિધિ સ્કૂલ દ્વારા લેવાઈ રહેલી આ ઑફલાઇન એક્ઝામ બાબતે અનેક વાલીઓ નારાજ હોવાનું જણાઈ આવ્યું છે.

સ્કૂલને ઑફલાઇન એક્ઝામ માટે સ્પેશ્યલ પરવાનગી અપાઈ છે કે કેમ એ જાણવા ‘મિડ-ડે’ દ્વારા વેસ્ટ ઝોનના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મહેન્દ્ર ભોયેનો સંપર્ક કરવામાં આવ્યો અને એ વિશે પૂછપરછ કરાઈ ત્યારે તેમણે કહ્યું હતું કે ‘સ્કૂલમાં ઑફલાઇન એક્ઝામ લેવાઈ રહી છે એ વિશે મને જાણ નથી. અમને આ વિશે કોઈ ફરિયાદ પણ મળી નથી. અમે આ બાબતે તપાસ કરીશું.’      

સ્કૂલ દ્વારા ગુરુવારથી એક્ઝામ લેવાનું શરૂ કરાયું છે. શુક્રવારે શિવાજી જયંતીની રજા હતી, જ્યારે ગઈ કાલે બીજું પેપર હતું. સ્કૂલમાં એન્ટર થતાં જ બાળકોને ફૉગિંગ સિસ્ટમથી સૅનિટાઇઝ કરાય છે, દરેક વિદ્યાર્થીને માસ્ક હોય તો જ એન્ટ્રી અપાય છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરાવાઈ રહ્યું છે. સ્કૂલ દ્વારા દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ઑફલાઇન એક્ઝામ રખાઈ છે, જ્યારે નવમા ધોરણના વિદ્યાર્થીઓને ઑનલાઇન એક્ઝામનો ઑપ્શન અપાયો છે. ગઈ કાલે વિદ્યાર્થીઓ એક્ઝામ આપીને બહાર નીકળ્યા કે તરત જ કેટલાક ટીચરો પણ તેમની સાથે નીચે કમ્પાઉન્ડમાં આવી ગયા હતા. વિદ્યાર્થીઓ સ્કૂલના કમ્પાઉન્ડમાં જ એકબીજાને મળીને પેપર કેવું ગયું, શું અઘરું હતું જેવી સામાન્ય ચર્ચાઓ કરતા હોય છે, પણ ટીચરોએ એ વાતની કાળજી રાખી હતી કે તેઓ સ્કૂલના કમ્પાઉન્ડમાં ભેગા ન થાય. તેમને તરત જ ત્યાંથી વિખેરાઈ જવા અને ઘરે ચાલ્યા જવા કહેવાયું હતું. આમ એક બાજુ કોરોનાને કારણે લોકો ભેગા ન થાય એ માટે સરકાર દ્વારા લેવાતાં કડક પગલાં અને બીજી બાજુ સ્કૂલ દ્વારા લેવાતી ઑફલાઇન એક્ઝામ. આમ તદ્દન વિરોધાભાસી બાબતોને લઈને વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હોવાનું કાંદિવલીમાં ચર્ચાઈ રહ્યું છે.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK