કાળાં નાણાંનું નાટક ઍબ્સર્ડ છે કે ફારસ?

Published: 29th November, 2014 06:32 IST

BJPની ભાષા BJPને વ્યાજ સાથે માથે મારવામાં આવી રહી હતી ત્યારે નાણાપ્રધાન અરુણ જેટલી ખુલાસો કરવા ઊભા થયા હતા. તેમની પાસે લેખિત દલીલો હતી જે નાણામંત્રાલયના અધિકારીઓએ તૈયાર કરી આપી હશે. નાટકમાં જેને ક્લાઇમૅક્સ કહે છે એ હવે આવે છે. અરુણ જેટલીએ કાનામાત્રના ફરક વિના એ જ ભાષા, એ જ આરોહ-અવરોહ અને વધારે સારા અભિનય સાથે એ જ સંવાદો બોલ્યા હતા જે પ્રણવ મુખરજી નાણાપ્રધાન તરીકે ૨૦૧૧ની ૧૪ ડિસેમ્બરે બોલ્યા હતા

કારણ-તારણ- રમેશ ઓઝા

નાટકોમાં કેટલીક વાર અભિનેતા બદલાતો હોય છે ત્યારે નવો અભિનેતા એ જ અભિનય કરે છે અને એ જ સંવાદો બોલે છે જે આગલો અભિનેતા બોલતો હતો. એમાં નથી કાનામાત્રનો ફરક પડતો, નથી અવાજના આરોહ-અવરોહમાં ફરક પડતો અને દિગ્દર્શક આગ્રહ રાખે છે કે અભિનયમાં પણ કોઈ ફરક ન પડવો જોઈએ. બુધવારે લોકસભામાં અદ્દલ જૂનું નાટક એ જ સંવાદો સાથે, એ જ આરોહ-અવરોહ સાથે અને વધારે સારા અભિનય સાથે ભજવાયું હતું. રાજકારણીઓની સ્થિતિ બદલાય એટલે ભાષા બદલાય એનો આપણને લાંબો અનુભવ છે, પણ આવું તંતોતંત પુનરાવર્તન સંસદમાં ભાગ્યે જ થયું હશે.


સંસદના શિયાળુ સત્રમાં કાળાં નાણાંનો પ્રશ્ન તો આવવાનો જ હતો. ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં મોટા દાવાઓ કર્યા પછી અને સર્વોચ્ચ અદાલતે મોટા દાવાઓ કરનારી સરકારનું નાક કાપ્યા પછી વિરોધ પક્ષ સરકારને છોડવાના નહોતા. તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્યો પહેલા દિવસે કાળી છત્રી ઓઢીને અને બીજા દિવસે કાળી શાલ ઓઢીને સંસદમાં આવ્યા હતા અને સંસદની બહાર ઊભા રહીને કાળું નાણું પાછું લાવવા સૂત્રો પોકાર્યા હતાં. વિરોધ પક્ષોએ સંસદમાં કૉન્ગ્રેસને કઈ રીતે ભીંસમાં લેવી એની રણનીતિ પણ તૈયાર કરી હતી જેને અંગ્રેજી સંસદીય પરિભાષામાં ફ્લોર કો-ઑર્ડિનેશન કહે છે. તૃણમૂલ કૉન્ગ્રેસ આમાં જોડાઈ નહોતી, કારણ કે એ અલગ રીતે વધારે ઊંચા અવાજે પોતાની તાકાત અને નિસ્બતનું પ્રદર્શન કરવા માગતી હતી. આ બધું નાટક છે અને પરિસ્થિતિપ્રર્યાપ્ત મળતી ભૂમિકાની ભજવણી છે. કેટલાંક કલાકારો ગળે ન ઊતરે એવી જાડી (લાઉડ) ઍક્ટિંગ કરતા હોય છે; મમતા બૅનરર્જી‍ આવાં લાઉડ એક્ટિંગ કરનારાં પ્રખ્યાત કલાકાર છે.


બુધવારે કૉન્ગ્રેસના લોકસભામાંના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કાળું નાણું દેશમાં પાછું લાવવાનું અને વિદેશી બૅન્કોમાં કાળું ધરાવતા અકાઉન્ટ-હોલ્ડરોનાં નામ જાહેર કરવાના સરકારના વચનની યાદ દેવડાવી હતી. સત્તામાં આવ્યા પછી સો દિવસમાં સરકાર વિદેશમાંની બૅન્કોમાં ભારતીયોએ છુપાવેલું કાળું નાણું પાછું લાવશે એવું વચન નરેન્દ્ર મોદીએ મતદાતાઓને આપ્યું હતું અને સ્વચ્છ શાસન તેમ જ પારદર્શકતાના નામે ચૂંટણી જીતી હતી. સો દિવસની જગ્યાએ ૧૮૦ દિવસ વીતી ગયા છે અને હજી સુધી નાણાંનો પતો નથી એવો ટોણો પણ તેમણે માર્યો હતો. કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન વેન્કૈયા નાયડુએ સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે સરકારે સો દિવસની અંદર વિદેશમાંથી કાળું નાણું ભારત પાછું લાવવાની તજવીજ કરવાનું વચન આપ્યું હતું અને સરકારે એવી તજવીજ શરૂ કરીને વચનપૂર્તિ કરી છે. ચર્ચા જ્યારે ગરમાવા લાગી અને લાલ કૃષ્ણ અડવાણીની ઉપસ્થિતિમાં સરકારની હાલત કફોડી થવા માંડી ત્યારે નાણાપ્રધાન અરુણ જેટલી સરકારનો બચાવ કરવા ઊભા થયા હતા. અડવાણીની ઉપસ્થિતિ કઈ રીતે શાસક પક્ષને અને અડવાણીને પોતાને મૂંઝવનારી હતી અને અરુણ જેટલીની અંદર કઈ રીતે ભૂતપૂવર્‍ નાણાપ્રધાન અને અત્યારના રાષ્ટ્રપતિએ કાયાપ્રવેશ કર્યો હતો એ સમજવા માટે ૨૦૧૧ની ૧૪ ડિસેમ્બરે પાછા જવું પડશે.


કૉન્ગ્રેસે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીની માફક જ દેશની જનતાને વચન આપ્યું હતું કે શ્ભ્ખ્ સરકાર જો પાછી સત્તામાં આવશે તો સો દિવસની અંદર વિદેશી બૅન્કોમાં જમા ભારતીય નાગરિકોનું કાળું નાણું ભારત પાછું લાવશે. સરકાર ફરી વાર સત્તામાં તો આવી પણ કાળું નાણું ભારત પાછું લાવવાની જગ્યાએ કાનૂની અડચણોના અને લાંબા ગાળાનાં દેશહિતનાં બહાનાં કાઢવાનું શરૂ કર્યું હતું. કાળાં નાણાંની તપાસ માટે સર્વોચ્ચ અદાલત સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરે એની સામે પણ સરકારે વિરોધ કર્યો હતો. ૨૦૧૧ની ૧૪ ડિસેમ્બરે લોકસભામાં લાલ કૃષ્ણ અડવાણીએ કાળાં નાણાંનો અને સરકારના સો દિવસના વચનનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ત્રણ વર્ષ પછી કૉન્ગ્રેસના મલ્લિકાર્જુન ખડગે લોકસભામાં એ જ દલીલ કરતા હતા જે અડવાણીએ કરી હતી. ખડગે અડવાણીને તેમ જ સરકારને શરમાવવા માટે જાણીબૂજીને અડવાણીને ટાંકતા હતા. અડવાણીની ભાષામાં જ બોલતા હતા. માત્ર શૈલી ખડગેની હતી, દલીલો બધી જ અડવાણીની હતી. ખડગેએ વિદેશોમાં પડેલાં કાળાં નાણાંના પ્રમાણનો આંકડો પણ એ જ ટાંક્યો હતો જે અડવાણીએ રામદેવ પાસેથી પ્રેરણા લઈને ટાંક્યો હતો. ૨૫ લાખ કરોડનો આંકડો રામદેવ ક્યાંકથી લઈ આવ્યા હતા જેને અડવાણીએ સાદી બુદ્ધિ વાપર્યા વિના અપનાવી લીધો હતો. લોકસભામાં સરકાર બહુમતીમાં હોવા છતાં શાસક પક્ષની હાલત કફોડી થઈ ગઈ હતી.


BJPની ભાષા BJPને વ્યાજ સાથે માથે મારવામાં આવી રહી હતી ત્યારે નાણાપ્રધાન અરુણ જેટલી ખુલાસો કરવા ઊભા થયા હતા. તેમની પાસે લેખિત દલીલો હતી જે નાણામંત્રાલયના અધિકારીઓએ તૈયાર કરી આપી હશે. નાટકમાં જેને ક્લાઇમૅક્સ કહે છે એ હવે આવે છે. અરુણ જેટલીએ કાનામાત્રના ફરક વિના એ જ ભાષા, એ જ આરોહ-અવરોહ અને વધારે સારા અભિનય સાથે એ જ સંવાદો બોલ્યા હતા જે પ્રણવ મુખરજી નાણાપ્રધાન તરીકે ૨૦૧૧ની ૧૪ ડિસેમ્બરે બોલ્યા હતા. ધ ક્વેશ્યન ઇઝ નૉટ વેધર ટુ ડિસ્ક્લોઝ ધ નેમ્સ બટ હાઉ ઍન્ડ વેન ટુ ડિસ્ક્લોઝ ધેમ... વી હૅવ ટુ ડિસ્ક્લોઝ ધ નેમ્સ ઇન અ વેરી પ્રુડન્ટ ઍન્ડ થૉટફુલ મૅનર. નાણાપ્રધાન જ્યારે ખુલાસો કરતા હતા ત્યારે તેમને બિચારાને જાણ નહોતી કે બચાવની ભાષા પણ ત્રણ વર્ષ જૂની આગલા નાણાપ્રધાનની છે. નાણામંત્રાલયના સચિવોએ આગલી ચર્ચાની ફાઇલો જોઈને દલીલોનો બેઠો ઉતારો કરી આપ્યો હશે જેને નાણાપ્રધાન વાંચી ગયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK