પહેલાં વિરાર અને મુંબઈ વચ્ચે માત્ર દસ સ્ટેશન હતાં

Published: 3rd October, 2020 20:00 IST | Deepak Mehta | Mumbai

પહેલી લોકલ ટ્રેનમાં પણ ફક્ત બાનુઓ માટે અલગ ડબ્બો હતો, જ્યારે ટ્રેનને ખેંચવા માટે એન્જિનને બદલે બળદો જોડાતા હતા

BBCI રેલવેની પહેલી લોકલ ટ્રેન
BBCI રેલવેની પહેલી લોકલ ટ્રેન

માનશો? વિરારથી ઊપડેલી ટ્રેનને ચર્ચગેટ પહોંચતાં આજે જેટલો વખત લાગે છે એના કરતાં ૧૮૬૭માં ઓછો વખત લાગતો હતો. એમ કેમ? એ માટે એ જમાનાની બૉમ્બે, બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે વિશે થોડી વિગતે વાત કરવી પડશે. એ રેલવે ટૂંકમાં BBCI રેલવે તરીકે ઓળખાતી. એ વરસ હતું ૧૮૫૨નું. લંડનમાં જૉન પિટ કેનેડી અને લેફ્ટનન્ટ-કર્નલ ફ્રેન્ચ પહેલી વાર એકબીજાને મળ્યા. એ વખતે ફ્રેન્ચ વડોદરાના ગાયકવાડના દરબારમાં ઍક્ટિંગ રેસિડન્ટ તરીકે કામ કરતા હતા. તેઓ વડોદરાથી ખંભાતના અખાત નજીકના ટંકારિયા સુધી રેલવે લાઇન નાખવા માગતા હતા અને એ માટે એક કંપની ઊભી કરવાના હતા, પણ આ રેલવે લાઇન માંડ ૪૫ માઇલ લાંબી થાય એમ હતું. કર્નલ કેનેડીએ તેમની સાથે હાથ મેળવ્યા. પણ પછી સમજાવ્યું કે આટલી નાની રેલવે લાઇનથી ખાસ ફાયદો થશે નહીં. એના કરતાં આપણે આ લાઇનને મુંબઈ સુધી લઈ જઈએ અને બીજી બાજુ દિલ્હી સુધી લઈ જઈએ. એ વખતે કલકત્તા-દિલ્હીની રેલવે લાઇનનું કામ ચાલુ હતું એટલે આ રીતે છેક કલકત્તા સુધી પહોંચી શકાય. દરખાસ્ત મોકલી ગવર્નર-જનરલ લૉર્ડ ડેલહાઉસીને. ૧૮૫૪ના નવેમ્બરની ત્રીજી તારીખે તેમણે મંજૂરી આપી. પણ એ મંજૂરી માત્ર

ભરૂચ-વડોદરા-અમદાવાદ લાઇન પૂરતી જ હતી! તેમણે કહ્યું કે બાકીની લાઇન વિશે આગળ ઉપર નિર્ણય લઈશું. અધૂરામાં પૂરું મુંબઈ ઇલાકાની સરકારે કહ્યું કે આ લાઇન નાખવાની શરૂઆત સુરતથી કરવી પડશે.

આ કામ માટે બ્રિટિશ પાર્લમેન્ટે ૧૮૫૫ના જુલાઈની બીજી તારીખે કાયદો પસાર કરીને આ રેલવે કંપનીની સ્થાપના કરી. એ કંપનીએ

સુરત-વડોદરા-અમદાવાદ વચ્ચે રેલવે લાઇન નાખવા બાબતે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે કરાર કર્યા. એના પહેલા તબક્કા રૂપે અંકલેશ્વરથી ઉતરાણ સુધીની પહેલી લાઇન પર ૧૮૬૦માં ટ્રેન વ્યવહાર શરૂ થયો.૧૮૬૨માં ડભોઈ અને મિયાંગામ વચ્ચે નૅરોગેજ ટ્રેન શરૂ થઈ. આખા એશિયા ખંડની આ પહેલવહેલી નૅરોગેજ ટ્રેન. આ ટ્રેન વડોદરાના દેશી રાજ્યની હદમાં હતી. આ લાઇન પર વાપરવા માટે ખાસ નાનું એન્જિન બનાવાયું હતું પણ પાટા નબળા હોવાથી એ એના પર ચલાવી શકાય એમ નહોતું. એટલે ટ્રેનને ખેંચવા માટે બળદનો ઉપયોગ થતો! ૧૮૭૩માં આ પાટા કાઢીને નવા, વધુ મજબૂત પાટા નખાયા પછી એન્જિનનો ઉપયોગ શક્ય બન્યો. પણ ૧૮૮૦ સુધી ઘણી વાર એન્જિનને બદલે બળદ જોડવામાં આવતા. ૧૮૬૨માં આ રેલવેએ આખી દુનિયામાં પહેલી વાર ડબલડેકર ડબ્બાનો ઉપયોગ કર્યો હતો. ૧૮૯૬માં આ રેલવેની લાઇન દિલ્હી સુધી પહોંચી હતી. કર્નલ ફ્રેન્ચ ૩૨ વરસ સુધી BBCI રેલવે કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સના અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ સ્ટેશન વચ્ચે ૧૮૬૬માં બાંધવામાં આવેલા પુલ સાથે તેમનું નામ જોડવામાં આવેલું. તો એનાથી થોડે દૂર બંધાયેલા બીજા પુલ સાથે કેનેડીનું નામ જોડાયું હતું. એ જમાનામાં નવા રસ્તા, સ્ટેશન વગેરે સાથે મોટે ભાગે કોઈ ને કોઈ ગવર્નરનું નામ જોડાતું. રેલવેના બે અધિકારીઓનાં નામ આ રીતે બે પુલ સાથે જોડાયાં એ અપવાદરૂપ ગણાય. જીઆઇપી રેલવે સામે ડુંગરાળ પ્રદેશમાં લાઇન નાખવાનું અઘરું કામ હતું એવું આ કંપની સામે નહોતું. પણ એના રસ્તામાં અનેક નાની-મોટી નદીઓ આવતી હતી અને એના પર પુલ બાંધવાના હતા. એમાં પણ નર્મદા અને તાપી જેવી પહોળો પટ ધરાવતી નદીઓ પર પુલ બાંધવા એ ખાવાના ખેલ નહોતા. છતાં ૧૮૫૫માં વડોદરા અને સુરત વચ્ચે પાટા નાખવાનું કામ શરૂ થયું. ૧૮૬૫ સુધીમાં

મુંબઈ-સુરત-વડોદરા વચ્ચે લાઇન નખાઈ ગઈ. એ વખતે મુંબઈમાં બૉમ્બે બેકબે સ્ટેશન સુધી લાઇન નખાઈ હતી. આજના ચર્ચગેટ અને મરીન લાઇન્સની વચમાં બેકબે સ્ટેશન આવેલું હતું. એ વખતે મરીન લાઇન્સ કે ચર્ચગેટનાં સ્ટેશન નહોતાં.

પછી આવ્યો ૧૮૬૭ના એપ્રિલ મહિનાની ૧૨મી તારીખનો રવિવાર. એ દિવસે BBCI રેલવેએ વિરાર અને બેકબે વચ્ચે પહેલવહેલી લોકલ ટ્રેન દોડાવી. આખા દિવસમાં તેણે માત્ર બે જ ટ્રિપ કરી – એક વિરારથી બેકબે અને બીજી બેકબેથી વિરાર. એમાં ફક્ત ચાર ડબ્બા અને એક સ્ટીમ એન્જિન જોડેલાં હતાં. ત્રણ વર્ગ હતા – ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. પહેલા દિવસથી જ સેકન્ડના ડબ્બામાં ‘ફક્ત બાનુઓ માટે’ અલગ ભાગ રાખવામાં આવેલો. એવી જ રીતે બીડી-સિગારેટ પીનારાઓ માટે પણ અલગ ભાગ હતો! સેકન્ડ ક્લાસનું ભાડું હતું એક માઇલની સાત પાઈ, થર્ડ ક્લાસમાં ત્રણ પાઈ (એ વખતે ૧૨ પાઈનો એક આનો અને ૧૬ આનાનો એક રૂપિયો એવું ચલણ હતું). ૧૮૬૯ના જૂનની દસમી તારીખથી ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસના મુસાફરો માટે માસિક પાસની શરૂઆત થઈ. એ વખતે વિરાર અને બેકબે વચ્ચે માત્ર દસ સ્ટેશન હતાં : નીલા (આજનું નાલાસોપારા), વસઈ, બેરેવલા (બોરીવલી), પહાડી (ગોરેગામ), અન્દારુ (અંધેરી), સાંતાક્રુઝ, બાંદોરા (બાંદરા), માહિમ, દાદુરે (દાદર) અને ગ્રાન્ટ રોડ. આજે ૨૭ સ્ટેશન છે. એટલે એ જમાનામાં ઓછાં સ્ટેશન, ઓછો સમય રોકાવાનો એટલે લોકલ ટ્રેન આજ કરતાં વધુ ઝડપથી વિરારથી બેકબેનું અંતર કાપતી.

આ દસ સ્ટેશન વિશે એક-બે વાત ધ્યાન ખેંચે એવી છે. પહેલું તો એ કે એ જમાનામાં પણ આ સ્ટેશનોની નજીક પ્રમાણમાં ઠીક-ઠીક વસ્તી હોવી જોઈએ નહીંતર ઉજ્જડ જગ્યામાં કોઈ વેપારી કંપની સ્ટેશન બાંધે નહીં. બીજું, વખત જતાં આ દસમાંથી બોરીવલી, અંધેરી, બાંદરા અને દાદર આજની ભાષામાં ‘હબ’ અથવા મુખ્ય સ્ટેશનો બન્યાં. તો બીજી બાજુ એ વખતે જે ટર્મિનસ હતું એ ગ્રાન્ટ રોડનું મહત્ત્વ વખત જતાં ઘટતું ગયું. ૧૮૭૦માં ચર્ચગેટ સ્ટેશન બંધાઈ રહ્યું ત્યારે લોકલ ટ્રેન ત્યાં સુધી લંબાવાઈ. ૧૮૭૩માં કોલાબા સ્ટેશનનું બાંધકામ પૂરું થતાં લોકલ તેમ જ બહારગામની ટ્રેનો કોલાબા સુધી લંબાવાઈ. ૧૯૩૦માં કોલાબા ટર્મિનસ સ્ટેશન બંધ થતાં લોકલ ટ્રેન ચર્ચગેટ સુધી જ દોડતી થઈ.

૧૯૩૦માં નવું બૉમ્બે સેન્ટ્રલ (આજનું મુંબઈ સેન્ટ્રલ) સ્ટેશન શરૂ થતાં બહારગામની ટ્રેનો માટેનું એ ટર્મિનસ બન્યું. એ બંધાયું ત્યારે એના નામ બાબતે વિવાદ થયો હતો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ લખ્યું કે આ સ્ટેશનનું નામ ‘કામાઠીપુરા’ હોવું જોઈએ, કારણ કે ઘણાં સ્ટેશનોનાં નામ એની આસપાસના વિસ્તાર પરથી પડ્યાં છે. પણ આ વાતનો ઉગ્ર વિરોધ થયો, કારણ કે કામાઠીપુરા એ વખતે પણ બદનામ વિસ્તાર હતો. બૉમ્બે સેન્ટ્રલમાંથી મુંબઈ સેન્ટ્રલ બન્યા પછી આજે હવે એની સાથે જગન્નાથ શંકરશેટનું નામ જોડવાની માગણી થઈ છે. બીજાં નામો પણ સૂચવાયાં છે.

પણ આપણે પાછા ગ્રાન્ટ રોડ સ્ટેશન જઈએ. બૉમ્બે સિટી ગૅઝેટિયર કહે છે કે સર રૉબર્ટ ગ્રાન્ટ મુંબઈના ગવર્નર હતા એ દરમ્યાન ૧૮૪૦ના અરસામાં ગ્રાન્ટ રોડ બંધાયો હતો. એ વખતે એની આસપાસની ઘણીખરી જગ્યા વેરાન હતી (ભાગ ૧, પાનું ૪૦). પણ આ શક્ય જ નથી, કારણ કે રૉબર્ટ ગ્રાન્ટ ૧૮૩૫ના માર્ચની ૧૭મીથી ૧૮૩૮ના જુલાઈની ૯મી સુધી જ મુંબઈના ગવર્નર હતા. ૧૮૪૦માં તો જેમ્સ રિવેટ કર્ણાક ગવર્નર હતા. ગવર્નર રૉબર્ટ ગ્રાન્ટનો જન્મ હિન્દુસ્તાનમાં ૧૭૭૯માં થયો હતો અને ૧૮૩૬ના જુલાઈની ૯મી તારીખે અવસાન પણ હિન્દુસ્તાનમાં. તેમના પિતા ચાર્લ્સ ગ્રાન્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક ડિરેક્ટર હતા. રૉબર્ટના નાના ભાઈ ચાર્લ્સ ગ્રાન્ટ પછીથી લૉર્ડ ગ્લેનેલ્ગ થયા હતા. ૧૭૯૦માં બન્ને ભાઈઓ પિતાની સાથે સ્વદેશ ગયા. બન્નેએ વકીલાતનો અભ્યાસ કર્યો અને એક જ દિવસે, ૧૮૦૭ના જાન્યુઆરીની ૩૦મી તારીખે બન્નેએ વકીલાત શરૂ કરી. રૉબર્ટ ગ્રાન્ટ ૧૮૧૮ અને ૧૮૨૬માં ગ્રેટ બ્રિટનની પાર્લમેન્ટમાં ચૂંટાઈ આવ્યા હતા. ૧૮૩૨માં તેઓ ‘જજ ઍડ્વોકેટ જનરલ’ બન્યા. ૧૯૩૪માં તેમની નિમણૂક મુંબઈના ગવર્નર તરીકે થઈ. ગવર્નર તરીકે તેઓ નિયમો અને પરંપરાઓને ઝાઝું ગાંઠતા નહીં અને પોતાને જે યોગ્ય લાગે એ કરીને જ જંપતા. એડનનો કબજો લેવાનો નિર્ણય તેમણે લીધો હતો. જોકે એનો અમલ તેમના અવસાન પછી થયો. પુણે નજીક દાપોડી ખાતે ૧૮૩૮ના જુલાઈની ૯મી તારીખે અવસાન થયું.

રૉબર્ટ ગ્રાન્ટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઇતિહાસનું પુસ્તક લખ્યું છે. આ ઉપરાંત તેમણે મોટી સંખ્યામાં પ્રાર્થના ગીતો (હિમ્સ) લખ્યાં હતાં. તેમના અવસાન પછી એનું પુસ્તક તેમના નાના ભાઈએ પ્રગટ કર્યું હતું. આમાંનાં કેટલાંક પ્રાર્થના ગીતો લાંબા વખત સુધી ગ્રેટ બ્રિટનનાં ચર્ચોમાં ગવાતાં હતાં. એશિયાની પહેલવહેલી મેડિકલ કૉલેજ ૧૮૪૫માં મુંબઈમાં શરૂ થઈ ત્યારે એનું નામ ગ્રાન્ટ મેડિકલ કૉલેજ રાખવામાં આવ્યું. એક વાતની જરા નવાઈ લાગે છે: રૉબર્ટ ગ્રાન્ટનું અવસાન ૧૮૩૮માં થયું, પણ એક રસ્તા સાથે તેમનું નામ ઘણું મોડું જોડવામાં આવ્યું અને મેડિકલ કૉલેજ સાથે ૧૮૪૫માં જોડવામાં આવ્યું. સાધારણ રીતે ગવર્નરની મુદત પૂરી થયા પછી કે તેમના અવસાન પછી બને એટલું જલદી આમ થતું હોય છે.

એ વખતના ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે ગ્રાન્ટ રોડ (રસ્તો) ૧૮૩૯ના ઑક્ટોબરની પહેલી તારીખે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વેરાન ભૂમિમાં ઠીક-ઠીક ઊંચાઈએ એ બંધાયો હતો એટલે એની બન્ને બાજુ પાળ બાંધવાની માગણી કેટલાક લોકોએ કરી હતી! એક બાજુથી એમ કહેવાય છે કે ગ્રાન્ટ રોડ સ્ટેશન ૧૮૫૯માં બંધાયું હતું, પણ બીજી બાજુ વેસ્ટર્ન રેલવે (અગાઉની BBCI રેલવે)ના ઇતિહાસમાં જણાવ્યું છે કે ૧૮૬૪માં પહેલી વાર ગ્રાન્ટ રોડ અને વલસાડ વચ્ચે ટ્રેન દોડી હતી. તો શું બંધાયા પછી ગ્રાન્ટ રોડ સ્ટેશન પાંચ વરસ સુધી વપરાયું જ નહોતું? ૧૮૭૩માં બહારગામની અને લોકલ ટ્રેનો માટેનું ટર્મિનસ કોલાબા ખાતે ખસેડાયું. ૧૮૯૯માં ચર્ચગેટ સ્ટેશન નજીક આવેલું વડી કચેરીનું મકાન બંધાઈને તૈયાર થયું, પણ છેક ૧૯૨૮ સુધી લોકલ ટ્રેનો માટે પણ સ્ટીમ એન્જિન જ વપરાતાં હતાં. એ વરસના જાન્યુઆરીની પાંચમી તારીખે પહેલી વાર બોરીવલી અને ચર્ચગેટ વચ્ચે ઈએમયુ (ઇલેક્ટ્રિક) ટ્રેન દોડાવવામાં આવી હતી. દેશને આઝાદી મળ્યા પછી ૧૯૫૧માં બીજી કેટલીક રેલવે કંપનીઓ સહિત BBCI રેલવે પણ ભારત સરકારે લઈ લીધી હતી. પછીથી હવે એ વેસ્ટર્ન રેલવે બની છે.

આજે હવે ટ્રેન અને ટ્રેનનો પ્રવાસ મુંબઈગરાના રોજિંદા જીવનનો ભાગ બની ગયાં છે. મુંબઈગરાને છેલ્લા છએક મહિનાથી સૌથી વધુ ખોટ જો કોઈની સાલતી હોય તો એ મુંબઈની જીવાદોરી સમી લોકલ ટ્રેનની. એ પહેલાંની જેમ ચાલતી નહીં થાય ત્યાં સુધી મુંબઈનું જીવન થાળે પડવાનું નથી. પણ ૧૯મી સદીમાં જ્યારે પહેલી વાર આપણે ત્યાં ટ્રેન આવી ત્યારે એને ભ્રષ્ટ, ડાકણ કહીને વિરોધ કરનારા રૂઢિવાદીઓ પણ હતા. તેમને જવાબ આપતાં કવીશ્વર દલપતરામે લખ્યું હતું:

સજો રે સુધારો, તજો વાત આડી,

સુધારાથી થઈ આ જુઓ આગગાડી,

જૂનો રાહ મુંબઈ જતાં જે ન છોડે,

કહો તે કદિ જઈ શકે કષ્ટ થોડે?

નિરઉપયોગી ન ધારો,

દાવાનળ સમ ધૂણી ભલે દેખો,

છે જ સુધારો સારો,

પાવક રથને સમીપ જઈ પેખો

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK