ધવલ ધવલ બની ધરતી

Published: Jan 19, 2020, 17:09 IST | hiten anandpara | Mumbai Desk

બકુલ રાવળના શેર સાથે એક દાર્શનિક નજરે આ નજારો જોઈએ...

ગ્લોબલ વૉર્મિંગના પ્રતાપે ઠંડી, ગરમી અને વરસાદ ત્રણેય મોગેમ્બોની જેમ મુખર બન્યાં છે. લગ્નોત્સુક કન્યાની શરમ ગુમાવી બે દાયકાના દામ્પત્યજીવન પછી વીફરેલી પત્નીની જેમ આક્રમક થતાં જાય છે. શિયાળાની મોસમ જામી છે ત્યારે બરફે પોતાનું શ્વેત સામ્રાજ્ય પાથરી દીધું છે. બકુલ રાવળના શેર સાથે એક દાર્શનિક નજરે આ નજારો જોઈએ...

બરફના પહાડો સમી જિંદગીમાં
સ્વયં ઓગળું છું ને ચાલ્યા કરું છું
ભર્યુંભાદર્યું ઘર ને હું તો અજાણ્યો
અજબ છે તમાશો, નિહાળ્યા કરું છું
હિમાચલ પ્રદેશમાં બરફના ચાર ફુટના થર જામી ગયા. કાશ્મીર જન્નત છે એનો અહેસાસ બરફ કરાવે છે. અવળચંડા પાકિસ્તાની સૈનિકો-આતંકવાદીઓને બરફ દાબમાં રાખે છે. જપાનના આઓમારી શહેરમાં ૨૧ ફીટ બરફ પડ્યો. ઉત્તર અલ્જીરિયાનું લાલ રેતીવાળું રણ સહરાનું પ્રવેશદ્વાર ગણાય. અહીં ૧૬ ઇંચની હિમવર્ષા નોંધાઈ છે. ટોક્યોમાં અડધી સદી પછી બરફની વર્ષા થઈ. ક્રૂડ અને રણ માટે પ્રખ્યાત સાઉદી અરેબિયામાં પણ બરફ પડ્યો. બરફની વાતને ગુજરાતીતા સાથે કીર્તિકાન્ત પુરોહિત સાંકળે છે...
કઠણ છે, બરફ માફક વહી શકે છે
પવન, ઝંઝા બધુંયે સહી શકે છે
સમંદર સાત ઓળંગતો જવાનો
એને ગુજરાતી બચ્ચો કહી શકે છે
વિશ્વભરમાં પથરાયેલા પહાડો યુગોથી બરફની ચાદર પહેરીને તરોતાજા હોવાનો અહંકાર રાખે છે અને સફળ પણ થાય છે. આ સફેદી વૃદ્ધત્વની નથી, તાજગીની છે. જિગર ફરાદીવાલા સ્વાવલોકન કરે છે...
હવે એમ લાગે છે ખાલી થયો છું
યુગોથી હું ખુદને ઉલેચી રહ્યો છું
બરફ જેમ કાયમ ન થીજી શક્યો છું
છે થોડાક કિસ્સા હું જેમાં દડ્યો છું
બરફાની બાબાના અવનવા કિસ્સા બની રહ્યા છે. ગુજરાતના બનાસકાંઠામાં બરફ પડ્યો. કચ્છનું સફેદ રણ આમ તો સફેદ રેતી માટે પ્રખ્યાત છે. અહીં રણોત્સવના સમયમાં બરફ પડ્યો ને લોકો ચકિત થઈ ગયા. રણમાં બરફ! ઠંડી વીફરી છે. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં માઇનસ ૬, પહેલગામમાં માઇનસ ૪.૫, લેહમાં માઇનસ ૧૧.૯, દ્રાસમાં માઇનસ ૧૦.૩, કારગિલમાં માઇનસ ૧૬.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ૨૦૧૯ અને ૨૦૨૦ના સંધિકાળે ઘણુંબધું આશ્ચર્યજનક બની રહ્યું છે. જવાહર બક્ષી સંબંધના સંદર્ભે હૂંફની અછતને તપાસે છે...
બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે
તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે
મનાલી કે શિમલામાં પ્રવાસીઓ બરફનો આનંદ લૂંટે ત્યારે તેમની ભીતર શાંત પડી રહેલા હરફ ખૂલવા લાગે. આવા સમયે એકબીજા પર બરફ ઉડાડવાનો લુત્ફ ઉઠાવવાનો હોય. ઠરીને ઠીકરું થઈ જાય એવી હયાતી લઈને શ્વસતું ભૂલકું આત્મવિશ્વાસથી બે હથેળીમાં બરફ ઝાલે ત્યારે એવું લાગે જાણે મંદિરનાં ફૂલને બદલે બરફ વર્ષાવવાની તૈયારી કરી રહ્યો છે. પ્રવીણ શાહની જેમ આપણને પણ આ ગમવાનું...
આભમાં અધ્ધર ઊછળવાનું ગમે
અમથું પણ વાદળને અડવાનું ગમે
થાય કે વ્હેતો રહું હું વ્હેણમાં
આ બરફ માફક પીગળવાનું ગમે
બાળકની હથેળીમાં પીગળીને બરફ પણ સાર્થકતા અનુભવતો હશે. બર્ફીલા પ્રદેશોમાં રહેવું આકરું હોય છે. પરદેશની જેમ આપણે ત્યાં ગ્રામ્યવિસ્તારમાં હીટર હોતાં નથી. સાચવેતી ન રાખો તો ઠૂંઠવાઈ જવાય. હેમંત ગોહિલ ‘મર્મર’ એક તીણો પ્રશ્ન પૂછે છે...
બરફની જાત છે ને એય તડકે છે
છતાંયે રોજ ઇચ્છા કેમ ખડકે છે?
કેટલીક ઇચ્છા રસ્તે વહેતા લોહી જેવી ખોફનાક લાગે. તો કેટલીક ઇચ્છા નદીના ખળખળ વહેતા પાણીની રવાની લઈને શ્વસતી હોય. કેટલીક ઇચ્છા બરફ પહેરેલી ટેકરીની જેમ શાંતિ ધારણ કરીને ઊભી હોય. બધાય કોલાહલોને આત્મસાત કરીને બેઠી હોય એવી બરફાચ્છાદિત ટેકરીઓને અઢેલવાનું સુખ મળે તો એ ઝૂંટવી જ લેવું જોઈએ. સમય આપણા પર રાજ કરે છે એ માન્યું, પણ સમયને થપ્પો આપી જિંદગીને નાનાં-નાનાં સુખોથી રળિયાત કરવી જોઈએ. બરફથી કદાચ શરીર શિથિલ બની શકે, સંવેદના શુષ્ક ન થવી જોઈએ. નીરવ વ્યાસ ફ્લેશબૅકમાં લઈ જાય છે...
ઓગળી ચાલ્યો બરફ અડતાંની વેંતમાં
સૂર્યનું પહેલું કિરણ પડતાંની વેંતમાં
થઈ ગયા પાછા ફરી કોલેજિયન અમે
પત્ર જૂનો એક બસ જડતાંની વેંતમાં
જિંદગી કેટલીક વાર કાગળ લખનારને આપણી કુંડળીમાં મૂકે છે તો કેટલીક વાર ફક્ત તેના કાગળને. સમય જોરૂકો થઈને કાગળને ઝાંખો પાડી દેવાનું કૌવત ધરાવે છે, પણ એના અક્ષરોને આંખોમાંથી ભૂંસી શકતો નથી. જયવદન વશી પ્રાપ્તિ-ખાલીપણાને આલેખે છે...
થઈ બરફ ક્યારેક જામી જાય છે
મોસમો સાથે સમય બદલાય છે
હો મિલન તો દોટ મૂકી, જાય છે
ને વિરહમાં હર પળે રોકાય છે
પૃથ્વીની મોસમો બદલાય છે, પણ ચંદ્રની મોસમો વિશે પણ વૈજ્ઞાનિકો સંશોધન કરતા રહે છે. ચંદ્રયાન-1 અવકાશનયાને મોકલેલી માહિતીને આધારે ચંદ્ર પર બરફ હોવાની વાતને નાસાએ સમર્થન આપ્યું હતું. દક્ષિણ જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી એ હિસ્સામાં બરફ જામેલો જોવા મળ્યો છે. આ હિસ્સામાં તાપમાન માઇનસ ૧૫૬ ડિગ્રી હોય છે. ભારતી ગડાની પંક્તિ પ્રમાણે આ બરફ ટસનો મસ થવા તૈયાર નથી.
હૃદયમાં રહી ચોટ તારા શબદની
નહીં ઘાવ રૂઝે, હવે તો મલમથી
હું થીજી ગયેલો બરફ છું, સદીથી
નહીં પીગળું કોઈની પણ રહમથી

ક્યા બાત હૈ
ધવલ આભ, ધવલ હવા, ધવલ ધવલ બની ધરતી
હિમવર્ષાના ઘૂંઘટમાં નિશારાણી પળપળ ખરતી

વેરાયો છે ચંદ્ર ધરા પર આજે લાખો કટકે
કે ચાંદી સમય યાદો તારી, મારે આંગણ ભટકે?

વૃક્ષો આજે વૃદ્ધ થયાં, ડાળો થઈ ગઈ ધોળી
કે નજરોના આસવમાં કોઈ ગયું ચાંદની ઘોળી

આજ હિમાલય પીગળીને બનતો દૂધિયો સાગર
કે ગોકુળમાં છલકાતી ગોપીની ગોરી ગાગર?

સ્તનપાન કરી હસતા બાળકના હોઠે દૂધની ઝાંઈ
કે પ્રિયે તારા સ્મિત કેરી ત્યાં હરખાતી પરછાઈ

કૃષ્ણ આભેથી ઊતરી રાધારાણી રાસ રમે
અહોભાગ્ય! અલૌકિક દૃશ્ય, કહો હવે શું ગમે?
- નીલેશ રાણા (કાવ્યસંગ્રહ- ધુમ્મસની ધાર)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK