પહેલાં અજાણ્યો ડર હતો, હવે લાગે છે અનહદ થાક

Published: 24th November, 2020 16:05 IST | Bhakti Desai | Mumbai

છેલ્લા આઠ મહિનાથી મહામારી પર કોઈ નિયંત્રણ નથી આવ્યું એને કારણે સૌથી વધારે તનાવ વિશ્વભરના ડૉક્ટર, નર્સ, વૉર્ડબૉય, આયા આવા તમામ મેડિકલ વર્કર્સ પર આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લગાતાર આઠ મહિનાથી કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઇન વૉરિયર તરીકે કામ કરતા ડૉક્ટરો, નર્સો, વૉર્ડબૉયમાં હવે જબરદસ્ત થાક અને સ્ટ્રેસનાં લક્ષણો દેખાઈ રહ્યાં છે. અમેરિકા અને બ્રિટનની હૉસ્પિટલમાં હેલ્થ વર્કરોને સાઇકોલૉજિકલ કાઉન્સેલિંગની જરૂર પડી રહી છે. ભારતમાં પણ કંઈ એનાથી જુદી પરિસ્થિતિ નથી. સતત મહામારીનો ભય, અનિશ્ચિતતાભર્યો માહોલ, પોતાના જ પરિવારથી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાને કારણે ઇમોશનલ ખાલીપાને કારણે હેલ્થ વર્કરોમાં અજીબ પ્રકારના સ્ટ્રેસ અને થાક વર્તાઈ રહ્યા છે એવું મુંબઈના હેલ્થ વર્કરોમાં પણ જોવા મળી રહ્યું છે

દિવાળીમાં મુંબઈમાં ભીડ જોઈને એવું લાગ્યું જાણે કોવિડ-19ની બીમારી જતી રહી હોય. છેલ્લા આઠ મહિનાથી મહામારી પર કોઈ નિયંત્રણ નથી આવ્યું એને કારણે સૌથી વધારે તનાવ વિશ્વભરના ડૉક્ટર, નર્સ, વૉર્ડબૉય, આયા આવા તમામ મેડિકલ વર્કર્સ પર આવ્યો છે. શરૂઆતમાં સમયમાં તો ડૉક્ટરો અને મેડિકલ વર્કરોને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ આપીને તેમની સેવા માટે નવાજવામાં પણ આવ્યા. જોકે આ ફેઝ એટલો લાંબો ચાલ્યો છે કે હવે આમ જનતાની જ નહીં, મેડિકલ વર્કરોની પણ ધીરજ ખૂટી ગઈ છે. ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડએ કરેલા એક અભ્યાસ મુજબ કોવિડ-19ના દરદીઓના ઇલાજમાં જોડાયેલાં આ ડૉક્ટર્સ, વૉર્ડબૉય, નર્સ, સ્વીપર આવા તમામ મેડિકલ વર્કર્સ માર્ચ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં સતત તનાવમાંથી પસાર થયા છે અને એને કારણે તેમને સાઇકોલૉજિકલ કાઉન્સેલિંગની જરૂર પડી રહી છે. ઘણા દેશોમાં હેલ્થ વર્કરોને
ઍન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ પણ આપવી પડી રહી છે. આવામાં જાણીએ મુંબઈના મેડિકલ વર્કર્સની હાલની માનસિક સ્થિતિ શું છે, આ આઠ મહિના કોવિડ દરદીઓ સાથે કામ કરીને તેઓ તેઓ શું મહેસૂસ કરી રહ્યા છે.


હજી આનો કોઈ અંત દેખાઈ નથી રહ્યો અને એનો જ થાક લાગી રહ્યો છે: ડૉ સુરુચિ દેસાઈ

Doctor
નાણાવટી હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સુરુચિ દેસાઈએ આ સમયમાં પોતાના જીવને જોખમમાં મૂકીને કોવિડ પૉઝિટિવ ગર્ભવતી દરદીઓની ડિલિવરી કરાવી છે. તેઓ કહે છે, ‘કોવિડની શરૂઆત થઈ ત્યારે એક અજાણ્યો ડર હતો અને હવે હજી આનો કોઈ અંત દેખાઈ નથી રહ્યો તેથી માનસિક રીતે થાક લાગી ગયો છે. પહેલાં ફક્ત ડર હતો અને હવે અનહદ થાક અનુભવાઈ રહ્યો છે. છેલ્લા આઠ મહિનાથી અમે કોવિડ દરદીઓની સાથે જ અમારું નિયમિત કામ પણ કરી રહ્યા છીએ. મેં અને મારી આખી ટીમે છેલ્લા છ-સાત મહિનામાં માનસિક રીતે તનાવ અને પીડા ભોગવી છે. એકાદ મહિનાથી દરદીઓની સંખ્યા ઓછી રહી છે છતાં દિવાળી પછી કોવિડના કેસમાં વધારો દેખાઈ રહ્યો છે અને બીજી બાજુ વિદેશમાં જે લૉકડાઉનની સ્થિતિ સર્જાઈ છે એને જોઈને પણ હાલમાં મારી ચિંતા ખૂબ જ વધી ગઈ છે, કારણ કે મને કોવિડના સ્ટ્રેસ કરતાં વધારે ઘરના કામની ચિંતા છે. મારા મતે એક વાત સરકારે પણ સમજવી જોઈએ કે ફક્ત લૉકડાઉનથી આ રોગને નિયંત્રણમાં નહીં લાવી શકાય. કોવિડના કેસને ઓછા કરવા લોકોને કોરોના વાઇરસથી બચવા માટેનાં યોગ્ય પગલાં લેવા પ્રત્યે સતત શિક્ષણ આપતાં રહેવું જરૂરી છે. છેલ્લે એક જ વાત કહીશ કે લોકો સતર્ક રહેશે તો જ ડૉક્ટરનો તનાવ ઓછો થશે.’
પહેલાં અમે અમારું કામ માણી શકતા હતા, કારણ કે આવું સ્ટ્રેસ નહોતું; પણ હવે તો બધા જ તનાવ અને ચિંતામાં કામ કરી રહ્યા છે

કોરોનાને કારણે દરદીઓને જીવ ગુમાવતા જોવાનું સહેલું નથી હોતુંઃ રાજેશ સોલંકી

Doctor
સીએસટીની સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં રાજુમામા તરીકે જાણીતા ૨૫ વર્ષોથી વૉર્ડબૉય તરીકે કામ કરનાર રાજેશ સોલંકી કહે છે, ‘કોવિડની પરિસ્થિતિ અને પલક ઝપકારતાં દરદીઓની સંખ્યામાં દરરોજ થતો વધારો આ બધું અમે આશરે સાત મહિનાઓ સુધી જોયું છે. હમણાં છેલ્લા મહિનાથી કેસ ઓછા થયા છે તેથી પહેલાં કરતાં થોડી રાહત અનુભવાઈ રહી છે, પણ મનમાં અમે જે જોયું છે એને કારણે એક ચિંતા એ પણ છે કે જો હવે પહેલાં જેવી પરિસ્થિતિ નિર્માણ થશે તો શું થશે? અમારી હૉસ્પિટલ કોવિડ સેન્ટર છે તેથી જ્યારે કોવિડના કેસ વધવા લાગે છે ત્યારે સ્ટાફ ઓછો પડે છે અને દરદીઓ વધી જાય છે. હવે દિલ્હી, અમદાવાદ, વિદેશોમાં કોવિડના કેસ વધી રહ્યા છે ત્યારે લૉકડાઉનના સમાચાર સાંભળીને મને મુંબઈની પરિસ્થિતિ માટે ચિંતા થઈ રહી છે. કોઈ પણ રોગમાં લોકોને પીડાતા તથા રોગચાળાને કારણે દરદીઓને જીવ ગુમાવતા જોવા એ સહેલું નથી હોતું, કારણ કે હું વૉર્ડબૉય જરૂર છું પણ છેલ્લે તો એક મનુષ્ય જ છું. મેં આટલાં વર્ષોમાં મારા વૉર્ડબૉય તરીકેના કાર્યકાળમાં શારીરિક થાકનો અનુભવ કર્યો છે, પણ આટલો માનસિક થાક અને સ્ટ્રેસ કોવિડના આવ્યા પછી જ અનુભવ્યા છે.’

જાતે કોરોનાનો સામનો કરી લીધો, પણ તનાવ-ચિંતા ઘટતાં જ નથી : રવીના બારાત

Doctor
વાપીમાં રહેનાર નાણાવટી હૉસ્પિટલનાં કોવિડ વિભાગના આઇ. સી. યુમાં કામ કરતાં રવીના બારાતે પોતાના ગભરાટને બાજુએ મૂકી એક નર્સ તરીકે કોવિડના દરદીઓની સેવા કરી. તેઓ કહે છે, ‘મને શરૂઆતમાં કોવિડ થશે એવી બીક હતી અને કોવિડ વિભાગમાં કામ કરતી વખતે હું કોવિડ પૉઝિટિવ થઈ ગઈ. અલબત્ત, હવે મને એવો ડર નથી અને હું ક્યારે પણ કોવિડના દરદીઓ સાથે કામ કરવા તૈયાર છું, પણ મને એક જ ગભરાટ થાય છે કે કેસ વધવા ન જોઈએ. એક નર્સ તરીકે દરદીઓની સેવા હું દિલથી કરું છું અને આગળ પણ કરીશ છતાં એક વાત ચોક્કસ છે કે પહેલાં અમે અમારું કામ માણી શકતા હતા, કારણ કે આવું સ્ટ્રેસ નહોતું; પણ હવે તો બધા જ તનાવ અને ચિંતામાં કામ કરી રહ્યા છે.’


હવે થાય છે કે ક્યારે આમાંથી છુટકારો મળશે? : વિનોદ રાઠોડ

Doctor
જસલોક હૉસ્પિટલમાં સ્વીપર તરીકે કામ કરનાર વિનોદ રાઠોડ કહે છે, ‘છેલ્લા આઠ મહિનાથી સતત હું કોવિડ વૉર્ડમાં દરદીઓની નજીક રહીને કામ કરું છું. મારા શરીર પર પીપીઈ કિટ પહેરીને રૅશિસ આવી ગયા છે અને નાક પર પણ માસ્કને કારણે ડાઘ પડી ગયા છે. સાથે જ જ્યારે નાક પર લગાડેલી ટેપ કાઢું છું તો ત્વચા પણ ખેંચાય છે. એક સ્વીપર તરીકે મારે એવાં કામો કરવાનાં હોય છે જેમાં કોરોનાનું સંક્રમણ ન થાય એનું ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. કામનું ભારણ ખૂબ વધ્યું છે એનો વાંધો નથી, પણ પ્રોટેક્શન સાથે કામ કરવાનું હોય છે એમાં અગવડ પડે છે. મોટી સમસ્યા અને ત્રાસ આ કિટનો થાય છે. શરીર પરના ઘાવ તો ઠીક, પણ હવે માનસિક રીતે થાકી ગયા છીએ. હવે એમ થાય છે કે જલદી જ આ બધામાંથી છુટકારો મળે અને અમે શાંતિથી પહેલાંની જેમ કામ કરી શકીએ.’

હવે ડૉક્ટર કરતાં પણ વધારે એક ગૃહિણી તરીકે મને ચિંતા થાય છે : ડૉ દેવાંગી પરીખ

Doctor

સાયન હૉસ્પિટલના ઍનેસ્થેશિયા વિભાગનાં અસોસિયેટ પ્રોફેસર ડૉ. દેવાંગી પરીખ કહે છે, ‘ઑક્ટોબર ૧૫ પછીથી મારું સ્ટ્રેસ લેવલ ખૂબ જ નિયંત્રણમાં છે, જેનાં બે કારણો છે; છેલ્લા અમુક મહિનાઓથી સુદર્શન ક્રિયા કરું છું અને કોવિડ દરદીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સેવન હિલ્સ હૉસ્પિટલમાં કોવિડના આઇસીયુ વિભાગમાં કામ કરી મેં સાત મહિના ખૂબ સ્ટ્રેસ ભોગવ્યું હતું, પણ હવે સાયન હૉસ્પિટલમાં જ કામ કરવાનું છે. ઘરના કામમાં પણ રાહત મળી અને હવે કોવિડની ટેસ્ટ કરવી સહેલી થઈ ગઈ છે તેથી મને ખબર હોય છે કે જેને ઍનેસ્થેશિયા આપવાનું છે તે દરદી કોવિડ પૉઝિટિવ છે કે નેગેટિવ. હવે ફક્ત આગળની પરિસ્થિતિનો વિચાર કરું તો એક ડૉક્ટર કરતાં પણ વધારે એક ગૃહિણી તરીકે મને ચિંતા થાય છે, કારણ કે મારા ઘરમાં ૭૬થી ૮૨ વર્ષની ઉંમરના ચાર સભ્યો છે અને ઘરમાં પણ હું જ ફ્રન્ટલાઇન વર્કર છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK