૫.૩ની તીવ્રતાના ભૂકંપે ગુજરાતને હચમચાવ્યું, મુંબઈમાં પણ આંચકા

Published: 21st October, 2011 15:19 IST

અમદાવાદ : ૫.૩ની તીવ્રતાવાળા ભૂકંપે ગઈ કાલે રાત્રે ગુજરાતને ધ્રુજાવ્યું હતું. ભૂકંપનું એપિસેન્ટર જૂનાગઢના વંથલીમાં હતું. ભૂકંપના આંચકા જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમદાવાદ અને સુરત એમ સમગ્ર ગુજરાતમાં અનુભવાયા હતા. ભૂકંપને લીધે લોકો ફફડી ઊઠ્યા હતા અને ઘરની બહાર નીકળી આવ્યા હતા. સદ્ભાગ્યે હજી સુધી કોઈ જાનહાનિ કે નુકસાન થયાના અહેવાલો નથી મળ્યા.

આ ભૂકંપથી લોકોના મનમાં ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ આવેલા ભયાનક ભૂકંપની યાદ તાજી થઈ હતી. ૭.૬ના એ સમયના ભૂકંપને લીધે ૨૦,૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને કચ્છ તથા અમદાવાદમાં ભારે નુકસાન થયું હતું. ગઈ કાલના ભૂકંપના આંચકા મુંબઈ નજીકના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.


એપિસેન્ટર જેતપુરથી ૨૫ કિલોમીટર સાઉથ-વેસ્ટ સાસણ અને વંથલી વચ્ચે હતું. સોમનાથ અને દીવ સહિતની દરિયાઈ પટ્ટીમાં ભૂકંપના આંચકાઓ અનુભવવામાં આવ્યા હતા. કંડલા બંદરે પણ ભૂકંપની તીવ્રતા અનુભવવામાં આવી હતી. જૂનાગઢમાં ત્રણ જણે ગભરાટમાં મકાન ઉપરથી છલાંગ મારતાં તેમને નજીવી ઈજાઓ થઈ હતી. એપિસેન્ટરની આસપાસના અમુક વિસ્તારોમાં વીજળી ગૂમ થઈ ગયાના સમાચાર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK